માણસની બુદ્ધિનો રચનાત્મકતા સાથે શું સંબંધ છે અને ખોટો તણાવ અને ઉજાગરા આપણું જીવન બગાડે છે?
આપણે આપણા કુલ મગજના પાચ દસ ટકા પણ વાપરતા નથી એ સાચી વાત છે? આ પ્રશ્ન વારંવાર આપણા જ મગજમાં ઊભો થાય છે, કે ઊભો કરવામાં આવે છે , એ કેટલું સાચું છે? એ એક મિથ હોય, તો સાચી હકીકત તો મિથ કરતા ય મગજ ફેરવી દે એવી છે!
આધુનિક ન્યુરોસાયન્ટિસ્ટ કહે છે કે તમારું મગજ સક્રિય જ હોય છે, જીવનની ક્ષણેક્ષણ એ કાર્યરત જ છે.
આપણા મગજમાં 86 બિલિયન ન્યૂરોન છે - 1 બીલિયન એટલે એક પછી નવ શૂન્ય (1,000,000,000)! આમાંનો દરેક ન્યૂરોન બીજા હજારો ન્યૂરોન સાથે કેમિકલ અને ઈલેક્ટ્રિક સિગ્નલથી સતત સંવાદ કર્યા કરે છે.તો આવા મગજમા સતત ચાલતા કનેક્શન કેટલાં? અધધધ 100 trillion! એક ટ્રીલિયન એટલે એક પછી બાર શૂન્ય 1,000,000,000,000. આપણી એક જ ગેલેક્સીમાં જેટલા તારા છે એના કરતા ય વધારે! આ કનેક્શન પાછા સતત થયા કરે, મગજ સતત એક્ટિવ છે. ઉંઘમાં પણ,ઓછું વધતું!
અને તમારો કોઈ પણ એક વિચાર એટલે એ ઈલેક્ટ્રિક કેમિકલ કનેક્શન. ફ્કત ઈલેક્ટ્રીસિટી અને કેમિસ્ટ્રી ! તમારા વિચાર, લાગણીઓ બધું જ! આટલા બધા કામમાં ફ્ક્ત 20 વૉટનો પાવર વપરાય! જે એક નાનાકડા બલ્બ કરતા ય ઓછો. એની સામે એક સુપર કોમ્પ્યુટરને એટલી વીજળી જોઈએ કે જે એક નાનકડા ગામને પૂરતુ થઈ રહે. આપણી જાણ બહાર સતત શરીરમાં ચાલતી બધી અનૈચ્છિક ક્રિયાઓ જેવીકે શ્વસન, પાચન અને રક્તાભિસરણ પર આ ન્યૂરોન જ સરકીટોથી કન્ટ્રોલ રાખે છે. તમારું સંતુલન જળવાય છે,આ બધી ક્રિયાઓ અજાણતા થયા જ કરે છે. આંખ જે જુએ એ તો ધુંધળા અને કટકે કટકે ચિત્ર આપે. જે કમાલ છે એ તમારા મગજની જ છે. એ બધા જ ચિત્રોને સાંધી, કરચલીઓ દૂર કરી સ્મૂધ સળંગ ચિત્ર ઉપસાવે. તમને લાગે કે તમે એક સરસ HD ચિત્ર જુઓ છો એ મગજની કમાલ છે. એ દરેક ફ્રેમને 'એડિટ' કરી 'રીયલ ટાઈમ' માં તમને સળંગ ચિત્ર દેખાડે.
શું આપણે ઝડપથી વિચારી શકીએ? ત્વરિત નિર્ણયો લઈ શકીએ? આપણે વધારે વાતો યાદ રાખી શકીએ? નવી નવી સ્કીલ ઓછા સમયમાં હસ્તગત કરી શકીએ? શું ભવિષ્યની ટેકનોલોજી - આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ, કે પછી બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસ- (બ્રેઈનનીસાથે જોડેલું કોમ્પ્યુટર!) મગજને વધારે કાર્યક્ષમ બનાવી શકે?
ઉંડાણમાં જોઈએ તો મગજ- મન થી ચેતનાની અનુભૂતિનું જગત તો દેખાતું નથી પણ કેટલું વિશાળ છે. એમાં સપનાઓનો સમાવેશ થાય, આપણી subjective' લાગણીઓ , આપણી જાતની સભાનતા, કલ્પનાઓ અને આપણા સાવ અંગત 'નેરેટિવ્ઝ'. આમનને શરીરશાસ્ત્ર્ર- એનેટોમીનો અભ્યાસ કરીએ એમ સમજી શકાતું નથી. મગજ, હાર્ડવેરનો નકશો દોરાય- ડાબુ મગજ ને જમણું મગજ - હાઈપોથેલેમસ વગેરે વગેરે પણ મનનો નકશો પાડી શકાતો નથી.
