ઝડપી આર્થિક વિકાસની સાથે સ્પર્ધાત્મક સમાજ અને અર્થકારણ આવતા જાય છે અને માનવ સંબંધો જે સ્વાભાવિક રીતે સમરૂપ અને સહકાર ના હોય તેમા સ્પર્ધા ને કારણે તંગદિલી આવતી જાય છે. પતિ-પત્ની, ભાઈઓ, સહકાર્યકારો પરસ્પરની સાથે સહકારને બદલે સ્પર્ધા કરતા જાય છે. તેથી સામાજિક સંબંધોમાં એક પ્રકારની તંગદિલી ઉદ્ભવતી જાય છે. આથી ધીમે ધીમે હતાશા, આપઘાત, લગ્ન વિચ્છેદ અને કૃત્રિમ જીવનશૈલીની અનેક સામાજિક અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉદ્ભવતી જાય છે. સ્વસ્થ અને સમરૂપ સમાજ જીવન વિલય પામતું જાય છે. સામાજિક તાણાવાણા છૂટા પડતા જાય છે. ત્યારે આપણી જાતને સંભાળી લેવા અને આપણે અન્ય પર આધિપત્ય ધરાવવા નથી સર્જાયા, પરંતુ એકબીજાની મદદ કરીને સહજીવન જીવવા સર્જાયા છીએ તે વાત આપણને કબીર યાદ દેવડાવે છે.   


 મધ્ય યુગમાં થઈ ગયેલ કબીરના આમ તો રામાનંદી સાધુ હતા. તેઓ કાપડ વણીને જીવન ગુજરાન કરતા હતા. તેમણે કોઈ સંપ્રદાયની સ્થાપના નથી કરી. હા, એ અલગ વાત છે કે તેમના મૃત્યુ પછી કબીર પંથ થયો. પરંતુ કબીર તો પોતે એક પ્રબોધનકાર હતા. મધ્ય યુગમાં સમયની જરૂર મુજબ તેમણે જે મૂલ્ય પ્રબોધન કર્યું તે મુખ્યત્વે જોઈએ.   

કબીર માણસનું કેવું ઘડતર કરવા માંગતા હતા? તેમને મન સજ્જન એટલે સાધુ. બીજાની દરકાર કરે તે સાચો સજ્જન. એ સમયે અનેક સંપ્રદાયો ઉદભવ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં દર્પણ સંપ્રદાયની વાત આવે છે તેમ દરેક ધર્મ પુરુષ પોતાનો અલગ સંપ્રદાય સ્થાપવામાં મશગુલ હતો. આ વાત માત્ર હિન્દુ ધર્મ સુધી જ સીમિત નહોતી. મુસ્લિમ ધર્મમાં પણ અનેક પીર, ઓલિયા અને મુંજાવર પોતાનું અલગ ચોકો બનાવી બેઠા હતા, તો બુદ્ધ અને જૈન ધર્મ પણ અનેક ફરિકામાં વિભાજિત થઈ ગયા હતા. આ સમયે કબીરે કોઈ સંપ્રદાય વિશેષ ઉપદેશ નથી આપ્યો. તેઓ નિરાકાર અને નિર્ગુણ ઈશ્વરમાં માનતા. સત્યને જ ઈશ્વર માનતા. તેઓ કહે છે, *સાચ બરાબર તપ નહીં, જુઠ બરાબર પાપ, જાકે હિરદય સાચ હે, તા કે હિરદય આપ.* અહીં આપનો અર્થ ઈશ્વર થાય. સંપ્રદાય મુક્ત નીતિમય અને પરસ્પર પ્રેમ અને આદર મય જીવન જ કબીરને મન ધર્મ હતો.   

 જીવનમાં આવા સજ્જન માનવને કેટલી ભૌતિક જરૂર પડે? કબીર કહે છે, *સાંઈ ઈતના દિજીયે જિસમે કુટુંબ સમાય, મે ભી ભુખા ના રહું, સાધુ ભૂખા ન જાય.* અહીં મારા કુટુંબની પાયાની જરૂર સંતોષે અને અન્યનો વિચાર પણ હું કરું તેમ કબીર કહે છે. કબીરને મન સાચો ધાર્મિક વ્યક્તિ સજ્જન હોય છે. કબીર કહે છે, આવી સજ્જન વ્યક્તિ અથવા સાધુ કેવા હોય? *દયા, ગરીબી બંદગી, સમતા, શીલ સ્વભાવ; ઇતને લક્ષણ સાધુ કે, કહત કબીર સમજાય.* તેમના દોહાઓમાં જ્યાં ત્યાં *કહત કબીર સુનો ભાઈ સાધો* આવે છે તે સજ્જનની વાત છે. આવા સજ્જનોએ શું કરવાનું? *કબીર કહે કમાલ કૂ, દો બાતા સિખ લે, કર સાહબ કી બંદગી ઔર ભુખે કો અન્ન દે.* લોકોને દુખ શા માટે પડે છે? *દુઃખ મેં સુમિરન સબ કરે, સુખમે કરે ન કોઈ. ગર સુખમે સુમિરન કરે, તો દુખ કાહે હોય?* જો તમે તમારા જેટલી જ અન્યની પણ દરકાર કરતાં હશો તો સંબંધોમાં તણાવ ઉપસ્થિત નહીં થાય, આજે તણાવ એટલા માટે છે કે મને બધુ મળે એટલું જ નહીં, મારા હરીફ્ ને કે પાડોશીને ના મળે તેવું હું ઈચ્છું છું. તેમાંથી જ વર્ચસ્વ અથવા આધિપત્યની ભાવના ઉપસ્થિત થાય છે. આ વર્ચસ્વની ભાવના જ માનસિક રુગ્ણતા આ રીતે જોઈએ તો કબીર પ્રથમ તો માનવને એવો માનવ બનાવવા માંગતા હતા જે પોતાની જેટલી જ દરકાર અન્યની કરે.   

 કબીરનો આવો સાધુ જન સમાજમાં શીતળતા પ્રસરાવે. કબીર કહે છે, *એસી બાની બોલીએ, મન કા આપા ખોય; ઔરન કો શીતલ કરે આપ હી શીતલ હોય.* આનો અર્થ એ થાય કે મનમાં ફંકો રાખ્યા સિવાય તમારા વ્યક્તિત્વની શીતલતા પ્રસરાવો. આધુનિક સમયમાં આ વાત આપણે ખાસ સમજવા જેવી છે. આપણે તો કહીએ છીએ,*મને ઓળખે છે, હું કોણ છું?* આપણી જાતને થોડી સગવડો મળી એટલે મહાન માનવા લાગ્યા છીએ એટલું જ નહીં,અન્ય નીચા છે તેવું પણ માનતા થાય છીએ. આ આધિપત્યની ભાવના છોડીને વ્યક્તિત્વ ની શીતળતા પ્રસારાવવી જરૂરી છે.   

 કબીરનો સાધુ જન અથવા સજ્જન આવો હોય. તો કબીરને મન ધર્મ શું છે? કબીરને મન ઈશ્વર કોઈ આપણી ઉપર વિરાજમાન વ્યક્તિત્વની પૂજા નથી. કબીર કહે છે,   

 જહાં દયા વહીં ધર્મ હૈ, જહાં લોભ વહાં પાપ; જહાં ક્રોધ વહાં કાળ હૈ, જહાં ક્ષમા વહાં આપ.* ઈશ્વર ક્યાંય મનુષ્યની બહાર નથી. જે માફી આપે અને માફી માંગે તે જન ઈશ્વર છે તેમ કબીર કહે છે. તો ઈશ્વરનું કોઈ અલગ અસ્તિત્વ નથી કહી કબીર જણાવે છે, *સાહેબ તેરી સાહેબી, સબ ઘટ રહી સમાય; જ્યોં મેંદી કે પાન મેં લાલી રહી છૂપાય.* એટલે ઈશ્વર આ સૃષ્ટિના કણ કણમાં વ્યાપેલો છે તેમ કબીર માને છે. આમ હોવાથી મંદિરમાં મૂર્તિના દર્શનની જરૂર નથી. કબીર કહે છે, *પથ્થર પૂજે હરિ મિલે તો મે પુજુ પહાર, યા તે તો ચાકી ભલી, પીસી ખાય સંસાર.* આના પરથી મને પ્રસિધ્ધ ભજન યાદ આવે છે, *હે જી રે મનસા, માલણી હો જી, ગોરખ જાગતા નર સેવીએ તને મળે નિરંજન દેવ જી* (અહીં મને યાદ આવે છે કે ગાંધી પણ સત્ય એટલે જ ઈશ્વ તેમ માનતા હતા અને મંદિર દર્શન નહોતા જતા.) ધર્મના નામે બાહ્ય આડંબરના કબીર વિરોધી હતા. તેઓ કહેતા, *ન્હાએ ધોયે કયા ભયા, જો મન મેલ ન જાય; મીન સદા જલમે રહે, ધોયે બાસ ન જાય.* બાહ્ય આડંબર આપણી જાતને મોટી બતાવવા માટે છે. તેથી લોકોનું કોઈ ભલું નથી થતું. કબીરને મન ધર્મ એટલે માનવ પ્રેમ. માનવનો ધિક્કાર નહિ. આ બાહ્ય આડંબર વિરોધ કરતાં કબીર આગળ કહે છે, *મસ્જિદ સે કયું બાંગ પુકારે, તેરા ખુદ કયા બહરા હૈ? ચીંટી કે ભી પર હિલતે હૈ વો ભી તો ખુદા સુનતા હૈ.* તો હિન્દુઓને કહ્યું, *માલા ફેરત જુગ ભયા, ગયા ન મન કા મેલ, કર કા મનકા ડાર દે મન કા મનકા ફેર.* સાચો ધર્મ કર્મકાંડો માં અને શાસ્ત્ર્રાર્થો મા નથી, પરંતુ માનવ પ્રેમમાં છે તેમ કહી કબીર કહે છે, *પોથી પઢી પઢી જગ મૂઆ, પંડિત ભયા ન કોય, ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય.* ધર્મના નામે આપણ ને આપણી સંપત્તિ કે ધન નું જે ગુમાન ચડી ગયું છે તે વિશે કબીર કહે છે, *જગ સારા દરિદ્ર ભયા, ધનવંત ભયા ન કોય; ધનવંત સોહિ જાનીએ ,રામ પદારથ હોય.* 

કબીર નાતજાતના ભેદભાવના વિરોધી હતા. વાસ્તવમાં આવા ભેદભાવથી કબીરનું મન ભરાઈ આવ્યું હતું. તેઓ કહે છે, *રહના નહીં, દેશ વિરાના હૈ, યે દુનિયા કાગજ કી પુડિયા,બુંદ પડે ધૂલ જાના હૈ. યહ સંસાર ઝાડ ઔર ઝાંખર, આગ લગે બરી જાના હૈ.* જાતપાત નો વિરોધ કરતાં તેમણે કહ્યું હતું, *જાત ન પૂછો સાધુ કી, પૂછ લિજિયે જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડા રહન દો મ્યાન*. કબીરને મન તમામ લોકો સરખા હતા. તેઓ કહે છે, *કબીર ખડા બજાર મે માંગે સબકી ખેર, ના કાહું સે બંદગી, ના કાહું સે બેર.* પરંતુ સહુથી વધુ મહત્વની વાત કહી તે *જાતી પાતી સબ જૂઠ હૈ, ભરમ પાડો મત કોય, જાતી નહીં જગદીશ કી, ઔરન કી કયા હોય?* કબીર સ્પષ્ટ પણે માને છે કે જન્મ થી કોઈ ઊંચું કે નીચું નથી. *એક બુંદ એક હિ મલમૂત્ર,; એક હી ચામ એક હી ગુદા,એક હિ સે સબ ઉપજે, કૌન બામન, કૌન સુદા?*   

 આમ હોવાથી કબીર સાચા ધર્મ માટે ગુરુને મહત્વ આપતા હતા. ગુરુ વિશે નો કબીરનો દોહો જગવિખ્યાત છે, * ગુરુ ગોબિંદ દોઉ ખડે, કાકે લાગુ પાય? બલિહારી ગુરુ આપને ગોબિંદ દિયો બતાય.* તો ગુરુનો વિશેષ મહિમા ગાતાં કબીર કહે છે, *સબ ધરતી કાગદ કરું, લેખની સબ બનરાય, સાત સમંદર કી માસી કરું, ગુરુ ગુણ લીખા ન જાય*. આ ગુરુનો મહિમા એ શિક્ષણ નો મહિમા છે. તે સમયે શાળાઓ તો નહોતી, પરંતુ ગુરુ પાસે ભણી શકતા. આથી સાચા ગુરુની શોધ મહત્વની છે. આજના આઇટીના સમયમાં પણ સાચા ગુરુ કે માર્ગદર્શક શોધવાનું કામ એટલું જ મુશ્કેલ છે. અહી સમજવા જેવી વાત એ છે એ છે કે કબીર એક બાજુ સંશય કરવાનું કહે છે, તે સંશય મૂર્તિપૂજા વિશે છે. પરંતુ સાચું જ્ઞાન પોથી વાંચ્યા થી નહીં મળે, સાચા ગુરુ મળશે તો જ સાચું જ્ઞાન મળે તે વાત કબીર ગાઈવગાડીને કહે છે. એટલું જ નહીં, જ્ઞાનનો બોજ નહીં, વિનમ્રતા ની વાત કરે છે. અહીં આધુનિકતા આવે છે. આપણે કશું જ ન જાણતા હોવા છતાં, એકાદ સારી કાર કે એકાદ સારી નોકરી આવી જતા છકી જઈએ છીએ. પછી આપણે બહુ જ જાતવાન છીએ અને અન્ય લોકો જે પાછળ રહી ગયા તે કામ અક્કલ છે તેવું માનવા લાગીએ છ છીએ . આ આપણો અહમ બોલે છે. આ અહમ અજ્ઞાન નું પરિણામ છે. હું બધું જ જાણું છું. હું બધું જ ભોગવી શકું છું. હું બહુ જ પાવરફૂલ છું. આવું માની આપણે આકાશમાં ઉડવા લાગી છીએ. અહીં વિનમ્રતા ની જરૂર છે. આપણા આધિપત્ય કે વર્ચસ્વ ના ભાગ રૂપે આપણે કોઈ સંપ્રદાયની કે કોઈ જ્ઞાતિ જૂથની ઓળખ ધરાવીએ છીએ. વાસ્તવમાં આ બધી ઓળખો બહુ બટાકણી હોય છે.   

 એક વખત એક વ્યક્તિને લોટરી લાગી અને તેમાં પણ જેકપોટ લાગ્યો. તેની સિદ્ધિ જાણીને પત્રકારે પુછયું, *તમને જેકપોટ કઈ રીતે લાગ્યો?* તેને કહ્યું, *મારી બુદ્ધિ, મારી મેરીટ*. પત્રકારે વિગતો માંગી. તેને કહ્યું, *જુઓ, મારી જન્મ તારીખનો આ પ્રથમ બે ક્રમ લોટરી ટિકિટ ના પ્રથમ બે ક્રમ. પછી મારી પત્ની જન્મ તારીખનો આ બે ક્રમ મુજબ લોટરી ટિકિટના બે ક્રમ. મારી દીકરીની જન્મ તારીખનો આ ક્રમ અને તે મુજબ ટિકિટના છેલ્લા બે ક્રમ. ભૂલ કાઢતા પત્રકારે પુછયું, પરંતુ તમારી દીકરીની જન્મ તારીખ અને લોટરીના છેલ; આ બે ક્રમ તો જુદા પડે છે.* *લોટરી જીતનારે ગર્વપૂર્વક કહ્યું, *લોટરી તમને લાગી છે કે મને?* તો ભાઈ આપણા જેવા કેટલાકને સંસારમાં લોટરી લાગી ગઈ છે તેથી આપણે વધુ ગુણવત્તા વાળા, વધુ સંસ્કારી, વધુ આભિજાત્ય તેવું સાબિત થતું નથી. માટે વિનમ્ર રહેવું અને ગુમાન ન કરવું. કબીર પણ આ જ કહે છે. છેલ્લે તેના ત્રણ દોહા જોઈ વિનમ્ર બનવાની કોશિશ કરીએ. *માટી કહે કુમ્હાર કો, તું કયા રૂંધે મોય, એક દિન એસ હોએગા મે રુંધૂગી તોય.* *બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહી, ફ્લ લાગે અતિ દૂર.* * બુરા દેખન મે ચલા બુરા ન મિલિયા કોઈ, જો દિલ ખોલા આપણા, મુજસે બુરા ન કોઈ.*   


  • Follow us on: