ભારતને વેપાર કરાર માટે કોઈપણ રીતે ઝુકાવવા તેમજ અમેરિકાની ચીજવસ્તુઓ માટે ભારતનાં બજારો ખુલ્લા મૂકવા ટ્રમ્પે નવા નવા ગતકડાં કરવાનું શરૂ કર્યું છે. પહેલા ભારત પર 50 ટકા ટેરિફ નાખી પછી H-B વિઝાની ફી વધારીને 1 લાખ ડૉલર કરી.
આમ છતાં ભારત ઝૂક્યું નહીં. આ પછી ભારત જ્યાંથી મિડલ ઈસ્ટમાં ચીજવસ્તુઓની નિકાસ કરે છે તેવા ચાબહાર પોર્ટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. ટ્રમ્પે આટલેથી સંતોષ ન થયો તો ભારતમાં બનાવવામાં આવેલી અને ભારતમાં જેનું શૂટિંગ કરવામાં આવ્યું હોય તેવી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદી છે. આમ ટ્રમ્પે જ્યાં જ્યાં ભારતના હિતો સમાયેલા છે તેવા તમામ મુદ્દાઓને છંછેડયા છે. ટ્રમ્પ ભૂલી રહ્યા છે કે આ ન્યૂ ઈન્ડિયા છે જે પહેલા ક્યારેય ઝૂક્યું નથી, ઝૂકશે નહીં કે ઝૂકવાનું નથી. ટ્રમ્પ અમેરિકાની ઇકોનોમીને બચાવવા તરફડિયા મારી રહ્યા છે. તેમણે સંરક્ષણવાદની નીતિ અપનાવી છે પણ આ નીતિ લાંબાગાળે અમેરિકાની નીતિને જ નુકસાન કરશે. ટ્રમ્પે પહેલા ભારત પર ટ્રેડ ડીલ માટે દબાણ કર્યું તેમાં તેઓ ફાવ્યા નહીં એટલે હવે બ્રિક્સનાં દેશોને 100 ટકા ટેરિફની ધમકી આપી રહ્યા છે. ટ્રમ્પને અત્યારે અમેરિકા ફર્સ્ટ અને ડૉલરની સુરક્ષા એમ બે વસ્તુ જ દેખાઈ રહ્યા છે. તેઓ મનફાવે તેવા નિર્ણયો લઈ રહ્યા છે. તેમને ખબર નથી કે તેઓ પોતાના પગ પર જ કુહાડી મારી રહ્યા છે. ટ્રમ્પને અગાઉ પણ બ્રિક્સ પસંદ ન હતું અને અત્યારે પણ નથી. તેઓ બ્રિક્સને અમેરિકાના પ્રભુત્વ સામે પડકારની રીતે જોઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં બ્રિકસનાં વિદેશ પ્રધાનોની મહત્ત્વની બેઠક યોજાઈ ગઈ જેમાં બ્રિક્સનાં 10 દેશોને સંગઠિત કરવા ભારતનાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે બીડું ઝડપ્યું છે. ટ્રમ્પને પછાડવા ભારતે બ્રિક્સ દેશોને સંગઠિત થવા અપીલ કરી છે. તમામ બ્રિક્સ દેશોએ સાથે મળીને અમેરિકાને તેનાં સંરક્ષણવાદનો જવાબ આપવા કમર કસી છે. જયશંકરે અમેરિકાનું નામ લીધા વિના ટેરિફ અને સંરક્ષણવાદ સામેના પડકારો સાથે મળીને લડવા બ્રિકસ દેશોને હાકલ કરી છે. જેમાં બ્રિક્સ દેશોને વૈશ્વિક વેપાર સિસ્ટમની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા આહ્વાન કરાયું છે. હાલ બ્રાઝિલ દ્વારા બ્રિક્સ દેશોનું અધ્યક્ષપદ સંભાળવામાં આવી રહ્યું છે. આગામી વર્ષે આ અધ્યક્ષપદ ભારતને મળશે. ટ્રમ્પને ભારત અને બ્રાઝિલ આંખનાં કણાની જેમ ખૂંચી રહ્યા છે. બંને દેશો હાલ 50 ટકા ટ્રમ્પ ટેરિફનો સામનો કરી રહ્યા છે. ગ્લોબલ GDP માં બ્રિક્સ દેશોનો હિસ્સો 40 ટકા છે. વિશ્વની અડધી વસ્તી બ્રિક્સ દેશોમાં રહે છે. ગ્રોથના સંદર્ભમાં તેણે G-7 દેશોને પછાડયા છે. બ્રિક્સ દેશો જે રીતે એકબીજા સાથેના વેપારમાં તેમના ચલણનો ઉપયોગ કરી રહ્યા છે તે ટ્રમ્પથી સહન થતું નથી. અમેરિકાના ડૉલરનું વર્ચસ્વ તૂટી રહ્યું છે. ટ્રમ્પની ઊંઘ ઊડી ગઈ છે.










