જુલાઈ શરૂ થઈ ગયો છે અને ગુજરાતના અનેકવિસ્તારોમાં લોકોનો એકજ સવાલ છે ,વરસાદ ક્યારે પડશે? દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં થોડો વિલંબ થાય એટલે સોશિયલ મીડિયા, સમાચાર અને ગામડાંથી શહેર સુધી પાણીની ચિંતા વધી જાય છે. પરંતુ મૂળ પ્રશ્ન માત્ર વરસાદ ઓછો પડવાનો નથી; પ્રશ્ન એ છે કે આપણે હજુ સુધી પાણીનું આયોજન વરસાદ પર જ કેમ છોડી દીધું છે? આ વર્ષે સ્થિતિને સમજીએ તો હવામાન વિભાગના તાજેતરના અંદાજ મુજબ સમગ્ર દેશમાં જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. દેશ માટે જુલાઈનો લાંબા ગાળાનો સરેરાશ વરસાદ અંદાજે 280.4 મીમી માનવામાં આવે છે અને આ વર્ષે તેનાથી ઓછો વરસાદ રહેવાનો અંદાજ છે. જૂન મહિનામાં દેશવ્યાપી વરસાદમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને ચોમાસાની ગતિ પણ ધીમી રહી હતી.
ગુજરાત વિશે સામાન્ય માન્યતા એવી છે કે રાજ્યમાં વરસાદ ઓછો પડે છે. હકીકતમાં આખા રાજ્યનો લાંબા ગાળાનો સરેરાશ વાર્ષિકવરસાદ અંદાજે 80 થી 82 સેન્ટીમીટર (લગભગ 31-32 ઈંચ) જેટલો છે. પરંતુ આ વરસાદ સમાન રીતે પડતો નથી. દક્ષિણ ગુજરાતના કેટલાકવિસ્તારોમાં 60 ઈંચથી વધુ વરસાદ થાય છે, જ્યારે કચ્છ જેવા વિસ્તારોમાં સરેરાશ વરસાદ માત્ર અંદાજે 346 મીમી (લગભગ 14 ઈંચ) સુધી મર્યાદિત રહે છે. એટલે ગુજરાતનો મુખ્ય પ્રશ્ન માત્ર વરસાદનું પ્રમાણ નહીં પરંતુ તેનો અસમાન વિતરણ અને સંગ્રહ ક્ષમતા છે.
વરસાદની સરેરાશ કંઈકઆ પ્રમાણે છે : દક્ષિણ ગુજરાતઃ સરેરાશ 1,476 મિલીમીટર (સૌથી વધુ વરસાદી વિસ્તાર), મધ્ય-પૂર્વ ગુજરાતઃ સરેરાશ 806 મિલીમીટર
ઉત્તર ગુજરાતઃ સરેરાશ 720 મિલીમીટર, સૌરાષ્ટ્રઃ સરેરાશ 717 મિલીમીટર, કચ્છઃ સરેરાશ 456 મિલીમીટર (સૌથી ઓછો વરસાદી વિસ્તાર)
આ વિષમતાને કારણે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ હોય ત્યારે પણ ઉત્તર ગુજરાત કે કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારો પાણીની તંગીનો સામનો કરતા હોય છે. આ વાસ્તવિકતા હોવા છતાં, દર વર્ષે આપણી સજ્જતા ચોમાસાના આગમન પર જ નિર્ભર રહે છે, જે આપણી નબળી જળ સંગ્રહ ક્ષમતા દર્શાવે છે.
ગુજરાત માટે હજુ આખા સીઝનનું પરિણામ જાહેર કરવું વહેલું છે. ચોમાસું અસમાન હોય છે ,ક્યાંકઅતિ વરસાદ અને ક્યાંકઅછત. હવામાન વિભાગે રાજ્યના કેટલાકભાગોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા પણ દર્શાવી છે. એટલે માત્ર શરૂઆત મોડી થઈ એટલે આખું વર્ષ દુષ્કાળ જશે એવો અર્થ થતો નથી. પણ પ્રશ્ન એ છે કે વરસાદ થોડો મોડો પડે એટલે આપણે ગભરાઈ કેમ જઈએ?
