યુનોના પર્યાવરણ કાર્યક્રમ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાઇ રહ્યો છે અને તેનો મુખ્ય સૂર છે કે ભવિષ્ય માટે હજી મોડું નથી થયું. સન 1969માં રોમમાં જગતના 40 નિસબત ધરાવતા વિજ્ઞાનીઓ, અને બૌધ્ધિકો 'ક્લબ ઓફ્ રોમ'ના નામે એકત્ર થયા. તેમણે કહ્યું, *આ વૃધ્ધિની મર્યાદા છે. પૃથ્વીના સંસાધનો ખતમ થઈ જશે. તેનો અહેવાલ નેટ ઉપર Limits to Growthના નામે ઉપલબ્ધ છે. કશું ન થયું. 1972માં બેલ્જિયમમાં આ પૃથ્વી બચાવવા માટે પ્રથમ પરિષદ મળી. પછી કમિશન નિમાયું. તેનો અહેવાલ Our Common Future તેના અધ્યક્ષ અને બોલ્જિયમના પ્રધાન મંત્રી બ્રન્ટલેન્ડના નામે તેને બ્રન્ટલેન્ડ અહેવાલ કહેવાયો. નેટ પર વિના મૂલ્યે પ્રાપ્ય છે. વિકાસની દોડમાં પડેલા રાષ્ટ્રોએ કોઈ પગલાં ન લીધા. પછી 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં United Nations Conference onEnvironment and Development યોજાઇ. તે પછીAgenda-21 બહાર પડયું. તે પણ નેટ પર ઉપલબ્ધ છે. આ પરિષદમાં આ લેખકે ભાગ લીધો હતો અને હવે જગતે ટકાઉ વિકાસ તરફ્ આગળ વધવું તેવું સર્વાનુમતે નક્કી થયું હતું. સરકારોએ પર્યાવરણની રક્ષા માટે કાયદા બનાવ્યા અને સરકારી વિભાગો શરૂ કર્યા. પરંતુ પર્યાવરણના પ્રશ્નો વધતા ચાલ્યા. આથી યુનોએ સન 2000માં મિલેનિયમ વિકાસ ધ્યેયો (millennium development goals) જાહેર કર્યા અને 2010 સુધીમાં તે ધ્યેયોની પૂરતી માટે યુનોના સભ્ય રાષ્ટ્રોએ શપથ લીધા. પર્યાવરણ સંશોધનો અને અભ્યાસક્રમો વધ્યા. કાર્યક્રમો ઘડાયા. પરંતુ પ્રદૂષણ વધતું ચાલ્યું, કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ વધ્યું, વૈશ્વિક ગરમીનું પ્રમાણ વધ્યું, ઓઝોન પડ ભાંગતું જ રહ્યું, ભૂકંપ અને ચક્રવાત વધતા ચાલ્યા, સમુદ્રની સપાટી વધતી ચાલી અને નાના ટાપુઓ ડૂબી જવાની ભીતિ સર્જાઇ. હવામાન બદલાવ અને જીવન શૈલીમાં બદલાવ ના કારણે રોગો વધ્યા. શું છે આ ટકાઉ વિકાસ? ટકાઉ વિકાસ એટલે સંસાધનોના પુનઃ નિર્માણ સાથે વિકાસ એ રીતે કરવો જેથી દરેક હિતજુથોને વિકાસની તકો મળી રહે. એટલું જ નહીં, ભવિષ્યની પેઢી માટે સંસાધનો જળવાઈ રહે. આ ટકાઉ વિકાસ ચાર પી (p) ઉપર આધારિત છે.


p1 =Planet,પૃથ્વી. તેનાસંસાધનોનું પુનઃનિર્માણ , સંસાધનો નું પુનૃક્રીકરણ , સંસાધનો વાપરો અને ફેંકી દો તેમ નહીં, પરંતુ કાયમી ઉપયોગમાં લો, અને હરિયાળી ઉર્જા પેદા કરો.

p2=People, લોકો- ગરીબ, મહિલા, નબળા અને અસંગઠિત, તમામને વિકાસનો લાભ મળે. સમાવેશી વિકાસ થાય અને અસમાનતા ન રહે.

