માણસ માહિતીથી ઘેરાયેલો છે. એની આજુબાજુ જેટલો ઓક્સિજન છે એટલી જ માહિતી પણ છે. જગત ભલે આખું ઓક્સિજનથી ભરેલું હોય પરંતુ આપણે તો જીવવા પૂરતો જ ઓક્સિજન લઈએ છીએ. પરંતુ માહિતીની બાબતમાં એવું નથી બનતું. જ્યાંથી જેવી અને જેટલી માહિતી મળે એટલી મેળવતાં રહીએ છે. આપણે વાત માત્ર માહિતીની કરી રહ્યાં છીએ, જ્ઞાનની નહીં કારણ કે જ્ઞાન અને માહિતી આ બેમાં ઘણો ર્ફ્ક છે. જ્ઞાન મેળવવા અવસ્થા જોઈએ જ્યારે માહિતી મેળવવા વ્યવસ્થા કાફી છે. તમારી પાસે માહિતી આપતાં સાધનોની વ્યવસ્થા હોય એટલે પૂરતું છે. આંગળીના એક ટેરવે જગત આખાની માહિતી મળી રહે છે. પરંતુ આ જે મળે છે એ માત્ર અને માત્ર માહિતી જ છે એને જ્ઞાન માની લેવાની ભૂલ કરવી નહીં. જ્ઞાન મેળવવા માટે તો વ્યકિતએ એકદમ શૂન્યતાની અવસ્થાએ પહોંચવું પડે છે. જ્ઞાન, મન અને હૃદયને ઠંડક આપે છે જ્યારે એક હદથી વધારે માહિતી માણસને અકળાવે છે. જીવનમાં બધું જ જાણવું જરૂરી નથી હોતું. અજાણ હોવાનું પણ એક સૌંદર્ય છે. એવી ઘણીબધી બાબતો હોય છે જે જાણવી જરૂરી નથી હોતી, જેનાં થકી માનસિક તાણ જન્મે એવી બિનજરૂરી બાબતો જાણવાથી દૂર રહીએ તો જીવનની ઘણીખરી સમસ્યાઓથી બચી જવાઈ છે. અપડેટ રહેવામાં અપ ટુ ડેટ રહેવાનું ચૂકાઈ ન જવું જોઈએ. ખાસ કરીને આજનાં સમયમાં કે જ્યારે માણસની સવાર સોશિયલ મીડિયાથી પડે છે અને રાત પણ સોશિયલ મિડિયામાં જ થઈ જાય છે એવાં સમયે માહિતી મેળવવાનો વિવેક હોવો ખૂબ જ જરૂરી છે. જગત એટલે ક્ષણનો સરવાળો. આ જગતમાં ક્ષણે ક્ષણે સારી નરસી કેટકેટલીય ઘટનાઓ બનતી હશે જેનું કોઈ જ માપ નથી. શું આ તમામ ઘટનાઓ વિશે જાણવું જરૂરી છે ? દર મિનિટે અપલોડ થતાં તમારી સાથે જોડાયેલા માણસનાં સોશિયલ મીડિયા સ્ટેટ્સ જાણવા ખરેખર જરૂરી છે ? આ એક એવી દોડ છે જેનો કોઈ જ અંત નથી.માણસે જાતે જ સમજવું પડશે. આ વાત માત્ર મોબાઈલ પૂરતી જ સીમિત નથી. આ વાત માહિતીનાં બધા જ સ્ત્ર્રોતને લાગે વળગે એવી છે. ઘણીવાર અજ્ઞાનતા જ સુખ આપતી હોય છે.શખાસ કરીને સંબંધોની બાબતમાં આપણને છોડીને ગયેલા વ્યકિતઓ વિશે સતત માહિતી મેળવતા રહેવું, એમના સ્ટેટ્સ જોતા રહેવું આ બધુ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબજ હાનિકારક હોય છે. અમુક લોકો નું કામ જ દુનિયાને ભ્રમિત કરવાનું હોય છે.શકદાચ એવું પણ બને કે સામેની વ્યકિત જાણતી હોય કે તમે એનાં જીવનમાં ડોક્યું કરી રહ્યા છો એટલે એ જાણી જોઈને તમને પીડા આપવા માટે તમારી પાસે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એવી માહિતી મોકલવાનો પ્રયત્ન કરશે જે તમને વધુ દુઃખી કરે. દુનિયા દિવસે ને દિવસે આભાસી બનતી જાય છે.આ બધાની વચ્ચે નક્કર માણસ શોધવો મુશ્કેલ છે.
એક યુવતીની વાત છે. એનાં પ્રેમી સાથે બ્રેક અપ થાય છે.બંને છૂટા પડે છે. પેલો પ્રેમી બીજી કોઈ યુવતીનાં પ્રેમમાં પડે છે. આ બાજુ પેલી યુવતી બ્રેક અપની પીડાથી ઉભરવા માટે મથામણ કરે છે. રોજ એક્સ પ્રેમીનાં વોટ્સપ સ્ટેટ્સ જોયે રાખે છે અને વધારે દુઃખી થતી જાય છે. જ્યારે જ્યારે એ એનાં એક્સ બોયફ્રેડ વિશે કશુંક જાણે છે ત્યારે ત્યારે એ તૂટી પડે છે. આ બાજુ પેલો ભાઈ પણ અમુક વાર જાણી જોઈને એવાં સ્ટેટ્સ મૂકવાનો પ્રયત્ન કરે છે કે જેનાં થકી એ સાબિત થાય કે એ ખુશ છે અને પોતાની નવી જિંદગીમાં સેટલ છે. યુવતી પક્ષે દિવસે ને દિવસે સમસ્યા વધતી જાય છે. આમાંથી નિકળવા માટે એ પોતાના એક મિત્રની સલાહ લે છે. એનો મિત્ર આખી વાત સાંભળી એને ખૂબજ સરસ સલાહ આપે છે. એ કહે છે કે એને પેલા ભાઈનો નંબર ડીલીટ મારીને સોશિયલ મીડિયાનાં દરેક પ્લેટફોર્મ પરથી એને અનફ્રેન્ડ કરવાની સલાહ આપે છે.શએ એને સમજાવે છે કે જે વ્યકિત હવે જીવનમાં છે જ નહીં એનાં વિશે જાણીને જીવ બાળવાનો કોઈ જ અર્થ નથી. દેખવું અને દાઝવું એનાં કરતાં દેખવું જ નહી કે જેથી દુઃખને જરા પણ જગ્યા ન મળે.