આગળ કહ્યું તેમ એ બંને ગાઢ રીતે જોડાયેલા છે. મગજને અથડામણથી નુકસાન થાય, ઉદાહરણ તરીકે -concussion- તો યાદદાસ્ત જતી રહેવી, મનમાં ગુંચવાડો, ભ્રમણા વગેરે થાય. જે દર્દી comatose કૉમામાં હોય એનું મગજ ન ચાલે, પણ હૃદયના ધબકારા મગજથી સ્વતંત્ર રીતે ચાલ્યા કરે! કારણ હૃદયમાં પાછું 'બિલ્ટ ઈન' ઈલેકટ્રિક પેસમેકર છે! છતાં મગજના બધા કોષો અને સ્ટેમ મૃત થાય, ફરી જીવતા થવાની શક્યતા જ ન હોય તો છેલ્લે હૃદય બંધ પડે, હવે આમાં વચગાળાની સ્થિતિમાં જો વેન્ટિલેટર લગાડયું હોય તો એ ધબકારા ચાલુ રહે, અને દર્દીના સગાવહાલાઓને, દર્દીની હાલતમાં કાંઈ ફેરફાર થાય એની રાહ જોતા લાંબા સમય પછી વેન્ટિલેટર કાઢી નાખવા મંજુરી આપવી પડે. આ એક બાજુ થઈ , બીજી બાજુએ જો મન- મગજને એક 'ફેકસ વિચાર' માં લાંબો સમય રાખીએ તો લાંબા સમયે મગજનું બંધારણ પણ બદલાય.એને 'Reconstructing of brain' કહી શકીએ.
અત્યારે, આ ક્ષણે જ તમારું મગજ એક સેકન્ડમાં 10 મીલિયન ઈન્ફેર્મ્શનના, નાના નાના ટૂકડાઓને આંખથી પ્રોસેસ કરે છે. એમાંથી નકામી વસ્તુઓ ચાળીને ફેંકી દે અને તમને તમારી આસપાસના જગતનું તમને કામનું એવું સરસ ચિત્ર ઉપસાવીને આપે. તમને આનો ખ્યાલે ય નથી એ ફ્કત બને છે,it just happens.
યાદદાસ્તની વાત તો સાવ જુદીજ છે. આપણે જૂનો વીડિયો રીપ્લે કરીને જોઈએ એવું અહીં નથી! દરેક સમયે જે બનાવ યાદ કરો ત્યારે મગજ, એના કોઠારમાંથી અલગ અલગ ડબ્બામાંથી એની યાદદાસ્ત કાઢે છે. જેમ કે કોઈ પાર્ટી યાદ કરો તો એમાં લાઈટિંગ કેવી હતી, એની મેમરી જુદા ખાનામાંથી નીકળે, એમાં જે ભોજન કર્યું હોય તેના વ્યંજનોની મેમરી અલગ ડબ્બામાંથી નીકળે. આમ દરેક અલગ અલગ વસ્તુ અને ક્રિયાઓની મેમરી અલગ નીકળે અને પછી મગજ તેને સ્ટીચ કરે! આમાં એક વાત બને કે દર વખતે એક જ બનાવ યાદ કરો તો ય એમાં યાદગીરીમાં થોડો ફરક પડે. બે વ્યકિતઓ એક બનાવ યાદ કરે એમાં ય ફરક હોય. બેમાંથી એકે ય ખોટુ નથી બોલતા- બેમાંથી એકેયની 'યાદદાસ્ત' નબળી નથી! મેમરી 'રીકોર્ડીંગ' નથી- પણ રીકન્સટ્રકશન' છે એટલે એમાં કોઈક વિગતો ઉમેરાય, કોઈક નીકળી જાય.એક જ માણસ એકના એક બનાવને અલગ અલગ સમયે યાદદાસ્તથી રીકન્સટ્રક્ટ' કરે તો ય એના વર્ણનમાં થોડો ફેકફાર થાય જ.
હવે આપણે વાત કરીએ મગજના 'દસ ટકા' જ વપરાય છે એ ભ્રમની! એ વાત ક્યાંથી આવી તે ખ્યાલ નથી પણ એમાં થોડીક જ ગેરસમજ છે. ખરેખર મગજના બધા કોષોમાં દસ ટકા જ 'વિચારક' કોષો- ન્યૂરોન છે, બાકીના કોષો બીજા બધા સપોર્ટના કામ માટે છે. પણ, એક હકીકત એ ય છે કે દિવસ દરમ્યાન મગજના બધા જ ભાગો 'સ્વીચ ઓન' થાય છે , કોઈ ભાગ આળસુની જેમ પડયો નથી રહેતો! જો પેલી ભ્રમણા પ્રમાણે નેવું ટકા મગજ 'વપરાતુ' ન હોય તો તો મગજના કોઈ પણ ભાગને નુકસાન થાય, કાંઈ ફરક ન પડવો જોઈએ. પણ ફરક પડે છે! મગજના જુદા જુદા ભાગમાં આપણી સક્રિયતા ના કેન્દ્રો ગોઠવાયેલા છે, દરેક પ્રવૃત્તિ માટે- દરેક ઈમોશન માટે. આમ મગજ આખું વપરાય તો ય મગજની અમુક મર્યાદા- અમુક વીકનેસ છે . તો ચાલો, આપણાં સ્માર્ટફોનનો જ દાખલો લઈ સમજીએ. મગજની સૌથી મોટી મર્યાદા છે- એની વર્કિંગ મેમરી- આને વિગતે સમજીએ, ફોનની અંદર તો ઘણી સ્ટોરેજ કેપેસિટી હોય પણ સ્ક્રીન પર એ બધું ન દેખાય, સ્ક્રીન પર તો જેટલું જરુરી હોય એ જ માંડ આપણે રાખી શકીએ. તો મગજમાં ય 'વર્કિંગ મેમરી' હોય. વર્કિંગ મેમરી એટલે એકી વખતે તમે કેટલી ચીજો પર ધ્યાન આપી શકો, વિચારી શકો. તો એ ફ્કત ચાર છે, દસ પણ નહિ ! ( શ્રીમદ રાજચન્દ્ર જેવા શતાવધાનીની વાત અલગ જ છે!) તો સામાન્ય માણસ બહુ બહુ તો ચાર વસ્તુ પર ધ્યાન આપી શકે. કોઈની આખી વાત બરાબર સાંભળતા સાંભળતા એ વાતનો મુદ્દાસર જવાબ પણ મનમાં તૈયાર કરતા જાઓ, (સાંભળ્યા વગર નહિ!) તો કેટલું કામ લાગે!તમારી મા કે દાદીને ક્યારેય ઉતાવળે કામ કરવાનું હોય તો બોલતા સાંભળ્યા હશે, 'એકી સમયે હું કેટલાં ઘોડે ચડું?' ધારો કે તમે આ લેખ વાંચો છો, એ જ સમયે આ વરસે કેટલો ટેક્સ ભરવાનો થશે એ ગણો છો અને પાછા ટીવીના ન્યૂઝ પણ જુઓ છો તો તમે કેટલું અને કેવું ધ્યાન આપી શકો? માણસના મગજની એક 'સામાન્ય' લિમિટ હોય છે, મહત્તમ ચાર વાત પર ધ્યાન આપી શકે, આનાથી વધારે થાય તો માણસ ગોટે ચડી જાય, મગજ ચાલે નહિ! અને ખરેખર તો મગજ એક જ વાત પર એકી સમયે સારી રીતે કેન્દ્રિત થઈ શકે. મલ્ટીટાસ્કિંગ શબ્દ બરાબર સમજો, એમાં એક સાથે બે ત્રણ કામ કરો છો પણ કોઈ એક ક્ષણે મગજ તો એક જ ટાસ્ક પર ફોકસ હોય, પછી એ વારંવાર switch over થાય, ખરેખર મલ્ટીટાસ્કિંગ એ સ્વીચીંગ છે, એક વાત પરથી તરત બીજી પર, પછી વળી ત્રીજી પર, કૂદકો મારી પાછા પહેલી વાત પર આવીએ , એવું ચાલ્યા કરે. પણ આ એક એક સ્વીચીંગની કિંમત ચૂકવવી જ પડે! સામાન્ય રોજિંદા કામમાં તો ઠીક. અમુક કામ તો સબકોન્શ્યસ સંભાળી લે. તમે શર્ટના બટન બીડતાં બીડતાં કોઈ સાથે ચર્ચા કરી ય લો પણ જ્યાં ખૂબ ધ્યાન આપવાનું જરુરી હોય એવું મોટું કામ લઈને બેઠાં હો ત્યાં વચ્ચે મેસેજ આવે તે જોઈ લો કે ઈ મેઈલ ચેક કરો તો પાછું તમારું ધ્યાન સંપૂર્ણપણે મૂળ કામ પર લાવતા 23 મિનિટ લાગે! માન્યામાં ન આવે એવી વાત છે ને? આપણે આપણો ખૂબ કિમતી સમય ધ્યાન ભટકાવવામાં વેડફી નાખીએ છીએ. અને આવી ખલેલોથી મગજ થાકી જાય, બધી રીતે, માનસિક અને શારીરિક રીતે પણ. મગજના કોષો ય ખોરાક માગે, ગ્લુકોઝ વપરાઈ જાય.તમારા નિર્ણયો બરાબર ન લેવાય, રચનાત્મકતા સાવ ઘટી જાય. આપણે કહીએ કે 'પેટ્રોલ ખાલી થઈ ગયું!' એટલે જ પરીક્ષા પહેલાં કે કોઈ ખાસ મિગિં પહેલાં થોડું ખાઈને જવું સારું! ( દહીંના શુકન ! ) મગજ થાકે પછી ઉંઘી જઈએ એટલે ફરી તાજા થઈ જઈએ, એટલે જ પૂરતી ઉંઘ જરુરી. વહેલી સવારમાં અગત્યના કામ કરવા ઉત્તમ. મગજને કેવી રીતે ખૂબ 'ફાસ્ટ' કરવું કે કેવી રીતે સાવ શાંત કરવું તે માટે આવતા અઠવાડિયે 'ધ્યાન' પર ધ્યાન આપશું!