p3=Partnership, લોક ભાગીદારી. બજારનું વિકેન્દ્રીકરણ, હિત જૂથોની નિર્ણયમાં ભાગીદારી. જો ભાગીદારી ન હોય તો અસમાનતા વધે છે.

p4=Peace. શ્રામનું ગૌરવ, શોષણ વિહીન સમાજ રચના, માળખાકીય હિંસા નહીં. (ઓછું વેતન કે નુકસાન કારક કાયદાઓ પણ માળખાકીય હિંસા છે) જ્યારે કોઈનું હિત જોખમાશે ત્યારે શાંતિ જોખમાશે.

અ ચાર પીના આધારે ટકાઉ વિકાસના 17 ધ્યેયો યુનોએ આપ્યા આને સભ્ય રાષ્ટ્રોએ સ્વીકાર્યા. ભારતે પણ આ ધ્યેયો સ્વીકાર્યા. જો આપણે આપણા દેશ માટે અને તમામ લોકોના વિકાસ માટે કંઈ પણ કામ કરવું હોય તો આ 17 ધ્યેયો અને તેના 169 લક્ષ્યાંકો સમજીને અને તેમાંથી કોઈ પણ એક પર કામ કરી શકાય. નાગરિકો અને સામાજિક સંસ્થાઓ માટે આમા મોટા પ્રમાણમાં ભૂમિકા રહેલી છે. સન 2030 સુધીમાં ભારત કઈ રીતે આ ધ્યેયો તણી પ્રાપ્તિ કરી શકે તેનો આધાર આપણે બધા કઈ રીતે કામ કરશું તેના ઉપર રહે છે. આ ધ્યેયો જોઈએઃ

1. ગરીબી બિલકુલ નહીં. - ગરીબી એટલે માત્ર ભોજન હોય તેવી અવસ્થા નહીં. હવે બહુ પરિમાણીય ગરીબીનો ખ્યાલ આવ્યો છે. જીવન જરૂરના સંસાધનો અને વિકાસની તકો ન હોય તે ગરીબી છે. આવી બહુ પરિમાણીય ગરીબી વધતી જાય છે. તે નિવારવા માટે 7 લક્ષ્યાંક આપવામાં આવ્યા છે જેમાં 2030 સુધીમાં અર્ધ ઉપરાંત ગરીબી ઘટાડવી જેવા સાત લક્ષ્યાંકો આપેલ છે. એટલું જ નહીં, યુનોના Sustainable Development Goals-2030 પુસ્તકમાં તો આ લક્ષ્યાંક કઈ રીતે પ્રાપ્ત કરવા તે પણ જણાવ્યું છે.

2. શૂન્ય ભૂખમરો એ બીજું ધ્યેય છે જેમાં પાંચ લક્ષ્યાંક છે. તેમાં કુપોષણ પર તો ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ કામ કરી શકે છે. શાળા ખાસ કરીને બાળકોને કુપોષણ અટકે તેવો નાસ્તો તો આપી જ શકે. ક્રીડાંગણ જેવી પ્રવૃત્તિઓ ચલાવનાર સંસ્થાઓ બાળકોને ચણા તો આપી જ શકે. મને યાદ આવે છે અમને નાનપણમાં શિશુવિહારમાં માનભાઈ ચણા આપતા. ખાવામાં પણ બ્રેડ, વધેલો ખોરાક વ. ગરીબ બાળકો લે છે તે બંધ કરી શકાય. જો નાગરિક કુપોષિત નહીં હોય તો તે સારું કામ કરી શકે.

3. ત્રીજું ધ્યેય સારા સ્વાસ્થ્ય અંગેનું છે. આ માટે 13 લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. કુપોષણ ઘટાડવું,એઇડ્સ, ટીબી, મેલેરિયા ઘટાડવા, બાલ અને મહિલા મૃત્યુ ઘટાડવા,તમામને સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવી વ. છે. ખાસ કરીને લોકોના સ્વાસ્થ્ય માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી તબીબો આ લક્ષ્યાંકો પર કામ કરી શકે. સ્વાસ્થ્ય સેવાઓનું સ્ટાર સુધારવું તે પણ એક સારું કામ છે.

4. ચોથું ટકાઉ વિકાસ ધ્યેય શિક્ષણની ગુણવત્તા અંગેનું છે જેમાં 10 નિશ્ચિ લક્ષ્યાંકો રહેલા છે. આમાં સર્વ પ્રથમ તો બધાને શિક્ષણ પ્રાપ્ત થાય તે છે. આપણે ત્યાં અનેક કારણોસર બાળકો અને ખાસ કરીને બાલિકાઓ 5 ધોરણ પછી ઉઠી જાય છે. તે મુદ્દા પર શિક્ષણ પર કામ કરતી સંસ્થાઓએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ ઉપરાંત બાળકોમાં આવડત અથવા કૌશલ્ય ખીલે એવું શિક્ષણ આપવું જરૂરી છે. શિક્ષણ સંસ્થાઓ ભેદભાવ રહિત હોય અને સર્વ સમાવેશી હોય તે લક્ષ્યાંક પર પણ કામ કરી શકાય.

5. પાંચમું ટકાઉ વિકાસ ધ્યેય સ્ત્ર્રી-પુરુષ સંબંધ અંગેનું છે. હજી પણ આપણો સમાજ પુરુષ પ્રધાન છે. સ્ત્ર્રી-પુરુષ સમાનતા પ્રાપ્ત કરવા માટે નવ લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. સર્વ પ્રથમ બાબત તો ભેદભાવ અટકાવવો અને મહિલા હિંસા અટકાવવી તે છે. આપણે ત્યાં પતિ સાહજિક રીતે પત્ની પર હાથ ઉગામે છે. પત્નીઓ પણ મને છે કે *ધણી છે, હાથ તો ઉપાડે.* આ અટકાવવું પડે. મહિલાઓ પણ પૂર્ણ નાગરિક છે. એટલું જ નહિ, મહિલાઓને સમાજના વિવિધ નિર્ણયોમાં પણ સમાન ભાગીદારી મળે તે જોવાનું છે.

6. ધ્યેય છ સ્વચ્છતા અને શુદ્ધ પેય જળ પ્રાપ્તિ અંગેનું છે. ગામમાં મોટા ભાગના દર્દો અશુદ્ધ પાણી પીવાથી થાય છે. ભારતમાં પાણીની પ્રાપ્તિનો પ્રશ્ન બહુ મોટો છે. અહીં અગિયાર લક્ષ્યાંક છે. તેમાં શુદ્ધ પેય જળ, પૂરતા પ્રમાણમાં જળ, સ્વચ્છતા, વ. બાબતો આવી જાય છે. જ્યારે લોકોના મકાનમાં જ શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નળ સે જળ મળી રહે ત્યારે આ સવાલ ઉકેલાય.

7. તમામને પોસાય તેવી અને હરિયાળી ઉર્જા (વીજળી, ગેસ વ.) મળી રહે તે ધ્યેયમાં સાત લક્ષ્યાંકો છે. તેમાં તમામને વીજળી, હરિયાળી ઉર્જા, કાર્યક્ષમ ઉર્જા, વ. બાબતો આવે છે.

8. તમામને સુઘડ અને શિષ્ટ કામ મળી રહે અને આર્થિક વિકાસ થાય તે આઠમું ધ્યેય છે. તેમાં બાર લક્ષ્યાંક છે. ત્યાં માથે મેલું ન ઉપાડવું, ગટર માં ન ઉતરવું, સ્વાસ્થ્યપ્રદ કામ, વ. લક્ષ્યાંકો આવે છે. ખાસ કરીને મજૂર મંડળો આ લક્ષ્યાંક પર કામ કરી શકે.

9. ઉદ્યોગ, શોધખોળ અને સવલતો (infrastructure)નું ધ્યેય આઠ વિશેષ લક્ષ્ય ધરાવે છે. તેમાં ટકાઉ સવલતો (એક વર્ષમાં પડી જાય તેવા બ્રિજ અને એક વરસાદે તૂટી જાય તેવા રસ્તા નહીં) નાણાં ઉદ્યોગોનો વિકાસ, વૈજ્ઞાનિક સંશોધનોને પ્રોત્સાહન, નાણાકીય સંસ્થાઓનો વિકાસ વ. બાબતો આવે છે.

10. અસમાનતા ઘટાડવી તે દસમું ધ્યેય છે. ખાસ કરીને નવ ઉદારવાદ પછી અસમાનતા ખૂબ જ વધી છે. અમેરિકાની સરેરાશ વાર્ષિક આવક 60000 ડોલર છે તો ભારતની સરેરાશ આવક 2800 ડોલર છે. તેવી જ રીતે દેશની અંદર પણ અસમાનતા વધતી જાયછે. આને નહીં ઘટાડીએ તો યુદ્ધો વકરશે. આથી નીચેના 40% લોકોની આવક વધારવી, સર્વ સમાવેશી અર્થકારણ રચવું, સ્થાનિક બજારોને પ્રોત્સાહન આપવું, સમાન તકો પૂરી પાડવી જેવા દસ લક્ષ્યાંકો નો સમાવેશ થાય છે.

11. ટકાઉ શહેરો મહત્વના છે. આજે આપણા શહેરો અન્ય વિસ્તારોના પાણી, વીજળી, પેટ્રોલ પર આધારિત છે. આથી શહેરોને અને શહેરી સમુદાયોને સંસાધનોની બાબતમાં ટકાઉ બનાવવા માટે મકાનો, યાતાયાત, વિરાસત ની જાળવણી, આપત્તિ નિવારણ, પર્યાવરણની જાળવણી વ. દસ લક્ષ્યાંકો સમાવેશ થાય છે.

12. ટકાઉ ઉત્પાદન અને વપરાશ ના ધ્યેયમાં 11 લક્ષ્યાંકો છે જેમા જીવન જરૂરી ઉત્પાદનો, ટકાઉ જીવન શૈલી વ. નો સમાવેશ થાય છે.

13. તેરમું ધ્યેય જળવાયુ પરિવર્તન અંગેનું છે. તેમાં પાંચ લક્ષ્યાંકો છે. તેમા ગરમીમાં ઘટાડો, આપત્તિ નિવારણ વ. નો સમાવેશ થાય છે. આ કામ નિયંત્રણ પ્રકારનું હોવાથી તેમાં સરકારની ભૂમિકા મહત્વની છે.14 અને 15 ધ્યેયો પાણી નીચેનું જીવન અને જમીન ઉપર નું જીવન ટકાઉ રહે તે માટેનું છે.

16 અને 17. શાંતિ, ન્યાય અને મજબૂત સંસ્થાકીય માળખાનું ધ્યેય અને નિર્ણય લેવાની બાબતોમાં લોકોની ભાગીદારીના ધ્યેયોમાં ખાસ કરીને સામાજિક સંસ્થાઓની ભાગીદારી મહત્વના બને છે. અહીં જે લક્ષ્યાંકો આપવામાં આવ્યા છે તે યુનોના પુસ્તકમાં જોઇ શકાય છે.

 ટકાઉ વિકાસ-2030 આપણને એક નવી જીવન ફ્લિસૂફી આપે છે. આજે બજારની ભૂમિકા બહુ જ મહત્વની બની ગઈ છે તેમાં રાજ્ય અને સામાજિક સંસ્થાની ભૂમિકા ઉમેરે છે. બજારને વિકેન્દ્રિત કરે છે. એકવીસમી સદીમાં જો આપણે ટકાઉ જીવન શૈલી અને દર્શન નહીં વિકસાવીએ તો માનવ જીવનને અકલ્પ્ય નુકસાન થઈ શકે તેમ છે, આ દર્શન યુનોને જગત ના પ્રબુદ્ધ વિજ્ઞાનીઓએ આપ્યું છે અને યુનોના સભ્ય રાષ્ટ્રો એ સ્વીકાર્યું છે. આથી આપણે આપણા દેશને આ ધ્યેયો પ્રાપ્ત કરવામાં સહાયક બનીએ તેવી વિશ્વ પર્યાવરણ દિવસે અભિલાષા.


  • Follow us on: