એક બાજુ પરમાણુ શસ્ત્રો નહીં બનાવવાને મામલે જ્યારે અમેરિકાએ ઈરાન પર હુમલા કર્યા છે. ઈરાનને ખોખરૂં કરીને તેનાં સમૃધ્ધ યુરેનિયમને પચાવી પાડવા અને તે ભવિષ્યમાં અણુ બોમ્બ નહીં બનાવે તેવી ખાતરી મેળવવા ઈરાન સાથે યુધ્ધ આદર્યું છે. આવા સમયે ભારતે તેની પરમાણુ નીતિમાં ધરખમ ફેરફાર કર્યા છે. અને આમાં કશું ખોટું પણ નથી. સમગ્ર વિશ્વમાં હાલ ભૂભૌગોલિક બદલાવ આવી રહ્યા છે. રાષ્ટ્રો - રાષ્ટ્રો વચ્ચેનાં સમીકરણો બદલાઈ રહ્યા છે. મિત્ર દેશો શત્રુ બની રહ્યા છે અને દુશ્મન દેશો એકબીજાનાં હીતો સાધવા હાથ મિલાવી રહ્યા છે. આવા સમયે જ ભારતે તેની દાયકાઓ જૂની અણુ નીતિને બાય બાય કરીને 12 પરમાણુ બોમ્બને લાઈવ સ્થિતિમાં તહેનાત કર્યા છે. અત્યાર સુધી એવું હતું કે ભારત પાસે અણુ શસ્ત્રો હતા પણ તેણે તહેનાત કર્યા ન હતા. સમૃધ્ધ યુરેનિયમનો ભંડાર તેણે આકસ્મિક સમયનાં ઉપયોગ માટે જાળવી રાખ્યો હતો. બદલાતા સમય સાથે તાલમેલ મિલાવવા અને ચીન તેમજ પાકિસ્તાન જેવા દેશોને પાઠ ભણાવવા માટે ભારતે તેની પરમાણુ નીતિમાં ફેરફાર કરવાની જરૂર હતી. ભારતે પહેલા તેના પડોશી દેશો અને પાકિસ્તાન તેમજ ચીન જેવા દુશ્મન દેશો સામે પણ પહેલો હુમલો નહીં કરવાની નીતિ અપવાની હતી. પાકિસ્તાન સીમા પારથી કાશ્મીરમાં આતંકવાદને પોષતું રહ્યું અને પહલગામમાં આતંકી હુમલો કરીને 26 નિર્દોષોનાં જીવ લીધા પછી પાકિસ્તાનને તેની હેસિયત બતાવવા માટે ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાક.માં ધમધમતા આતંકી અડ્ડાઓ અને આતંકીઓનો નાશ કર્યો હતો. પાક.નાં 9 લશ્કરી થાણા અને 6થી 7 એરબેઝને પણ ભારે નુકસાન પહોંચાડયું હતું. કયો દેશ આપણો મિત્ર છે અને કયો દેશ દુશ્મન છે તે નક્કી કરવું મુશ્કેલ છે ત્યારે ભારતે ઓપરેશન સિંદૂર પછી અણુ બોમ્બ તહેનાત કરવાની પણ જરૂર છે. ભારત પાસે કુલ 190 અણુ બોમ્બ છે તેમાંથી 12 અણુ બોમ્બ તહેનાત કરવામાં આવ્યા પછી 178 અણુ શસ્ત્રોને હજી સ્ટોરમાં રાખી મુક્યા છે. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરતા ભારત હવે લેશમાત્ર ખચકાટ અનુભવશે નહીં. ભારતે આ પરમાણુ શસ્ત્રોને બે અણુ સબમરિનમાં તહેનાત કરી છે જે ભારતની દરિયાઈ સીમા પર દિવસ રાત પેટ્રોલિંગ કરીને ચોકીપહેરો કરતી રહે છે. પાકિસ્તાન પાસે 170 અણુ શસ્ત્રો કે બોમ્બ છે. ભારતે તેનાં અણુશસ્ત્રો તહેનાત કરવા માટે હવાઈ માર્ગે પ્રહાર અને જમીન પરથી પ્રહારને બદલે પાણીમાંથી દુશ્મન દેશો પર અણુ હુમલો કરવાની સિસ્ટમ પસંદ કરી છે. આમ જોવા જઈએ તો તેમાં કશું ખોટું પણ નથી. ભારતનાં આ પગલાંથી ચીન અને પાકિસ્તાનના શાસકોનાં ધબકારા વધી ગયા છે. 


  • Follow us on: