ગુજરાતમાં ગેરકાયદે ખનન એ કોઈ નવી વાત નથી. ઉપરથી નીચે, સફેદપોશથી લઈને જેમણે પ્રજાના સાધન સંપત્તિના રખોપા કરવાના છે તે અફસરાન પણ માફિયાના આશ્રયદાતા થઈને ફરે છે. વિસનગરના કડા ગામમાં ગૌચરમાંથી 40 હજાર મેટ્રિક ટન માટી ચોરી થતી રહી અને ખાણ ખનિજ કમિશનરેટ ઉપરથી નીચે સુધી આંખે પાટા બાંધીને ઊંઘતું રહ્યું છે. દોઢેક વર્ષ પૂર્વે ચોરીના આ ખેલની ફરિયાદ થઈ ત્યારે તેના પર એક્શન લેવાને બદલે મહેસાણાથી અમરેલી ભેગા કરાયેલા ભૂસ્તરશાસ્ત્રી પ્રતિક શાહે ફાઈલને ડ્રોઅરમાં સુવડાવી દીધી હતી ! કહેવાય છે કે, કડાના નાગરિકે ગૌચર નિસ્બતે રજૂઆત કરવાનું ચાલુ રાખતા આખરે માપણી થઈ ને રૂ.98 લાખના દંડનું પંચનામું તૈયાર થયું. જો કે, ખાણ ખનિજના અફસરોએ હોશિયારી એવી કરી કે પંચનામાના રિપોર્ટમાં ખોદકામ કરનારનું નામ જ નથી ! આથી, દંડ કોની પાસેથી વસૂલાશે ?FIR કોની સામે થશે ? કે 40 હજાર મેટ્રિક ટન માટી પોતે જ ખોદાઈને ગાયબ થઈ જશે ? આવા અનેક સવાલો CM-સ્વાગતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂસ્તરશાસ્ત્રીની બદલી કર્યા પછી પણ અકબંધ રહ્યા છે. મુખ્યમંત્રીએ ખાણ-ખનિજ કમિશનર ધવલ પટેલની સામે સખત નારાજગી વ્યક્ત કરી છે ત્યારે 'ચારે કોર ચતુરયુગ' જેવા માહોલમાં રૂ.98 લાખના દંડની વસૂલાત ચોરનાર પાસેથી થાય છે કે પછી ચોરને માટે કળા કરનારા 'મોર' પાસેથી તે જોવું રહ્યું.
ગેટ આઉટ' કહેનારા IAS નીચે પોસ્ટિંગ,
ચાર્જને લેવાનેબદલે રાજીનામું ધરી દીધું !
17મી ઓગસ્ટે ટાઉન પ્લાનિંગ કેડરના ક્લાસ વન 10 ઓફિસરોની શહેરી વિકાસ વિભાગે બદલી કરી હતી. 9 મહિનામાં ફરી કરાયેલી બદલીઓમાં નવો વિવાદ થયો છે. મહાનગરમાં, પોતાના જ શહેરમાં નિયુક્ત એક ઓફિસરને ત્યાં જ શહેરી વિકાસ સત્તા મંડળ- ઓથોરિટીમાં મુક્યા છે ! અગાઉ ઓફિસર ત્યાં 'ઈન્ચાર્જ' હતા ત્યારે તેમને ઓથોરિટીના IAS એ કોઈક TP સ્કીમની રેખા ઊંચીનીચી, આડીઅવળી કરવાની માથાકૂટમાં 'ગેટ આઉટ'કહ્યું હતું. તકરારમાં ઓફિસરે યુવા IASનીનીચે કામ કરવાનો ઈન્કાર કર્યો હતો. હવે 17મી ઓગસ્ટના ઓર્ડરમાં એ જ ઓફિસરની બદલી કરીને IASને તાબે પોસ્ટિંગઆપ્યું છે. ગાંધીનગરના વહીવટી બેડા તરફથી કોઈકે 'ખેલ' પાડતા સામે નવો ખેલ શરૂ થયો છે. આ પોસ્ટિંગથી કંટાળીને ટાઉન પ્લાનરે સરકારી સેવામાંથી જ રાજીનામું ધર્યુ છે ! કહેવાય છે કે, અંધાધૂંધ બદલીમાં જેમને છ મહિનામાં પ્રમોશન આવી રહ્યું છે, વતનમાં જ નિયુક્ત છે તેવા ઓફિસરનો કોઈકે જુનો હિસાબ સરભર કર્યો છે. અને જો આમ ન હોય તો પછી આ વહીવટી અણઘડતાનો નમૂનો છે !
કલેક્ટરનો ઈ-ફાતવોઃ અંગત અરજીમાં
પણ ઈ-સરકારનો આદેશ કરી બેઠા છે
રાજ્યના એક જિલ્લામાં કલેક્ટરસા'બના એક વિચિત્ર આદેશથી આખું વહીવટી તંત્ર અચંબિત છે. કલેક્ટરે એવી કડક સિસ્ટમ બનાવી છે કે કચેરીની તમામ ફાઈલો માત્ર ઈ-સરકાર' પોર્ટલ મારફ્તે તેમની સમક્ષ રજૂ કરવી. જે સારી બાબત છે. અસલી ડ્રામા તો ત્યારે થયો કે જ્યારે એક નાયબ મામલતદારે બીજા જિલ્લામાં પ્રતિનિયુક્તિ માટે અરજદાર' તરીકે કાગળ ઉપર અરજી કરી. આ જોઈને કલેક્ટર એટલા વિર્ફ્યા કે તેમણે નાયબ મામલતદારને સીધી નોટિસ ફ્ટકારી દીધી - ''તમે ઈ-સરકાર પોર્ટલ મારફ્તે કેમ અરજી ન કરી ?'' આવી ઘટનાથી કર્મચારીઓમાં હાસ્ય અને અચરજનો માહોલ છે, કારણ કે નિયમ મુજબ વર્ગ-3, નાયબ મામલતદારોની પાસે 'ઈ-સાઈન'ના અધિકાર જ નથી ! બીજું કે, એ પોતે જ્યારે વ્યક્તિગત ધોરણે અરજી કરે ત્યારે ઈ-સરકાર કઈ રીતે શક્ય બને ? પહેલાં અધિકારીઓને ઉંધા લટકાવવાની ધમકી પછી આવો હાસ્યાસ્પદ આદેશ કલેક્ટરની કાબિલિયત પર સવાલો ઊભા કરે છે. જેથી વહીવટ સુધરવાને સ્થાને વધુ ડખે ચઢયાની ગોસિપ છે.
લૂક આફ્ટર'CSનો ખેલઃ સોમ રજા
ઉપર, સોલંકી લાઈમલાઈટમાં રહ્યા !
ચીફ્ સેક્રેટરી-CS મનોજ દાસના વિદેશ પ્રવાસ દરમિયાન સચિવાલયમાં 'લૂક આફ્ટર' રમત વચ્ચે ભારે કુતૂહલ સર્જાયું હતું. IAS બિરાદરીમાં સિનિયોરિટીમાં દાસ પછી છેક ચોથા ક્રમના અધિક મુખ્ય સચિવ-ACS અંજુ શર્માને 'લૂક આફ્ટર-CS'બનાવાયા, ને બીજી તરફ તેમના કરતા સીનિયર ACS સી.વી.સોમ અચાનક રજા પર ઉતરી ગયા હતા ! તેમના બેચમેટ અને CSથી બે ક્રમ જૂનિયર અરુણ સોલંકીને ગૃહ વિભાગનો વધારાનો ચાર્જ લોટરીમાં મળી ગયો. બસ, પછી તો શું! ગૃહ વિભાગના આ ટૂંકા પ્રભારી તરીકે સોલંકીને એવી તક મળી કે આખું બેડું જોતું રહી ગયું છે. '112 જનરક્ષક' વાહનોના ફ્લેગ- ઓફ્ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બિલકુલ બાજુમાં ઊભા રહીને ગૃહ વિભાગના ઈન્ચાર્જ-ACS સોલંકીને પૂરી સલામી સાથે લાઈમલાઈટ મળી ગઈ છે ! આ દશ્યને નજરે જોનારા IPS અફસરોમાં ચર્ચા છે કે, સોમ રજા પર ન ગયા હોત તો તેમને પણ ચમકવાની મોભાદાર તક હાથમાં હોત ! સનદી આલમમાં કટાક્ષ થઈ રહ્યો છે કે અફ્સરશાહીમાં માત્ર સિનિયોરિટી નહીં, પણ ટાઈમિંગ અને નસીબ જ ખરી બાજી પલટી નાખે છે !
PARમાં 'સિંગલ ડિજિટ'નો ડર દેખાડતા
IASથી ત્રસ્ત 8અફસરો નાસી છૂટયા !
સૌરાષ્ટ્રના એક જિલ્લામાં અઢી વર્ષથી વિદ્યમાન એક IASના ત્રાસથી સ્ટેટ કેડરના અફસરોમાં ફફડાટ છે. એથી, હવે ત્યાં કોઈ કામ કરવા પણ તૈયાર ન હોવાની ગુસપુસ છે. જિલ્લા વિકાસ અધિકારી-DDOની માથાકૂટથી કંટાળીને પાંચ નાયબ જિલ્લા વિકાસ અધિકારી-Dy.DDO,બે ડાયરેક્ટર DRDA સહિત આઠેક ક્લાસ વન ઓફિસરે ટ્રાન્સફર કરાવી છે. અફસરાનમાં ચર્ચા છે કે, આ DDO વાત-વાતમાં 'ઈનએફિશિયન્ટ' કહી કામગીરી મૂલ્યાંકન અહેવાલ-PARમાં સિંગલ ડિજિટ માર્ક મુકવાની ધમકીઓ આપે છે, પોતાના ધાર્યા કામો કરાવે છે. એ કામ પણ કેવા હોય છે ? દીવથી ફ્લાઈટ પકડવા માટે અને અમદાવાદ એરપોર્ટ પર ઉતરે ત્યારે સરકારી કાર પર્સનલ ટ્રીપ' માટે હાજર રાખવી ! આ વ્યવસ્થા માટે જે સબોર્ડિનેટ ના પાડે તેના PAR બગાડવાની ધમકીઓ અપાય છે. તેમણે ચાર્જ લીધો ત્યારે પણ બંગલાના રિનોવેશન વેળાએ માર્ગ-મકાન વિભાગના એક્ઝિક્યુટિવ ઈજનેર હાજર ન રહેતાં માથાકૂટ કરી ભગાડી મૂક્યા હતા ! આથી, બીજાને નિયમો શીખવતા IASના રાજાશાહી મિજાજથી આખો જિલ્લો હવે અફ્સર વિહોણો થઈ રહ્યો છે.
સુરત કનેક્શન મેળવવા IPSમાં હોડ,
IASમાંથી કોઈને SMCમાં જવું નથી
ડાયમંડ, ટેક્સટાઈલ સિટી- સુરત હાલ ગુજરાતનું પોલિટિકલ પાવર સેન્ટર છે. આ શહેરમાં પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરનું પદ ખાલી છે. પોલીસમાં તો પહેલાંથી જ સુરતનું પોસ્ટિંગ મલાઈદાર, ડાયમંડ અને કપડાની સાઈનની જેમ ચમકદાર, ગ્લેઈમ એન્ડ ફેઈમવાળું હોવાથી ભારે ક્રેઝ રહ્યો છે. ઘણા લાંબા સમયથી સુરત પોલીસ કમિશનર-CPની જગ્યા ઈન્ચાર્જમાં છે, વેઈટિંગ ફોર પોસ્ટિંગ વાબાંગ ઝમીરને ચાર્જ સોંપાયો છે. બીજી તરફ ભૂતિયા ડિમોલિશનમાં એમ.નાગરાજનની બદલી પછી મ્યુનિસિપલ કોર્પોરેશન-SMCના કમિશનરનું પદ પણ ખાલી થયું છે. જેને લઈને કેટલાક સમયથી ગાંધીનગરમાં સન્નાટો અને ધમાસાણ બંને છે. સન્નાટો SMC કમિશનરપદને લઈને છે. કહેવાય છે કે, રાજકીય ખટપટ અને પાવરફુલ લોબીના કંટ્રોલ મિકેનિઝમને કારણે વર્ષ 2003થી 2009ની બેચના દોઢ ડઝન IASમાંથી એક પણ સિનિયરને અબજોના બજેટવાળા SMCમાં કમિશનર થવું નથી ! કારણ વિવાદ ટાણે IASને બચાવનાર કોઈ હોતું નથી. અલબત્ત, સુરતમાં પોલીસ કમિશનર થવા સિનિયર IPS ગાંધીનગરમાં ફિલ્ડિંગ ભરી રહ્યા છે. આથી, સરકાર કયા IAS- IPSના શિરે કાંટાળો અને કંટાળો તાજ મૂકે છે તે જોવું રહ્યું.
નકલીરોયલ સ્ટેગ પછી 'ચેલન્જ' પણ
મળી, ત્રણ IPSનો બદલી યોગ નક્કી !
ગુજરાતના રાજકારણમાં પોલીસ સ્ટેટ અને ડ્રાય સ્ટેટ એકબીજા માટે અવિભાજ્ય અંગ સમાન છે. દારૂબંધી સામે પોલીસની સંમતિ એકબીજાને માટે પૂરક છે. આવા પૂરક વચ્ચે હમણાં ભાવનગરમાં પહેલાં નકલી ઈંગ્લિશ દારૂની ફેક્ટરી પકડાઈ અને પછી નકલી 'રોયલ સ્ટેગ'થી લઠ્ઠાકાંડ સર્જાયો. જેને લઈને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની કાર્યશૈલી સામે સવાલો યથાવત છે ત્યાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાઘમારેના તાબામાંથી નકલી રોયલ ચેલેન્જ (ઈંગ્લિશ શરાબ) બનાવતી ફેક્ટરી બહાર આવી છે.IPS બાઘમારે પૂર્વ કચ્છમાં 28 ઓગસ્ટે જ ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ચૂક્યા છે. બાજુના પિૃમ કચ્છ DSP વિકાસ સુંડાના ક્ષેત્રમાં દોઢ વર્ષના કાર્યકાળમાં સૌથી વધુ સ્ટેટ મોનિટરીંગ સેલ-SMCએ દારૂ સામેદરોડા પાડયા છે ! આથી,IPS બિરાદરીમાં ટ્રાન્સફરની જોરદાર અફવા છે. જો કે, આગામી સમયમાં આ સત્ય ઠરશે ત્યારે આ ત્રણ જ નહિ અનેક IPSને જિલ્લાના પોલીસ અધિક્ષક-DSP શીપમાંથી ઉતારી દેવાય તો નવાઈ નહીં, તેવી ગોસિપ સિનિયરો કરી રહ્યા છે.
શાક લેવા જાતે જવું એ સારી વાત છે
પણ પ્રજાના પ્રશ્નો ન ઉકેલાય તો..?
ત્રિકમ છાંગા, ગુજરાત સરકારમાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી છે. કચ્છ જિલ્લાના છે. પૂર્વકાળમાં શિક્ષક અને વર્તમાન 'સ્પેશિયલ 26 સરકાર'માં રાજ્યકક્ષાના મંત્રીઓમાં એકદમ સરળ મંત્રી તરીકે જાણીતા છે. તેઓ ગાંધીનગરના સેક્ટર-21ના શાકમાર્કેટમાં જાતે જ થેલી લઈને શાકભાજી ખરીદતા જોવા મળે છે. તેમની સાદગી સર્વવિદિત છે. પણ ખરી પરીક્ષા તો મંત્રી તરીકે, સરકારમાં કચ્છના પ્રતિનિધી તરીકે થઈ રહી છે. અહીં વાત TET-TAT સહિત સ્પર્ધાત્મક પરીક્ષાના કેન્દ્ર કચ્છ જિલ્લામાં હોતા નથી એટલે ઉમદેવારોને છેક અમદાવાદસુધી લાંબા થવું પડે છે તેની છે. અબડાસાના ધારાસભ્યે લેખિતમાં કચ્છને થતો અન્યાય દૂર કરવા માંગણી કર્યા પછી નિર્ણય ન થતા ઉમેદવારોમાં રોષ છે. ચર્ચા છે કે, મંત્રી પાસે પ્રાથમિક શિક્ષણ વિભાગ નથી પણ તેઓ કેબિનેટ શિક્ષણ મંત્રીના સહાયક રાજ્યમંત્રી તો છે ને ? સરકારમાં છે તો કચ્છને કેન્દ્ર કેમ અપાવી શકતા નથી ? શાક લેવા જવું સારી બાબત છે પણ પ્રજાના પ્રશ્નો ન ઉકેલાય તો શું કામનું ?
સિનિયરોને હાશ : અજય ભાદુ પછી
હવે રવિ અરોરા ગુજરાત નહીં આવે
ગુજરાતમાં પાવરફુલ પોસ્ટિંગ પર રહેલા 'મસાલા કલેક્ટર' વર્ષ 1999ની બેચના સિનિયર IAS અજય ભાદુ હજી વધુ સમય ભારત સરકારમાં વાણિજ્ય મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે કાર્યરત રહેશે. રાષ્ટ્રપતિભવન, ભારતના ચૂંટણી પંચ અને હાલ વાણિજ્ય મંત્રાલયમાં GeM પોર્ટલ અનેફરી ટ્રેડ એગ્રીમેન્ટ-FTA જેવા મહત્વપૂર્ણ પોર્ટફોલિયો સાથે અજય ભાદુએ ડેપ્યુટેશનના આઠેક વર્ષ પૂર્ણ કર્યા છે. એથી કુલિંગ પિરિયડ માટે પણ તેમને હોમ સ્ટેટ કેડરમાં પરત આવવું પડે. અલબત્ત તેમને છ મહિનાનો મુદત વધારો મળ્યો છે એટલે તેઓ પરત નહીં ફરે. જેનાથી અહીં સિનિયર સેક્રેટરીઓએ હાશકારો અનુભવ્યો છે. કારણ, ભાદુ ડેપ્યુટેશનથી પાછા આવશે તો તેમના અનુભવનો ઉપયોગ કરી શકાય તેવો વિભાગ સોંપાયો હોત ! માત્ર ભાદુ જ નહિ, 2006ની બેચના રવિ કુમાર અરોરાને પણ ડેપ્યુટેશનમાં મુદત વધારો મળ્યો છે. તેઓ ભારત સરકારના આવાસ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી છે. કેન્દ્ર સરકારમાં શ્રીનિવાસ પછી એક માત્ર સેક્રેટરી ડી.થારાના પણ નજીકના વર્ષોમાં પરત આવવાના કોઈ સંકેતો નથી ત્યારે ગુજરાત કેડરના ધુરંધરો રાજધાનીમાં જ શાસનનું ચક્ર ફેરવશે ! તેવી ગોસિપ છે.
ગુજરાતમાં કાચું પનીર કપાયું, મંત્રીને
પ્રતિબંધની બ્રિફ કોણ પકડાવી ગયું ?
એનાલોગ પનીર મુદ્દે ગુજરાત સરકારના નિર્ણયને લઈને હવે એક અલગ જ ચર્ચા શરૂ થઈ છે. ભારત સરકારની ફૂડ સેફ્ટી ઓથોરિટી-FSSAIએ એનાલોગ પનીરને ડેરીના ઉત્પાદન તરીકે વેચી શકાય નહીં. એથી તેની અલગથી ઓળખ, યોગ્ય લેબલિંગ કરાવવાનું માળખું ઊભું કરવું. ભારત સરકારનો અભિગમ ગ્રાહકોને સાચી માહિતી આપવાનો હતો. ગુજરાત સરકારે કેન્દ્રની એપ્રિલની સૂચનામાં એક ડગલું આગળ વધી ઓગસ્ટમાં નોન સ્ટાન્ડર્ડ એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદનથી લઈને સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ ઉપર જ પ્રતિબંધ મુકી દીધો ! સાચી માહિતી, ગ્રાહકોની જાગૃતિ માટે લેબલિંગને બદલે સીધો જ પ્રતિબંધ લદાતા હવે સરકારને પારોઠના પગલાં ભરવા પડે તેવી સ્થિતિ છે. રાજ્યનો આરોગ્ય વિભાગ હવે ''દૂધનું પનીર = ડેરી પ્રોડક્ટ'' અને ''ઓઈલ, સ્ટાર્ચ, કેમિકલ્સના મિશ્રણ''નું એનાલોગ પનીર એમ બે કેટેગરીનો સુધારો કરી રહ્યું છે. જેના કારણે બાબુલોગમાં કાચું પનીર કાપ્યાની ચર્ચા ગરમ છે. જેમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પ્રતિબંધની જાહેરાતની બ્રિફ કોણ પકડાવી ગયું હશે તે હોટ ટોપિક છે.
નદીની વચ્ચે ભેખડ ઉપર રિલ બનાવી
પોસ્ટ કરનાર IPS સવાલોથી 'સંતાયા'
મહીસાગર નદીની ભેખડ પર ફિલ્મી હીરો સ્ટાઈલમાં ચત્તાપાટ આડા પડીને એક IPSએ રિલ શૂટ કરાવીહતી. એ શૂટિંગ માટે ડ્રોનનો પણ બખૂબી ઉપયોગ કર્યો હતો. જાણે ટૂરિઝમ સ્થળનું પ્રમોશન થઈ રહ્યું હોય તેવા અંદાજમાં વીડિયો શૂટ કરાવીને તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કર્યો હતો.IPSનું ફ્રેન્ડ ફોલોઈંગ અને ચાહકો ઘણા છે. એટલે શરૂઆતમાં તો IPSની વાહવાહી ખૂબ થઈ પણ જાણકારોએ ચોમાસામાં નદીકાંઠે સેલ્ફી, વીડિયો શુટિંગ ઉપર રહેલા પ્રતિબંધોને આગળ ધરીને ''શું આ જોખમી નથી ?'' બીજાએ લખ્યું કે, યુવાનો આ રિલથી પ્રેરાઈ જોખમી રિલ બનાવશે તો શું ? એક પછી એક સવાલનો મારો શરૂ થતા IPSએ એ રિલ સંતાડી કાઢી ! સોશિયલ મીડિયા પર સવાલો શરૂ થતા ફફડેલા યુવા IPSએ પોતાની એ પોસ્ટ તો ડિલિટ કરી ભૂલ કરી સુધારતા મામલો શાંત પડી ગયો પણ જો કોઈ Dy.SP,ઈન્સ્પેક્ટર કે
નાનોકર્મચારી હોત તો વિવાદ શાંત પડયો હોત ? તેવી ચર્ચા ફોલોઅર્સમાં છે.
