તાજેતરના વર્ષોમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદને કારણે પૂરનો વિનાશ જોવા મળે છે. મોટાભાગે એવું માની લેવાય છે કે અતિશય વરસાદના કારણે અને પાણીના નિકાલની સુવિધા નહીં હોવાથી પૂરનો સામનો કરવો પડે છે. એવાં ઘણાં વિસ્તારો છે કે જ્યાં દર વર્ષે પૂર આવે જ છે. આ વર્ષે એવી દલીલ થઈ શકે કે અત્યંત ઓછા સમયમાં વધારે પડતો વરસાદ આવતાં પૂરના પાણી નદી કાંઠાના ગામોમાં ઘૂસી ગયા અને ઘરોમાં પણ 8થી 10 ફૂટ પાણી ભરાયેલા જોવા મળ્યા. પાણી ભરાયા પછી તેને ઉતરતા 24 કલાકથી વધુનો સમય થયો. સાધન સંપન્ન ઘરો પણ વેરાન બની ગયા. વળી, આ લોકોની તો દશા એવી હતી કે શરમથી હાથ લાંબો કરી શકે એમ પણ નહોતાં. જો કે ઘણી સેવાભાવી સંસ્થાઓએ એમને ચૂપચાપ મદદ કરી એટલે તેઓ એમની મુઠી બંધ રાખી શક્યા. કેટલાંક ઠેકાણે તો રાજકારણીઓ રાબેતા મુજબ મદદના પણ ફોટા પડાવતા હતા. આ સાધન સંપન્ન લોકો શરમના માર્યા આ રીતે મદદ લઇ શકતા નહોતાં. પછી કેટલાંક શાણા માણસોએ એ બધાં સિનસપાટા બંધ કરાવ્યા પછી એ લોકો મદદ લઇ શક્યા.

અહીં સવાલ એ થવો જોઈએ કે પૂર આવે એ તો સમજી શકાય છે પણ પછી પાણી કેમ મોડેથી ઉતરે છે અને દર વર્ષે એક ચોક્કસ જગ્યાએ પાણી ભરાતા હોય તો તેના નિકાલ માટે ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ કે વહીવટીતંત્ર પ્રયત્નશીલ હોય છે ? આનો જવાબ - ના છે. શહેરોમાં પાણી ભરાવાના અનેક કારણ છે. શહેરી સુઆયોજનનો અભાવ અને રાજકારણીઓ દ્વારા બિલ્ડર તરફી સોફ્ટ કોર્નરને કારણે ટી.પી. સ્કીમને તડકે મૂકી અપાતી આડેધડ બાંધકામ મંજૂરી જવાબદાર છે. આ ઉપરાંત શહેરોમાં જૂના તળાવને બિલ્ડિંગથી ભરી દેવા, પાણીના નિકાલ માટે કોઈ યોજના નહીં તથા લાંબી દૂરંદેશીની ગેરહાજરીમાં થતું ટૂંકાગાળાનું આયોજન સ્થિતિ વણસાવે છે.

આ વખતે આૃર્ય એ વાતનું હતું કે વરસાદ ભલે અસાધારણ વરસ્યો હોય પણ દક્ષિણ ગુજરાતની તમામ નદી કાંઠાના તમામ ગામો જળબંબાકાર થઈ ગયા હતા. દર વર્ષે પણ આ ગામોમાં પાણી આવે જ છે પણ આ વર્ષે અસામાન્ય પરિસ્થિતિ હતી. આવું કેમ થયું? ઘણાં આગેવાનો, મિત્રો, નિષ્ણાતો સાથે ચર્ચાઓ થઈ આ મુદ્દે. મોટાભાગની ચર્ચાઓનું તારણ એ હતું કે ગામડાંઓમાં પણ હવે આડેધડ બાંધકામ થવા માંડયા છે. શહેરોમાં આયોજનનો અભાવ હોય છે તો નાના નગર કે ગામડાંઓ પાસે તો આપણે કેવી રીતે અપેક્ષાઓ રાખી શકીએ? બીજો મહત્વનો મુદ્દો એ છે કે નદી કાંઠે ગેરકાયદે ઊભા થયેલાં ઝીંગા તળાવોને કારણે ગામડાંઓમાં માનવસર્જિત આફ્ત આવી એમ કહી શકાય. આ ઝીંગા તળાવોની દીવાલોએ ગામડાંઓને તબાહ કરી નાંખ્યા. 

આ સમસ્યાનો ઉકેલ એન્જિનિયરો ધારે તો આપી શકે પરંતુ એમના હાથ બંધાયેલાં હોય છે. બીજું, રાજકીય ઇચ્છા શક્તિનો પણ અભાવ. જનકલ્યાણની ભાવના હોય તો દરેક સમસ્યાનો ઉકેલ આવે જ. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને નવસારીથી બીલીમોરાના વિસ્તારને ડાંગ જિલ્લાનો વરસાદ ઘમરોળે છે કારણ કે ડાંગ એ પહાડી વિસ્તાર છે. ત્યાં વરસાદ પણ ઘણો પડે છે. એટલે એ વરસાદનું પાણી નવસારી, બીલીમોરાની નદીઓમાં આવે છે. ઉપરાંત આ વિસ્તારમાં પણ બહુ વરસાદ પડે છે એટલે પાણીનો ગુણાકાર થાય છે. પાણી નીકળવાના માર્ગ તો આપણે ઉપર ચર્ચા કરી એ મુજબ બંધ થઈ ગયા છે. તો પાણી નીકળે કેવી રીતે ? પાણી તો એની મેળે એનો રસ્તો કરી જ દે છે. એમાં ભોગ બને છે લોકો. હયાત કાંસ, નાળા પર બાંધકામ કરી દેવાયા છે. અહીં તો કોઈ રણીધણી પણ હોતું નથી એટલે મનફાવે એમ ગતિવિધિ ચાલે છે. 

હવે મોટા શહેરોથી લઈ નાના નગરો અને ગામડાંઓ સુધી સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા બનવા માંડયા છે. ફ્ળિયામાં પણ બ્લોક બેસાડવામાં આવે છે. આથી પાણી જમીનમાં જમા થતું હતું એ બંધ થઈ ગયું. આ પાણી પણ મુશ્કેલીમાં વધારો કરે છે. 

થોડાં વર્ષ અગાઉ નદી જોડાણની વાત શરૂ થઈ હતી. આ બહુ મોટું અને લાંબું કામ છે. ચપટી વગાડતાં થઈ જાય એવું કામ નથી. એક પ્રધાન માત્ર આ પ્રોજેક્ટ માટે નીમેલા. દક્ષિણ ભારતના રાજ્યોમાં તેનો ઉહાપોહ પણ થયેલો. પણ હકીકતમાં નદી જોડાણ (River interlinking) એ આ સમસ્યાનો ઉકેલ હોઈ શકે પરંતુ તેમાં ધીરજ અને ઘણાં નાણાં પણ જોઈએ. વળી અનેક રાજ્યોને એમાં જોડવા પડે. દરેક રાજ્યમાં એક પક્ષની સરકાર નહીં હોવાથી બધાં રાજ્યો સંમત થાય કે કેમ એ પણ એક સવાલ છે. અત્યારે પણ ઘણાં રાજ્યોમાં નદીના પાણીની વહેંચણી મુદ્દે કકળાટ ચાલી જ રહ્યો છે. એવામાં નદી જોડાણનો વિષય વધુ એક વિવાદને આમંત્રણ આપી શકે છે. વળી, તેમાં પર્યાવરણથી લઈ અનેક પ્રશ્ન ઊભા થઈ શકે છે. જોકે, આ યોજનાના અમલીકરણમાં અનેક જટિલ પડકારો રહેલા છે. નદીઓના કુદરતી પ્રવાહને બદલવાથી સ્થાનિક ઈકો સિસ્ટમ પર ગંભીર અસર પડે છે. જમીનમાં ક્ષારતા વધવી અને કાંપ જમા થવાની સમસ્યા પણ સર્જાય છે. આ પ્રોજેક્ટ અત્યંત ખર્ચાળ છે, જેના માટે અબજો રૂપિયાના ભંડોળની જરૂર છે. નદીઓને જોડવા માટે મોટા બંધો, કેનાલો અને લિફ્ટ સિંચાઈ પ્રણાલીની જરૂર પડે છે, જેનું એન્જિનિયરિંગ અને લાંબા ગાળાનું મેન્ટેનન્સ ખૂબ જ પડકારજનક છે. કેનાલો અને જળાશયોના નિર્માણને કારણે લાખો લોકોને પોતાના ઘર અને જમીન છોડીને સ્થળાંતર કરવું પડે છે. 

તો પછી બીજો વિકલ્પ છે કે આવાં સ્થાને નાના નાના બંધ બાંધવા. ખર્ચ પણ ઓછો થાય તથા કામ પણ ઝડપથી થઈ શકે. બીજા રાજ્યોના આધારે રહેવાનું નહીં હોવાથી દરેક રાજ્ય પોતાની અનુકૂળતા પ્રમાણે કામ હાથ ધરી શકે. આ ઉપરાંત દર વર્ષે જ્યાં ચોક્કસ સ્થાને પાણી ભરાય છે ત્યાં રહેતા લોકોનું પુનર્વસન કરવું. નવસારીની સેવાભાવી સંસ્થા - ઉત્કર્ષ મંડળના વડાના મત મુજબ એમને બીજા સ્થાને કાયમી ધોરણે લઈ જવા જોઈએ. આ ખર્ચ દર વર્ષે કરાતા ખર્ચ કરતાં ચોક્કસપણે ઓછો જ આવે. એવી જગ્યા સરકાર પોતાના હસ્તક લઈ ત્યાં પોતાની રીતે તેનો વિકાસ કરે. હયાત નદી ઊંડી કરવી એ પણ વિકલ્પ હોઈ શકે. હાલમાં નદીમાંથી બેફામપણે રેતી ઉસેટી લેવાય છે. કાયદેસર મંજૂરી આપી હોય એના કરતાં પણ વધુ માટી કાઢવામાં આવે છે. પરિણામે નદીમાં ચોક્કસ જગ્યાએ ઊંડા ખાડા પડી જાય છે. વિધિસર કોઈ ડ્રેજિંગનું કામ થતું નથી. નદીઓ પણ ઘન કચરાના કારણે પુરાવા માંડી છે. 

કોઈ પણ સમસ્યાનો ઉકેલ હોય જ છે. કદાચ એવું બને કે તેમાં થોડો સમય લાગે. આ ઉપરાંત લોક ભાગીદારી પણ મહત્વની છે. લોકોને સાથે લઈ કરેલાં કામ તેના લક્ષ્ય સુધી પહોંચે છે. રાજકીય ઇચ્છાશક્તિ હોય તો આવાં કામ વધુ સરળ થઈ જતાં હોય છે. દરેક નેતા તેમના પક્ષથી ઉપર ઉઠી જનકલ્યાણ માટે સક્રિય બને તો લોકો ઉપર તે એક મોટો ઉપકાર હશે.