સૂર્ય ક્યારેય પોતાનો પરિચય આપતો નથી ને ચંદ્ર ક્યારેય પોતાનું સૌંદર્ય જાહેર કરતો નથી. ફૂલ પણ કદી સુગંધ અંગેની જાહેરાત કરતું નથી. તેમ છતાં, સૂર્યનો પ્રકાશ, ચંદ્રની શીતળતા અને ફૂલની સુગંધ અંગે કોઈને પણ કશું પૂછવું નથી પડતું. કેમ કે, તેઓ ત્રણેય પોતે જ, પોતાની ઓળખ બની ગયાં હોય છે. આપણાં જીવનમાં ઘણીવાર આપણને પ્રકૃતિના ઉપરના તત્વો જેવા જ ઉમદા વ્યક્તિત્વોનો સુંદર અનુભવ થાય છે. આવી કેટલીક વ્યક્તિઓ સાથે થયેલી માત્ર બે ક્ષણોની મુલાકાત પણ આખી જિંદગી આપણાં સ્મરણોમાં ઝળાહળ રહેતી હોય છે. તેઓ આપણી સાથે વધું કશુંય બોલ્યા નથી હોતા કે, નથી કોઈ ચમત્કાર કર્યો હોતો. તેઓએ આપણને કોઈ ઉપદેશ પણ નથી આપ્યો હોતો, છતાં તેમની હાજરીથી કંઈક એવું અનુભવાતું હોય છે, જે શબ્દોથી સમજાવી શકાતું નથી. બસ, આ વસ્તુ એટલે તે વ્યક્તિની 'ઑરા'. 'ઑરા' એટલે માણસના અસ્તિત્વમાંથી પ્રસરી નીકળતી અદૃશ્ય પણ અનન્ય આભા કે પ્રભા.  

 ઑરા' શબ્દ લેટિન ભાષાના Aura પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે - 'હળવો પવન, દિવ્ય આભા કે પ્રકાશનું સૂક્ષ્મ વર્તુળ.'જો કે 'ઑરા' શબ્દનો અર્થ જેટલો સરળ છે, તેનો અનુભવ એટલો જ ગહન છે. તેથી જ ભારતીય સંસ્કૃતિએ તેના અર્થને 'તેજ', 'પ્રભા', 'આભા,' 'ઓજસ', 'કાંતિ', 'તેજોમયતા' અને 'બ્રહ્મવર્ચસ' જેવા અનેક શબ્દોમાં વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય વાત એ છે કે, આ શબ્દો માત્ર ચહેરાની ચમક વિશે વાત નથી કરતા; તે તો વાત કરે છે મનુષ્યના અંતઃકરણમાંથી પ્રસરતા પ્રકાશની. આપણાં ઋષિમુનિઓએ માણસને માત્ર હાડકાં અને માંસનું બનેલું શરીર નથી માન્યું. તેઓ કહે છે કે, મનુષ્ય તો ચેતનાનો દીવો છે. મનુષ્યનું શરીર દીવો છે અને તેનું અજવાળું તેના અંતરમાં રહેલાં સત્ય, કરુણા અને પ્રેમમાંથી પ્રગટે છે. એટલે જ ઉપનિષદોમાં વારંવાર પ્રાર્થના થાય છે - *તમસો મા જ્યોતિર્ગમય* - મને અંધકારમાંથી પ્રકાશ તરફ્ લઈ જાઓ. 

ખાટલે મોટી ખોટ એ છે કે, આજે આપણે વ્યક્તિત્વ નથી ઘડતા; 'ઇમેજ' ઘડીએ છીએ. આપણે ચહેરા પર ફ્લ્ટિર લગાવીને ફરીએ છીએ, જીવન પર નહીં. આપણને આપણો ફોટોગ્રાફ્ ચમકાવવામાં રસ છે, આપણો વિચાર ચમકાવવામાં નહીં. સોશિયલ મીડિયામાં આપણે આપણાં અનુયાયીઓ વધારીએ છીએ, પરંતુ આત્માની નજીક પહોંચી શકે એવા લોકો ઘટતા જાય છે. બસ, આ જ કારણથી આજે 'ઑરા' વિશેની ચર્ચા અત્યંત જરૂરી બની છે. 'ઑરા' એ કોઈ રહસ્યવાદી ચમત્કાર નથી. તે માણસના જીવનની કમાણી છે. સત્યની એક-એક ક્ષણ, કરુણાનો એક-એક નિર્ણય, પ્રામાણિકતાનો એક-એક સંઘર્ષ અને સેવાનો એક-એક નિઃસ્વાર્થ પ્રયાસ મળીને વર્ષો પછી વ્યક્તિત્વની આસપાસ એક એવું વિશ્વાસનું વર્તુળ રચાય છે, જેને આપણે 'ઑરા' કહીએ છીએ.  

 અત્રે એ વાત પણ નોંધવા જેવી છે કે, કોઈ પણ મહાન વ્યક્તિએ પોતાની મહાનતાનો કદી પ્રચાર કર્યો નથી. મહાત્મા ગાંધી પાસે ન તો સૈન્ય હતું, ન સંપત્તિ હતી, ન સત્તાનું સિંહાસન હતું. છતાં તેમની પાસે એક એવું નૈતિક બળ હતું કે, જેની સામે સામ્રાજ્યવાદી શક્તિઓ પણ અસ્વસ્થ થઈ જતી હતી. તેમની 'ઑરા' તેમના ખાદીના કપડાંમાં નહીં; પરંતુ તેમણે સત્ય માટે ભોગવેલી પીડામાં હતી. 

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જ્યારે બાળકો સાથે વાત કરતા હતા ત્યારે તેઓ રાષ્ટ્રપતિ નહોતા લાગતા; એક શિક્ષક લાગતા હતા. એ જ તેમની 'ઓરા' હતી. હોદ્દો માણસને માત્ર મોટો બનાવી શકે છે, જ્યારે હૃદય માણસને મહાન બનાવે છે. રવિશંકર મહારાજ જેવા સંતપુરુષોને મળેલા લોકો લખે છે કે, તેમની પાસે બેઠા પછી કોઈ ઉપદેશ સાંભળવાની જરૂર જ પડતી નહોતી. તેમની સાદગી જ સૌથી મોટું પ્રવચન હતી. કેટલીક વ્યક્તિઓ બોલીને પ્રભાવ પાડે છે; કેટલીક જીવીને. 'ઑરા'ને આપણે કદી ખરીદી નથી શકતા. જે રીતે મોંઘી ઘડિયાળથી સમય ખરીદી નથી શકાતો, વૈભવી ઘરથી શાંતિ નથી ખરીદી શકાતી અને બ્રાન્ડેડ વસ્ત્ર્રોથી સન્માન નથી ખરીદી શકાતું, ઠીક એ રીતે લોકપ્રિયતાથી 'ઓરા' નથી ખરીદી શકાતી. 'ઓરા' માટે તો માણસે પોતાના અહંકારને ગુમાવવાની તૈયારી રાખવી પડે છે. જે દિવસથી માણસ પોતાના કરતાં સત્યને મોટું માનવા લાગે છે, તે દિવસથી જ તેની 'ઑરા'નો જન્મ થઈ જાય છે. જે દિવસથી માણસ સફ્ળતા કરતાં સદાચારને પસંદ કરવા લાગે છે, તે દિવસથી જ તેની 'ઑરા' ઝળહળવા લાગે છે. જે દિવસથી માણસ પોતાના સુખ કરતાં બીજાના કલ્યાણમાં આનંદ શોધવાંનું શરૂ કરે છે, તે દિવસથી તેની 'ઑરા' તેના સુધી સીમિત ન રહેતા આખા સમાજનો પ્રકાશ બની જાય છે.  

પણ, વાસ્તવિકતા એ છે કે, આજનો યુગ ચમકનો છે, પ્રકાશનો નહીં. ચમક માત્ર આંખોને આકર્ષી શકે છે; જ્યારે પ્રકાશ અંતરને સ્પર્શે છે. ચમક ક્ષણિક છે ને પ્રકાશ શાશ્વત. ચમક બજારમાં મળે છે, જ્યારે પ્રકાશ સાધનાથી મળે છે. કદાચ એટલે જ આપણા પૂર્વજોએ 'તેજસ્વી' શબ્દને 'સુંદર' કરતાં વધું મહત્ત્વ આપ્યું હતું. સુંદરતા ચહેરામાં હોઈ શકે; તેજસ્વિતા તો માત્ર ચરિત્રથી જ જન્મે છે. માણસનું પોતાનું સૌથી મોટું સ્મારક તેની પ્રતિમા, સંપત્તિ કે તેની પ્રસિદ્ધિ નથી. તેનું સાચું સ્મારક તો તેનું પોતાનું અજવાળું છે, જે તેની વિદાય પછી પણ લોકોના જીવનમાં ઝળહળતું રહે છે. કેમ કે, દીવો જ્યારે પ્રગટે છે ત્યારે તે પોતાના વિશે કંઈ બોલતો નથી. તે માત્ર અંધકારને ઓછો કરે છે. આજના યુગમાં ઑરા'' શબ્દ, ફેશન, વ્યક્તિત્વ વિકાસ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ પ્રચલિત થયો છે. પરંતુ તેની સાચી સમજ ખોવાઈ ગઈ છે. ઘણા લોકો માને છે કે, 'ઑરા' એટલે કોઈ રહસ્યમય રંગીન પ્રકાશ. પણ, હકીકતમાં તે વ્યક્તિના આંતરિક જીવનનું પ્રતિબિંબ છે. માણસ જે વિચારે છે, જે જીવે છે અને જે મૂલ્યોને અનુસરે છે, તે બધું મળીને તેની 'ઑરા' રચાય છે. ભારતીય પરંપરામાં મહાપુરુષોના ચિત્રોમાં મસ્તક પાછળ દોરવામાં આવતું તેજવલય માત્ર કલાત્મક શણગાર નહોતો. તેમની આધ્યાત્મિક ઊંચાઈનું પ્રતીક હતું. ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ગુરુ નાનક, આદિ શંકરાચાર્ય કે અનેક સંતોના ચિત્રોમાં આ તેજવલય દર્શાવવામાં આવે છે. જેનો અર્થ એવો નથી કે, સામાન્ય આંખે ખરેખર પ્રકાશ દેખાતો હતો; તેનો અર્થ એ છે કે તેમનું જીવન અજ્ઞાનનો અંધકાર દૂર કરનાર પ્રકાશરૂપ બની ગયું હતું.  

 વિજ્ઞાન હજુ સુધી રંગીન ઊર્જાવલયના દાવાઓને પ્રમાણિત કરી શક્યું નથી. પરંતુ એક સત્ય વિજ્ઞાન પણ સ્વીકારે છે કે, મનુષ્યનું વર્તન, ચહેરાની અભિવ્યક્તિ, અવાજનો સ્વર, આંખોની નિખાલસતા અને ભાવનાત્મક પરિપક્વતા આસપાસના લોકો પર ઊંડી અસર કરે છે. એટલે 'ઑરા'ને ચમત્કાર તરીકે નહીં, પરંતુ વ્યક્તિત્વની જીવંત અસર તરીકે સમજવું વધુ યોગ્ય છે. વિજ્ઞાન પણ સ્વીકારે છે કે, દરેક વ્યક્તિની હાજરી એક માનસિક અસર ઊભી કરે છે. કોઈની પાસે બેસતાં જ મન શાંત થઈ જાય છે, તો કોઈની નજીક જતાં અજંપો અનુભવાય છે. આ અનુભવ પાછળ તેમની વાણી, ચહેરાની અભિવ્યક્તિ, આંખોની નિખાલસતા, શરીરની ભાષા, આત્મવિશ્વાસ અને ભાવનાત્મક પરિપક્વતા જવાબદાર હોય છે. આધુનિક મનોવિજ્ઞાન તેને Presence અથવા Personal Impact કહે છે. એટલે કે, 'ઑરા'નો એક અર્થ એ પણ છે - વ્યક્તિત્વની 

એવી પ્રભાવશક્તિ જે શબ્દો પહેલાં જ સંદેશ પહોંચાડી દે. જ્યારે મનમાંથી ક્રોધ, દ્વેષ, લોભ અને અહંકાર ઓગળવા લાગે છે, ત્યારે ચહેરા પર એક અલગ જ શાંતિ ઝળહળે છે. બસ, આ જ આપણી સાચી 'ઑરા' છે.  

: થ્રી ડૉટ્સ :   

 મહાન માણસો એની મહાનતાનો કદી દાવો નથી કરતા; તેઓ માત્ર પોતાનાજીવન થકી દુનિયામાં પ્રકાશ ઉમેરવાનું કામ છે.