હકીકત એ છે કે ગુજરાતમાં પડતું બધું પાણી આપણા ઉપયોગમાં આવતું નથી. વિવિધ જળસંપત્તિ અભ્યાસો અને સરકારી અંદાજો મુજબ રાજ્યમાં વરસાદથી મળતા કુલ પાણીમાંથી મોટો હિસ્સો નદીઓ મારફ્તે સીધો દરિયામાં વહી જાય છે. અંદાજે 1 લાખ કરોડ ઘનમીટરથી વધુ વરસાદી જળ ક્ષમતા સામે માત્ર મર્યાદિત ભાગ જ સંગ્રહ અથવા ભૂગર્ભ રિચાર્જમાં રૂપાંતરિત થઈ શકે છે, જ્યારે બાકીનું પાણી ઝડપથી દરિયામાં પહોંચી જાય છે. વરસાદના થોડા દિવસોમાં ભારે જળપ્રવાહ અને બાકીના મહિનાઓમાં પાણીની અછત આ જ ભારતનું પાણી પરાકોક્સ છે.
આપણો વિરોધાભાસ જુઓ વરસાદ પડે ત્યારે શહેરોમાં રસ્તા નદી બની જાય છે અને થોડા મહિના પછી એ જ વિસ્તારોમાં ટેન્કર ફરવા લાગે છે. તેનો અર્થ એ થયો કે સમસ્યા વરસાદની નથી; સમસ્યા પાણી પકડવાની છે.
ભારતમાં હજુ પાણી વ્યવસ્થાપન મોટાભાગે વરસાદ પડયો એટલે પાણી મળ્યું મોડેલ પર ચાલે છે. દેશમાં કુલ વરસાદનો મોટો હિસ્સો માત્ર ચાર મહિનામાં પડે છે અને એ જ પાણી આખું વર્ષ ચલાવવું પડે છે. જો વરસાદના દિવસો ઓછા અને તીવ્રતા વધુ થાય તો પાણી જમીનમાં ઉતરવાને બદલે સીધું વહી જાય છે.
ગુજરાતે છેલ્લા બે દાયકામાં મોટા ડેમ, કેનાલ અને પીવાના પાણીની યોજનાઓમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. પરંતુ માત્ર મોટા ડેમો પૂરતા નથી. પાણીનું ભવિષ્ય હવે સ્ટોરેજ + રિચાર્જ + રિયૂઝ મોડેલ પર નિર્ભર રહેશે.
પાણી સંચાલન માટે હવે શું બદલાવ જરૂરી છે?
સૌથી પહેલા, વરસાદી પાણીનો સ્થાનિકસંગ્રહ ફરજિયાત બનવો જોઈએ. શહેરોમાં હજારો કરોડ લીટર વરસાદનું પાણી સીધું ડ્રેનેજમાં જાય છે. દરેકનવી સોસાયટી, ઉદ્યોગ અને સરકારી ઇમારતમાં કાર્યરત રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હોવી જોઈએ.
બીજું, તળાવો અને પરંપરાગત જળાશયોના પુનર્જીવનને પ્રાથમિકતા આપવી પડશે. ગુજરાત સહિત ભારતમાં ઘણા ગામોમાં તળાવો કાગળ પર છે, જમીન પર નથી. પાણી સંગ્રહ માટે જૂની પ્રણાલીઓ આજે પણ અસરકારકબની શકે છે.
ત્રીજું, કૃષિમાં પાણીનો ઉપયોગ બદલવો પડશે. ભારતના પાણી વપરાશમાં સૌથી મોટો હિસ્સો ખેતીનો છે. ટપકસિંચાઈ, માઇક્રો
ઇરિગેશન અને ઓછું પાણી માંગતા પાકતરફ્ આગળ વધવું પડશે.
ચોથું, શહેરોમાં ગંદા પાણીનું શુદ્ધિકરણ અને પુનઃઉપયોગ વધારવો પડશે. પીવાનું પાણી બગીચા, ઔદ્યોગિકઉપયોગ કે રસ્તા ધોવામાં વપરાય એ લાંબા ગાળે શક્ય નથી.
વિશ્વના કેટલાકદેશોએ આ દિશામાં સફ્ળતા મેળવી છે. વરસાદ ઓછો હોવા છતાં પાણીનું આયોજન મજબૂત હોવાથી ત્યાં પાણીની તંગી ઓછી અનુભવાય છે. ભારત માટે પણ પ્રશ્ન પાણીની ઉપલબ્ધિ કરતાં વધારે Water Governanceનો છે.
આપણો મોટો વિરોધાભાસ એ છે કે વરસાદ આવે ત્યારે પાણી બચાવવાની ચર્ચા બંધ થઈ જાય છે અને ઉનાળો આવે ત્યારે ફરી શરૂ થાય છે. પાણીની નીતિ ઋતુ આધારિત નહીં, પરંતુ વર્ષભર ચાલતી પ્રક્રિયા બનવી પડશે.