UPSC પાસ IAS પ્રોબેશનકાળમાં સાવ સામાન્ય પરીક્ષામાં ફેઈલ થાય ખરાં ? ઉચ્ચ અને નિમ્ન મહેસૂલ લાયકાત પરીક્ષા-HRQ અને LRQમાં આવું જ કંઈક થયાની ચર્ચાઓ છે ! વર્ષ 2022, 23 અને 24 બેચના IAS કે જે આસિસ્ટન્ટ કલેક્ટર, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે વર્તમાનમાં ફિલ્ડ ટ્રેનિંગમાં છે. અઢી મહિના પૂર્વે ગાંધીનગરમાં તેમના માટે HRQ અને LRQ યોજાઈ હતી. આ પરીક્ષા મહેસૂલ કાયદા, ટેનન્સી એક્ટ અને વહીવટી નિયમોની વ્યવહારિક સમજ માટે હોય છે. આથી, જેમ ટેબલ ઉપર ફાઈલ આવે અને તેના ઉકેલ માટે પુસ્તકોની મદદ લેવાય એમ પ્રશ્નપત્રમાં જવાબો લખવા લો એન્ડ રૂલ્સ, બેસ્ટ પ્રેક્ટિસના પુસ્તકો પરીક્ષાખંડમાં બેન્ચ ઉપર ઉપલબ્ધ હોય છે. જેમાંથી જોઈને જ જવાબો લખવાનું પ્રાવધાન છે. છતાંય કેટલાક યુવા IAS પરીક્ષાખંડમાં પ્રતિબંધિત મોબાઈલ સાથે લાવ્યા હતા. કહેવાય છે કે, તેમાંથી જ ચેટ-GPT ટૂલ્સનો આધાર લેવા ડિમાન્ડ કરી હતી ! જેને લઈ માથાકૂટ પણ થઈ હતી. જેનું પરિણામ જાહેર થયું નથી પરંતુ તેમાં બે IAS નાપાસ થયાની ચર્ચાઓ છે ! આથી, પરીક્ષા એકમના વડા અને RIC રાજેશમાંજુ ક્યારે પરિણામ જાહેર કરે છે તેને લઈને ચૌતરફ ઉત્સુકતા છે.
વાહ, નવા સા'બે બંગલો રિનોવેટ કર્યો, જતા જતા જુનિયરે કાર ભેટમાં આપી !
યારી, ભાગીદારી અને ટકાવારીથી ચાલતા સરકારી 'વહીવટ'માં ગાંધી- વૈદ્યનું સહિયારું માત્ર સફેદપોશ નેતા, કોન્ટ્રાક્ટર અને અફસરાન વચ્ચે જ નથી હોતું. અફસર અને અફસરની વચ્ચે અરસપરસ પણ હોય છે. આવો કંઈક બેશૂમાર 'વહીવટ' 340 કિલોમીટરનુ અંતર ધરાવતા બે મહત્વના જિલ્લાના વહીવટી તંત્રમાં ચર્ચામાં છે. જેમાં વાત એવી છે કે, બદલી પામીને એક IAS નવી જગ્યાએ આવ્યા ત્યારે તેમના સરકારી નિવાસસ્થાન- બંગલે રાચરચીલું વસાવવાથી લઈને અત્યાધુનિક મનોરંજક સંસાધનોની ખરીદીઓથી લઈ ફિટનેસના ઉપકરણોને બેસાડવા અને સા'બના આરામગાહને રિનવોટ કરવા હદ બહારનો ખર્ચ થયો હતો. જેના બે છેડા ભેગા કરવા તાબાના તંત્રને મુશ્કેલ થતા આ યુવાન IAS એ પોતાના જુનિયરને સાધી પડતર ફાઈલો નિકાલ કરીને રસ્તો કાઢયાની ચર્ચા છે. કહેવાય છે કે, જૂનિયર ચબરાક અધિકારીએ પણ જતા જતા આવ્યા ભેગા બે પાવડાને વધારે વાળી લેવાની ફિતરતમાં હમઉમ્ર IASને મોટી કાર ભેટ ચઢાવતાગયા છે. જેથી IASનો પરિવાર તેમાં વિહાર કરી શકે. અલબત્ત આ કાર ભાડાની છે કે પછી કાયમી ? તેને લઈને સબોર્ડિનેટ સ્ટાફમાં ચાલતા સંશોધનની ગુસપુસે આ મામલો ચર્ચાને ચગડોળે છે. છે ને હિંમત : તારણહાર ACSની નિવૃત્તિ પછી હેડએ 'રેગિંગ રોકડી' કરે રાખી
જુનિયર રેસિડન્ટ ડોક્ટરના રેગિંગકાંડથી દેશભરમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની આબરૂનો ફજેતો થયો છે. જ્યાં રેગિંગને નામે મેડિકલ સ્ટુડન્ટને મળતા સ્ટાઈપેન્ડમાંથી સુપર ક્લાસ વન ઈન્ચાર્જ હેડના 'દાણાપાણી' માટે હિસ્સો જતો હોવાના આક્ષેપો થયા છે ! જેના છેડા ટોચના બ્યુરોક્રેટ્સને 'ટચ' કરી રહ્યા છે ! જૂના સચિવાલય સ્થિત તબીબી શિક્ષણ કમિશનરેટમાં ચર્ચા છે કે, ઈન્ચાર્જ વિભાગીય હેડને મહિને ત્રણેક લાખનો પગાર હોવા છતાંયે તેઓ કોલેજમાં ભણાવવાને બદલે અમદાવાદ ખાતે પોતાની હોસ્પિટલમાં પડયા પાથર્યા રહેતા હતા. ખાનગી પ્રેક્ટિસ પર પ્રતિબંધ હોવા છતાંય ગાંધીનગર પાસે હોસ્પિટલ ધરાવતા હેડને અધિક મુખ્ય સચિવ-ACS પદેથી નિવૃત્ત IASનું કાયમી રક્ષણ હતું. આથી, કોલેજમાં જવલ્લે જ દશ્યમ્ થતા હેડની સહી કરાવવી હોય તોય અઢી કલાકની યાત્રાકરીને અમદાવાદ જવું પડે તેવી સ્થિતિ હોવા છતાંયે સ્ટુડન્ટના સ્ટાઈપેન્ડમાંથી પાર્ટી કરનારા આ સુપર ક્લાસ વન સામે હરફ સુધ્ધાં ઉચ્ચારી શકતું નહોતુ. હવે જ્યારે આ મામલો બહાર આવ્યો છે ત્યારે સામાન્ય માણસના મોબાઈલ ટ્રેસ કરીને લોકેશનો મેળવતુ સરકારી તંત્ર હેડ સામે શું કાર્યવાહી કરે છે તેને લઈને રેસિડેન્ટ ડોક્ટરથી લઈ તબીબી શિક્ષણ કમિશનરેટ અને રિટાયર્ડ ACS સાથે કનેક્ટ વર્તુળમાં જબરજસ્ત ઉત્કંઠા છે.
ગુજરાતમાં સંઘર્ષ કરનારા IPS સિંઘ માનવ અધિકાર આયોગ પહોંચ્યા !
2013ની બેચના ગુજરાત કેડરના IPS મનિષ સિંઘનવેમ્બર-2025થી ભારત સરકારમાં ડેપ્યુટેશન પર છે. ગુજરાતમાં કોવિડ-19ની મહામારી વખતે મહેસાણામાં પોલીસ અધિક્ષક-DSP હતા. તે વખતે કાર્યશૈલીને કારણે શરૂ થયેલા વિવાદોનો સંઘર્ષ સળંગ પાંચ વર્ષ ચાલ્યો હતો. જેના કારણે તેમને લાંબા સમય સુધી SRPFમાં સેનાપતિ તરીકે રહેવું પડયું. છેલ્લે છેલ્લે તો પોલીસ ભવનમાં મોટર એન્ડ ટ્રાન્સપોર્ટ-MT પ્રભાગમાં કાર્યરત હતા ત્યારે તેમણે સિનિયર IPS સામે આઠેક લાખ રૂપિયાના ખર્ચની વસૂલાતનો પત્ર લખ્યો હતો. નવેમ્બરમાં ભારત સરકારમાં ડેપ્યુટેશન ઉપર બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ-BPR & Dમાં પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરાયા હતા. હવે ગૃહ મંત્રાલયે તેમને નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ-NHRCમાં સિનિયરસુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ-SSPની જવાબદારી સોંપી છે. 'લેટરલ શિફ્ટ'ને આધારે થયેલી આ નિમણૂકથી તેમનો કાર્યકાળ નવેમ્બર-2030 સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધીનો રહેશે. મનિષ સિંઘની NHRCમાં નિમણૂકથી અહીં IPS સહિતના પોલીસ તંત્રમાં જેમણે અધિકાર હનન સામે સંઘર્ષ કર્યો તેમને જ માનવ અધિકારના સંવર્ધન માટેની તક મળ્યાની ચર્ચા છે.
ઉલ્ટી ગંગાઃ ફિલ્ડ નબળું પડી રહ્યું છે,
વધુ બે યુવા IASએ ગુજરાત છોડયું
21મી સદીનાઆરંભના પ્રથમ બે દાયકા અને તે પહેલાના સમયમાં પણ UPSCને પાર કરતાટોપ રેન્કર્સ IAS-IPS માટે દેશના બીજા રાજ્યોની તુલનામાં ગુજરાત એ પ્રથમ પ્રેફેરન્સ રહેતું હતું. પરંતુ, કોવિડ-19ની મહામારી પછી નવોદિત બ્યુરોક્રેટને ગુજરાતનો મોહ પહેલાં જેટલો રહ્યો નથી ! મસૂરીમાં મીડ ટાઈમ ટ્રેનિંગ માટે જતા ગુજરાત કેડરના ઓફિસરોમાં આવી ચર્ચા સતત થતી રહી છે. જેની પ્રતિતિ ઈન્ટર સ્ટેટ કેડર ટ્રાન્સફર પ્રોસેસમાં થઈ રહી છે. માત્ર ત્રણેક મહિનાના અંતરાલમાં ગુજરાત કેડરમાં નિયુક્ત 2022ની બેચના IAS પ્રતિમા દહિયા અને હવે 2022ની બેચના IAS અદિતીવાર્ષ્ણેય એમ બે મહિલાઓફિસર્સ પ્રોબેશન કાળમાં જ ઈન્ટર સ્ટેટ કેડર ચેન્જ કરાવીને રાજસ્થાન પહોંચી ગયા છે. આ પહેલા વર્ષ 2020ના કંચન, 2023ના વૈશાલી આર. અને IPS આકાંક્ષા યાદવ પણ લગ્ન કરીને અન્ય રાજ્યોની કેડરમાં સામેલ થઈ ચૂક્યા છે. બ્યુરોક્રેસીમાં કોઈ ખૂલીને બોલતું નથી પરંતુ, ગુજરાતમાં આવી રહેલા નવોદિતોમાં સેક્રેટરીઓ સશક્ત હોવા છતાંયે ફિલ્ડ સાવ નબળી પડયાની છાપ ચોક્કસપણે થઈ રહી છે. ભલમનસાઈમાં ભરાણા કે પછી 'ચતુરયુગે' સંભવામી યુગે યુગે ?
સુરતમાં નાસિરનગર ભૂતિયા ડિમોલિશનનું ભૂત બે સપ્તાહ શાંત રહ્યા પછી ફરીથી જાગૃત અવસ્થામાં ધુણવા માંડયું છે. આ વખતે તેના ડાકલા બીજા કોઈએ નહીં પણ મ્યુનિ. કમિશનર એમ.નાગરાજને વગાડયા છે. અત્યાર સુધી ડિમોલિશન કોણે ? કોની સૂચનાથી કર્યું ? તેનાથી સાવ બેખબર હોવાનો દાવો કરનારા એમ.નાગરજને સામે ચાલીને ''અમે જ દબાણો તોડયા ને અમે જ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો'' તેવું નિવેદન કર્યુ છે. જેના પગલે સુરતથી ગાંધીનગર વાયા ભાવનગર પોલિટિકલ અને બ્યુરોક્રેટમાં ચૂંટણી સમયે એક પોલીસ ઓફિસરના વીડિયો વાઈરલ થયા છે. જેમાં પોલીસ ઓફિસર વિવાદાસ્પદ જમીનના વૃદ્ધ માલિકોને હાથ પકડીને મતદાન માટે લઈ જાય છે અને બીજા એક વીડિયોમાં એ જ ક્લાસ વન ઓફિસર વિવાદાસ્પદ જમીન પાસે બિલ્ડરની સ્કીમના ખાતમુહૂર્ત પ્રસંગને શોભાવી રહ્યાના દ્દશ્યો છે. જેના પરિણામે આ આખાય ઘટનાક્રમમાં ખરેખર મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનરેટના તંત્રની ભૂમિકા ભલમનસાઈની હતી કે ચતુરાઈપૂર્વકની ? તેવા સવાલો ઉઠયા છે.
4 જિલ્લામાં DDO નથી ! નોમિનેશન પછી ફિલ્ડ લેવલે ઉલટફેરની શક્યતા
ગુજરાત વહીવટી સેવા-GAS કેડરમાંસિલેક્શન સ્કેલમાંથી 18થી 19 ઓફિસર્સને 30મી જુન પહેલાં IASમાં નોમિનેશન મળશે. તેની સાથે જ લાંબા સમયથી ખાલી પડેલા અમરેલી, ગાંધીનગર, ડાંગ અને 31મી મેના રોજ પ્રમોટી IAS એ.બી.પાંડોરની વયનિવૃત્તિથી દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી-DDOની જગ્યાપણ ખાલી પડી છે. આમ ગુજરાતમાં 34 પૈકી 4 જિલ્લામાં DDOની જગ્યાઈન્ચાર્જ ઓફિસરોને હવાલે છે. આથી, ઉઘડતા વેકેશનની સાથે IAS નોમિનેશન પછી ગમે તે ઘડીએ જિલ્લાકક્ષાએ નાના મોટા ફેરફાર આવી શકે તેમ છે. વર્ષ 2024માં સ્ટેટ કેડરમાંથી 15 ઓફિસર્સને નોમિનેશન મળ્યું હતું. જેમાંથી માંડ બે કે ત્રણેકને જ DDO બનાવાયા હતા. આ વર્ષે નોમિનેશન માટે 19 જેટલા GAS વષ્ર 2025 માટે લિસ્ટેડ થાય છે. સામે વિધાનસભા ચૂંટણી છે. આથી, પ્રમોટી IAS ઉપર ડાયરેક્ટરિક્રૂટ થતાં બ્યુરોક્રેટની સીધી નજર છે.
રિલિફમાંથી નીકળ્યા છતાંય 'રાહત' નથી, સેવા-પ્રવૃત્તિ તો યથાવત રહેશે
કમિટી ઓફ સેક્રેટરી'ઝ-CoSની બેઠક શરૂ થાય તે પહેલા જ બુધવારે સાંજે સામાન્ય વહિવટ વિભાગ-GADએ અચાનક બે સિનિયર IASના ટ્રાન્સફર ઓર્ડર કરીને સૌને ચોંકાવ્યા હતા. જેમાં વર્ષ 2006ની બેચના અલોક કુમાર પાંડેને 3 વર્ષ, બે મહિના પછી રાહત કમિશનરથી મુક્તિ મળી છે. બિપરજોય વાવાઝોડું અને છેલ્લે પ્લેન ક્રેશ ડિઝાસ્ટર બાદ IAS અલોક પાંડેને યુવક સેવા અને સાંસ્કૃતિક કમિશનરનો વધારા ચાર્જ સોંપાયો હતો. બુધવારે GADએ રિલિફ કમિશનર ટ્રાન્સફર કરી તેમને આદિજાતિ વિકાસ વિભાગના સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે પરંતુ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળના કમિશનરેટથી મુક્ત કર્યા નથી ! કહેવાય છે કે, આદિજાતિ વિકાસ વિભાગના સેક્રેટરીનો ચાર્જ સંભાળનારા પાંડે પાસે યુવક સેવા અને સાંસ્કૃતિક કમિશનરનો વધારાનો હવાલો હજી થોડાક સમય સુધી તો યથાવત રહેશે. આથી, રિલિફ કમિશનરેટમાંથી નીકળ્યા છતાંયે એક વિભાગમાં સેક્રેટરીને બીજામાં કમિશનર ઈન્ચાર્જ એમ બે ઘોડાની સવારી લાંબો સમય કરવી પડે તો નવાઈ નહીં.
ઝાડ વાવવા મુદ્દે IAS ઝઘડયા,AC હોલમાં અફસરાનનો 'રક્તચાપ' વધ્યો
ગરમીમાં છાંયડો, પર્યાવરણના જતન માટે સરકારે ગ્રીન કવરને વધારવા કહ્યું છે. જેના લક્ષ્યાંકો પૂર્ણ ન થતા અફસરાનમાં બીજાનું વાવેતર પોતાને નામે તો ક્યાંક 'હું નહીં તું કર'નો કકળાટ છે. જે તૂં તું મેં મેં સુધી પહોંચ્યો છે. વાત ગાંધીનગરની છે. જ્યાં એક ઓથોરિટીના IASએ બીજી ઓથોરિટીના IASને મારા કરતા તમારા એરિયામાં વધુ વક્ષારોપણ થઈ શકે એમ છે એટલે અમારો બાકીનો ટાર્ગેટ તમે પુરો કરો તેવો આદેશ કરતા વાતાનુકૂલિત હોલમાં અડધો ડઝનથી વધારે ઓફિસરોની હાજરીમાં બબાલ થઈ ગઈ હતી. થયું એવું કે, જુનિયર IASએ મારો ટાર્ગેટ પૂરો થયો છે એથી વધારે વૃક્ષો રોપવા મારું કામ નથી એવું મોંઢામોંઢ ચોપડાવતા જેણે મીટિંગ બોલાવી હતી તે IAS ગુસ્સે થયા ને ''અમે આપીએ તે કરવું જ પડે. અધરવાઈઝ CMOને રિપોર્ટ કરીશ'' એવી ચિમકી આપતા જુનિયર IASએ ''ઠીકહૈ આપ બતા સકતે હૈ'' જવાબ વાળીને ચાલતી પકડતા AC હોલમાં હાજરઅફસરોનો રક્તચાપ વધી ગયો હતો. હવે એક જ પ્રકારની ઓથોરિટીમાં કાર્યરત ઝાડ વવાય છે કે પછી ઝઘડા વધે તે જોવું રહ્યું.
એક જ પોસ્ટ ઉપર બબ્બે સાહેબ, ખુરશી ઉપર કબ્જો કરતા બબાલ
જુનિયર સ્કેલના GASને બઢતીની સાથે બદલી આપ્યા બાદ અમદાવાદ નજીકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ધરાવતા જિલ્લાની કચેરીમાં મોટી બબાલ થઈ છે. થયું એવું કે, જિલ્લામાં પહેલાંથી જ ડેપ્યુટી ડાયરેક્ટરની જગ્યા ભરાયેલી હતી. એમ છતાંયે પ્રમોશન સાથે પોસ્ટિંગ મેળવનારા અધિકારીને ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આથી, નવા સવા પ્રમોટી GAS ડેપ્યુટી ડાયરેક્ટરનો ચાર્જ સંભાળવા કચેરીમાં પહોંચી ગયા ! થોડીકવાર પછી પહેલાથી જ ફરજ અદાયગી કરી રહેલા મૂળ ઓફિસર આવ્યા તો તેઓ પોતાની ખુરશી ઉપર બીજાને જોઈ ભડક્યા અને હું અહીં હયાત છું તો તું આવ્યો કેમ ? કહેતા બેઉ ગુજરાતીમાં ન શોભે તે પ્રકારે એકબીજા સામે શબ્દોચ્ચાર ઉપર ઉતરી આવ્યા હતા. ખુરશીની કબ્જેદારીના કકળાટે આખીય કચેરીને માથે લેતા આખોય મામલો કલેક્ટર સુધી પહોંચ્યો હતો. ચર્ચા છે કે, કલેક્ટરે બઢતી પામીને આવેલાને બરોબર જાણતા હોવાથી તેના મોંઢે લાગવાનું ટાળ્યું હતું. હવે નવા સવા પ્રમોટીને જ્યાં સુધી ડેપ્યુટી ડાયરેક્ટર ન બદલાય થાય ત્યાં સુધી લટકી રહેવાનો વારો આવ્યો છે.
એ કયા નેતાની ભગિનીનો મેળ ન પડતા ભરતી મોકૂફ રાખવી પડી ?
ગુજરાત યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારની ભરતી પ્રક્રિયાને સ્થગિત રાખવા ગાંધીનગર સ્થિત ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીએ શુક્રવારની સાંજે આદેશ કર્યો હતો. જેના વમળો એવા ઉઠયા છે કે મંત્રીથી સંત્રી, નેતાજીથી સ્વંયસેવક અને સચિવથી કુલપતિ સહિત સઘળા સજ્જનો ચર્ચાને ચગડોળે ચડયા છે. જેના મૂળમાં ભાજપની એક ભગિની સંસ્થાના સેવકની ભગિનીનો મેળ ન પડયો એટલે આખીય ભરતી પ્રક્રિયા જ સ્થગિત કરી દેવાયાની કથા છે. વર્ષ 2025માં આ જગ્યાની ભરતી માટે નિર્ણય થયો ત્યારથી જ એક મોટા ગજાના નેતાજી સ્વર્ણિમ સંકુલમાંથી ભગિનીને જ સિલેક્ટ કરવા દબાણ કરી રહ્યા હતા. પણ છેલ્લે છેલ્લે દશેરાએ જ ઘોડું દોડયું નહીં ! જેમના માટે યુનિવર્સિટી, વિભાગ અને સ્વર્ણિમ સંકુલથી સતત દબાણ થઈ રહ્યું હતું તે નેતાના સંબંધી ઉમેદવાર યુનિવર્સિટીના ઈન્ટરનલ ક્વોલિટી એસ્યોરન્સ સેલ-IQACમાં જ ખરા ઉતર્યા નહીં ! પછી થાય શું ? કહેવાય છે કે, ભગિની સંસ્થાના પદે રહીને સરકારમાં સંબંધ ધરાવતા નેતાએ 'મારું નહીં તો કોઈનું નહી' સિધ્ધાંતે આખી ભરતી જ સ્થગિત કરાવી મુકી છે. 10- ડે, હાફવેકેશન : બે ડિલિગેશન વિદેશ જશે, જુનિયર IASને તક મળી
મંગળવારથી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ શરૂ થાય છે. જેમાં સચિવાલયના સેક્રેટરી સહિત હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટના IAS,IPS અને IFS મળી 425થીવધુ અધિકારીઓ ગાંધીનગર બહાર રહેશે. શુક્રવારની જાહેર રજા બાદ આગામી સપ્તાહે 29 અને 30મી જૂને વડોદરામાં ચોથી અને છેલ્લી રિજીયોનલ વાઈબ્રન્ટ સમિટનું આયોજન છે. આથી, સચિવાલયમાં સળંગ 10 દિવસ હાફ વેકેશનના માહોલ રહેશે. દરમિયાન પાંચ IASના બે ડેલિગેશન ગુજરાતના પ્રતિનિધિ તરીકે વિદેશ જઈ રહ્યા છે. જેમાં 23મી મેથી લંડનમાં યોજાનારા ઈન્ડિયા ગ્લોબલ ફોરમ-2026માં ગુજરાતના પ્રતિનિધિ તરીકે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ-ACS મમતા વર્મા, મુખ્યમંત્રીકાર્યાલયમાંથી અધિક અગ્રસચિવ ડો. વિક્રાંત પાંડે અને અધિક ઉદ્યોગ કમિશનર અમિત પ્રકાશ યાદવનો સમાવેશ થાય છે. જ્યારે જ્યાં કોમનવેલ્થ ગેમ્સ-2026નું આયોજન છે તે સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે ઉર્જા વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર અને સ્પોટર્સ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી રાહુલ ગુપ્તા જઈ રહ્યા છે. આથી, જૂનના છેલ્લા સપ્તાહમાં ઉઘડતી સ્કૂલો વચ્ચે સચિવાલયમાં તો વેકેશન જ રહેશે તેવી ચર્ચા છે.










