સરીગામ GIDCની 34,743 ચોરસ મીટર ખેતીની જમીનનો મૂળ ખાતેદારને 'એક્સચેન્જ ડીડ' મારફતે 20 ડેવલપ કરાયેલા પ્લોટ આપવાના નિર્ણયને હવે સુપ્રિમ કોર્ટે પણ સંપૂર્ણપણે ગેરકાયદે અને કૌભાંડયુક્ત કહ્યો છે. જુલાઈના છેલ્લા સપ્તાહે સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદાથી બ્યુરોક્રેટ્સમાં જબરજસ્ત ખળભળાટ છે. કારણ કે, આ કૌભાંડનો ઘટનાક્રમ છેક વર્ષ 2014થી શરૂ થાય છે ને વિધાનસભા ચૂંટણી-2022 પહેલાં માર્ચ મહિનાના નિર્ણયથી વિવાદમાં આવ્યો છે. સુપ્રિમે પણ હાઈકોર્ટની જેમ ચૂકાદાને આરંભે જ GIDCના આ નિર્ણયને ''લેન્ડ સ્કેમ ઓફ હ્યુજ મેગ્નિટયૂડ'' કહ્યું છે. કહેવાય છે કે, માર્ચ-2022માં મૂળ જમીન માલિકની તરફેણમાં થયેલા નિર્ણયની પાછળ વર્ષોની પ્રક્રિયામાં મહેસૂલી,GIDCના અધિકારીઓ,પદાધિકારીઓની સામેલગીરી હોઈ શકે છે. આથી, સુપ્રિમે એક્સચેન્જ ડીડને બદદાનતવાળું કૃત્ય હોવાનું ઠેરવ્યું છે ત્યારે સાવ નાના અધિકારી -કર્મચારીઓ પાછળ પડતી ACB, વિજિલન્સ અને સરકાર GIDCના ચેરમેન- મેનેજિંગ ડિરેક્ટર રહેલા IAS,ભાજપના મોટા નેતાઓ સામે ઓગસ્ટના પહેલાં સપ્તાહે મામકા-પાંડવા' કરશે કે સરપાવ આપે છે ? તેના ઉપર સૌની નજર છે.
રાજધર્મે દંડવૈષમ્યમ્ ન યોગ્યમ્ઃ ગંગાજળ પીવડાવ્યું, પરબિડિયું ઢાંકી રાખ્યું !
નીતિશાસ્ત્રમાં 'રાજધર્મે દંડવૈષમ્યમ્ ન યોગ્યમ્' એ સૂત્ર શાસનમાં દંડ આપવામાં અસમાનતા કે પછી ભેદભાવ યોગ્ય નથી એવું સૂચવે છે. રાજ્ય સરકારે ભ્રષ્ટ, ગેરરીતિ આચરનારા, કૌભાંડી, પ્રજાની સાધન- સંપત્તિમાં લૂંટફાટ મચાવતા અને નાગરિકો પ્રત્યે ભેદભાવ કરનારા અફસરાનને સીધા જ ઘરભેગા- નોકરીમાંથી પાણીચુ પકડાવવા 'ઓપરેશન ગંગાજળ' આદર્યુ છે. ચાર વર્ષમાં 76થી વધારે ક્લાસ વન-ટુ 'અનફિટ' અફસરો સામે ઓપરેશન ગંગાજળ હેઠળ કડક કાર્યવાહી થઈ છે. તેના હુકમો તત્કાળ વહીવટી તંત્રે વેબસાઈટથી સાર્વજનિક કર્યા છે. જો કે, આણંદના તત્કાલિન નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસને ગુરુવારે સરકારી સેવામાંથી રૂસખદ આપવા સંબંધિત ઓર્ડર ઉપર સહી થયા બાદ રવિવાર સુધી એ પરબિડિયું જ સાર્વજનિક થયું નથી ! આ GAS ઓફિસર ઓગસ્ટ-2023થી અર્થાત ત્રણ વર્ષથી સસ્પેન્શનમાં છે. તેમની સામે ACB એઆવકથી વધુ સંપત્તિનો ગુન્હો નોંધ્યો છે. ઓપરેશન ગંગાજળ હેઠળની કાર્યવાહી પણ નક્કી જ મનાતી હતી તો પછી હુકમની જાહેરાતને ખાનગી કેમ રાખી ? પરબિડિયું કોણે ઢાંકી રાખ્યું ? એ વહીવટી તંત્રમાં ટોપ ટુ બોટમ 'વિષમદંડ'ને નામે વિમર્શમાં છે.
હોદ્દો & ધંધોઃ મોટા સાહેબ કહે ત્યાંથી પાર્ટ્સ ખરીદો અનેલાઈસન્સ મેળવો !
ભારતનું ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ એન્જિન ગુજરાત- સરકારી અફસરાનના 'ઈન્ડીવિજયુલ ગ્રોથ'નું હથિયાર બની રહ્યું છે. શહેરોમાં જેમ ટાઉન પ્લાનિંગમાં ફાઈનલ પ્લોટથી લઈ પ્લાન મંજૂરીઓ માટે વિકાસકારોને ચઢાવો ચઢાવવો પડે છે એમ ઔદ્યોગિક ક્ષેત્રે પણ ફેક્ટરીના બાંધકામ, પ્લાન મંજૂરી- લાઈસન્સ અર્થે મોટા સાહેબ કહે ત્યાં ધંધો આપવો પડી રહ્યો છે. તેની એક આખી મોડસ ઓપરેન્ડી-MOનો અનુભવ ચાંગોદરમાં ફેક્ટરી નાંખનારા કેટલાક નાના ઉદ્યમીઓને થયો છે. ગુજરાત ફેક્ટરી રૂલ્સ-1963 અને નેશનલ બિલ્ડિંગ કોડ-NBC મુજબ ફેક્ટરીના બાંધકામમાં વપરાતા મટીરિયલ્સ BIS કે ISI ગુણવત્તા પ્રમાણિત હોવા જરૂરી છે. ઉદ્યોગકારો જ્યારે ફેક્ટરી પ્લાન અને લાઈસન્સની અરજી કરે છે ત્યારે તેને મંજૂરી આપનાર ઓથોરિટીમાંથી બાંધકામ, શેડ, પતરા, છત, ખીલા, એંગલ સહિતનું મટિરિયલ્સ સાત ઉત્પાદકોના 12 ડિલરો પાસેથી જ ખરીદી કરવા કહેવાય છે. જેનો ઈન્કાર કરે તેના લાઈસન્સ-પ્લાન એપ્રુવલ અટકાવ્યાની ફરિયાદો ઉઠી છે. ડાયરેક્ટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ-DISHના નામે ધમધમતા ધંધામાં કેટલાક મોટા સાહેબના ફરજંદ, ભાઈ ભત્રીજાની સામેલગીરીથી વાઈબ્રન્ટ ગુજરાત 'પેલ (ઝાંખુ) ગુજરાત' થઈ રહ્યાની ગોસિપ બ્યુરોક્રેસીમાં છે.
સુરતમાં છે એટલે સાંગોપાંગ ઉગરી
પણ જશે, સાથે વજનદાર માણસ છે
સુરત નાસિરનગર ભૂતિયા ડિમોલીશન કેસમાં ગુજરાત હાઈકોર્ટે સતત બીજી વખત મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજનની ભૂમિકા-જવાબદેહિતા સંદર્ભે સરકારને સવાલો કર્યા છે. જુલાઈના છેલ્લા સપ્તાહમાં હાઈકોર્ટે કમિશનર હજુ હોદ્દા ઉપર છે ? તેવા સવાલ સાથે સરકારને ''ઉચ્ચ હોદ્દાએ મૂકીને રિવોર્ડ આપવો હોય તોય આપો પણ સુરતમાંથી હટાવો'' એવા નિર્દેશ સાથે કમિશનર સુરતમાં રહેશે તો તપાસમાં હસ્તક્ષેપ થશે તેવી આકરી ટીકા કરી છે. છેલ્લા બે મહિનાથી ચાલતો ભૂતિયા ડિમોલીશનનો વિવાદ ગરમાયો છે. અલબત્ત રાજ્ય સરકારે આ કેસની તપાસ કરવા માટે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ એમ. થૈન્નરાસન અને સેક્રેટરી રાજકુમાર બેનિવાલને જવાબદારી સોંપી છે. જૂન- જુલાઈમાં સુરતમાં ભારે વરસાદને કારણે આ બંને સેક્રેટરીઓ સ્થળ ઉપર જઈ હજુ તપાસ કરી શક્યા નથી. દરમિયાન બ્યુરોક્રેટમાં ગોસિપ છે કે, સુરતમાં એમ. નાગરાજનની સાથે કોઈક 'વજનદાર' માણસ છે. એથી, સાંગોપાંગ ઉગરી જાય તો નવાઈ નહીં !
બોગસ ખેડૂતના ફરજંદે સરકારની કંપનીમાંથી ઘરબેઠા પગાર લીધો ?
અસલી ગુજરાતમાં નકલી 'સિંચાઈ કાર્યપાલક ઈજનેર' કચેરીથી શરૂ થયેલો સિલસિલો અઢી દાયકાથી સતત પ્રજા જ્યાં વિશ્વાસનું સિંચન કરે છે તે જનપ્રતિનિધીઓ, સરકારમાં વિદ્યમાન નેતાઓના વિશ્વાસભંગમાં પરિવર્તિત થયો છે. બોગસ કોર્ટ- જજ, બોગસ ટોલનાકા, બોગસ PSI, પનીર અને બટર સઘળું નકલી મળી રહ્યું છે. આવી બનાવટોને શોધીને દંડિત કરવા પ્રજાએ જેમને અધિકાર સોંપ્યો છે તેની જ નૈતિકતા બોગસ નીકળે, ફરજંદોને એ કડીમાં જોડે તો શું થાય ? અહીં વાત બોગસ ખેડૂત જાહેર થયેલા નેતાની છે. ટોચના બ્યુરોક્રેટ્સમાં એ બોગસ ખેડૂત નેતાના ફરજંદનો કિસ્સો ચર્ચામાં છે.નેતા સરકારી કારભાર સંભાળતા હતા ત્યારે પાલ્યને ગુજરાત સરકારની કંપનીના ગાંધીનગરના એકમમાં નોકરી મળી હતી ! કહેવાય છે કે, ફરજંદ નોકરીએ આવતા જ નહોતા છતાંયે ગેરહાજરીનો પગાર બેંક એકાઉન્ટમાં પડતો રહ્યો છે. જો કે, હવે પપ્પાનું ભોપાળું ગઢને કાંગરેથી સરાજાહેર થતા મફતીયો પગાર લેતા ફરજંદની 'હવા' નીકળે તો નવાઈ નહીં.
કોંગ્રેસનો નગરસેવક ઢીંચેલો પકડાયો,BJPના MLA એ દમ મારી છોડાવ્યો
અમદાવાદના કોટ વિસ્તારમાં જ્યાંથી ભાજપનો ઉદય થયો છે ત્યાં લોક જુબાનમાં ''હમામ મે સબ... ''ઉક્તિનો ઉચ્ચાર સાવ સામાન્ય છે. રિયલ લાઈફમાં કંઈક આવી જ અસામાન્ય ઘટના સર્જાઈ છે. જેમાં ભાજપ-કોંગ્રેસના ભાઈચારામાં પોલીસને દમ અને ગાળો ખાવી પડી છે. થયું એવું કે, સારંગપુર દરવાજે દેખાતા કોંગ્રેસના નગરસેવક દિલ્હી દરવાજા નજીકમાં ભર વરસાદે થોડું વધારે પી ગયા હશે એટલે પોલીસની ઝપટે ચઢયા. પોલીસ પ્રોહિબિશનનો કેસ દાખલ કરે તેના પહેલાં જ નગરસેવકે મોબાઈલ ઉપરથી કલાપીના કેકારવની કવિતાઓ કહેવાનું શરૂ કરતા સામે છેડે ભાજપના ધારાસભ્યનું કૌશલ્ય એવું મ્હોર્યું કે તેઓ વરસાદની પરવા કર્યા વગર સીધા થાણે પહોંચી ગયા ! જ્યાં ભાજપના ધારાસભ્યે કોંગ્રેસના કોર્પોરેટરને કંઈ કર્યુ તો 'હું જોઈ લઈશ' પોલીસને સઘળું પડતું મુકવું પડયું છે. આ જુગલબંધી ભાજપમાં છેક ઉપર પહોંચતા ધારાસભ્યને ઠપકો મળ્યો છે પણ કોંગ્રેસના કોર્પોરેટર સાથેની ભાઈબંધી યથાવત છે !
બોલો, પોલીસ શોધે છે તે 'રજલો'
મંત્રી સાથે ચ્હા પી સેલ્ફી લઈ ગયો
અહર્નિશં સેવામહે- અમે રાત દિવસ લોકહિત અને સમાજની સેવામાં તત્પર રહીને કાર્ય કરીએ છીએ. તે પ્રતિત કરાવવા સ્વર્ણિમ સંકુલમાં સ્થાન પામેલા સ્પેશ્યલ-26 પૈકીના કેટલાક મંત્રીઓ સેલ્ફી અને રિલ્સ વગર જીવી શકતા નથી ! ગુજરાતમાં, મતક્ષેત્રમાં વરસાદના રેડ- યલો એલર્ટ ટાણે ભલે નાગરિકો વચ્ચે ન દેખાય પણ ચેમ્બરમાં આવે તેવા દરેકની સાથે ચ્હાની ચુસકી લઈને તસ્વીરબાજીનો લ્હાવો લેતા મંત્રીઓ કેટલીક વખત ગુનોગારોને કારણે વધુ પડતા પ્રખ્યાત થાય છે. આવું જ કંઈક સારા- ખોટા બધા ભાજપમાં જ છે કહે રાખતા મંત્રીને ત્યાં થયું છે. જ્યાં દારૂ- જુગારના કેસમાં પોલીસ જેને શોધી રહી છે તે રજલો' નામનો આરોપી આવી ચઢયો. મંત્રીએ તાનમાં ને તાનમાં ચ્હા-પાણી કરાવ્યા, પછી તેની સાથે તસ્વીરસ્થ થયા ! જે કર્યું તે બધુ સોશિયલ મીડિયા ઉપર ફરી વળ્યું છે.
પૂરગ્રસ્ત વલસાડમાં સહાય માટે ગયેલા અધિકારીઓએ દમણમાં મોજેમોજ માણી
દસેક દિવસ પહેલા વલસાડમાં જળપ્રલયની સ્થિતિ ઉભી થઈ ત્યારે સરકારે 10 જેટલા નાયબ ક્લેક્ટરો અને મામલતદારો વલસાડ જિલ્લા તંત્રની સહાય માટે ફાળવ્યા હતા. સૂત્રો કહે છે, ડેપ્યુટેશન ઉપર મોકલાયેલા આ અધિકારીઓને મોજેમોજ પડી ગઈ હતી, એકાદ બે દિવસમાં જ આ અધિકારીઓએ સોંપેલું કામ પુરું કરી નાખ્યું હતું, પછી ટાઈમ કાઢવો ક્યાં એ સવાલ ઉભો થતાં આ અધિકારીઓએ રોજ દમણ પહોંચી હોટલોમાં મોજ માણી હતી. ચાલુ પગારે જલસા તે આનું નામ.
ગિફ્ટસિટીના ગરબા મહોત્સવમાં મામકાને કોન્ટ્રાક્ટ આપવા ગોઠવણ થયાની ચર્ચા
ગિફ્ટ સિટીના તંત્રએ દર વખતની માફ્ક આ વખતે ઓક્ટોબરમાં નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન ખાનગી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપવા ટેન્ડર મગાવ્યા હતા, જે સબમિટ કરવાની તારીખ બે દિવસ પહેલાં જ વિતી ગઈ. તંત્ર દ્વારા અજીબ રીતે ટેન્ડરની શરતો રખાઈ હતી, જેમકે ટેન્ડરમાં એવી જ કંપની ભાગ લઈ શકે જેનું છેલ્લા ત્રણ વર્ષનું ટર્નઓવર ઓછામાં ઓછું રૂ.25 કરોડ હોય, એમાંય રૂ.45 કરોડથી વધારે ટર્નઓવર હોય તો એને સીધા 20 માર્ક રોકડા મળી જાય, ટેન્ડરમાં ભાગ લેનારી કંપની પાસે 15 વર્ષનો અનુભવ માગવામાં આવ્યો હતો અને આ 15 વર્ષમાં 6થી 10 પ્રોજેકટ કર્યા હોય તો તેને 10 માર્ક આપોઆપ મળી જાય, એવી જ રીતે કંપનીનું નેટવર્થ રૂ.10 કરોડથી વધુનું હોય તો એને 20 માર્ક વધારાના મળી જાય. આવી શરતો તરફ્ ધ્યાન દોરતાં સૂત્રો કહે છે કોઈ ચોક્કસ પાર્ટીને કોન્ટ્રાક્ટ સોંપવાના ઈરાદે બિડ તૈયાર કરાયું હોવાની ગંધ આવી રહી છે. કોઈ રાજકારણીના ઈશારે કોઈ ચોક્કસ પાર્ટીને આ 3-4 કરોડની કિંમતનો કોન્ટ્રાક્ટ આપવા કારસો રચાયો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે.
રેગિંગ રોકડીઃ રિટાયર્ડ ACS બચાવી
ન શક્યા, ભાડા+ બીલ પાછા મળશે ?
ભાવનગરમાં સર. ટી. મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાના દોઢ મહિને આરોગ્ય અને તબીબી વિભાગે ઓર્થોપેડિક વિભાગના HOD ડો.વિનોદ ગૌતમને સસ્પેન્ડ કર્યા છે.તબીબી અધિક્ષક અશોક વાળા, મેડિકલ કોલેજના એડિશનલ ડીન ડો.અમિત પરમાર, બિલ્ડિંગમાં નોડલ ઓફિસર ડો.સમીર શાહને ચાર્જમાં મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ઓર્થોપેડિક વિભાગમાં કોન્ટ્રાક્ટ પર રહેલા ડો.પિનાકીન વોરાની સેવાઓને તત્કાળ અસરથી સમાપ્ત કરી દેવાઈ છે. જૂન મહિનામાં દેશભરમાં મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે ગુજરાતને શર્મશાર કરનારી 'રેગિંગ રોકડી' નામે કુખ્યાત થયેલી ઘટનાના મુખ્ય સૂત્રધારના તાર એક નિવૃત્ત અધિક મુખ્ય સચિવ-ACS સાથે જોડાયેલા હોવાની ચર્ચા પહેલાથી હતી. જુનિયર ડોક્ટરોમાં ચર્ચા છે કે, સૂત્રધાર અમદાવાદથી કોલેજમાં આવતા જ નહોતા ! ભાવનગર આવે તો હોટેલ્સમાં રોકાતા ને રિસોર્ટ જેવી મિજબાની યોજતા. જેના ભાડા અને બીલના લાખો રૂપિયા રેગિંગને નામે વસૂલાતા. એ હવે આરોગ્ય વિભાગની તપાસ સમિતિ પાછા અપાવશે કે કેમ ?
પાની 'પાણી'માં રહ્યા, જેમનું નક્કી નહોતું તેવા ગ્લાસગો પહોંચી ગયા
વર્ષ 2030ના ઓક્ટોબરમાં અમદાવાદમાં સેન્ચ્યુરી ગેમ્સ- કોમનવેલ્થનું આયોજન છે. તે પહેલાં 23 જુલાઈથી સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારી 99મી કોમનવેલ્થના પ્લાનિંગના પાઠ શીખવા અને 1લી ઓગસ્ટે ત્યાંથી ફ્લેગ અને કિંગ્સ બેટનને લાવવા ગુજરાતમાંથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે 12 IAS-IPSનું ડેલિગેશન જવાનું હતું. પણ થયું એવું કે, ગ્લાસગોમાં કોમનવેલ્થ શરૂ થાય તે પહેલાં જ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદે સંકટ ઉભું કર્યુ અને છેક મ્યુનિસિપલ કમિશનર બંચ્છાનિધિ પાની અહીં જ રહી ગયા ! અલબત્ત, કલેક્ટોરેટ ક્ષેત્રમાં આવતા બાવળા અને ચાંગોદરમાં તેમની સાથે જોવા મળેલા શહેરી વિકાસ અગ્રસચિવ એમ.થૈન્નરાસનને ગ્લાસગો જવાની મંજૂરી મળી ગઈ પરંતુ, જેમના વિઝા સહિત ભારત સરકારનું ક્લિયરન્સ અવઢવમાં હતું તેવા અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પાછળથી ગ્લાસગો પહોંચી ગયા હતા. માત્ર ગેહલોત જ નહીં, બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ, જૂનાગઢ DDO જયંતસિંઘ રાઠોર અને જુનિયર IAS મમતા હિરપરા, પુષ્પ લત્તાની લોટરી ખૂલતા બ્યુરોક્રેટમાં સિનિયરો અચંબિત છે !
IAS અજય ભાદુ આવતા અઠવાડિયે કેડર સ્ટેટમાં કમને પરત ફરશે
ગુજરાત કેડરના IAS અજય ભાદુદિલ્હી ડેપ્યુટેશનથી કેડર સ્ટેટમાં પરત ફરી રહ્યાં હોવાનું દિલ્હીમાં સંપર્ક ધરાવતા સૂત્રોએ જણાવ્યું છે. વર્ષ 1999 બેચના આ અધિકારી છેલ્લા બે વર્ષથી વાણિજ્ય મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યાં છે. જુલાઈ-2019ના અરસામાં પાંચ વર્ષના કાર્યકાળ માટે દિલ્હી ગયેલા આ અધિકારીએ 2024માં વધુ બે વર્ષનું એક્સટેન્શન મેળવ્યું હતું, જે સમયગાળો પૂર્ણ થતાં હવે એમને કમને પાછું ફરવું પડી રહ્યું છે. ટૂંક સમયમાં આ અધિકારી સ્ટેટ કેડરમાં હાજર થવાના હોઈ એમને ક્યાં મૂકાશે એ વિશે પણ અટકળો થઈ રહી છે. જોકે ઘણા વિભાગો કામચલાઉ ચાર્જ ઉપર ચાલી રહ્યાં હોઈ કોઈ એકમાં એમને ગોઠવી દેવાશે એમ સૂત્રો જણાવી રહ્યાં છે.
