નવરાત્રિનો આરંભ થઈ ચૂક્યો છે.

દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓનો આ પવિત્ર તહેવાર છે. નવરાત્રિ તે મા દુર્ગાના નવસ્વરૂપોની આરાધનાનું પર્વ છે. મા દુર્ગાના નવ સ્વરૂપો અલગ અલગ નામે ઓળખાય છે. તેમાંનું એક સ્વરૂપ મા અર્બુદા-મા કાત્યાયની પણ છે. મહિષાસુર રાક્ષસનો વધ કરનાર અર્બુદાદેવી કાત્યાયની તરીકે પણ ઓળખાય છે 

શ્રી મા અર્બુદાનું અવતરણ (કાત્યાયની મા : છઠ્ઠો અવતાર): આંજણા પાટીદારોનાં કુળદેવી મા અર્બુદા છે. તેઓ મા કાત્યાયની તરીકે પણ ઓળખાય છે. મા કાત્યાયની નવદુર્ગાનો છઠ્ઠો અવતાર છે. આંજણાઓના કુળદેવી આબુ પર્વત પર બિરાજમાન છે. તેમનું મંદિર અદ્વરદેવી તરીકે પણ જાણીતું છે. અર્બુદાચલ આબુનું ઋગ્વેદમાં અર્બુદાપર્વત તરીકે વર્ણન છે. આબુગિરિ પર્વત પવિત્ર તપોભૂમિ છે. હજારો વર્ષોથી આ પર્વત ઋષિમુનિઓ માટે તપ કરવાનું સ્થળ રહ્યું છે, આબુ પર્વત પર ઋષિમુનિઓ તપૃર્યા કરતા હતા. યજ્ઞ યાગ કરતા હતા. ઋષિ મુનિઓ દેવી દેવતાઓને રાક્ષસો ત્રાસ આપતા હતા. તેમનો યજ્ઞ બંધ કરવા વિઘ્ન નાખતા હતા. ત્યારે ઋષિ મુનિઓ અને દેવો બ્રહ્મા પાસે ગયા અને પ્રાર્થના કરી કે 'મહિષાસુર નામનો રાક્ષસ અમને ત્રાસ આપે છે. અમારા હોમ હવનમાં હાડકાં નાખે છે'. 

ત્યારે બ્રહ્માએ કહ્યું કે 'મેં તેને વરદાન આપ્યું છે કે તેનું મોત પુરુષના હાથે નહીં થાય. તેણે મને પણ યુદ્ધ કરવાનું આહ્વાન કરતાં કહ્યું હતું કે હે બ્રહ્મા મારી સાથે યુદ્ધ કર અથવા પાતાળમાં ચાલ્યો જા.' 

તે પછી બ્રહ્મા વિષ્ણુના શરણે ગયા હતા. વિષ્ણુ ભગવાને પણ તેની સાથે વર્ષો સુધી યુદ્ધ કર્યું પણ મહિષાસુરને જીતી શક્યા નહીં. 

 ફરીથી ઋષિઓ બ્રહ્મા પાસે ગયા ને વિનંતી કરી ત્યારે બ્રહ્માએ કહ્યું કે 'પુરુષના હાથે મોત નહીં થાય તેવું વરદાન મેં જ આપ્યું છે'. 

એ પછી સર્વ ઋષિમુનિઓ બ્રહ્મા સાથે વિષ્ણુ ભગવાનને શરણે ગયા. ભગવાન વિષ્ણુએ કહ્યું કે તેનું મોત સ્ત્રી શક્તિથી થશે. ત્યારે ભગવાને કહ્યું કે 'તેના માટે હવે સર્વ દેવોના તેજરૂપ સંપત્તિવાળી કોઈ સ્ત્રી પ્રગટ થાય તો જ તે મહિષાસુરનો સંહાર કરી શકશે. વરદાનથી ગર્વિષ્ઠ થયેલો અને સેંકડો માયાઓમાં કુશળ એવા મહિષાસુરને મારવા આપણી સૌની શક્તિઓના અંશમાંથી પ્રગટેલી સ્ત્રી જ સમર્થ હશે માટે આપણે સૌ પ્રાર્થના કરીએ કે જેથી આપણા તેજના અંશોમાંથી સ્ત્રી પ્રગટ થાય' 

 દેવોના દેવ વિષ્ણુએ કહ્યું એ પછી બ્રહ્માના મુખમાંથી અલૌકિક તેજ પ્રગટ થયું. એ તેજ લાલ વર્ણવાળું શુભ આકારનું પોખરાજ મણિ સમાન કાંતિવાળું કંઈક શીતળ કંઈક ગરમ અનેક કિરણોના સમુદ્રથી સુશોભિત હતું. ભગવાન વિષ્ણુ અને શંકરે તે જોયું ત્યારે મોટા પરાક્રમવાળા તે બંને વિસ્મય પામ્યા ત્યાં જ ભગવાન શંકરના શરીરમાંથી મહા અદભૂત તેજ નીકળ્યું. જે રૂપના વર્ણનમાં તીવ્ર, જોવું મુશ્કેલ, મહા, ઉગ્ર, મહા ભયંકર, દેવોને વિસ્મય પમાડતું ઘોર દેખાવનું પર્વત જેવું અને બીજા તમોગુણ હોય તેવું હતું. 

ત્યાર બાદ ભગવાન વિષ્ણુના શરીરમાંથી તેજનો પુંજ હોય તેવું કાળું, સત્વ ગુણથી યુક્ત અને મોટી ક્રાંતિવાળું તેજ પ્રગટ થયું. ત્યાર બાદ ઈંદ્રના શરીરમાંથી રંગબેરંગી દેખાવનું અદૃશ્ય, સારી રીતે ગોળ અને સર્વગુણ સંપન્ન એવું તેજ પ્રગટ થયું. તે જ પ્રમાણે કુબેર, યમ, અગ્નિ તથા વરુણ દેવના શરીરમાંથી ચારેબાજુએથી મોટું તેજ નીકળ્યું અને અને બીજા દેવોના શરીરમાંથી પણ અતિશય પ્રકાશ અને મહા ઉજ્વલ મોટા તેજનો પુંજ પ્રગટ થયો. બીજા હિમાલય જેવો મહાદિવ્ય એ શક્તિ પુંજને જોઈ સર્વ દેવો વિસ્મય પામ્યા. ત્યાં જ દેવોની હાજરીમાં તેજના એ પુંજમાંથી અતિ ઉત્તમ, સર્વગુણ સંપન્ન, સર્વાંગ સુંદર રૂપવાન અને સુંદર સ્ત્રી પ્રગટ થયા. 

બધા દેવ-દેવતાઓના શરીરમાંથી ઉત્પન્ન થયેલા તે દેવી ત્રણ ગુણોવાળા, ચાર ભુજાથી શોભતાં, જગતને મોહ પમાડનાર, ધવલ મુખારવિંદવાળા, કાળા કાજલનાં આંજણ કરેલ, કાળા નેત્રવાળા, અત્યંત લાલ અધરોષ્ટવાળા, હાથના લાલ પંજાવાળા, સુંદર અને દિવ્ય શણગાર ધારણ કરેલાં હતાં. અનેક રૂપ ધારણ કરતાં અઢાર ભુજાઓ વાળાં તે દેવી, જાણે હજારો ભુજાઓથી શોભતાં હતાં. તેમનામાં સર્વદેવોનું તેજ એકરૂપ થયું હોવાથી તે અલૌકિક હતાં. ભગવાન વિષ્ણુના વચનો સાંભળી તે સમયે બધા દેવોએ ખૂબ જ હર્ષ પામીને અલંકારો, વસ્ત્રો તથા પોતાના હથિયાર, અસ્ત્ર-શસ્ત્ર, આયુધો અર્પણ કર્યા, ક્ષીર સમુદ્રએ પ્રસન્ન થઈને રાતાં સૂક્ષ્મ અને જૂનાં ન થાય તેવાં દિવ્ય વસ્ત્રો પણ દેવીને આપ્યાં અને સુવર્ણ તથા હીરા માણેક જડિત એક દિવ્યહાર પણ દેવીને અર્પણ કર્યો. વિશ્વકર્માએ એક સૂર્ય સમાન દિવ્ય મુગટ, બે ચળકતાં કુંડળો, હાથનાં કડાં, બાજુબંધ અને જાતજાતના રત્નોથી સુશોભિત કંકણો દેવીને આપ્યાં. પગમાં પહેરવાના બે સુંદર રત્નજડિત ઝાંઝર આપ્યા. મહાસાગરે દેવીને ગળામાં પહેરવા સુંદર કંઠી આપી. સર્વ દેવોએ આભૂષણ તથા વીંટીઓ આપી. આ દેવી તે જ મા કાત્યાયની- મા અર્બુદા. ભગવાન શંકરે તેમનું ત્રિશૂળ તથા અન્ય દેવોએ ધનુષ્ય બાણ, તલવાર, ફરસી જેવાં અનેક શસ્ત્રો અર્પણ કર્યા. જેના એક અવાજથી આખી ધરા ધ્રૂજી ઊઠે તેવા સોના વર્ણવાળો, સૂર્યની આભા જેવો એક સિંહ સવારી માટે આપ્યો. સિંહ વાહીની માતા હથિયાર અને આયુધો તથા શોળ શણગારથી શોભતાં દેવીએ પ્રથમ લક્ષ્મીરૂપ ચારભુજા અને ત્રણ ગુણવાળા શોભતાં અલોકિક સ્વરૂપવાન કન્યાએ અર્બુદાચલ ઉપર નિવાસ કર્યો. આ સ્વરૂપવાન કન્યા ઉપર મહિષાસુર મોહિત થયો અને મહિષાસુરે તેમને લગ્ન કરવાનું જણાવ્યું ત્યારે આ શક્તિરૂપ કન્યાએ મહિષાસુરને લગ્ન ના કરવાં બાબતે ઘણો સમજાવ્યો તેમજ અન્ય લાગણીઓ બતાવી પરંતુ મહિષાસુર માન્યો નહીં ત્યારે આ લક્ષ્મીરૂપ કન્યાએ ચંડીકારૂપ ધારણ કર્યું અને મહિષાસુરને આહ્વાન કરતા કહ્યું કે 'મહિષાસુર, તું મને યુદ્ધમાં હરાવે તો હું તારા સાથે લગ્ન કરીશ' મહિષાસુર અને લક્ષ્મીરૂપ કન્યા વચ્ચે મહાયુદ્ધ થયું. મહિષાસુરે યુદ્ધ દરમિયાન અનેક સ્વરૂપો ધારણ કર્યા. તેમજ પાડાનું રૂપ ધારણ કરી લડયા. યુદ્ધમાં મહિષાસુરનું લોહી જમીન ઉપર પડે તેમાંથી અનેક અસુરો પેદા થવા લાગ્યા ત્યારે મહાચંડીકાએ ભયંકર કાળીરૂપ ધારણ કરી તેમની જીભ ઉપર પાથરીને અસુરો પેદા થતા બંધ કર્યા. આમ ચંડીકારૂપ ધારણ કરતાં મહિષાસુર યુદ્ધમાં માર્યો ગયો. દેવો ઋષિમુનિઓ હર્ષઘેલા થઈ ગયા અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી માનો જય જયકાર કર્યો. 

 સર્વ દેવો, ઋષિમુનિઓએ માતાજીને પ્રાર્થના કરી કે 'અમને તમારા શરણમાં કાયમ રાખો' 

ત્યારે મા અર્બુદાએ આબુ પર્વત ઉપર ઊંચી ગુફમાં નિવાસ કર્યો. ઊંચા ગઢમાં બિરાજમાન હોવાથી 'અધ્ધર દેવી' તરીકે પણ ઓળખાય છે. તથા ઋષિ કાત્યાયનીના આશ્રમમાં પ્રગટ થયા હોવાથી કાત્યાયની પુત્રી તરીકે પણ ઓળખાય છે, આબુગઢ અર્બુદાચલ તરીકે પણ પ્રખ્યાત થયો છે. શ્રીમા ભગવતી અનેક નામથી પૂજાય છે. આરાસુરમાં મા અંબાજી તરીકે પૂજાય છે. અહીં યંત્રની પૂજા થાય છે. જેની આશા પૂર્ણ કરે તેવા મા આશાપુરા તરીકે કચ્છમાં પૂજાય છે. અર્બુદાચળ પર્વત આબુગઢ પહાડની ટોચ ઉપર ગુફમાં રાક્ષસોનો નાશ કરવા સર્વ દેવોની શક્તિથી આબુ ઉપર કાત્યાયની ઋષિના આશ્રમમાં પેદા થવાથી મા કાત્યાયની તરીકે પણ ઓળખાય છે. મા કાત્યાયની (મા અર્બુદા) બીરાજેલ છે ત્યાં આબુથી ઉત્તર દિશાએ 6 માઈલ ઉપર કાશીન્દ્રા ગામની પાસે મંદાકિની નદી વહે છે. તેના કાંઠે કાશીવિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાંનું મહત્ત્વ કાશી જેટલું છે. ત્યાં જમદગ્ની ઋષિનો આશ્રમ અને માર્કંડેય ઋષિનો આશ્રમ આવેલ છે તથા પિંડવાળા નજીક અંજારા ગામ આવેલ છે. ત્યાં આબુગઢથી શ્રી કાત્યાયની અર્બુદા માતાજી અંજારા ગામ આવેલ ત્યાં મંદિર છે. અસુરોને મારવાથી આરાસુર નામ થયેલ છે. ત્યાંથી માતાજી ત્રંબાવટી નગરી અંબાજી ગયેલ છે. જેથી ત્યાં પણ આરાસુર અંબાજી તરીકે પૂજાય છે. 

 પરમાર ક્ષત્રિય શાખાના આંજણા ચૌધરીઓના ગોત્રદેવી હરસિદ્ધ માતા છે તે ઉજ્જૈન બિરાજે છે. હરસિદ્ધ માતાના સાંનિધ્યમાં ધારાનગર રાજ્ય સ્થાપવાથી ગૌત્ર દેવી તરીકે સ્વીકારેલ છે. આજે પણ દરેકના ઘરમાં ગોત્ર દેવી તરીકે પૂજાય છે. ધારાનગર (ઉજ્જૈન)માં ધારમાતાની પ્રાણપ્રતિષ્ઠા ઘોમરખ પરમારે કરાવી જેથી પરમારકુળના હરસિદ્ધ માતા એજ ધારાનગરના નામથી ધારમાતાના નામે ઓળખાય છે. ધારાનગરથી પરમારો આબુ ચંદ્રાવતીમાં આવ્યા તે વખતે બાલારામ મહાદેવથી ત્રણ કિલોમીટર દૂર ધારાનગરી વસાવી ત્યાં નદીકાંઠે ધારમાતાજીનું મંદિર બન્યું હોવાનું કહેવાય છે.