ઇરાન સાથેનાં યુદ્ધમાં રૂ. 122 લાખ કરોડનું આંધણ કર્યા પછી અને આખી દુનિયાને ઈંધણની કટોકટીમાં મુકી દીધા પછી યુએસ પ્રમુખ ટ્રમ્પને ઇરાન સામે તલવારો મ્યાન કરવી પડી છે. કોઈપણ ભોગે ઇરાનને પછાડવા અને ત્યાં સત્તા પલટો કરાવીને પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે ટ્રમ્પ બેતાબ હતા. તેમને એમ કે ઇરાનનાં નૌકા કાફલાને તેમજ યુદ્ધ વિમાનોનો કાફલો અરબી સમુદ્રમાં ખડકવાથી ઇરાન ડરી જશે અને અમેરિકાને શરણે આવી જશે. જે ભૂલ રશિયાનાં પુતિને યુક્રેનની તાકાતને ઓછી આંકવામાં કરી તે જ ભૂલ અહીં ટ્રમ્પે ઇરાનની તાકાતને ઓછી આંકવામાં કરી. ટ્રમ્પને એમ કે ચપટી વગાડતામાં ઇરાનમાં સત્તા પરિવર્તન કરાવી લઈશું. ઇરાનની ટોચની નેતાગીરીને ખતમ કરીને તેનાં પર કબજો જમાવી લઈશું પણ ટ્રમ્પનું તમામ ગણિત અને ધમપછાડા અહીં ખોટા પડયા હતા. 111 દિવસ સુધી ઇરાને અમેરિકાની સેનાને અને ટ્રમ્પને હંફાવ્યા. આખરે કરોડોનાં આંધણ પછી કશું હાથમાં આવશે નહીં તેવું સત્યનું ભાન થતા ટ્રમ્પની સાન ઠેકાણે આવી અને ઇરાન સાથે શાંતિ સમજૂતી કરવા રઘવાયા થયા. ટ્રમ્પે ગલ્ફનાં જે દેશોમાં અમેરિકાનાં લશ્કરી થાણા સ્થાપ્યા છે તે દેશોને પણ ઇરાને મિસાઈલ્સ અને ડ્રોન્સ હુમલા કરીને પાઠ ભણાવી દીધો. આથી સહયોગી દેશોનાં ભાગે પણ ચૂપચાપ અમેરિકા અને ટ્રમ્પની રણનીતિને ખોખરી થતા જોવાનો જ વારો આવ્યો. 18મી જૂનને ગુરુવારે એક દિવસ વહેલા બંને દેશોએ શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર તો કરી દીધા છે પણ જે મુદ્દા માટે ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ કર્યું હતું તેનો ઉકેલ તો તેમને મળ્યો જ નથી. આ ત્રણ અણિયાળા મુદ્દા શાંતિ સમજૂતીનાં હવનમાં હાડકા પૂરવાર ન થાય તો સારૂં. જે ત્રણ મુદ્દા પેચીદા છે અને નિરૂત્તર રહ્યા છે તેમાં (1) ઈઝરાયેલ દ્વારા લેબેનોનમાં સૈન્ય અભિયાન (2) ઇરાનનો અણુ કાર્યક્રમ તેમજ (3) હોર્મુઝની ખાડી પર અંકુશનો સમાવેશ થાય છે. શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા પછી પણ ઈઝરાયેલ દ્વારા લેબેનોન પર હુમલા કરવામાં આવ્યા છે જેમાં 16 લોકોનાં મોત થયા છે. ઇરાન અને અમેરિકાની શાંતિ સમજૂતીમાં લેબેનોન અને ઈઝરાયેલ હવનનું હાડકું પૂરવાર થઈ રહ્યું છે. આનો ક્યારે અંત આવશે તેનો જવાબ ઇરાન પાસે નથી કે ટ્રમ્પ અને અમેરિકા પાસે પણ નથી. ઈઝરાયેલ જાણે લેબેનીઝનું લોહી પીવા તરસ્યું થયું હોય તેવો ઘાટ ઘડાયો છે. આવો જ બીજો અણિયાળો પણ વણઉકલ્યો રહેલો મુદ્દો ઇરાનનાં અણુ કાર્યક્રમનો છે. ઇરાન કોઈપણ સંજોગોમાં તેનાં અણુ અને મિસાઈલ્સ કાર્યક્રમને પડતો મુકવા તૈયાર નથી. તેણે સમૃધ્ધ યુરેનિયમ સુધી અન્ય દેશોની પહોંચ પણ મુશ્કેલ બનાવી છે. હોર્મુઝ પર અંકુશ માટે પણ ખેંચતાણ ચાલી રહી છે.