અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઉદ્ભવ અને વિકાસમાં 19મી અને 20મી સદીનો પ્રારંભિક ગાળો અત્યંત મહત્વપૂર્ણ રહ્યો. પિૃમી શિક્ષણ અને સંસ્કૃતિના સંપર્કથી આ સમયગાળામાં કવિતા ઉપરાંત ગદ્યની વિવિધ શાખાઓ જેવી કે પ્રવાસવર્ણન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર્ર, અર્થશાસ્ત્ર્ર, વ્યાકરણ અને વિજ્ઞાન વિષયક સાહિત્યનો પાયો નંખાયો. જોકે, પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો અને કથા-સાહિત્યમાં પણ પ્રવાસના લાભો તથા દીર્ઘ યાત્રાઓના આલેખનો મળે છે, પરંતુ એક સ્વતંત્ર સાહિત્ય સ્વરૂપ તરીકે પ્રવાસવર્ણનનો પ્રારંભ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જ થયો છે. 19મી સદીના મુખ્ય પ્રવાસ-ગ્રંથોમાં મહીપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા 1864માં રચિત 'ઈંગ્લેન્ડની મુસાફ્રી'નું વર્ણન ગુજરાતી ભાષાનું પ્રથમ નોંધપાત્ર પ્રવાસ પુસ્તક છે. બ્રિટનની શિક્ષણ વ્યવસ્થાના અભ્યાસ અર્થે કરેલી મુસાફ્રી પર આધારિત આ ગ્રંથમાં ત્યાંના જોવાલાયક સ્થળો, સમાજ જીવન, ગૃહજીવન તથા શૈક્ષણિક અને રાજકીય સ્થિતિનું વિગતવાર આલેખન છે. સુધારક કરસનદાસ મૂળજીએ 1866માં રચાયેલો 'ઈંગ્લેંડમાં પ્રવાસ' સાડા ચારસો પાનાનો દળદાર અને સચિત્ર ગ્રંથ સાહિત્યિક દ્રષ્ટિએ અત્યંત સ્મરણીય છે. પ્રકાશન પહેલાં જ તેના અસંખ્ય ગ્રાહકો નોંધાઈ ગયા હતા. તેમાં વિલાયત પ્રવાસના અનુભવો અને ત્યાંના જીવનનું સરળ ભાષામાં વર્ણન છે, જેનો મરાઠીમાં અનુવાદ પણ થયો હતો. તે જ રીતે, ચીન દેશના અજાણ્યા પ્રદેશો, વિશિષ્ટ વિષયવસ્તુ અને ત્યાંની સંસ્કૃતિના વર્ણનને કારણે દામોદર ઈશ્વરદાસ દ્વારા 1868 માં ક્રુત પુસ્તક 'ચીનની મુસાફ્રી' વાચકો માટે ખૂબજ રસપ્રદ બન્યું હતું.
ધોરાજીના મેમણ વેપારી હાજી સુલેમાન શાહ મુહમ્મદ લોધિયા દ્વારા રચાયેલો પૃથ્વીની પ્રદક્ષિણા - ભાગ 1 (1895) અને ભાગ 2 (1902) એક દુર્લભ અને સચિત્ર પ્રવાસ-ગ્રંથ છે. ભાગ 1 (1887-1895): આફરિકા, અરબસ્તાન, ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, યુએસએ, યુરોપ, રશિયા, ઈરાન અને સમગ્ર ભારતની વ્યાપક મુસાફ્રીનો વૃત્તાંત છે. ભાગ 2 - 'ઉત્તર ધ્રુવથી ઉત્તમાશા અંતરીપ' (1902-1903): નોર્વે, સાઇબેરિયા, તાશ્કંદ, બોસ્ફ્રસ, તુર્કસ્તાન, અમદાવાદ કોંગ્રેસ અધિવેશન અને ઝાંઝીબાર થઈ કેપટાઉન સુધીની સફરનું વિવરણ છે. તેમાં વિશ્વના વિવિધ દેશો તથા ઉત્તર ધ્રુવ સુધીના પ્રવાસના અનુભવો લેખકની તેજસ્વી અવલોકન શક્તિ સાથે રજૂ થયા છે. બંને ભાગોમાં પુષ્કળ ચિત્રો છે. આવું સરસ પ્રવાસ-પુસ્તક ગુજરાતી ભાષામાં વિરલ છે.
