રમેશ પટેલ, નિવૃત આચાર્ય, કડી, જી.મહેસાણાઃ આજનો શિક્ષક પહેલાંના શિક્ષક જેવો નથી રહ્યો. આવું શા માટે? તેમાં વાલી અને સરકાર જવાબદાર છે કે માત્ર શિક્ષક?


આધુનિક સમયમાં વાલીઓ,સમાજ અને સરકારની માનસિકતા બદલાઈ છે, તેમ શિક્ષકોની માનસિકતામાં પણ નોંધપાત્ર ફેરફારો આવ્યા છે. એક સમય હતો જ્યારે શિક્ષક માત્ર નોકરી કરનાર વ્યક્તિ નહોતા. તેઓ સમાજના ઘડવૈયા, મૂલ્યનિર્માતા અને માર્ગદર્શક તરીકે ઓળખાતા હતા. આજે પણ ઘણા શિક્ષકો આ ભૂમિકા નિષ્ઠાપૂર્વક નિભાવે છે, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં આવેલા પરિવર્તનોને કારણે શિક્ષકોની વિચારસરણી અને કાર્યપદ્ધતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ડૉક્ટર દર્દીને સાજા કરે છે, ઇજનેર ઇમારતો ઊભી કરે છે, વકીલ ન્યાય માટે લડે છે, પરંતુ શિક્ષક એવી વ્યક્તિ છે જે આવતીકાલના ડૉક્ટર, ઇજનેર, વકીલ, વૈજ્ઞાનિક અને નેતાઓનું નિર્માણ કરે છે. તેથી જ ભારતીય પરંપરામાં શિક્ષકને માત્ર કર્મચારી નહીં પરંતુ *ગુરુ* તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. અહીં હતું શબ્દ વાપર્યો છે. એટલે કે અત્યારે ગુરુ તો નથી જ, પણ પ્રશ્ન એ છે કે શિક્ષક એ શિક્ષક છે કે કર્મચારી? એક સમય હતો જ્યારે ગામની શાળામાં શિક્ષક સાયકલ પર આવતો. તેની પાસે ન સ્માર્ટફોન હતો, ન કમ્પ્યુટર. છતાં સમાજમાં તેનું સ્થાન ઊંચું હતું. લોકો શિક્ષકને જોઈને ઊભા થઈ જતા. માતા-પિતા પોતાના બાળક વિશે શિક્ષક જે કહે તે અંતિમ સત્ય માની લેતા. આજે પરિસ્થિતિ જુદી છે. શિક્ષક પાસે ટેક્નોલોજી છે, સાધનો છે, તાલીમ છે, પરંતુ માનસિક શાંતિ અને સામાજિક સ્વીકારનો પ્રશ્ન વધુ જટિલ બન્યો છે.

છેલ્લા બે-ત્રણ દાયકામાં શિક્ષણ ક્ષેત્રમાં જેટલા ઝડપી પરિવર્તનો આવ્યા છે, એટલા કદાચ અગાઉ ક્યારેય આવ્યા નહોતા. ટેક્નોલોજી, વૈશ્વિકીકરણ, બદલાતી સામાજિક માન્યતાઓ, વાલીઓની વધતી અપેક્ષાઓ, સરકારી નિયમો અને શિક્ષણના વ્યાપારીકરણના કારણે શિક્ષકની ભૂમિકા પણ બદલાઈ છે. આ પરિવર્તનોની સીધી અસર શિક્ષકની માનસિકતા પર પડી છે. પ્રશ્ન એ નથી કે શિક્ષક બદલાયા છે કે નહીં. પ્રશ્ન એ છે કે તેઓ કેમ બદલાયા છે?

