Observerમાં જે એ સત્ છે જે Object માંય છે, બંને એક જ છે તો કોણ કોને જુએ?   

સમષ્ટિનો જયારે નાશ થાય તો બધું પાછું એ એક જ સત્ રુપે રહેશે.   

અહીં પિતા બહુ જ સામાન્ય રીતે બધાને થતા પ્રશ્નનો જવાબ આપે છે.   

જો આપણા બધામાં એ સત્ , એ પરમ તત્વ હોય તો દેખાતું કેમ નથી?   

કારણ એ સત જુદુ નથી, બધે જ છે.   

કોઈ વસ્તુ *જોવા* માટે એ આપણાથી 'અલગ' હોવી જોઈએ.   

observer and observed.   

જેનું અવલોકન કરવાનું છે તે અને અવલોકનકાર - બે અલગહોવા જોઈએ. આપણી આંખ આખા જગતને જુએ પણ આપણે આપણી આંખ તો અરીસામાં જ જોઈશકીએ ને? એટલે અહીં observerમાં જે એ 'સત્' છે તેજ Object માંય છે, બંને એક જ છે તો કોણ કોને જુએ? એ તો આડકતરા પ્રમાણથી જ અનુભવાય.   

જેમ મીઠું પાણીમાં ઓગળી ગયા પછી એ દેખાતું નથી એમ સત સમષ્ટિ થઈ ગયું, સમષ્ટિ રુપે વ્યક્ત થયું પછી સરળતાથી દેખાય નહિ.   

પણ આપણે ઉદ્દાલકજીની વાત આગળ ચલાવીએ.   

પાણીમાં ઓગળેલું મીઠું- પાણીનું નિસયંદન કરીએ, બાષ્પીભવન કરીએ તો પાછું મળે.  

આમ સમષ્ટિનો જયારે નાશ થાય તો બધું પાછું એ એક જ સત રુપે રહેશે.   

બીજું, પાણીમાં મીઠું છે તે તમે પાણી ચાખો તો ખબર પડે, અનુભવાય, દેખાય નહિ.  

એમ જ આપણામાં રહેલું સત આપણાંથી સાવ અજાણ્યું ય નથી, આપણે કયારેક ને કયારેક તો અનુભવીએ જ છીએ. આપણને પણ કયારેક કયારેક તો એ સત અલપઝલપ દેખા દઈ જ દે છે.   

કોઈ વસ્તુ દેખાય નહિ એટલા માત્રથી એ નથી એમ ન કહેવાય. ઘણીવાર પરોક્ષ રીતે વસ્તુ હોવાનું જ્ઞાન થતું હોય છે.   

બાકી જેને આ જ્ઞાન મળ્યું એ તો *ખોવાઈ* જ જાય, એ મૂક બની જાય, એ * એ* રહે જ નહિ. એ વર્ણન શું કરે?   

રામકૃષ્ણ પરમહંસ એક વાત કહેતાઃ   

એક મીઠાની ઢીંગલી સમુદ્રનો તાગ મેળવવા ગઈ. એને, ખૂબ ઊંડે ઊંડે ડૂબકી મારી, સાગરની ગહેરાઈ જાણવી હતી, અને પાણી કેટલું ઊંડું છે તે બહાર આવી બધાને કહેવું હતું. પણ એ જેવી સમુદ્રમાં પડી કે તરત જ ઓગળી ગઈ, એ શું કહે હવે? એ *પોતે* જ ન રહી.   

 પહોંચેલા સંતો* તો એ છે જેઓ સતત આને અનુભવી અને એકાત્મ બની બ્રહ્મમય- બ્રહ્મનિષ્ઠ બનીને જ રહે પણ એ પછી બોલે જ નહિ. જે સંતો આપણને કહી બતાવે છે તે ડૂબકી મારવાની તૈયારીમાં જ હોય, છેલ્લે પગથિયેથી આપણને સમજાવતા હોય, જો ડૂબકી મારી તો ગયા!  

આ તો કબીર કહે છે તેવું,   

गूंगे केरी सरकरा , खाइ और मुसकाय 

ઉપનિષદમાં એક પછી એક ઉદાહરણો આપવાની પ્રણાલિ છે, કોણ જાણે કયા માણસને કયું ઉદાહરણ બરાબર ગળે ઉતરી જાય?   

આ વિષય જ એવો છે કે શબ્દથી પહોંચવું બહુ અઘરું છે, એટલે જ એકની એક વાત અનેક ઋષિઓએ અનેક ઉદાહરણો આપી વારંવાર પુનરાવર્તિત કરી છે.   

આગળ વડના ટેટાના ઉદાહરણથી સૂક્ષ્મ બીજ કઈ રીતે અિભવ્યકત થતા મોટું વડ બને છે, તે દર્શાવ્યું. એ જાણે કે સંકલન- ગણિતમાં કરીએ તે 'integration' થઈ ગયું.   

પછી મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળતા કેવો નરી આંખે દેખાય નહિ પણ સ્વાદે પરખાય એમ વ્યાપી જાય છે તે સમજાવ્યું. એમાં મોટા ગાંગડાનું 'વિકલન 'Differentiation' થઈ સૂક્ષ્માતિસૂક્ષ્મ બનીગયું.   

પિતાને તો શ્વેતકેતુને એ જ જ્ઞાન આપવું છે જે મેળવ્યા પછી બીજું મેળવવાનું રહેતું નથી.   

શ્વેતકેતુને તો બહુ રસ પડયો અને એ પિતાને ફરી ફરી આ વાત વધારે ખોલીને સમજાવવા વિનંતિ કર્યા કરે છે.   

એમાં હવેના આ શ્લોકમાં જે ઉદાહરણ છે એ ચરમ છે, એક વાર જો એ બરાબર ગળે ઉતરે તો પછી કાંઈ બાકી રહેતું નથી.   

ઉદ્દાલક કહે છે,* હે વત્સ,જો કોઈ માણસને આંખે પાટા બાંધી દૂરના ગાંધાર પ્રદેશથી ફેરવી ફેરવીને જયાં કોઈ બીજું માણસ ન હોય, જંગલી પ્રાણીઓની ત્રાડ સંભળાતી હોય એવા વેરાન પ્રદેશમાં છોડી દેવામાં આવે તો- અજાણ્યા કોઈ વનવગડામાં ફેરવી શહેરથી દૂર મૂકી દીધો છે એવી કલ્પના કરો.   

એ બિચારો બેબાકળો બની ઘડી આ બાજુ, ઘડી પેલી બાજુ - પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ દિશામાં ચકકર માર્યા કરે, ચીસો પાડે,   

મને આંખે પાટા બાંધી અહીં લાવીને છોડી મૂકયો છે, હું ફ્લાણા ગામનો ઢીંકણો માણસ છું, મને કોઈ મારે ગામ, મારા ઘરે જવાનો માર્ગ બતાવો..... *  

અહીં ઉપમા પર વિચાર કરીએ, આંખે પાટા બાંધી માણસને જંગલમાં છોડી દીધો છે, એટલે એને ઘર યાદ આવે છે. ઉપનિષદ એમ કહેવા માગે છે કે માણસ અહીં સંસારમાં ભરાઈ પડયો છે અને પોતાના *ઘરે* જવા ફાંફા મારે છે.   

મૂળ વાત આ છે-   

જો માણસને અહીં કાંઈ દુઃખ ન લાગતું હોય, અહીંથી 'પર' - જુદુ- final/ultimate પણ કાંઈ છે, જે પરમ છે એવો ખ્યાલ જ ન હોય, એ જાણવાની જિજ્ઞાસા ન હોય, એ જ્યાં, જે રીતે છે તેમ સુખી છે તો એને માટે આ શાસ્ત્ર્રોની કોઈ જરુર જ નથી. અને એમાં ખોટું ય નથી. બધા કાંઈ એ સ્તર પર ન હોય જ્યાં એમને જ્ઞાનની પિપાસા થાય- હું કોણ છું/ આ બધું શું છે એ જાણવાનું મન થાય.   

બહુ ઓછી ધાર્મિક ફ્લિોસોફી એવી હશે કે જ્યાં જ્ઞાન ને અંતિમ પગથિયું ગણવામાં આવે. બાકી તો ભકિત અને commandments- ગુરુઓના આદેશો હોય કેજે સામાજિક જીવન માટે બહુ જ જરુરી છે-, એ બધા કહ્યા હોય પણ એ આદેશો ય બદલાતા રહે એ પણ એટલું જરુરી છે કારણ સમાજ/ દુનિયા વિજ્ઞાનથી બદલાતી રહે છે. જ્યારે વેદાંતની વાત 'સનાતન' છે.  

બધા માટે * વેદાંત* નથી, એ વાત શંકરાચાર્ય પણ સમજતા હતા એટલે જ વિવિધ દેવીદેવતાઓના સ્તોત્ર રચ્યા, ભકિત માર્ગને ય મહત્વ આપ્યું.   

પણ જેને થાય એને માટે આ *જ્ઞાન* અને એ માટેની ઝંખના સનાતન છે. એક જ ભય છે કે વેદાંત પચાવવા જ્ઞાન જોઈએ પણ એ જ્ઞાન માણસને ઘમંડી ન બનાવી દેવું જોઈએ. આ વાતનું એક બહુ જ મોટું ઉદાહરણ- નરસિંહ મહેતાએ ઉપનિષદનું જ્ઞાન મેળવ્યા પછી જે *ભકિત* પદો રચ્યા તે અજોડ છે. અને ભકિતનું ય અંતિમ પગથિયું જ્ઞાન જ છે. તમે કેટલાય કહેવાતાં અભણ માણસોના ભજનો જુઓ- ભકિતએ એમનામાં 'આપમેળે' જ્ઞાન પ્રગટાવ્યું છે!   

આ જ્ઞાન અને ભકિતની ગજબની જુગલજોડી છે! ભકતમાં વિવેક આવે એટલે એ જ્ઞાની બને. અને ખરો જ્ઞાની નમ્ર બને, ભક્ત બને. ખરો જ્ઞાની આ 'શૈવ' અને આ વૈશ્ણવ' એવું તો ન જ કરે પણ આ હિંદુ - આ મુસ્લિમ એવું ય ન કરે, અરે! એને મન તો માણસ અને પ્રાણી ય સરખા. એ પોતાના જ્ઞાનમાં arrogant બની પત્થર પૂજતા ભક્તોની શ્રદ્ધા પર પણ ઘા ન કરે! એ બધું જાણે અને બધું જાણે એટલે જ'સમત્વ' માં રહે. વારંવાર કહીએ એમ એકલું જ્ઞાન કોરી રોટલી જેવું છે- સૂકું, કડક ! અને એકલી ભકિત કયારેક ઘીથી પચપચી વેવલી બની જાય. કોરા જ્ઞાનની રોટલી પર ભકિતનું ઘી લગાડવું પડે, તો બેડો પાર!   

વળી આ જ્ઞાન અને ભકિત બંને ટકે નિષ્કામ કર્મ ના પાયા પર!   

આમ જેને વૈકુંઠ વહાલું લાગે તે ભલે ને રમે એમાં- જરાય હીણપત નથી પણ જેને આ બધું બંધન લાગે છે- મનમાં *ઘર* નો આછો આછો ય ખ્યાલ છે એને અકળામણ થશે.   

આવે સમયે કોઈ ( ગુરુ) આવી , બૂમો પાડતા માણસના પાટા છોડે અને એને દિશા બતાવે કે જો તારું ઘર તો આ બાજુ છે તો પછી માણસ પોતે ચાલતો પહોંચી જશે. ચાલવાનું તો જાતેપોતે જ છે.   

આમ જો આ અજ્ઞાન ખૂંચતું હોય, અને તમે સંસારના ઘનઘોર વનમાંથી નીકળવા પ્રયત્ન કરો તો કોઈ આવીને મદદ કરે,   

અને તો ય પછી એ માર્ગે ચાલવાનું તો આપણે પોતે જ, કોઈ ફ્ક્ત દિશાચીંધણું કરે,   

તમને કાંખમાં તેડીને પહોંચાડી ન દે!   

અહીં મુકિતનો અર્થ જ એ કે પોતે જાતે અજ્ઞાનમાંથી મુકત થવું, અને એની જ મજા છે! એટલે જ આ વેદાંતની વાત, જે જ્ઞાનીઓ છે તેમને ગળે ઉતરી જાય, અને ગમે પણ ખરી . વેદાંત કહે છે, 'મેળવવાનું કાંઈ જ નથી, અજ્ઞાન દૂર કરો એટલે મુક્તિ હાજર જ છે.'  

સંદર્ભઃ   

છાંદોગ્ય ઉપનિષદ-   

અધ્યાય 6.13.1 & 2 6.14.1 & 2