જ્યારે આપણી સમસ્યાઓનો ઉકેલ નથી આવતો ત્યારે આપણે વ્યથિત થઈ જઈએ છીએ. આમ બનવાનું એક મહત્વનું કરાયાં એ છે કે સમસ્યા ઉત્પન્ન થતા આપણે લાગણીશીલ બની જઈએ છીએ અને લાગણીના ભાવાવેશમાં પગલાં લેવા લાગીએ છીએ. કેટલાક ઉદાહરણો જોઈએ. સર્વ પ્રથમ ગુજરાતી ભાષાની વાત કરીએ. બજારમાં હિંદીનું ચલણ વધતું જાય છે અને વિજ્ઞાન, શિક્ષણ, શાસન તથા રાજયદ્વારે અંગ્રેજીનું મહત્વ વધતું જાય છે. આથી વ્યથિત થઈને આપણે માતૃભાષા અંગેની આપની લાગણી વ્યક્ત કરવા સમારંભો ગોઠવીએ છીએ, પોથીયાત્રા કાઢીએ છીએ, ગીતો ગાઈએ છીએ, વ્યક્તવ્યો આપીએ છીએ. આપણી સંપૂર્ણ નિષ્ઠા હોવા છતાં ગુજરાતી ભાષા પાછી પડતી જાય છે અને અંગ્રેજી ભાષા કબજો જમાવતી જાય છે. યાદ રહે ભાષા એ ભાષાશાસ્ત્ર્ર નો વિષય છે. ભાષાશાસ્ત્ર્ર વિજ્ઞાન છે અને વિજ્ઞાનના નિયમો મુજબ ચાલે છે. ભષાશાસ્ત્ર્રીઓ ત્રણ બાબતો કહે છે. (1) નોઆમ ચોમ્સ્કી તેના પ્રખ્યાત પુસ્તક Language and Politics માકહે છે કે ભાષા એ પોલિટીક્સ છે. જેનું રાજકીય વર્ચસ્વ તેની ભાષા વધુ અહત્વની બને. (2) પ્રબોધ પંડિત નામના ભાષાશાસ્ત્ર્રી તેમના Language in a Plural Society નામના પુસ્તકમાં કહે છે કે બજારમાં બોલાય તે ભાષા પ્રબળ બને. (3) તો જે ભાષામા જ્ઞાનનું સર્જન અને વિતરણ થાય તે ભાષા વધુ સ્વીકાર્ય બને. તો આ વાત પછી આપણે આ ત્રણ બાબતોમાં મજબૂત બની ગુજરાતીને પ્રબળ બનાવવાને બદલે ભાષા પરત્વેની આપની લાગણી વ્યક્ત કરવાનો કર્મકાંડ કરીએ છીએ. જે કામ નં કરી શકે તે કર્મકાંડ કરે. આથી ભાષા ને મજબૂત કરવા માટે સમીક્ષાત્મક રીતે વિચાર કરવો પડે.   

 બીજું ઉદાહરણ લઈએ કુટુંબીની બીમારીનું. આપણા કુટુંબમાં કોઈ બીમાર પડે એટલે આપણે લાગણી દર્શાવી તેની સેવા -સુશ્રુષા કરીએ છીએ. તે વ્યક્તિ સાજી થઈ જાય તેની પ્રાર્થના કરીએ છીએ. તાવ આવ્યો હોય તો માથે પોતાં મૂકીએ છીએ. પરંતુ છેવટે થાકીને ડૉક્ટર પાસે જઈએ ને નિદાન કરાવી દવા કરીએ છીએ. ડૉક્ટર વૈજ્ઞાનિક રીતે નિદાન કરી દવા આપે છે. સેવા-સુશ્રુષા જરૂરી છે. પરંતુ તાવ સાજો કરવા દવા વધુ જરૂરી છે.   

 ત્રીજું ઉદાહરણ. હુ એવી કેટલીય શિક્ષણ સંસ્થાઓને જાણું છું કજે એક વખત બહુ સારી ચાલતી હતી અને આજે નબળી પડી ગઈ છે. આપણી આશ્રમશાળાઓ આનું સ્પષ્ટ ઉદાહરણ છે. હવે આ સંસ્થાના સંચાલકો લાગણી થી વિચારી કહે છે કે પહેલા નિષ્ઠાવાન શિક્ષકો મળતા હતા. આજે તેનો અભાવ છે તેથી સંસ્થાનું પતન થયુંય છે. સંસ્થાના સંચાલન માટે સંસ્થા પરત્વે લાગણીની જરૂર છે. પરંતુ તે કેમ પછી પડી તેના કારણો શોધવા સમીક્ષાત્મક અભ્યાસ કરી પગલાં લેવા જરૂરી છે.   

 તો શું છે આ સમીક્ષાત્મક ચિંતન? આપણા સમાજમા હજી ધર્મનું વર્ચસ્વ છે જે આપણને શ્રધ્ધા રાખવાનું કહે છે. આપણે ધાર્મિક લોકો હોવાથી શ્રધ્ધાથી ચાલીએ છીએ. પરંતુ વિજ્ઞાન આપણને કોઈ પણ સમસ્યા ની સમીક્ષા કરવાનું કહે છે. સમીક્ષાત્મક ચિંતન (critical thinking) વિજ્ઞાનનો વિષય છે. આને સટીક ચિંતન પણ કહી શકાય. તકલીફ્ એ છે કે ટીકાનો એક અર્થ કૂથલી અથવા નિંદા પણ થાય છે. અહી ટીકાત્મક અથવા તો સમીક્ષાત્મક ચિંતનનો અર્થ સામગ્રદર્શી ચિંતન તેવો થાય છે. કોઈ પણ સમસ્યા ઉદભવે એટલે તમામ મ પાસઓ વિષે વિચારી વિશ્લેષણ કરવું જોઈએ.અહી એક વાત સ્પષ્ટ રીતે કહેવી જોઈએ કે સમીક્ષાત્મક ચિંતન નીતિ અથવા નૈતિકતાને પણ સ્વીકારે છે. ઇમેન્યુઅલ કાંટે એકલા બૌધ્ધિક ચિંતન ની ટીકા કરતાં 'critic of pure reason વિષે લખ્યું હતું.   

 તો આવું સમીક્ષાત્મક ચિંતન કઈ રીતે કરવું તેના સાત નિયમો સોક્રેટિસે આપ્યા હતા. આજે પણ તે નિયમો સાબૂત છે. આપણે તે નિયમોની વાત કરી યુવાન પેઢી સમીક્ષાત્મક ચિંતન તરફ્ કઈ રીતે વળે તેની વાત કરશું. એક વાત સ્પષ્ટ છે કે જો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી થકી દેશનો વિકાસ કરવો હશે તો સમિક્ષાત્મક ચિંતન કેળવવું જ પડશે.   

(1) સર્વ પ્રથમ તો જેની ચર્ચા ચાલી રહી હોય અથવા તો જે બાબત અભ્યાસ હેઠળ હોય તેની સ્પષ્ટ વ્યાખ્યા કરો. આપણે આજકાલ 'વિકાસ' ની બહુ વાતો કરીએ છીએ. જીડીપી 7.8% ના દરે વધ્યો તેમ કહી ત્યારે આપણે 'વૃધ્ધિ' ની વાત કરીએ છીએ. આર્થિક વૃધ્ધિ જરૂરી છે. પરંતુ વૃધ્ધિ એ વીકાસ નથી. યુનોએ તેના યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) ના અહેવાલો થકી સ્પષ્ટ કર્યું છે કે વિકાસ એટલે માનવીય ક્ષમતાઓનું પ્રફુલ્લાન. નોબેલ ઈનામ વિજેતા અમર્ત્ય સેને આને વ્યક્તિની કામ કરવાની આઝાદી, કામ કરવાની ક્ષમતા અને સંસ્થાકીય માળખા સાથે જોડયુ છે. હવે માત્ર આર્થિક વૃધ્ધિ એ વિકાસ નથી તેમ સહુ માને છે. એક સંગીતકાર માટે વિકાસ તેની સંગીત ક્ષમતાના પ્રફુલ્લાનમાં રહેલો છે. તો એક ઈજનેરનો વિકાસ તેના ઈજનેરી ક્ષમતા વધે તેમાં રહેલો છે. તમારી ક્ષમતા શું છે તે તમને મુક્ત વાતાવરણ અને સગવડો હોવી જોઈએ. તમે પરીક્ષામા નિષ્ફ્ળ જાઓ એમાં કોઈ કહે કે તમે પૂર્વ જન્મમાં બહુ પાપ કરેલ તેથી નિષ્ફ્ળ ગયા તો પૂછો કે પાપ એટલે શું?   

(2) કોઈ તમને કઈક કહે તો સવાલ કર્યા વિના સ્વીકારી ન લો. અલબત્ત, વિવેકથી તમારા શિક્ષકને આ સવાલ કરો. આ સવાલો પાંચ પ્રકારના હોય છે. (ક) તે (તત્વ) શું છે? પાપ' શું છે? (what it is?), (ખ) તે કેવી રીતે બને ?(how it is so ?), (ગ) તેમ બનવાનું કારણ શું? (why it is so ?) (તાવ આવવાનું કરણ શું?) (ઘ) હવે શું થશે? (what it will be?) (ચ) શું થવું જોઈએ? (what it should be?) ભારતનો વિકાસ કરવા માટે શું કરવું જોઈએ? સૂત્રોચ્ચાર કરવાથી વિકાસ થાય કે વિજ્ઞાન ટેકનોલોજીનોવિકાસ કરવાથી થાય?   

(3) કોઈ તમને નિષ્ફ્ળ બનવાનું કારણ આપેકે તમે પૂર્વ જન્મના પાપ કર્યા હતા માટે તમે નિષ્ફ્ળ ગયા તો આવા વિધાનનો આધાર માંગો. યાદ રાખો, કોઈ વાત આધાર વિના, માત્ર કોઈ કહે તેથી સ્વીકારી ન લેવાય. આ આધાર પાંચ પ્રકારના હોય. તે જોઈ શકાય, તે સાંભળી શકાય, તે સૂંઘી શકાય, તેને સ્પર્શ કરી શકાય અને તે ચાખી શકાય. આમના પંચેન્દ્રિય આધાર સિવાય કકો ઈ વાત માની ન શકાય. પછી આ પંચેન્દ્રિય આધારો સીધા નહીં તો વિસ્તરણ થકી સમજી શકાય. જેમ કે લોહીમાં શર્કરા છે તે દેખાય નહીં, પરંતુ ગ્લુકોમિટર સાધન થકી સમજી શકાય. 

(4) પરિણામો તપાસો. કોઈ વ્યક્તિ કહે કે ફ્લાણી જગ્યાએ ભૂત થાય છે તો ચકાસી જુઓ. કોઈ દવા લેવાથી સારું થઈ જશે તેમ કહે તે સીધું માની ન લો. આ વાત ચકાસી જુઓ. આ ચકાસણી તે પ્રયોગ કરવાની વાત છે. ખુદ આપણા પર પણ પ્રયોગ થાય. ચાલવાથી લોહીની શર્કરા ઘટે છે તેમ કોઈ કહે તો ચાલતા પહેલા શર્કરા માપો અને ચાલ્યા પછી શર્કરા માપો. જો ઘટાડો લાગે તો વાત મનાય. જે વાત વ્યક્તિગત જીવનમાં સાચી છે તે જ વ્યાવસાયિક જીવનમાં પણ એટલી જ સાચી છે. કોઈ વાત પરિણામ સ્વીકાર્યા વિના માની લેવી તે ભોળપણ છે. આ વાત ધાર્મિક જીવન માટે પણ એટલી જ સાચી છે. ચમત્કારો અને ભૂતભૂવા માટે પણ એટલી જ સાચી છે.

(5) વિરોધભાસો શોધો. માનવીનું મગજ સંપૂર્ણપણે તાર્કિક રીતે નથી ચાલતું. તેથી તે અનેક વિરોધીભાસી વાતો કરે અને માની પણ લે. હવે જો બે સરખી બીમારી ધરાવતા દર્દીમાંથી એક દવાથી એક દર્દી સાજો થાય અને તે જ દવાથી બીજો દર્દી સાજો ન થાય તો આમા કઈક વિરોધીભાસ છે તેમ સમજવું પડે. તે વિરોધાભાસ શોધવા પડે અને તેની નાબૂદી કરવી પડે. જેમ કે ડાયાબિટીસ વાળા બે દર્દીમાંથી એકને જે દવાથી શર્કરા મર્યાદામાં રહે છે તે જ દવાથી બીજા દર્દીની શર્કરા કાબુમાં નથી રહેતી તો કોના માં ગરબડ છે તે શોધવું પડે.

(6) સ્પષ્ટ દેખાય છતાં શંકા કરો. જે વાત સ્પષ્ટ દેખાય છે તે કદાચ છલના હોઇ શકે. આથી શંકાશીલ (skeptic) બનવું, પરંતુ વાંકદેખા નહીં બનવું તે સમીક્ષાત્મક ચિંતન નું લક્ષણ છે. જૂના સ્થાપિત સિધ્ધાંતો પર જો વિજ્ઞાનીઓ શંકા ન કરે તો નવા સિધ્ધાંતો સર્જાય જ નહીં. આથી વિજ્ઞાનમાં કહેવાય છે કે જુનિયર વિજ્ઞાનીઓ સિનિયર વિજ્ઞાનીઓને હરાવે તો જ વિજ્ઞાન નો વિકાસ થાય. આમા સિનિયરનું અપમાન નથી. ગાંધીએ અંગ્રેજો પર શંકા કરી જ ન હોત તો સ્વાતંર્ત્ય આંદોલન શરૂ જ ન તહેતુ હોતા.   

(7) વિકલ્પ વિચારો. કૃત્રિમ બુધ્ધિ તમામ લોકો માટે સારી છે કે અમુક બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે જ નફાકારક છે તે વિચારો તો તમે કૃત્રિમ બુધ્ધિનો વિકલપ શોધવા અથવા તો કૃત્રિમ બુધ્ધિ ની નીતિને સર્વગ્રાહી બનાવવામાટે કામ કરી સજકશો.   

 આપણને પહેલેથી જ શિખવાડવામાં આવે છે કે વડીલોનો આદર કરો. હા, જરૂર કરો, પરંતુ વડીલો પોતાના નિર્ણયોમાં ભૂલ ન જ કરે તેવું તો ન બને ને? આથી પરંપરાગત નિર્ણયો ની પુનઃસમીક્ષા કરો. અગાઉની પેઢી એ તેમનું સત્ય શોધ્યું હતું, તમારો સમય જુદો છે. તમારે સમીક્ષાત્મક ચિંતન થકી તમારું સત્ય શોધવાનું છે. જો આજની યુવા પેઢી સમીક્ષાત્મક ચિંતન નહીં કેળવે તો તેઓ જૂની ઘરેડમાં ફ્સાઈ જશે અને નવા ઉભા થતા સવાલોના જવાબો શોધવા માટે સામર્થ નહીં બને. તકલીફ્ એ છે કે આવું સમીક્ષાત્મક ચિંતન આપણી શાળા-કોલેજોમાં શીખવવામાં આવતું નથી. આથી યુવાનોએ પોતાના જીવનમાં આવું સમીક્ષાત્મક ચિંતન ઉતરે તે માટે જાતે જ અથવા કોઈ ગુરુ પાસે બેસીને પ્રયાસ કરવા પડે.સમીક્ષાત્મક ચિંતન ને પોતાનો સ્વભાવ બનાવવો પડે. સોક્રેટિસે આજથી 3100 વર્ષ પહેલા જે વાત કહી હતી તે વાત આપણી ભારતીય જ્ઞાનન પરંપરામાં સ્વીકારવામાં આવી હતી. અહી ગુરુ શિષ્ય સંવાદ એ જ્ઞાન પ્રાપ્તિની સ્વભાવીક પધ્ધતિ હતી. એટલું જ નહીં, આપણા ઋષિઓ પરસ્પર ચર્ચા કરીને સત્યની શોધ કરતાં. શંકરાચાર્ય-મંડન મિશ્રા ચર્ચા તો જગ જાહેર છે. આથી સમીક્ષાત્મક ચિંતન એ ભરતીયન જ્ઞાન પરંપરા નો જ એક ભાગ છે.