यथा दीपो निवातो नेङ्गते सोपमा स्मृता }  


योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः }} ગીતા - 6.19  

જેવી રીતે પવન વગરની જગ્યાએ દીવાની જ્યોત જરાય હલતી નથી, તેવી જ રીતે આત્મલીન રહેલા યોગીની સ્થિતિ હોય છે. ગયે વખતે જોયું કે મગજ પણ થાકી જાય, એની સરકીટની સ્વીચ ઓન/ ઓફ્ થાય એનો ય થાક લાગે, કોઈ નિર્ણય લેવાનો હોય તો ય થાક લાગે. એટલે તો ફાલતુ ચોઈસ- આ સાડી પહેરું કે પેલી એમાં લાગતો થાક સફ્ળ વ્યકિતને ન પરવડે. તમે એપલના સ્ટીવ જૉબને કાળું ટીશર્ટ પહેરેલ જ જોયા હશે, કારણ એની પાસે બધા કાળા ટીશર્ટનો જ વોર્ડ રોબ હતો, નો ચોઈસ! એ પોતાની નિર્ણયશક્તિનો ઉપયોગ, વધુ સારા , મહત્વના કામ માટે સાચવી રાખતા, ફાલતુ કામ માટે નહિ! નાના નાના કામમાં ય રોજ નિર્ણય કરવા પડે તો થાકી જવાય. અને એટલા માટે જ રસોડામાં કે ફેક્ટરીમાં એક 'સિસ્ટિમ' હોવી જોઈએ કે ખોટું મગજ ન દુખે કે- 'સાંજે શું બનાવું?' મગજને નિર્ણય કરવામાં ય ગ્લુકોઝ વાપરવો પડે! કયા રોડ પર જવું, કયો મેસેજ પહેલાં વાંચવો, કેટલાં 'જેસી ક્રિશ્ના' ના જવાબ આપ્યા કરવા!   

આજે આ લેખમાં જોઈએ કે મગજ કેટલું ફાસ્ટ ચાલી શકે છે. એક સેકન્ડના 120 મીટરની ઝડપે મગજ સિગ્નલ મોકલે. પણ તાંબાના વાયરમાં તો આવા સિગ્નલ આના કરતા દસલાખ ગણી ઝડપે પસાર થાય! મગજ એના કરતા ધીમું છે કારણ મગજમાં સિગ્નલ પસાર થવા ઈલેક્ટ્રીસિટી જ નહિ કેમીસ્ટ્રી પણ જરુરી. નાના નાના કેમિકલ સિગ્નલ , બે કોષોની વચ્ચેની સાવ નાની નાની જગ્યાઓમાં કૂદે , અને એમાં જ વધારે સમય લાગે છે. આ વાત તમારી વિચાર કરવાની ઝડપ પર કાબૂ રાખે છે, તમે ખૂબ સખત પ્રયત્ન કરો એટલે આ ઝડપ વધે ?   

હવે ખાસ ધ્યાન દઈને વાંચો, જો તમારે તમારા મગજની એફ્શ્યિન્સી વધારવી હોય તો!   

પણ, એ કોઈ જાદુઈ છડી નથી!   

તમારું મગજ ફ્ક્ત ને ફ્ક્ત પ્રેક્ટિસથી ઝડપી થઈ શકે. ઈલેક્ટ્રિક વાયર આસપાસ જાડું પ્લાસ્ટિકનું કોટીંગ હોય છે એમ જ આપણા મગજની ગલીકૂંચીઓ પર પણ આવું ચરબીનું કોટિંગ હોય છે. આ કોટિંગ જેટલું વધારે તેમ સિગ્નલ ઝડપથી પસાર થઈ શકે. જે વાત- જે વિષય - જે કલામાં તમે વધારે ને વધારે કામ કરો તેમ મગજના એ માર્ગો પર જાડું કોટિંગ થયા કરે . કોઈ એક ગણિતજ્ઞ હોય એના મગજમાં, નવા નવા નિશાળિયા કરતાં ગણિતના કોયડા ઉકેલવાના માર્ગો પર કોટિંગ વધારે હોય. અને એટલે એ કોયડાના ઉકેલ એમને માટે ચપટીનો ખેલ. એવું જ સંગીતકારનું, એટલે જ સંગીતમાં રીયાઝનું બહુ મહત્વ છે. પ્રેક્ટિસનો કોઈ વિકલ્પ નથી. કોઈ પણ વાતમાં તમને રસ હોય પણ પછી એમાં સતત પ્રેક્ટિસ કર્યા કરો તો એ પ્રેક્ટિસથી મગજમાં એના એવા મારગ બને કે દોડતાં હતાં ને ઢાળ મળે! પિકાસો જેવો ચિત્રકાર ઘડીકમાં કોઈ ચિત્ર તમારી સામે જ બનાવી નાખે તો તમને અહોભાવ થાય પણ એણે કરેલી પ્રેક્ટિસ આપણે જોઈ નથી. અને એક સુખદ સમાચાર એ કે આ પ્રેક્ટિસ તમે કોઈ પણ ઉંમરે શરુ કરી શકો. તમારું મગજ તો 'સુધરવા' માટે હમેશા તૈયાર હોય છે, જો તમે પ્રેક્ટિસ કરો તો.   

હવે મેમરીની, યાદશકિતની વાત કરી લઈએ. આ લખનારે પોતે વિદ્યાર્થી અવસ્થામાં અનુભવથી શીખેલી વાત- ગોખેલું એટલે કે એક વાત તરતોતરત વારંવાર વાંચીને યાદ કરવાનો પ્રયત્ન , ગોખણપટ્ટી બની જાય. પણ ધારોકે, આજે એક વિષય શીખ્યા એને આજે તો ફ્કત સંપૂર્ણ સમજવાનો જ પ્રયત્ન કરવાનો , સમજવા માટે જરુરી હોય તો એ વિષયને નાના નાના મુદ્દાઓમાં વહેંચી, એ મુદ્દા કયાંક તરત નજર પડે ત્યાં ટપકાવી લેવા. પછી બીજે ત્રીજે દિવસે યાદ કરવા પ્રયત્ન કરવો- કયાં ભૂલાઈ જવાય છે એ જોઈ, ફરી વાંચવું. આમ ત્રણેક વાર થોડા સમયના અંતરે વાંચેલું યાદ રહી જાય છે. કોઈ સ્પીચ આપવી હોય તો આખી યાદ કરી પછી ભૂલી જવી, સાવ રીલેક્સ થઈ જવું પછી ગોખેલી છે એવું ન લાગે તે રીતે બોલવી. વિચારોના મણકા યાદ રાખવા, એક મણકાંનું બીજા સાથે કનેક્શન ઊભું કરવું.   

હવે એક બહુ અગત્યની વાત. તમે કોઈ પણ વસ્તુ પર ફેકસ કર્યા વગર આમ જ નવરા બેઠાં હો ત્યારે તમારા મગજમાં એક અજબ પેટર્ન ઊભી થાય છે- જેને વૈજ્ઞાનિકોએ નામ આપ્યું છે-  

Default Mode Network(DMN) -   

જ્યારે તમે આમ જ સુનમુન બેઠાં હો, દીવાસ્વપ્નો જોતા હો, આકાશ તાક્યા કરો અથવા તમારે મગજને છુટું 'ચરવા' મોકલી દો, ત્યારે આ DMN મગજનો કબજો લઈ લે. અહીંભયજનક વાત એ છે કે આવી પેટર્નમાં આવી ગયેલું મગજ , શાંત નથી, આરામ કરતું નથી પણ આડેધડપણે વધારે પડતું સક્રિય બની ખૂબ જ શકિત વાપરે છે, માણસ આમ જ થાકી જાય. બૅકગ્રાઉન્ડમાં આમ ગોળ ગોળ નકામા વિચારો ચાલ્યા જ કરે, માણસ ડીપ્રેશનમાં ય ચાલ્યું જાય. આ સ્થિતિ એટલે ભટકવાની વાત,ખાલીખોટા 'હુ' ની આસપાસ ઘૂમતી વાત.પણ, જે લોકો ધ્યાન કરતા હોય એમને તરત ખબર પડી જાય કે હવે આ મારું મગજ 'ચકરાવ' ચડી ગયું છે, હવે એને શાંત કરવું પડે. DMNની એક અલગ પોઝીટીવ બાજુ પણ જાણી લઈએ, ઘણીવાર બુદ્ધિશાળી- જીનિયસ માણસનું ભટકતું મગજ એવા એવા ન્યૂરોનના તાર જોડી દે કે નવી શોધ થઈ જાય! પણ એ તો જીનિયસ મગજની વાત થઈ. ઘણીવાર ભૂમિતિના કોયડા, શાવરમાં ઉકેલી દેવાય, આ ય તમારા DMNનું જ કામ છે, પણ રચનાત્મક . જ્યારે તમે પ્રયત્નપૂર્વક કોઈ ઉકેલની પાછળ ન પડયા હો ત્યારે તમારી 'પીઠ પાછળ' એ અચાનક સરકીટ જોડી ઝબકારો કરી દે! એટલે બધા મગજ ભટકતા જ હોય એવું નથી, ક્ષિતિજમાં તાકી રહેતો વૈજ્ઞાનિક કશુંક નવું શોધી ય નાખે.   

તો કરીએ હવે 'ધ્યાન'ની વાત. ન્યૂરોસાયન્ટિસ્ટોએ જોયું છે કે -'ધ્યાન' આ DMNને નિષ્ક્રિય કરી નાખે છે. પણ..પણ .. કેવું ધ્યાન? જેને જે. કૃષ્ણમુર્તિ કહેતા- ધ્યાન એટલે વહેતા જીવનથી પરાણે ભાગવું -એવું નથી. ધ્યાન તો સતત રહે, જીવનમાં વ્યવસ્થા અને સ્પષ્ટતા હોય તો. વાતેવાતમાં ઘર્ષણ ચાલતા હોય તો ધ્યાન ફ્કત ભાગી છૂટવાનું બહાનું થઈને રહી જાય. મગજ બધી જૂની યાદો, પૂર્વગ્રહો , ભવિષ્યની કલ્પનાઓ અને ચિંતાઓથી અલગ થઈ જાય ત્યારે વિચારક અને વિચાર અલગ નથી રહેતા, અને ત્યારે જ - એ ક્ષણે જ અનંતમાં સ્થિર થઈ જવાય. ધ્યાન એટલે 'open-monitoring or*choiceless*awareness-' ધ્યાન કાંઈ યંત્રવત્ પ્રેક્ટિસ નથી. કે કોઈ પરિણામલક્ષી વાત પણ નથી. સીધેસીધું ધ્યાન લગાવવાની વાતો કરવી, પ્રેક્ટિસ કરવી એના કરતાં પહેલાં તો જે કામ કરતા હો , જે પ્રવૃત્તિ ગમતી હોય, એમાં ય ધ્યાન લાગે છે કે નહિ તે જોવું પડે. જ્યારે હાથ પર લીધેલા કામ પર ધ્યાન લાગવાનું શરું થાય એટલે DMNની નેગેટિવ અસર નાબૂદ થાય, મગજ ખોટી, નકામી વાતોના જ વિચારોમાં – એની loopમાં ન ફ્સાઈ જાય.   

ખરેખર જે ધ્યાન લાગે તે સાક્ષીભાવમાં રહીને મન, અભ્યાસ કરતું કરતું કોઈ જ વિચાર કરવાનું બંધ કરે, અને *choiceless*awarenessની સ્થિતિમાં આવી જાય.choiceless*awareness એટલે આજુબાજુ જે બને તેનો સાક્ષીભાવ, કોઈ 'રીએક્શન' નહિ-Choiceless- ધીમેધીમે એ સાક્ષીભાવ પણ દૂર થાય અને હું - વિચારક પોતે ઓગળી જાય.   

આધુનિક ન્યૂરોસાયન્સ પ્રયત્ન વગરના ધ્યાનમાં માને છે. એમાં mindfulness વધે છે. ધ્યાન કાંઈ આળસભર્યો આરામ નથી, એનાથી તો તમને ટ્રેઈનિંગ મળે, તમારા મગજમાં કયારે અને શા માટે 'વિચાર વમળો' સર્જાય છે, એનાથી તમે કેટલાં થાકી જાઓ છો, એમાંથી બહાર નીકળી જાઓ ત્યારે કેટલાં ઉર્જાવાન બનાય છે, આ બધી વાતનો આપણને પોતાને ધીમે ધીમે ખ્યાલ આવવા મંડે. . જો તમે આમને આમ જ કોઈ એક મંત્ર જપ્યા કરો તો એ મિકેનિકલ બની જાય એવી શક્યતા છે. ખરેખર તો મંત્ર વચ્ચે જે ખાલી જગ્યા-pause આવે જેમાં કોઈ જ વિચાર ન આવે એ ધ્યાન માટેનું પહેલું પગથિયું.   

મગજ પોતે પોતાની મેળે વ્યવસ્થિત થયા કરે છે, જેને ન્યૂરોસાયન્સ -neuroplasticity- કહે છે. આખી જિંદગી , મગજ નવા ન્યૂરલ કનેક્શન પણ બનાવે છે, આમાં ધ્યાનથી મદદ મળી શકે, આ પ્રોસેસ શાંત મગજમાં થવાની શક્યતા વધુ. મગજનું મૌન-ખરી મગજની શાંતિ આપોઆપ આવે, પરાણે પ્રયત્ન કરવાથી ન આવે. મગજ અને મન બંને સમજે કે વિચારોની અને સ્પેસટાઈમની મર્યાદા છે, કયાં સુધી રખડવું- ત્યારે બધા ઉભરા શમે, આમ જ ધ્યાન લાગી જાય.   

વર્તમાનમાં રહેવાની વાત, કશું બદલી નથી નાખવું, પણ અત્યારે જ્યાં છીએ એની જાણ થાય. ધ્યાન વિષે તો એટલું બધું લખાયું છે, બોલાયું છે અને શિબિરો થયા કરે છે. પણ એવું ય જોવા મળે કે શિબિરમાં લાગતું ધ્યાન કે હળવાશ પછી ઘરે આવીને નથી રહેતી. એટલે અહીં આપણો કેઈસ આપણાં જ હાથમાં રહે તો કાયમી પરિણામ આવે.   

---------------


એક સાધકે ગુરુને પૂછયું,'જો હું ધ્યાનની પ્રેક્ટિસ કરું તો મને આત્મજ્ઞાન કેટલા સમયે મળી શકે? 

ગુરુ કહે- 'દસ વરસે'  

શિષ્ય : 'જો હું બમણી પ્રેક્ટિસ કરું તો?'  

ગુરુઃ 'વીસ વરસે!'  


  • Follow us on: