છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં આકાર લઈ રહેલી ડિજિટલ ક્રાંતિ એ આખા જગતને દંગ કરી દીધું છે. ખાસ કરીનેUPIએટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસની આધુનિક સિસ્ટમે ભારતમાં અભણ લોકોને પણ ચપટી વગાડતામાં નાણાકીય વ્યવહારો કરતા શીખવી દીધું છે. યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમને કારણે આખા વિશ્વમાં ભારતની નાણાકીય વ્યવસ્થાનો ડંકો વાગ્યો છે. આજકાલ દેશભરમાં મહિનામાં આશરે 20 અબજથી વધારે લોકો યુપીઆઈનો ઉપયોગ કરતા થયા છે. ભારત એક એવો દેશ છે કે જ્યાં ખેડૂતો, મજુરો, સ્થાનિક બજારમાં વેપાર કરતા નાના નાના વેપારીઓ, નાના દુકાનદારો અને ગામડાનાં લોકો દ્વારા નાણાંની ચૂકવણી માટે મોટાભાગેUPIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમ એટલી સરળ છે કેનાના અને અભણ લોકો કોઈ ભૂલચૂક વિના પૈસાની લેવડદેવડ કરી રહ્યા છે. રિઝર્વ બેન્કનાં જણાવ્યા મુજબ વર્ષે 11.5 ટકાની વૃધ્ધિ સાથે ભારતમાં ચલણની માંગ 42.86 લાખ કરોડનાં સ્તરે પહોંચી ગઈ છે. વર્ષ 2024-25માં દેશમાં ચલણી નોટોનો છપાઈ ખર્ચ રૂ. 6372.8 કરોડ હતો. આ વર્ષે જ 23.8 અબજ ખરાબ નોટોનો નાશ કરવામાં આવ્યો હતો. આરબીઆઈ દ્વારા દર વર્ષે ખરાબ અને ફાટી ગયેલી ચલણી નોટોનાં વપરાશ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. એક તરફ ડિજિટલ ક્રાંતિ પછી યુપીઆઈ અને અન્ય રીતે નાણાંની ચૂકવણીનાં વ્યવહારો વધ્યા ત્યારે બીજી તરફ આને કારણે જ્યાં જુઓ ત્યાં ચલણી નોટો દ્વારા નાણાંકીય વ્યવહારોનું ચલણ ઘટયું છે. નાની ચલણની નોટોની તો દેશમાં જ્યાં જુઓ ત્યાં અછત જોવા મળે છે. રૂપિયા 10નાં સિક્કા બજારમાં આવ્યા તે પછી રૂ. 10ની ચલણી નોટો માર્કેટમાં ઓછી જોવા મળે છે. તેવી જ દશા રૂ. 20ની અને રૂ. 50ની ચલણી નોટોની છે. તે પણ માર્કેટમાં ઓછી જોવા મળે છે. આરબીઆઈ દ્વારા ચલણી નોટોનો બગાડ અને નાશ રોકવા માટે આરબીઆઈ દ્વારા પ્લાસ્ટિકની ચલણી નોટો બજારમાં ચલણમાં મુકવા વિચારાઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો તેમાં કશું ખોટું નથી. પ્લાસ્ટિકની ચલણી નોટોએ કાગળની નોટોનો સારામાં સારો વિકલ્પ છે. વિશ્વમાં 60 દેશોમાં પ્લાસ્ટિકની નોટો ચલણમાં છે. ભારતમાં કાગળની નોટો જલ્દી ખરાબ થઈ જાય છે, ફાટી જાય છે, ગંદી થઈ જાય છે. કાગળની નોટોની દેશમાં હજારો બનાવટી ચલણી નોટો પણ માર્કેટમાં ફરતી જોવા મળે છે. કાગળની નોટો કરતા પ્લાસ્ટિકની ચલણી નોટોનું આયુષ્ય ઘણું ટકાઉ છે. નકલી નોટો પર તેનાંથી અંકુશ લાદી શકાય છે. સુરક્ષામાં પણ આવી નોટો વધુ સરળ પડે છે. ભારતમાં હવે તબક્કાવાર રીતે પ્લાસ્ટિકની ચલણી નોટો અપનાવવાનો સમય આવી ગયો છે.

જિનપિંગની નોર્થ કોરિયા મુલાકાત : શું રંધાય છે?









