આશિષ ગજેરા, ક્લાર્ક, બી. એડ. કોલેજ, અમદાવાદઃ
15 ઓગસ્ટે શાળાઓમાં ધ્વજવંદન થાય છે, પણ કોલેજમાં મોટાભાગે થતું જોવા મળતું નથી. નાગરિકોને તો ધ્વજવંદનમાં રસ જ નથી. માત્ર રજામાં આરામ કરવો કે ફરવા જવું. આ બાબતે સમાજમાં જાગૃતિ આવે એ માટે લેખ લખવા વિનંતી.
15મી ઓગસ્ટ. કેલેન્ડરમાં લાલ અક્ષરે છપાયેલો એક દિવસ. આ એ દિવસ છે જ્યારે વર્ષ 1947માં લાખો ક્રાંતિવીરોના બલિદાન દ્વારા ભારતમાતાના ગળામાંથી ગુલામીની બેડીઓ તૂટવાનો નાદ ગુંજ્યો હતો. પરંતુ આજે, 2026ના ભારતમાં, આ સોનેરી સવાર માત્ર એક 'લોન્ગ વીકેન્ડ' અથવા તો વહેલી સવારે પથારીમાં મોડે સુધી સૂઈ રહેવાના બહાનાથી વધુ કંઈ રહી નથી. દેશભક્તિ આજે માત્ર શાળાના નાના બાળકો પૂરતી સીમિત થઈ ગઈ છે.
આજની કોલેજોના યુવાધનની માનસિકતા પર નજર કરીએ તો એક વરવી વાસ્તવિકતા સામે આવે છે. કોલેજોમાં જ્યારે 'વેલેન્ટાઇન ડે', 'રોઝ ડે', કે 'સિગ્નેચર ડે' જેવા પિૃમી સંસ્કૃતિના દિવસો આવે છે, ત્યારે યુવાનોનો ઉત્સાહ આસમાને હોય છે. આ દિવસોની ઉજવણી માટે અગાઉથી આયોજનો થાય છે. કોલેજના કેમ્પસ ઉત્સાહી ચહેરાઓથી ઉભરાઈ જાય છે. શિયાળાની ઠંડીમાં પણ સવારે 7 વાગ્યે ગુલાબ લઈને કોલેજ પહોંચી જવામાં આ પેઢીને ક્યારેય આળસ નથી નડતી!
પરંતુ, જ્યારે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વ આવે છે, ત્યારે આ જ યુવાનોના ઉત્સાહ પર જાણે બરફ્ ફરી વળે છે. જો પ્રિન્સિપાલ વહેલી સવારે ધ્વજવંદનનું આયોજન કરે, તો આખી કોલેજનું ક્રીડાંગણ ખાલીખમ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર મોડી રાત સુધી 'દેશભક્તિના સ્ટેટસ' મૂકનારા યુવાનો વહેલી સવારે 7:30 વાગ્યે કોલેજ પહોંચવામાં આળસ અનુભવે છે. 'ડે કલ્ચર' પાછળ ઘેલી બનેલી આ પેઢીને રાષ્ટ્રધ્વજ સામે શીશ ઝુકાવવામાં કોઈ રસ નથી. કોલેજના ખાલી મેદાનો અને લહેરાતો એકલો-અટૂલો તિરંગો એ વાતની સાક્ષી પૂરે છે કે આપણી શિક્ષણ પ્રણાલી ડિગ્રીઓ તો આપી રહી છે, પણ રાષ્ટ્રભાવના સિંચવામાં નિષ્ફ્ળ રહી છે.
15મી ઓગસ્ટની સવારે ટ્રાફ્કિ સિગ્નલ પર એક હૃદયદ્રાવક દૃશ્ય સામાન્ય બની ગયું છે. ફાટેલા કપડાં પહેરેલા, ખુલ્લા પગે દોડતા ગરીબ બાળકો નાની પ્લાસ્ટિક કે કાગળની ધ્વજ પતકાઓ વેચતા નજરે પડે છે. જે ઉંમરે આ બાળકોએ શાળાના મેદાનમાં ગર્વથી રાષ્ટ્રધ્વજને સલામી આપવાની હોય, તે ઉંમરે તેઓ પેટનો ખાડો પૂરવા માટે રસ્તાઓ પર તિરંગો વેચવા મજબૂર બને છે. તેમના માટે આઝાદીનો દિવસ દેશભક્તિનો પર્વ નથી, પણ બે ટંક રોટલી કમાવવાની એક તક માત્ર છે.
સૌથી મોટો આઘાત ત્યારે લાગે છે જ્યારે ગાડીઓમાં બેઠેલા સુખી સંપન્ન લોકો 10 કે 20 રૂપિયાનો ધ્વજ ખરીદીને કારના બોનેટ કે ડેશબોર્ડ પર લગાવી દે છે. પરંતુ સાંજ પડતાં જ એ જ રાષ્ટ્રીય અસ્મિતાના પ્રતીક સમાન તિરંગા રસ્તાની ધૂળમાં કે ગટરોના કિનારે પગ તળે કચડાતા જોવા મળે છે. જે દેશનો નાગરિક પોતાના રાષ્ટ્રધ્વજને આટલું સન્માન પણ ન આપી શકતો હોય, તે કયા મોઢે દેશભક્ત હોવાનો દાવો કરે છે?
દેશભરમાં કરવામાં આવેલા વિવિધ ખાનગી સર્વેક્ષણોના આંકડા આંખ ઉઘાડનારા છે. એક અંદાજ મુજબ, ભારતીય કોલેજોમાં સ્વાતંર્ત્ય દિવસે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી 5% થી પણ ઓછી હોય છે. તેની સરખામણીએ 'વેલેન્ટાઇન ડે' કે અન્ય ફ્ન ડેઝ દરમિયાન હાજરીનો ગ્રાફ્ 95% થી ઉપર પહોંચી જાય છે. શહેરી વિસ્તારોમાં રહેતી સોસાયટીઓ કે મહોલ્લાઓમાં થતા ધ્વજવંદનમાં માત્ર 15% થી 20% લોકો જ હાજર રહે છે. તેમાં પણ મોટાભાગે સિનિયર સિટીઝન હોય છે. જયારે યુવા પેઢી ગેરહાજર હોય છે. 15મી ઓગસ્ટની આસપાસ જો શનિ-રવિ જોડાતા હોય, તો દેશભરના પ્રવાસન સ્થળોમાં હોટેલ બુકિંગ 90% થી 95% ફૂલ થઈ જાય છે. મલ્ટિપ્લેક્સ અને મોલ્સમાં ક્કસ્વાતંર્ત્ય દિવસ સેલક્રના નામે ખરીદી કરનારાઓની સંખ્યામાં 40% નો વધારો નોંધાય છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતનો સામાન્ય નાગરિક 15મી ઓગસ્ટને ક્કરાષ્ટ્રીય પર્વક્ર તરીકે નહીં, પણ 'પિકનિક ડે' કે 'શોપિંગ ડે' તરીકે ઉજવી રહ્યો છે.
સરકારી કચેરીઓ, બેંકો અને ખાનગી કંપનીઓમાં 15મી ઓગસ્ટે સત્તાવાર રજા હોય છે. આ રજા આપવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે નાગરિકો દૈનિક કામકાજમાંથી મુક્ત થઈને, પોતાના વિસ્તારમાં કે સરકારી કાર્યક્રમોમાં જઈને ધ્વજવંદન કરે, શહીદોને નમન કરે અને દેશની પ્રગતિ વિશે ચિંતન કરે. પરંતુ આજે આ રજાનો અર્થ જ બદલાઈ ગયો છે. 14મી ઓગસ્ટની રાત્રે જ લોકો પોતાના ટૂર પેકેજ નક્કી કરી લે છે. સવારે ધ્વજવંદનના સમયે થિયેટરોમાં નવી રિલિઝ થયેલી ફ્લ્મિો જોવા માટે લાંબી લાઈનો લાગે છે. સરકારી કર્મચારીઓ, જેઓ દેશના તંત્રનો હિસ્સો છે, તેઓ પણ આ દિવસે ધ્વજવંદનથી દૂર ભાગે છે. ફરજિયાત હાજરીના આદેશો બહાર પાડવા પડે છે, ત્યારે માંડ થોડા કર્મચારીઓ સરકારી કચેરીએ પહોંચે છે. જો રાષ્ટ્રના પ્રતીકો પ્રત્યે આટલો અનાદર હોય, તો આવી રજાઓ આપવાનો અર્થ જ શું છે?
આજની સોશિયલ મીડિયા પેઢીની દેશભક્તિ બહુ વિચિત્ર છે. 15મી ઓગસ્ટના દિવસે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ પર તિરંગાવાળા પ્રોફાઈલ પિક્ચરના પૂર આવે છે. સ્ટોરીઝમાં 'મા તુઝે સલામ' અને 'તેરી મિટ્ટી' જેવા દેશભક્તિના ગીતો ગુંજવા લાગે છે. મોટી-મોટી વાતો કરાશે કે *હું મારા દેશને પ્રેમ કરું છું*, *ભારત વિશ્વગુરુ બનશે*. પરંતુ આ બધી જ દેશભક્તિ 24 કલાકની વેલિડિટીવાળી હોય છે. 16મી ઓગસ્ટની સવારે એ જ તિરંગો રસ્તા પર કચરાની જેમ પડેલો જોવા મળે છે.
જ્યારે દેશમાં કોઈ વિવાદ થાય, ત્યારે આ જ લોકો બંધારણ, હક્કો અને કાયદાની મોટી-મોટી વાતો કરે છે. *સરકારે આ ન કર્યું*, *સિસ્ટમ ખરાબ છે*, *ટેક્સ લીધા પછી સુવિધા નથી મળતી* - આવી ફરિયાદોની યાદી દરેક નાગરિક પાસે તૈયાર હોય છે. આપણે આપણા હક્કો માટે લડવા સદાય તત્પર રહીએ છીએ, પરંતુ જ્યારે આપણી ફરજોની વાત આવે, જ્યારે રાષ્ટ્રને આપણી માત્ર એક કલાકની હાજરીની જરૂર હોય, ત્યારે આપણે પીછેહઠ કરી લઈએ છીએ. પોતાની જાતને સૌથી મોટા દેશભક્ત ગણાવતા લોકો પણ ધ્વજવંદનની લાઈનમાં ઊભા રહેતા શરમ અનુભવે છે.
આઝાદી માત્ર એક રજા નથી, એ એક જવાબદારી છે. 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરવું એ કોઈ સરકારી આદેશ નથી, પણ આપણી આંતરિક ચેતનાનો અવાજ હોવો જોઈએ. જ્યાં સુધી દેશનો સામાન્ય નાગરિક, કોલેજનો યુવાન અને સરકારી કર્મચારી આપમેળે, ગર્વભેર ધ્વજવંદન માટે બહાર નહીં આવે, ત્યાં સુધી આ આઝાદી અધૂરી છે. આપણે મોટી-મોટી વાતો કરવાનું બંધ કરવું પડશે અને નાની શરૂઆત કરવી પડશે. જેમકે, રાષ્ટ્રીય તહેવારના દિવસે સોશિયલ મીડિયા પર કોટેશન મૂકીને દેશભક્ત બનવાને બદલે નજીકની શાળામાં ધ્વજવંદન કરવા જવું.
અશોકીઃ કોલેજમાં વિવિધ ડે ની ઉજવણીની મંજૂરી ત્યારે જ આપવી જોઈએ કે જ્યારે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય તહેવારના દિવસે કોલેજમાં આવે અને ધ્વજવંદન કરે. No Fun Days' without 'National Days'.
