કદાચ માનવ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે વિશ્વની સૌથી મોટું સ્પર્ધાયુદ્ધ સરહદો પર નહીં, પરંતુ શાળાના વર્ગખંડોમાં લડાઈ રહ્યું છે. આ યુદ્ધમાં ગોળીઓ નથી, પુસ્તકો છે; ટેન્કો નથી, ટેક્નોલોજી છે; અને સૈનિકો નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકો છે. વિશ્વના રાષ્ટ્રો હવે માત્ર પોતાના વર્તમાનને મજબૂત બનાવવા માટે નહીં, પરંતુ આગામી પચીસથી પચાસ વર્ષના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શિક્ષણમાં રોકાણ કરી રહ્યા છે. તેથી જ શિક્ષણ હવે માત્ર સામાજિક સેવા કે કલ્યાણકારી યોજના નથી રહ્યું; તે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક આત્મનિર્ભરતા અને વૈશ્વિક નેતૃત્વનું સૌથી અસરકારક સાધન બની રહ્યું છે.
કૃત્રિમ બુદ્ધિમત્તા-AIના આગમને શિક્ષણને નવી દિશા આપી છે. થોડાં વર્ષો પહેલાં ટેક્નોલોજી શિક્ષણનો અર્થ કમ્પ્યુટર ચલાવવું કે ઇન્ટરનેટનો ઉપયોગ શીખવો એટલો જ હતો, જ્યારે આજે મુખ્ય પ્રશ્ન એ છે કે માહિતીના અખૂટ ભંડારમાંથી અર્થપૂર્ણ જ્ઞાન કેવી રીતે સર્જવું. હવે માહિતી મેળવવી મુશ્કેલ નથી; પડકાર છે તેને સમજવાનો, તેની સમીક્ષા કરવાનો અને સમાજહિતમાં તેનો સર્જનાત્મક ઉપયોગ કરવાનો. પરિણામે શિક્ષણનું કેન્દ્ર યાદશક્તિથી વિચારશક્તિ, માહિતીથી સમજણ અને પરીક્ષાના ગુણથી બદલાઈને જીવનોપયોગી ક્ષમતાઓ તરફ્ સ્થાનાંતરિત થઈ રહ્યું છે. આ પરિવર્તનની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. કુદરતી સંસાધનો કે ઔદ્યોગિક ઉત્પાદન હવે એકમાત્ર શક્તિના માપદંડ રહ્યા નથી. આજે કોઈ પણ દેશની વાસ્તવિક સમૃદ્ધિ તોની સંશોધન ક્ષમતા, નવીનતા, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને કુશળ માનવસંપદામાં રહેલી છે. જે શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીઓમાં પ્રશ્ન પૂછવાની હિંમત, સંશોધનની જિજ્ઞાસા અને સર્જનાત્મક વિચારશક્તિ વિકસાવે છે, તે જ દેશને લાંબા ગાળે વૈશ્વિક સ્પર્ધામાં આગળ લઈ જઈ શકે છે. તેથી શિક્ષણ હવે ખર્ચ નહીં, પરંતુ ભવિષ્યમાં કરવામાં આવતું સૌથી મૂલ્યવાન રોકાણ બની ગયું છે. વિશ્વના અનેક દેશોએ આ હકીકતને સમયસર ઓળખીને સ્વીકારી છે. તેઓ અભ્યાસક્રમમાં માત્ર નવા વિષયો ઉમેરતા નથી, પરંતુ આવનારા યુગ માટે યોગ્ય માનવસંપદા તૈયાર કરવાની દિશામાં કાર્ય કરી રહ્યા છે. શિક્ષણને હવે આર્થિક વિકાસ, ટેક્નોલોજીકલ સ્વાવલંબન અને રાષ્ટ્રીય વ્યૂહરચનાના અભિન્ન અંગ તરીકે જોવામાં આવે છે. કારણ કે આવનારા સમયમાં વિશ્વનું નેતૃત્વ તે દેશ કરશે, જે જ્ઞાનનું સર્જન કરશે અને માનવ ક્ષમતાનો સર્વોત્તમ વિકાસ કરશે.
ભારતનો અભિગમ આ સંદર્ભમાં વિશિષ્ટ છે. ભારતે કૃત્રિમ બુદ્ધિમત્તાને માત્ર ટેક્નોલોજી કે ઉદ્યોગ સુધી મર્યાદિત રાખવાને બદલે માનવકેન્દ્રિત વિકાસ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. શિક્ષણ, આરોગ્ય, કૃષિ, જાહેર સેવા અને સામાજિક કલ્યાણ જેવા ક્ષેત્રોમાં AIનો ઉપયોગ જીવનની ગુણવત્તા સુધારવાના સાધન તરીકે જોવામાં આવે છે. ક્કAI ર્કિ Allક્રની ભાવનાએ જ દર્શાવે છે કે ટેક્નોલોજીનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચવો જોઈએ. આ દૃષ્ટિ ભારતીય સંસ્કૃતિનાક્કસર્વજન હિતાય, સર્વજન સુખાયક્રના મૂલ્યો સાથે સહજ રીતે સંકળાયેલી છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિક્ર 2020એ આ પરિવર્તનને દિશા અને ગતિ બંને આપી છે. નીતિમાં બહુવિષયક શિક્ષણ, ડિજિટલ સાક્ષરતા, કોમ્પ્યુટેશનલ થિંકિંગ, સંશોધન, નવીનતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેનો મૂળભૂત સંદેશ સ્પષ્ટ છે કે ભવિષ્યમાં સફ્ળતા માત્ર માહિતીના સંગ્રહથી નહીં, પરંતુ જ્ઞાનના સર્જન, નવી શોધ અને સતત શીખવાની ક્ષમતાથી પ્રાપ્ત થશે. શિક્ષણનો હેતુ હવે વિદ્યાર્થીઓને તૈયાર જવાબો આપવાનો નહીં, પરંતુ યોગ્ય પ્રશ્નો પૂછવાની દૃષ્ટિ વિકસાવવાનો છે. ભારતના India AI Mission દ્વારા આ દૃષ્ટિને વધુ વ્યવહારુ આધાર મળ્યો છે. ઉચ્ચ ક્ષમતાવાળા કમ્પ્યુટિંગ માળખાની રચના, ભારતીય ભાષાઓ માટે ડિજિટલ સંસાધનો, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન,AI ક્ષેત્રે કુશળ માનવબળનું નિર્માણ અને વિશ્વસનીય કૃત્રિમ બુદ્ધિમત્તાના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પહેલ ભારતને માત્ર ટેક્નોલોજીનો ઉપભોક્તા નહીં, પરંતુ જ્ઞાન અને નવીનતાના સર્જક દેશ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ભારતની વિશેષતા માત્ર ટેક્નોલોજી અપનાવવામાં નથી, પરંતુ તેને મૂલ્યનિષ્ઠ બનાવવામાં છે. પારદર્શિતા, જવાબદારી, ગોપનીયતા, અલ્ગોરિધમિક નિષ્પક્ષતા અને માનવ અધિકારોના સંરક્ષણ જેવા સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને જવાબદાર કૃત્રિમ બુદ્ધિમત્તાનો અભિગમ વિકસાવવામાં આવ્યો છે. ભારતીય જ્ઞાનપરંપરા પણ શિક્ષણને માત્ર બુદ્ધિના વિકાસ સુધી મર્યાદિત રાખતી નથી; તે વ્યક્તિત્વ, સંવેદના અને નૈતિકતાના વિકાસને સમાન મહત્ત્વ આપે છે. આથી ભલે કૃત્રિમ બુદ્ધિમત્તા માનવીની કાર્યક્ષમતા વધારી શકે, પરંતુ મૂલ્યબોધ, કરુણા અને વિવેકનો વિકાસ માનવીય-ભારતીય શિક્ષણ દ્વારા જ શક્ય છે.
આ સમગ્ર પરિવર્તનમાં શિક્ષકની ભૂમિકા પહેલાં કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બની છે. કૃત્રિમ બુદ્ધિમત્તા માહિતી શોધી આપી શકે છે, પાઠયસામગ્રી તૈયાર કરી શકે છે અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિનું વિશ્લેષણ પણ કરી શકે છે, પરંતુ વ્યક્તિત્વનું ઘડતર, મૂલ્યોનું સંવર્ધન અને જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ વિકસાવવાનું કાર્ય શિક્ષક જ કરી શકે છે. ભવિષ્યનો સફ્ળ શિક્ષક ટેક્નોલોજીને પોતાના વિકલ્પ કે હરીફ્ તરીકે નહીં, પરંતુ સહયોગી તરીકે સ્વીકારશે. તેથી શિક્ષક પ્રશિક્ષણમાં પણ બદલાવ જરૂરી છે. રોજગારના બદલાતા સ્વરૂપને ધ્યાનમાં રાખીને શિક્ષણ વ્યવસ્થામાં પણ ગુણાત્મક પરિવર્તન અનિવાર્ય બનશે. અનેક પરંપરાગત નોકરીઓનું સ્વરૂપ બદલાશે, અને નવી તકો ઊભી પણ થશે. તેથી વિદ્યાર્થીઓમાં માત્ર વિષયજ્ઞાન નહીં, પરંતુ તાર્કિક વિચારશક્તિ, સર્જનાત્મકતા, ટીમમાં કાર્ય કરવાની ક્ષમતા, અસરકારક સંવાદ, નવીન સમસ્યા-નિવારણ અને જીવનભર શીખવાની વૃત્તિ વિકસાવવી જરૂરી છે. ભારત પાસે સમૃદ્ધ ભાષાકીય વૈવિધ્ય, ગહન જ્ઞાનપરંપરા અને વિશ્વની સૌથી મોટી યુવાધન જેવી અનન્ય શક્તિ છે. જો કૃત્રિમ બુદ્ધિમત્તાને ભારતીય ભાષાઓ, સ્થાનિક જરૂરિયાતો અને સાંસ્કૃતિક સંદર્ભો સાથે સાંકળવામાં આવશે, તો ટેક્નોલોજી માત્ર આધુનિકતાનું પ્રતીક નહીં રહે, પરંતુ સામાજિક પરિવર્તનનું અસરકારક સાધન બનશે. ભારતની સફ્ળતા અદ્યતન ટેક્નોલોજી અને માનવીય મૂલ્યો વચ્ચે કેટલો સુમેળ સ્થાપિત કરી શકે છે તેના પર નિર્ભર રહેશે. જ્ઞાન, કૌશલ્યઅને સંસ્કારના ત્રિવેણી સંગમમાં જ વિકસિત ભારતની સાચી શક્તિ સમાયેલી છે.
આ દૃષ્ટિને સફ્ળ બનાવવા માટે કેટલીક મૂળભૂત બાબતો પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય છે. ભારત જેવા વિશાળ દેશમાં ગ્રામ્ય-શહેરી ડિજિટલ વિભાજન, તાલીમબદ્ધ શિક્ષકોની ઉપલબ્ધતા, ગુણવત્તાસભર ડિજિટલ સામગ્રી અને વિશ્વસનીય ઇન્ટરનેટ જેવી બાબતોનું સમયસર નિરાકરણ આવશ્યક બનશે.
આ પડકારો વચ્ચે ભારત માટે અસાધારણ તકો પણ છુપાયેલી છે. વિશ્વની સૌથી મોટી યુવાધન, ઝડપથી વિસ્તરતું ડિજિટલ માળખું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિક્ર 2020નો દૂરંદેશી અભિગમ અને ભારતીય ભાષાઓનું સમૃદ્ધ ભંડોળ ભારતને અન્ય દેશોથી અલગ ઓળખ આપે છે. જો ટેક્નોલોજીનો લાભ અંતિમ બાળક સુધી પહોંચાડવામાં આવશે, શિક્ષકોને સતત વાસ્તવિક તાલીમ આપવામાં આવશે અને AIને ભારતીય સામાજિક-સાંસ્કૃતિક જરૂરિયાતો સાથે જોડવામાં આવશે, તો ભારત સમાવેશી અને માનવકેન્દ્રિત AI શિક્ષણનું વૈશ્વિક પ્રિતમાન સ્થાપિત કરી શકશે. જેમ, ચીને 10મી જૂનથી શિક્ષકોને શીખવવા માટે નવા લાઇસન્સ લેવા કે રીન્યુ કરવા માટે AI Competencyને આવશ્યક વ્યાવસાયિક ક્ષમતા તરીકે મહત્ત્વ આપ્યું છે અર્થાત્ કહી શકાય કે,No AI Competency,NoTeaching Licenseએ સંદેશ આપણા શિક્ષકો માટે પણ સ્પષ્ટ છે કે, આવનારા સમયમાં પૂર્વ પ્રાથમિકથી લઈને યુનિવર્સિટીના શિક્ષકોએ વર્ગખંડમાં શિક્ષક તરીકે ટકી રહેવા માટે, ફરજીયાત પણે સતત નવું શીખવું હવે વિકલ્પ નહીં, આવશ્યકતા બનશે.