પારસી લેખક જહાંગીર બહેરામજી મઝબાને 'મુંબઈથી કશ્મીર' (1887), 'મોદીખાનાથી માર્સેલ્સ' (1906) અને 'અલ્લડ વિલાયત' (1915) જેવા હળવા અને રસપ્રદ ગ્રંથો આપ્યા. કવિ કલાપીએ 17 વર્ષની વયે લખેલું 'કાશ્મીરનો પ્રવાસ' (1912) પ્રકૃતિસૌંદર્ય, દેશભક્તિ અને સંવેદનાનો અદ્ભુત સમન્વય છે.
તે જ રીતે 19મી સદીમાં ગુજરાતી સાહિત્યમાં ઇતિહાસ-લેખનનો પ્રારંભ અને વિકાસ સંસ્કૃતિ, સમાજ અને વિદેશી શાસનની પૃષ્ઠભૂમિને સમજવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. આ સમયગાળા દરમિયાન રચાયેલા વિવિધ ગ્રંથોમાં સ્થાનિક સંસ્કૃતિથી લઈને વૈશ્વિક ઘટનાઓ સુધીની વિસ્તૃત વિગતો આવરી લેવામાં આવી હતી.
સ્થાનિક અને પ્રાદેશિક ઇતિહાસના ક્ષેત્રે મગનલાલ વખતચંદે 1851માં રચેલો 'અમદાવાદનો ઇતિહાસ' ગ્રંથ બ્રિટિશ અમલ પહેલાંના અમદાવાદના સામાજિક અને આર્થિક જીવનનું તાદ્રશ વર્ણન કરે છે. ત્યારબાદ 1868માં ભગવાનલાલ સંપતરામે 'સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ' આપીને મરાઠા ચડાઈઓ અને દેશી રાજ્યોના સમયગાળાની મહત્વની ઐતિહાસિક બાબતો રજૂ કરી હતી. કવિ નર્મદે પણ આ ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપતા 'સૂરતની મુખ્તેસર હકીકત' (1865) અને 'મેવાડની હકીકત' (1867) દ્વારા સ્થાનિક સંસ્કૃતિ તથા પ્રદેશોના ગૌરવશાળી ભૂતકાળને આલેખ્યો હતો. આ જ શ્રેણીમાં રહેમાનખાન પઠાણે 1883માં 'સૂરત માંડવીનું દેશી રાજ્ય' લખીને સ્થાનિક શાસનની વિગતો આપી, જ્યારે રણછોડભાઈ ઉદયરામે 1869માં એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સના પ્રખ્યાત ગ્રંથ 'રાસમાળા'નું ભાષાંતર કરીને ગુજરાતની રાજપૂત પરંપરાઓ અને લોક-ઇતિહાસને સંગ્રહિત કરવાનું મહત્વનું કામ કર્યું.
વિશ્વ ઇતિહાસ અને વૈશ્વિક ઘટનાઓથી ગુજરાતી વાચકોને પરિચિત કરાવવામાં પણ લેખકો સક્રિય રહ્યા. કવિ નર્મદે 1874માં 'રાજ્યરંગ' અને 'મહાદર્શન' નામના ગ્રંથો દ્વારા જગતના ઇતિહાસ અને વૈશ્વિક સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. આ સિવાય મોહનલાલ રણછોડદાસે 1839માં 'ઈંગ્લૅન્ડનો ઇતિહાસ' રચીને વિદેશી શાસનની પૃષ્ઠભૂમિ રજૂ કરી અને ચુનીલાલ મોદીએ 1883માં 'ફ્રેન્ચ રિવોલ્યુશન' દ્વારા ફ્રેન્ચ ક્રાંતિના વૈશ્વિક વિચારો તથા તેના પ્રભાવ વિશે વિસ્તૃત માહિતી આપી.
ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈએ 'બોમ્બે ગેઝેટિયર'ના આધારે 'ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ' (1898) અને 'ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ' (1868) આપ્યા.જમિયતરામ શાસ્ત્ર્રી, મહેબૂબમિયાં કાદરી, નનામિયાં રસુલમિયાં, અને કરીમઅલી નાનજીઆણી જેવા લેખકોએ જગત, ઇસ્લામ અને મરાઠી સત્તાના ઇતિહાસ પર અંગ્રેજી ગ્રંથો આધારિત પુસ્તકો લખ્યા. નવનીતરાય મહેતા અને અતિસુખશંકર ત્રિવેદીએ દક્ષિણ અને યુરોપના ઇતિહાસના અનુવાદો કર્યા.
આલેખનાત્મક અને વૈશ્વિક ઇતિહાસ ઉપરાંત આંકડાકીય અને સામાજિક અભ્યાસના ક્ષેત્રે એદલજી ખોરીનું પ્રદાન નોંધપાત્ર છે, જેમણે 1884માં 'દુષ્કાળ વિષે નિબંધ' રચીને તત્કાલીન સમયમાં પડેલા દુષ્કાળની ગંભીર પરિસ્થિતિ અને તેના આંકડાકીય તથ્યો રજૂ કરતો અત્યંત આધારભૂત અભ્યાસ રજૂ કર્યો હતો. આમ, 19મી સદીના આ તમામ ગ્રંથોએ માત્ર ભૂતકાળને સાચવવાનું કામ નથી કર્યું, પરંતુ ગુજરાતી ગદ્યસાહિત્ય અને સંશોધન પદ્ધતિને એક નવી દિશા આપીને સમૃદ્ધ પણ બનાવ્યું છે.
સમાજવિદ્યા અને સામાજિક અભ્યાસના ક્ષેત્રે ડૉ. ભાઉ દાજી લાડનું 'સ્ત્ર્રીબાળહત્યા' (1848) કુરિવાજો અને તેના નિવારણના ઉપાયો દર્શાવતો મહત્વનો ગ્રંથ છે. આ ઉપરાંત, ઉત્તમરામ પુરુષોત્તમનો 'કડવા નિબંધ' (1859) પાટીદાર જ્ઞાતિના સામાજિક પરિપ્રેક્ષ્યને રજૂ કરે છે, જ્યારે પ્રેમાનંદ પટેલનું 'નવસારી પ્રાંતની કાલી પરજ' (1901) દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજનો ગહન અભ્યાસ પૂરો પાડે છે.
અર્થશાસ્ત્ર્ર અને વ્યવસાયિક અભ્યાસના ક્ષેત્રમાં અંબાલાલ સાકરલાલ દેસાઈએ 1875માં 'રાજકીય અર્થશાસ્ત્ર્રના સિદ્ધાંતો' આપીને પાયાનું યોગદાન આપ્યું, જ્યારે ચિમનલાલ સેતલવાડે પણ આ વિષય પર અગત્યના ગ્રંથો રચ્યા. વ્યાપારિક અને વ્યવહારુ અર્થશાસ્ત્ર્રની દ્રષ્ટિએ દોરાબજી ચિનાઈનું 'ચીન અને ઇંગ્લેંડ ખાતેના વેપારનું ગણિત' (1860) અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
રાજ્ય-વ્યવસ્થા અને દેશની આર્થિક સ્થિતિ પર પ્રકાશ પાડવામાં બળવંતરામ મહેતા, જગજીવનદાસ કાપડિયા અને કેશવલાલ પરીખ જેવા લેખકોનું યોગદાન વિશેષ રહ્યું છે, જેમણે રાજ્ય-વ્યવસ્થા અને હિંદની ઉદ્યોગસ્થિતિ પર પ્રભાવશાળી પુસ્તકો આપ્યા. સાથોસાથ મનોવિજ્ઞાન અને ચેતનાના ક્ષેત્રે મણિલાલ નભુભાઈએ 'ચેતનશાસ્ત્ર્ર' અને નરસિંહરાવ દિવટિયાએ 'માનસશાસ્ત્ર્ર' દ્વારા પાયાનું વૈચારિક પ્રદાન કર્યું. આમ, આ સમયગાળામાં ગુજરાતી વિષયગત સાહિત્ય સમૃદ્ધ અને બહુભાષી બન્યું.
રાજ્યશાસ્ત્ર્રના ક્ષેત્રે, બળવંતરામ મહેતાએ 'હિન્દની રાજ્ય-વ્યવસ્થા અને લોકસ્થિતિ' (1889) તેમજ કેશવલાલ પરીખે 'હિન્દની ઉદ્યોગસ્થિતિ' (1907) દ્વારા દેશની આર્થિક અને સામાજિક સ્થિતિનું ઊંડું પૃથક્કરણ રજૂ કર્યું હતું.
આ સિવાય મનોવિજ્ઞાનના વિષયમાં, મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું 'ચેતનશાસ્ત્ર્ર' (1896) અને નરસિંહરાવ દિવટિયાનું 'માનસશાસ્ત્ર' (1914) ગુજરાતી સાહિત્યમાં મનોવિજ્ઞાન વિષયના પાયાના અને ગહન અભ્યાસપૂર્ણ ગ્રંથો બન્યા.
ગુજરાતી વ્યાકરણ અને ભાષાશાસ્ત્ર્રના વિકાસમાં 19મી સદીમાં નોંધપાત્ર કાર્ય થયું, જેમાં ગંગાધરશાસ્ત્ર્રી ફ્ડકેએ પ્રથમ વ્યાકરણ ગ્રંથ (1840) આપીને પાયો નાખ્યો. ત્યારબાદ કવિ નર્મદનું 'નર્મવ્યાકરણ' (1865) અને જે.વી.એસ. ટેલરનું 'ગુજરાતી ભાષાનું વ્યાકરણ' (1867) આ ક્ષેત્રે સીમાચિહનરૂપ સાબિત થયા. આ જ ગાળામાં વ્રજલાલ શાસ્ત્ર્રીના 'ગુજરાતી ભાષાનો ઇતિહાસ' (1866) અને 'ઉત્સર્ગમાળા' (1870) જેવા ગ્રંથોએ ગુજરાતી ભાષાના ઉત્ક્રાંતિના નિયમોને વૈજ્ઞાનિક ઢબે રજૂ કરવાનું મહત્વપૂર્ણ કામ કર્યું.
આજ સમયગાળા દરમિયાન ગુજરાતી ભાષામાં વિજ્ઞાન, આરોગ્ય, કૃષિ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પણ મૌલિક અને અનુવાદિત સાહિત્ય સમૃદ્ધ રીતે સર્જાયું. 'ભૂગોળ અને ખગોળ' (1839) જેવા પ્રારંભિક પાઠયપુસ્તકોથી લઈને ડૉ. નીલકંઠરાય છત્રપતિ, ડૉ. ત્રિભુવનદાસ શાહ અને જયકૃષ્ણ ઇન્દ્રજી જેવા નિષ્ણાતોના ગ્રંથોએ અગત્યનું પ્રદાન આપ્યું. આ સર્જનોએ શુષ્ક વિજ્ઞાનવિષયક જ્ઞાનને માતૃભાષામાં સશક્ત રીતે રજૂ કરી ગુજરાતી ગદ્યસાહિત્યને વધુ જ્ઞાનવર્ધક અને વૈવિધ્યસભર બનાવ્યું અને શુષ્ક ગણાતા વિષયોને માતૃભાષામાં સશક્ત રીતે અભિવ્યક્ત કરવાનો માર્ગ મોકળો કર્યો.
આપણાં રાજ્યને ઓળખો ભાગ 186; આ શ્રોણીના બધા લેખ જોવા માટે કૃપા કરીને જુઓઃ