ખેડૂતોને સબસિડી, કૃષિ યોજનાના આર્થિક લાભોને મંજૂર કરનારા ગુજરાત એગ્રોઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન-GAICમાં આઉટસોર્સિંગના પ્રતાપે રૂ.300 કરોડના કૌભાંડની કળ વળી નથી ત્યાં 'નવી ખેતી'નો વિવાદ ઉગ્યો છે.GAICમાં પાંચ વર્ષથી ક્લાસI-IIસહિત 50 જગ્યા ખાલી છે. ત્રણ વર્ષથી ખાલી જગ્યા અબેયન્સ'માં જાય છે, અને અહીં આખું તંત્ર જ આઉટસોર્સિંગના ભરોસે ચાલે છે ! ચાર વર્ષ પૂર્વે આવા આઉટસોર્સિંગના એડિશનલ જનરલ મેનેજર-AGM અભય જૈનના કારભારમાં કાંડ સામે આવ્યું હતું. આવી ખેતી બંધ કરવા મેનેજિંગ ડિરેક્ટર-MD વિજય ખરાડીએ 'અબેયન્સ'ની જગ્યાઓ પુનઃજીવિત કરીને કાયમી ભરતી કરવા માટે કૃષિ-ખેડૂત કલ્યાણ વિભાગના અગ્રસચિવ રમેશચંદ્ર મીણાને દરખાસ્ત મોકલી હતી. મીણાએ તો તે મંજૂર કરી, પરંતુ નાણાં વિભાગે એ ફાઇલ નામંજૂર કરી છે ! જેના કારણો બહાર આવ્યા નથી. બ્યુરોક્રેટમાં વ્યંગ ચાલી રહ્યો છે કે ''જો કાયમી અફસરો આવે તો ચોરી પકડાય ! કદાચ એટલા માટે આઉટસોર્સિંગની આડમાં લૂંટ કલ્ચરનો રોડમેપ ખુલ્લો રહ્યો હોઈ શકે છે'' કારણ કે, ચાર વર્ષ પહેલાં GAICમાં આઉટસોર્સિગ સ્ટાફના બળે ભડકેલા કૌભાંડોની આગમાં એક IAS, બે IFS અનેકેટલાક નેતાઓ પણ દાઝી ચૂક્યા છે.

તલાટીનો આઈફોન, કલેક્ટરનો ઈગો, બેઉંના કપડાં એક બ્રાન્ડના = બબાલ !

પરિવારની ભાવના'- વિદાય લેતા, કામ કાઢાવતા, કામ કરાવતા ઉપરી અફસરો પોતાનાથી ઉતરતી પાયરીના અધિકારી-કર્મચારીઓને આવા જ શબ્દોથી અભિભૂત કરતા હોય છે. પણ વાસ્તવમાં એવું હોતું નથી ! અહીં વાત, કોવિડ-19ની મહામારીથી ચર્ચામાં રહેલા અને હજુ હમણાં કલેક્ટર બનેલા IASની છે. બુધવારે તેઓ એક કચેરીની આકસ્મિક મુલાકાતમાં હતા. ત્યાં હાજર તલાટીનાહાથમાં 'આઈફોન' જોતા જ જપ્ત કરી લીધો અને ''બિલ લાવ, મારે ખરાઈ કરવી છે. તારો નહીં હોય તો સસ્પેન્ડ કરીશ'' તલાટીએ પરિવારના નામે આઈફોનનું બિલ હોવાનું કહ્યું અને પુરાવો આપવા સ્ક્રીન ફંફોસે ત્યાં કલેક્ટરે ગુજરાતમાં અમદાવાદની જાણીતા કાપડ ઉત્પાદક બ્રાન્ડનું પેન્ટ પહેરેલું જોઈ તલાટીને ''હું જેવા કપડાં પહેરું છું તેવા તું પહેરે, એવું ન ચાલે !'' કહેતા કચેરીમાં સૌ સ્તબ્ધ થઈ ઉઠયા હતા. એ જિલ્લાની કચેરીઓમાં, રાજકીય વર્તુળોમાં ''તું મેરા સહી બટ મેરે જૈસા તો કભી નહીં'' નામે જોરદાર કટાક્ષ ચાલે છે. એકબાજુ મર્યાદિત પગારદાર તલાટીનો મોંઘો શોખ તંત્રમાં ઉપરની આવક તરફ સોય ઉગામે છે તો બીજી તરફ UPSCમાં ટોપર થઈને ગુજરાતમાં ઉતર્યા ત્યારથી ચર્ચામાં રહેતા કલેક્ટરનું આ વર્તન કાયદાકીય તપાસ છે કે માનસિક ઈગો- એ મોટો સવાલ છે ! 

ઊંધી'રકાબી'ને સીધી કરવા DDO એઈજનેરો સાથે સ્થળ વિઝિટ કરવી પડે !

ભાવનગરના થળસર ગામના સવેડી વિસ્તારના રહીશો 10 વર્ષથી ગટરની લાઈન વગર ચોમાસામાં કૂવામાં રહેતા હોય તેવી નર્ક જેવી સ્થિતિ ભોગવી રહ્યા છે. ત્યાંથી ગાંધીનગર પહોંચેલા ગ્રામજનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ યાતનાની પીડા ઠાલવતા 'સ્વાગત'માં થોડીક હળવી રમૂજની સાથે પરિણામલક્ષી આદેશની ચર્ચા બ્યુરોક્રેટમાં છે. જિલ્લા વિકાસ અધિકારી-DDO હનુલ ચૌધરીને મુખ્યમંત્રીએ કારણ પૂછતા તેમણે ''આ વિસ્તાર તો ઊંધી રકાબી જેવો છે અને વચ્ચે ખાનગી જમીન હોવાથી નિકાલ નથી આવતો'' એવો ટેકનિકલ જવાબ આપતા મુખ્યમંત્રીએ હળવાશથી સ્થળ વિઝિટનો હિસાબ માંગ્યો હતો. જો કે, આવી વિઝિટ-રિપોર્ટિંગ તલાટી-TDOના કાગળિયાથી જ થતી હોય છે. આથી, તેમણે DDOને ઈજનેરોની સાથે સ્થળ પર જઈને રસ્તો કાઢવા સૂચવ્યું હતું. જેના કારણે રમૂજ થઈ છે કે, નોન-ટેકનિકલ અફ્સરો AC ઓફ્સિમાં બેસીનેતલાટીના રિપોર્ટ આધારે 'ઊંધી રકાબી'ની દલીલો કરે ત્યાં સુધી પ્રશ્નો સીધા કેવી રીતે થાય ? હવે DDO પોતે ઈજનેરો સાથે ધૂળ સરખી કરવા જશે, ત્યારે છેક જઈને પાણીનો રસ્તો સીધી રકાબી જેવો ચોખ્ખો થશે !

ભંગારનો ડેલો : સ્વાગતમાં રાડ પડી ત્યારે' JCBનું એન્જિન' ગરમ થયું !

સરકારી જમીન ઉપર વર્ષોથી બનેલા જાહેર રોડ વચ્ચે 'ભંગારનો ડેલો' દબાણ થઈ ખડકાયેલો રહ્યો, પણ સ્થાનિક અફસરાનના પેટનું પાણીય ન હલ્યું ! સામાન્ય માણસનું નાનું દબાણ હોય તો તંત્રનું JCB ગણતરીની મિનિટોમાં પહોંચી જાય છે, રાજકોટમાં વર્ષો જૂનું દબાણ હટાવવા માટે જાગૃત અરજદારે છેક 'મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' સુધી રાવ નાખવી પડયાની ઘટના સાંભળીને સૌ દંગ થઈ ઉઠયા છે. વાત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, ત્યાંથી ગાંધીનગર આવેલા અરજદારના ફોટો મુખ્યમંત્રી સમક્ષ રજૂ થતા કમિશનર તુષાર સુમેરા અચાનક એક્ટિવ થઈને ચાર દિવસમાં દબાણ દૂર કરવાની ખાતરી આપી દીધી હતી.CMએ જ્યારે મ્યુનિ. કમિશનરને પૂછયું ત્યારે તેમણે નોટિસ આપીને દૂર કરી દઈશું એવો જવાબ આપ્યો હતો. આથી ભૂપેન્દ્ર પટેલે જે નજરે દેખાય છે, ગેરકાયદેસર છે ત્યાં નોટિસ, પછી નોટિસ અને જવાબ જેવું ક્યાં સુધી ચાલશે ? કહેતા તુષાર સુમેરાએ ચાર દિવસનો વાયદો કર્યો છે. જેના કારણે દબાણ હટાવવા પણ જો CMOના ધક્કા ખાવા પડે તો સવાલ દબાણનો નથી પણ નીતિ અને ઇચ્છાશક્તિનો હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

પાણીમાં પોરા પડયાઃ ચાર્જમાં અવળી ગંગા, મહિલા ઈજનેરે ટ્રાન્સફર માંગી

નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર એમ ચારેય વિભાગમાં એક જ ઠેકાણે એકત્ર થયેલું પાણી ગંદવાડ ફેલાવી રહ્યું છે. જેનાથી 'પોરા' પડયાની કથાઓ ઈજનેરી કેડરમાં ઠેરઠેર થાય છે. વાત 'વહીવટ'માં વહેતી એક એવી અવળી ગંગાની છે કે જેમાં બે અધિક્ષક ઈજનેર-SEને 'ચીફ ઈજનેર'-CEના ચાર્જ સોંપી દેવાયા છે ! સિંચાઈમાં CEની 7 જગ્યાપૈકી ચાર ભરાયેલી છે. બાકીની ત્રણ ખાલી જગ્યામાંથી બે જગ્યાએ અન્ય CEને બદલેતેમની નીચલી કેડરના બે SE અનુક્રમે ડી.બી.સિંઘને વાલ્મી સંસ્થા, આણંદ અને શ્રોયસ ગુપ્તાને સંવેદનશીલ ગણાતા મધ્ય ગુજરાતના CE ઈન્ચાર્જ બનાવતા કંઈક રંધાયાનો ધુમાડો પાણી ભેગો ઉડયો છે. ચાર્જ સોંપણીના 'વહીવટ' વચ્ચે નર્મદા વિભાગમાં કેનાલ નેટવર્કના એક મહત્વના ખંડ ઉપર નિયુક્ત ક્લાસ વન યુવાન ઈજનેરથી કંટાળીને એક મહિલા જૂનિયર ઈજનેરે ટ્રાન્સફર માંગી લીધી હતી. કહેવાય છે કે, યુવા ઈજનેર વરસાદ કે ટ્રાફિકને લીધે ઓફિસ અને ફિલ્ડ પર 10 મિનિટ લેટ પહોંચે તો તે જૂનિયરોને મેમો પકડાવી ખખડાવતા હતા. એથી અધિકાંશ જૂનિયરોએે સ્વ-વિનંતીથી બદલી માંગી હતી.

મસ્તાના'માં પ્રેમ ભારે પડયો, માર નહીં મારવાના સોદામાં 'સસ્પેન્શન'

નંબર પ્લેટ વગરના વાહનમાં, બ્લેક ફિલ્મ લગાવીને રીલ ઉતારીને નાગરિક સમાજમાં ભયનો માહોલ, કાયદો અને વ્યવસ્થાને ખુલ્લેઆમ ચેલેન્જ આપતા ગેંગસ્ટરને પોલીસ પ્રેમ કરે ? હા, આવું થયું છે. અમદાવાદ નજીક મારામારી, ખુલ્લેઆમ ફાયરિંગની ઘટનામાં સામેલ આરોપી સાથે પોલીસે દિવાના-મસ્તાના જેવું કર્યું છે. બે ગેંગ વચ્ચે સરેઆમ વર્ચસ્વની લડાઈમાં પોલીસે નામચીન આરોપીને ઝબ્બે તો કર્યો પણ એ પછી ખાખીનો અનોખો 'પ્રેમ' છલકાઈ આવ્યાની ઘટના ગુજરાતભરમાં ચર્ચાની એરણે છે. અંદરની વાત તો એવી છે કે, કાયદાનો ડર બતાવવાને બદલે લોકઅપમાં તેને માર ન મારવાના બદલામાં મોટો વહીવટ' કરી લેવાયો. પૈસાનો પાવર મળતાં જ ખાખીધારીઓ આરોપીને માલિકની જેમ સાચવીને લાડકોડ લડાવવા લાગ્યા ! આ પરોણાગતની ગંધ ગાંધીનગરમાં હાઈકમાન્ડ સુધી પહોંચતાં જ શિસ્તનો હથોડો વિંઝાયો અને જવાબદાર પોલીસ અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે ! હવે આવા બીજા દિવાના-મસ્તાના કરનારની ખાખી ક્યારે ઉતરે છે તે જોવું રહ્યું. 

ચોપ સ્ટીક ચસ્કોઃ વાઈબ્રન્ટ ફોરેન ટૂર માટે 14 વેઈટિંગમાં, ચાર IAS જાપાન જશે

સેવા સંકલ્પ અભિયાન'ને કારણે વાઈબ્રન્ટ સમિટ માટે પાંચ મંત્રીઓ અને 14 IAS સાથેના 7 ડેલિગેશનોની ફોરેન ટૂર 17મી ઓક્ટોબર સુધી સ્થગિત કરાઈ છે. આ બધી રોક વચ્ચે પણ ચાર- ચાર IAS માટે જાપાનની ફ્લાઈટબુક થઈ રહી છે ! શહેરી વિકાસના અગ્રસચિવ એમ. થૈનારસન અને રમતગમત સચિવ રાહુલ ગુપ્તા 29મી સપ્ટેમ્બરે જાપાનમાં એશિયન ગેમ્સનું મેનેજમેન્ટ, ડિજિટલ ટેક્નોલોજી અને સ્ટેડિયમ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમજવા જઈ રહ્યા છે, કારણ 2038ની એશિયન ગેમ્સ ગુજરાતમાં હોસ્ટ કરવાની દાવેદારી છે ! બીજી તરફ્, ગુજરાત લાઈવલી હુડ પ્રમોશન કંપની-GLPCના MD પ્રશસ્તિ પરીક અને એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર યોગેશ નિરગુડે પણ તાલીમના નામે જાપાન ઉપડશે. આથી જેમની વાઈબ્રન્ટ ટૂર લટકી છે, વેઈટિંગમાં તેવા સિનિયરોમાં પોતાના પહેલાં જૂનિયરો જાપાનમાં 'ચોપ સ્ટિક'ના ચસકા લેશે તેવી હળવી રમૂજ થઈ રહી છે. 

સફાઈ ઈવેન્ટઃ સેક્રેટરીઓ ગ્રામીણોએ પંચાયત વેબ સિરિઝનો ટેસ્ટ કરાવ્યો !

સેવા સંકલ્પ અભિયાન હેઠળ સચિવાલયના અફસરોને નજીકના ગામડાઓમાં વહેલી સવારે ઝાડૂ લઈને પહોંચી જવા સેક્રેટરીઓએ આદેશ તો કર્યો પરંતુ, ગાંધીનગર પાસેના ગામમાં આ 'ઈવેન્ટ' સીધી રિયાલિટી શોમાં ફેરવાઈ ગઈ હતી ! સાહેબો હાથમાં ઝાડૂ પકડીને જેવા કેમેરા સામે ગોઠવાયા કે ગ્રામજનોએ મોઢે જ ''ખબર છે, તમે તો ખાલી ફોટા પડાવવા જ આયા છો. કાલે ફરીથી થોડી આવશો ?'' તેમ કહ્યું હતું. વાત આટલેથી ન અટકી. ગ્રામ પંચાયતની એક મહિલા સફાઈ કામદારે તો એક મોટા વિભાગના અધિકારીઓની ટીમને પોતાની રોજી છીનવનારા સમજીને સીધુ જ 'તમને ભગવાન પહોંચશે' કહેતા પૂર્વ સરપંચે વચ્ચે પડીને મામલો થાળે પાડયો હતો. આ ઘટના અંગે સચિવાલયના ગલિયારામાં ''ગાડીઓ ભરીને પહોંચેલા અફસરો તો ગામને સુધારવા ગયા હતા, પણ ગામડાવાળાએ 'પંચાયત' વેબ સિરિઝનો રિયલિટી ચેક આપી પાછા મોકલ્યાની ગોસિપ છે.

મહામહીમની પ્રાકૃતિક ખેતી- સ્નેહ ભોજનની સફર લોકભવનના આંગણાં સુધી પહોંચી

રાસાયણિક ખાતરો, જંતુનાશકોના આડેધડ ઉપયોગથી જમીન અને માનવ સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થઈ રહ્યું છે, કેન્સર સહિત ગંભીર બીમારીના કેસ વધી રહ્યા છે, આ સ્થિતિમાં ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેના માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઝુંબેશ ઉપાડી છે, તેઓ સમયાંતરે વિવિધ ગામડાંની મુલાકાત લઈ ખેડૂતો સાથે બેઠક યોજે છે. ગામડે રાત્રિ રોકાણ કરે છે. આ પ્રવાસ વેળા તેઓ જે તે પરિવારને ત્યાં જઈને ભોજન લે છે. રાજ્યપાલે પ્રવાસો યોજ્યા એ પછી વિવિધ પરિવારોને લોકભવન ખાતે આમંત્રણ પાઠવ્યું હતું અને આ પરિવારો સાથે ભોજનનો આસ્વાદ માણી ખેડૂતો સાથે ગુફતેગો કરી હતી.

સ્લો મોશનમાં આવેલા સેક્રેટરીઓનો CM એ 'હાઈ-વોલ્ટેજ' ક્લાસ લીધો !

ગુજરાતમાં 17મી સપ્ટેમ્બરથી 17મી ઓક્ટોબર સુધી 'સેવા સંકલ્પ અભિયાન'ની ધામધૂમ ચાલી રહી છે. સ્વચ્છતા, વૃક્ષારોપણથી લઈ સરકારી યોજનાઓને છેવડાના લાભાર્થીઓ સુધી પહોંચાડવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે, પણ વહીવટની અસલી 'ગાડી' તો ન્યુટ્રલમાં પડી છે ! બુધવારે મળેલી કેબિનેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિયાનની કાચબાછાપ ગતિ જોઈને સીધો 'હાઈ-વોલ્ટેજ' ક્લાસ લીધો હતો. સેક્રેટરીઓની ઢીલી નીતિ અને પ્રો-એક્ટિવનેસના અભાવ મુદ્દે તેમણે ભારે અણગમો વ્યક્ત કર્યાનું કહેવાય છે. ''અભિયાન કાગળ પર નહીં, પણ રસ્તા પર દેખાવું જોઈએ'' તેવી કડક ટકોર સાથે તેમણે સેક્રેટરીઓને પોતાના વિભાગ અને પ્રભાર હેઠળના જિલ્લામાં સ્પીડ વધારવા, ગ્રાઉન્ડ લેવલે સતત રિવ્યુ કરવાનો આદેશ કર્યો છે. કેબિનેટમાં આવું સાંભળીને સેક્રેટરીઓમાં એવી ચર્ચા છે કે,CMએ તો ગ્રાઉન્ડ પર એક્ટિવ થવા નવો મેમો પકડાવ્યો ! હવે જોવાનું એ રહે છે કે CMના આવા અણગમા પછી સચિવાલયની 'સ્લો મોશન' ફાઈલો અને સેક્રેટરીઓ સ્પીડ પકડે છે કે પછી અભિયાન પૂરું થવાની જ વાટ જુએ છે !

પોલિટિકલ વેપન ?: ભૂગોળ, ઈતિહાસ ભણ્યા છે એટલે CO બદલાતા નથી !

શહેરી વિકાસ વિભાગે શુક્રવારે યોગેશ ગણાત્રા સામે ઓપરેશન ગંગાજળની કાર્યવાહી કર્યા પછી 130 ચીફ ઓફિસરો-COમાં પાટણ નગરપાલિકામાં સતત વિવાદમાં રહેનારા હિરલ ઠાકરની ચર્ચા સપાટી ઉપર છે. માત્ર COની કેડર જ નહિ, રાજકીય ગલીયારામાં ગોસિપ છે કે, પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલના કામો રોકવા ક્યાંકને ક્યાંક તેઓ ''પોલિટિકલ વેપન'' થઈને ઉભર્યા છે. ચીફ ઓફિસર ઠાકર શાસનમાં ખૂબ કડક છે તેમાં બેમત નથી, પણ આવી રાજકીય ખેંચતાણમાં પાલિકાએ પાટણમાં વિકાસના શું કામ કર્યા એ મોટો પ્રશ્નાર્થ છે. બે મહિના પહેલા ભાજપના એજન્ટ થઈને કામ કરવાનો આરોપ લાગ્યો ત્યારે તેમણે સામેથી જ ''હું પાટણમાં આવી તે પહેલાં ભૂગોળ, ઈતિહાસ અને નાગરિકશાસ્ત્ર ભણી છું'' એવું કહ્યું હતું. સરકારે ગણાત્રાને ઘરભેગા કર્યા ત્યારે CO કેડરમાં ''આપણા સંવર્ગના સાથી કડકાઈથી રાજકીય નિશાના તો બરાબર પાર પડે છે, પણ એ ચક્કરમાં પાટણનો વિકાસ જ કાગળ ઉપર 'સસ્પેન્ડ' થયાની ગોસિપ હતી.

ગ્રીન કે ડ્રેનેજ ? ખેતરમાં જતા ઉદ્યોગોના ગંદા પાણીમાં આવી કોઈ કેટેગરી ન હોય

ફેક્ટરી ગ્રીન કેટેગરીની હોય કેમિકલવાળું પાણી ન છોડતી હોય તોય શું, એ પાણી અમારા ખેતરમાં કેમ જવા દેવાનું ? - મહેસાણાના કડી તાલુકાના ખેડૂતોની રાવ સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCB, વન- પર્યાવરણ વિભાગ પર સખત નારાજ થયાની ચર્ચા છે. અહીં વાત CM સ્વાગતની છે. જ્યાં GPCBના ઈજનેરોના નબળા સુપરવિઝનને કારણે વિભાગના અગ્રસચિવ વિનોદ રાવને સાંભળવું પડયાનું કહેવાય છે ! તેમણે GPCBના ઈજનેરોએ આપેલી બ્રિફમુજબ ફેક્ટરી ગ્રીન કેટેગરીની છે, કેમિકલ નથી પણ કામદારોના વપરાશનું ગટરનું પાણી હોવાનો જવાબ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ''પાણી કેમિકલનું હોય કે સુએજનું, ફેક્ટરીનું ટીપુંય બીજાના ખેતરમાં નાખવાનો અધિકાર કોણે આપ્યો ?'' કહી સ્થળ ઉપર જઈને જ એકમ સીઝ કરવાના આદેશ કર્યો હતો. આ એક કિસ્સાથી બ્યુરોક્રેટમાં CM સ્વાગતમાં નીચેથી આવતી બ્રિફને ક્યારેય સીધેસીધી જવાબરૂપે રજૂ ન કરવી જોઈએ તેવા બોધપાઠની ગોસિપ છે.