અગાઉ શિક્ષકની માનસિકતાનું કેન્દ્ર વિદ્યાર્થી હતો. તે વિચારતો કે આ બાળકને કેવી રીતે આગળ વધારવું? તેની અંદર રહેલી શક્તિઓને કેવી રીતે બહાર લાવવી? આજે પણ ઘણા શિક્ષકો એ જ ભાવના સાથે કાર્ય કરે છે, પરંતુ તેમની આસપાસની વ્યવસ્થા ઘણી બદલાઈ ગઈ છે. હવે શિક્ષકને વિદ્યાર્થી ઉપરાંત અનેક પ્રકારની ઓનલાઈન એન્ટ્રીઓ, રિપોર્ટ, ડેટા અપલોડ,અહેવાલો, મિટિંગો, સર્વેક્ષણો અને વહીવટી કામગીરીનો સામનો કરવો પડે છે. પરિણામે વિદ્યાર્થી સાથેનો જીવંત સંપર્ક ઘટયો છે.

એક સમય હતો જ્યારે ગામમાં શિક્ષકનું સ્થાન અત્યંત સન્માનજનક હતું. આજે પણ સન્માન છે, પરંતુ અગાઉ જેવો નિર્વિવાદ અધિકાર અને પ્રભાવ ઓછો થયો છે. ઘણા વાલીઓ શિક્ષક સાથે દાદાગીરી કરીને અપમાનજનક વર્તન કરે છે, શિક્ષકને સરકારી કર્મચારી ગણે છે. આ બદલાવથી શિક્ષકોની આત્મછબી અને કાર્યશૈલી બંને પર અસર પડી છે. આજે બાળકો કરતાં વાલીઓને સમજાવવાનું વધુ મુશ્કેલ બની ગયું છે. આ નિવેદન પાછળ હાસ્ય નહિ પણ હકીકત છે. અગાઉ શિક્ષક નિર્ણય લેતા પહેલાં વિચારતા કે *વિદ્યાર્થીના હિતમાં શું છે?* આજે ઘણીવાર વિચાર આવે છે કે *આ કરવાથી કોઈ ફ્રિયાદ તો નહીં થાય ને?* ફરિયાદો, સોશિયલ મીડિયા અને કાનૂની જટિલતાઓએ શિક્ષકોને વધુ સાવચેત બનાવ્યા છે. કોઈ શિક્ષકે વિદ્યાર્થીને હોમવર્ક પૂરું કરવા માટે કડક શબ્દોમાં સમજાવ્યો. બીજા દિવસે વાલી શાળામાં આવ્યા અને કહ્યું, *મારા બાળક સાથે ઊંચા અવાજે વાત કરવાનો તમને કોઈ અધિકાર નથી.* પ્રશ્ન એ નથી કે શિક્ષક સાચા હતા કે વાલી. પ્રશ્ન એ છે કે આ પ્રકારની ઘટનાઓ શિક્ષકના મનમાં એક ભય પેદા કરે છે. તે પછી શિક્ષક ઘણીવાર પહેલ કરતાં ડરે છે. ઘણા શિક્ષકોનું એક સામાન્ય વાક્ય સાંભળવા મળે છે - *કોઈ ફ્રિયાદ ન આવે એવું અને એટલું જ કરવું.* આ વાક્યમાં શિક્ષણની નહીં, પરંતુ સુરક્ષાની માનસિકતા દેખાય છે. અંતે આપણે ભણાવવું, વિદ્યાર્થીને ભણવું હોય તો ભણે, પણ કશું કહેવું નહિ.

