આમ તો વસ્તી ગણતરી દર દસ વર્ષે .પરંતુ કેન્દ્ર સરકારે 2021માં વસ્તી ગણતરી કરવાને બદલે 2026માં ગણતરી શરૂ કરી છે. ઘર નોંધણીનો પ્રથમ તબક્કો પૂરો થવામાં છે અને હવે પછીનો લોકોની ગણનાનો તબકો 2027ના ફેબ્રુઆરીથી શરુ થશે. આમ આ વસ્તી ગણતરી-2027 કહેવાય. કોઈ પણ દેશની વસ્તી પર ત્રણ પરિબળો અસર કરેઃ (1) જન્મદર, (2) મૃત્યુદર અને (3) સ્થળાંતર, ભારતની વસ્તી સતત વધતી રહે તેનું કારણ વધુ જન્મદર, ઊંચો મૃત્યુદર અને આસપાસના દેશોમાંથી સ્થળાંતર રહ્યા છે. આપણે સ્વતંત્ર થયા ત્યારે ભારતની વસ્તી 36 કરોડ હતી. 1950-75ના ગાળામાં જન્મદર 5.5 હતો. તેની સામે મૃત્યુદર 2.0 હતો. એટલે વસ્તીવૃદ્ધિ 3.5ના દરે થતી. આ સમયે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 3થી 3.5% સુધી રહેતો. તેથી તેને Hindu growth rate કહેવાતો. ત્યાર બાદ રાજ્યના પ્રયાસોથી તબીબી સુવિધા વધતા અને સગવડો વધતા જન્મદર થોડો ઘટયો, પરંતુ મૃત્યુદર વધુ ઘટયો. તેથી વસ્તી વધુ ઝડપથી વધી. તબીબી સગવડો વધતા સરેરાશ વય પણ વધી. સ્વાતંર્ત્ય સમયે જે વય 42 ની હતી તે 1975માં 50ની થઇ, 2000માં તે 62ની થઇ અને 2025માં તે 73ની થઇ.આજે સરેરાશ ભારેટ્ટીય 73 વર્ષ જીવે છે. આ રાજ્યની સફ્ળતા કહેવાય. પરંતુ લોકો વધુ જીવે એટલે મોડા મૃત્યુ પામે અને સારું કુટુંબ જીવન થાય એટલે બાળકો વધુ જન્મે. આથી વસ્તી ઝડપથી વધે. શરૂના દશકની વસ્તી 35%ના દરે વધી. પછી 1991થી 2001ના દશકમાં તે 21.64%ના દરે વધી. જ્યારે 2011થી 2026માં તે વર્ષે 1.9%ના દરે વધી. જો કે નિરપેક્ષ વસ્તી વધુ હોવાથી વસ્તી વધારો ઘણા રાષ્ટ્રો કરતા વધુ રહ્યો.
સન 2025માં ભારતમાં જન્મદર વાર્ષિક1.9% હતો, એટલે કે દર દંપતીએ 1,9 બાળકો જન્મ્યા હતા. આના કેટલાકસૂચિતાર્થો જોઈએ. (1) આ ઘટાડો મહત્વનો છે. પરંતુ રાજ્યવાર તેમાં તફાવત છે. બિહારમાં આ દર 2.9 નો છે અને બિહાર સહુથી પછાત રાજ્ય છે. જ્યારે યુપીમાં 2.6, મધ્યપ્રદેશ 2.4, અને રાજસ્થાન 2.3નો પ્રજનન દર ધરાવે છે. આ પ્રદેશને રમૂજમાં બીમારુ રાજ્યો કહેવાય છે. આર્થિકઅને શૈક્ષણિકરીતે આ રાજ્યો પછાત છે. તેના સામે સહુથી ઓછો પ્રજાજન દર તામિલનાડુ 1.3 , પશ્ચિમ બંગાળ 1.3 અને દિલ્હી 1.2 જેટલો પ્રજનન દર ધરાવે છે. જો ગુજરાતની વાત કરીએ તો આ દર 1.9 નોંધાયો છે. હવે શહેરી ગુજરાતમાં તો આ દર 1.5 સુધીનો નોંધાયો છે. આના બે સૂચિતાર્થો છે. (ક) પ્રજનન દર જ્યારે 2.1 પર પહોંચે ત્યારે તેને વસ્તી ટકી રહેવાનો દર (replacementrate) કહેવાય છે. જો દર દંપતીએ 2.1 બાળકો જન્મે તો સંભવિત મૃત્યુ સામે વસ્તી ટકી રહે. પરંતુ જો તેનાથી ઓછો દર થાય તોreplacementન થાય અને વસ્તીઘટતી જાય ગુજરાતની વસ્તી ઘટી જવાનો પ્રવાહ શરૂ થયો છે. (ખ) તેમ છતાં આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં વસ્તી વધતી જાય છે તેનું કારણ ઝડપી ઔદ્યોગિકરણ અને શહેરીકરણથી આકર્ષાઈને અન્ય પ્રાંતના લોકો અહીં આવીને વસી ગયા છે તે કહી શકાય.આજે અમદાવાદ, સુરત, વડોદરાના બજારમાં હિન્દી બોલાતી થઇ ગઈ છે.એકબાજુ વધતું જતું શહેરીકરણ અને ઔદ્યોગિકરણ તથા બીજી બાજુ ઘટતી જતી વસ્તી ગુજરાતને આવતા દશકમાં ધરમૂળથી બદલી નાખશે.
(2) ભારતની વસ્તી આજે એ તબક્કે પહોંચી છે કે જયારે તેની મઘ્યકવય (medianage) 29.4 પહોંચી છે. એટલે કે ભારતની વસ્તીના 50% લોકો 30 વર્ષથી નીચેની વયના છે અને વસ્તીમાં વૃદ્ધોનું એટલે કે કામ ન કરી શકનાર લોકોનું પ્રમાણ 10% છે. આ ખરેખર સારી વાત કહેવાય. તેવી જ રીતે વસ્તીમાં 80 વર્ષથી વધુ જીવનારા લોકો માત્ર 90 લાખ એટલે કે વસ્તીના 0.65% છે. આમ જેની ખાસ કાળજી લેવી પડે તેવી વસ્તી ઓછી છે અને કામ કરનાર વધુ એટલે કે 100 કરોડ (68%) છે. જ્યારે કોઈ વસ્તીમાં આશ્રિાત ઓછા અને કામ કરનાર વધુ હોય ત્યારે તેને વસ્તીશાસ્ત્ર્રીય ડિવિડન્ડ કહેવામાં આવે છે.
(3) આપણે ઉપર રાજ્યવાર પ્રજનન દરના આંકડા જોયા, તેમાં દક્ષિણના રાજ્યો, અને ગુજરાત આવે. આ રાજ્યો ઝડપી આર્થિકવિકાસ સાધતાં જાય છે. એટલું જ નહીં,આ રાજ્યોમાં શિક્ષણને વધુ મહત્વ છે. જ્યારે ઉત્તરના બિમારુ રાજયો આર્થિકવિકાસમાં પાછળ અને વસ્તીમાં આગળ છે. આનો સીધો અર્થ એ થયો કે કુટુંબ નિયોજનનો પ્રચાર ખાસ સફ્ળ નથી થતો, પરંતુ વિકાસ જ કુટુંબ નિયોજનમાં ભાગ બજાવે છે,આથી વસ્તીશાસ્ત્ર્રમાં કહેવાય છે કે વિકાસ એ શ્રેષ્ઠ વસ્તી નિરોધક છે, (development is the best contraceptive). ગામડામાં અને ખેતી કે દુકાનમાં વધુ બાળકો સમાઈ જાય. એકખેતરમાં માત્ર પિતા કામ કરતાં હોય તેની સાથે બે પુત્ર આકામ કરવા લાગે તો કામ વધતું નથી, પરંતુ કામ કરનાર લોકો વધે છે. આને પ્રચ્છન્ન બેકારી કહે છે,આમ તમને લોકો કામ કરતા દેખાય, પરંતુ ઉત્પાદકતામાં કોઈ વૃદ્ધિ ન થાય. જ્યારે ઔદ્યોગિકરણ થાય એટલે દરેકવ્યક્તિ ખાસ કામ કરે અને કામમાં ભાગ બટાઈ ન થાય. આથી જેટલા લોકો ખેતી છોડીને શહેરોમાં અને ઉદ્યોગોમાં આવે તે દેશના વિકાસ માટે વધુ સારું. ભારતની વાત કરીએ તો ભારતના 50% કામ કરનાર લોકો ખેતીમાં છે. પરંતુ ખેતી જીડીપીમાં માત્ર 16% ફળો આપે છે, તેની સામે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર મા 30%ન લોકો કામ કરે છે, પરંતુ આ ક્ષેત્રનો જીડીપીમાં હિસ્સો 60% છે.
(4) અહી મારે આપણા સંપ્રદાયો અને સમુદાય સંગઠનોને એકવાત કહેવી છે. આપણા ધર્મ પુરુષો અને સામાજિકનેતા પોતાના સમુદાયના યુવાનોને વધુ બાળકો જન્મવવા માટે કહે છે અને પ્રોત્સાહિત કરે છે. અમુકલોકો તો જાહેર ભાષણમાં આપણા સમુદાયના દંપતિઓને પાંચ બાળકો તો હોવા જ જોઈએ તેવું ઓપન કહે છે. વધુ વસ્તી વધારવાની હરીફાઈ સંપ્રદાયો કે જ્ઞાતિ સમુદાયો વચ્ચે નથી આ સમજવું જરૂરી છે. જે સમુદાયની વસ્તી વધુ હશે તે વધુ પછાત રહેશે તે સમજવું જરૂરી છે. સીધી રીતે સમજી શકાય તેવી વાત છે કે વધુ બાળકો એટલે માબાપ પર વધુ આર્થિકજવાબદારી.
(5) તાજેતરમાં આપણા કેટલાકજ્ઞાતિ સમુદાયોએ જ્ઞાતિના બંધારણમાં સુધારા કર્યા અને તેમ મુખ્ય સુધારો દીકરીને જ્ઞાતિ બહાર નહીં પરણાવવી અને માબાપની સંમતિ વિના સ્વપસંદગીના લગ્ન ન કરવા તેવો ફેરફાર દાખલ કર્યો. હવે જ્યારે વસ્તી ઓછી થવાની શરૂઆત થઈ છે ત્યારે દરેકજ્ઞાતિમાં પસંદગી મર્યાદિત બની ગઈ છે. અહીં છોકરો જ્ઞાતિ બહાર લગ્ન કરે તેનો કોઈને વાંધો નથી, પરંતુ દીકરી જ્ઞાતિ બહાર લગ્ન કરે તેનો વાંધો છે તે સમજવું જરૂરી છે. અહીં પિતૃ સત્તાકસમાજના લક્ષણો દેખાય છે કે દીકરાને છૂટ પરંતુ દીકરી ને છૂટ નહીં. વળી હજી કેટલાકએવા પણ લોકો છે જે માને છે કે દીકરી ભણે તો *બગડી* જાય. હવે દીકરીઓ ભણવાની તો છે જ. તેથી જૂનું પિતૃસત્તાકમાળખુ બદલાવાનું જ છે.
(6) પ્રજનન દર ઘટાડો અને મહિલા શિક્ષણ અને મહિલા મુક્તિ સીધી રીતે સંકળાયેલ છે. ઉપર જે સર્વે ની વાત કરવામાં આવી છે તેમા શિક્ષિત મહિલાઓમાં પ્રજનન દર 1.8 છે જ્યારે શિક્ષિત મહિલાઓમાં આ દર 3.2 છે. આનો અર્થ એ થયો કે મહિલા શિક્ષણ પણ પ્રજનન દર ઘટાડવા માં ફળો આપે છે. ગુજરાતમાં ગામડાંમાં બાળકીનું શિક્ષણ ખૂબ જ ઓછું છે અને આપણે બેટી પઢાઓ બેટી બચાઓ અભિયાન શરૂ કર્યું છે તે સાચી દિશામાં જ છે.બેટી ભણતી હશે તો તેના બાલ લગ્ન નહીં થાય. તેથી નાની વયે બાળકો પણ નહીં થાય. વળી આપણે પણ સમજવું પડે કે શિક્ષિત મહિલા કોઈ ને કોઈ કામ કરતી હશે. તે માત્ર ગૃહિણી જ નહિ હોય. આથી કામ કરતી મહિલા કામની સલુકાઇ માટે ઓછા બાળકો માટે વિચારશે. શિક્ષિત મહિલાઓ માટે ઓછા બાળકો એ મહિલા તંદુરસ્તી અને વિકાસનો માર્ગ છે. વળી ઓછા બાળકો હશે તો બાળકોના વિકાસ તરફ્ પણ ધ્યાન આપી શકાશે. અમારી સંસ્થા ઇસાર તો ગામડામાં બાળકીને ભણાવવા અને મોટી વયે લગ્ન કરવાની ઝુંબેશ ચલાવે છે.
(7) પ્રજનન ઘટાડાને અને શહેરને સીધો સંબંધ છે. ભારતના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં શહેરીકરણ વધુ (50%) છે. વળી હવે ગામડા પણ આધુનિકસગવડો વાળા બનતા જાય છે. શહેરી જિંદગી ભાગદોડની જિંદગી છે. મોટે ભાગે પતિ-પત્ની બંને કામ કરતા હોય અને માબાપ ગામડે રહેતા હોય એટલે વિભક્ત કુટુંબો વધતાં જાય છે, વર્ષો પહેલા ગોરે નામના સમાજશાસ્ત્ર્રીએ શહેરીકરણને લીધે કુટુંબમાં આવેલા પરિવર્તનોનો અભ્યાસ કર્યો હતો અને તેમણે કહ્યું કે શહેરોમાં કુટુંબના કાર્યો (પ્રસૂતિ, બાળઉછેર, ખોરાક, મહેમાન,વૃદ્ધની દેખરેખ વ.)કુટુંબ બહાર અન્ય સંસ્થા પાસે ચાલ્યા ગયા છે. આથી કુટુંબ નાના અને યુવાન થતા ચાલ્યા છે. વૃધ્ધો ગામ કે જૂન શહેરોમાં માં રહે અને નવી પેઢી નવા શહેરોમાં રહે તેવી સ્થિતિ સર્જાતી જાય છે. આજે શહેરો અને ખાસ કરીને આધુનિકશહેરોમાં જે લોકો રહે છે અને આધુનિકપ્રકારના વ્યવસાય કરે છે તે 'જેન ઝી' (1997-2012 વચ્ચે જન્મેલા) પેઢીની વિચારણા અલગ છે. તેમને ધાર્મિકસંવાદોમાં કે જ્ઞાતિ સંગઠનમાં રસ નથી. તે અલગ રીતે વિચારે છે. તેમણે સ્વાતંર્ત્ય જોઈએ છીએ અને તેથી ઓછા બાળકો જોઈએ છીએ. આજે અર્થકારણમાં સક્રિય ભૂમિકા તે બજાવે છે. પ્રજનન દર ઘટવા સાથે અને યુવા વસ્તી વધવા સાથે આવેલા ફેરફારો આપણે સમજવા પડશે. આ ફેરફારો 2060 સુધી ચાલુ રહેશે. આ સમયમાં અત્યારે જે જેન ઝી છે તેમનું વર્ચસ્વ રહેશે. આ દરમિયાન આપણે સમજવું પડશે કે ભારતમાં વસ્તી-જમીનનું વ્યસ્ત પ્રમાણ છે, અહી જગતની અઢાર ટકા વસ્તી છે અને તેની સામે જગતની કુલ જમીનનો માત્ર 2.4% હિસ્સો આપણી પાસે છે. ભારતમાં દર ચોરસ કિમીએ 497 લોકો વસે છે ,ચીનમાં આ પ્રમાણ 150 લોકોનું અને અમેરિકામાં આ પ્રમાણ 38 લોકોનું છે. આમ હોવાથી પ્રજનન દર વધારવા નું કહેવું કે દીકરીની સ્વતંત્રતા પર કાપ મૂકવો તે મૂર્ખામી ભરેલું છે.
2070 પછી જેંન ઝીની પ્રજનન દર ઘટાડવા ની અસર વસ્તી ઘટાડા પર પહોંચશે. તે સમયે ભારતની વસ્તી સ્થિરતા પામશે અને પછી ધીમે ધીમે ઘટી જશે. કદાચ 2080માં એવો સમય આવે કે તમે બાંધેલ બંગલો ખાલી પડયો રહે અને શહેરોના રસ્તા પર ભીડ જોવા ન મળે. પરંતુ આ બધું જોવા માટે આપણે નહીં હોઈએ. અત્યારે તો નવી પેઢીની પ્રજનન દર ઘટાડવાની વાત ને સમર્થન આપવું પડે.