એક સમય હતો જ્યારે વિદ્યાર્થી માટે શિક્ષક જ જ્ઞાનનો મુખ્ય સ્ત્ર્રોત હતા. આજે ઇન્ટરનેટ,AI અને ડિજિટલ માધ્યમો ઉપલબ્ધ છે. તેથી શિક્ષકની ભૂમિકા *જ્ઞાન આપનાર* કરતાં *યોગ્ય દિશા બતાવનાર* તરીકે બદલાઈ રહી છે. અગાઉ ઘણા શિક્ષકો શિક્ષણને ધ્યેય તરીકે જોતા હતા. પહેલાંનો શિક્ષક આદર્શવાદી હતો, આજે વ્યવહારવાદી બની ગયો છે. અગાઉ શિક્ષક શિક્ષણને મિશન તરીકે જોતા હતા. આજે ઘણા શિક્ષકો શિક્ષણને નોકરી તરીકે જુએ છે. જેમાં સ્થિરતા, પ્રમોશન, બદલી અને વહીવટી પ્રશ્નો વધુ પ્રભાવિત કરે છે. આ સંપૂર્ણપણે શિક્ષકોની ભૂલ નથી; સમગ્ર વ્યવસ્થાનો પણ પ્રભાવ છે. અગાઉ શિસ્તનો અર્થ આજ્ઞાપાલન અને નિયમપાલન માનવામાં આવતો. અગાઉ શિક્ષક કડક બની શકતો. શિક્ષકની હાજરી જ શિસ્ત માટે પૂરતી ગણાતી. આજે વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે, ચર્ચા કરે છે, પોતાની વાત રજૂ કરે છે. દલીલો કરે છે. આ પરિવર્તન લોકશાહી દૃષ્ટિએ સારું છે, પરંતુ તેની સાથે શિક્ષકને નવા પ્રકારની કુશળતાઓ પણ વિકસાવવી પડે છે. હવે માત્ર જ્ઞાન પૂરતું નથી; સંવાદ, માનસશાસ્ત્ર્ર અને સંબંધ વસ્થાપનની કળા પણ જરૂરી છે.

શિક્ષકની માનસિકતા બદલાઈ છે, પરંતુ શિક્ષકનો મૂળ સ્વભાવ હજુ પણ સંપૂર્ણપણે બદલાયો નથી. આજે પણ એવા હજારો શિક્ષકો છે જે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરે છે. શાળાના સમય પછી પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. વિદ્યાર્થીની સફ્ળતામાં પોતાનો આનંદ શોધે છે. આ શિક્ષકોની સંખ્યા જળવાઈ રહે તે માટે સમાજે જવાબદારી સમજવી પડશે. જો શિક્ષકને શંકાની નજરે જોઈશું, સતત તેની ટીકા કરીશું અને તેને માત્ર પરિણામોના આધારે માપીશું, તો ધીમે ધીમે શિક્ષણનું માનવીય પાસું નબળું પડતું જશે. શિક્ષણ માત્ર ગુણપત્રક બનાવવાની પ્રક્રિયા નથી; તે માનવ ઘડતરની પ્રક્રિયા છે.

આજે જરૂર છે કે શિક્ષક, વાલી અને સમાજ ફરિ એકવાર એકબીજાને વિરોધી નહીં પરંતુ સહયોગી તરીકે જુએ. બાળકના વિકાસ માટે આ ત્રણેયનું એકસાથે કાર્ય કરવું જરૂરી છે. શિક્ષકની બદલાતી માનસિકતા પર વિચાર કરતાં આપણે એ સમજવું જોઈએ કે જેમ વાલી, વિદ્યાર્થી,, ટેક્નોલોજી, સમાજ અને સરકાર બદલાયા છે, તેમ શિક્ષક પણ બદલાયો છે. અંતે પ્રશ્ન એ નથી કે શિક્ષક પહેલાના જેવા કેમ નથી. પ્રશ્ન એ છે કે શું આપણે તેમને પહેલાની જેમ વિશ્વાસ, સન્માન અને સહયોગ આપી રહ્યા છીએ?

અશોકીઃ જ્યાં સુધી સમાજ અને સરકાર શિક્ષકને સન્માન નહિ આપે અને કર્મચારી ગણશે ત્યાં સુધી બાળકમાં માહિતી આવશે પણ સંસ્કાર કે મૂલ્યો નહી આવે. જે સમાજ શિક્ષકોને માન આપે છે તે સમાજ જ્ઞાન, સંસ્કાર અને પ્રગતિમાં આગળ વધે છે.


  • Follow us on: