સરકાર દ્વારા દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની સરકારે ઘણા સમય પહેલાથી જાહેરાત કરી છે. આમ જોવા જઈએ તો 2021માં વસ્તી ગણતરી શરૂ કરવી જોઈતી હતી પણ કોરોનાને કારણે તેમાં ખાસ્સો વિલંબ થયો છે. હવે 2027માં વસ્તી ગણતરીનું કાર્ય શરૂ કરવાની જાહેરાત કરાઈ છે ત્યાં તો કોંગ્રેસ અને વિપક્ષોને સરકાર સાથે વાંકુ પડયું છે અને પેટમાં દુખવા લાગ્યું છે. દેશનાં રાજકારણમાં આમ જોવા જઈએ તો જાતિનું હંમેશા મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. જાતિ આધારિત વસ્તી ગણતરીનું કામ માનીએ છીએ તેટલું સરળ નથી. ખાસ કરીને સરકાર વસ્તી ગણતરીમાંમ જાતિને એટલા માટે સામેલ કરવા માગે છે કે કઈ જાતિને કેવા પ્રકારનાં લાભ આપી શકાય અને કેવા પ્રકારનાં કલ્યાણ કાર્યો કરી શકાય. પણ સરકારનાં આ કાર્યમાં કોંગ્રેસ અને વિપક્ષો હવનમાં જેમ હાડકા હોમીને અવરોધો સર્જવામાં આવે તેમ અવરોધો સર્જી રહ્યા છે. વસ્તી ગણતરીનાં પહેલા તબક્કામાં દરેક ઘરની નંબર આપીને ગણતરી કરવાનું કામ શરૂ થઈ ગયું છે. જાતિ આધારિત વસ્તી ગણતરી બીજા તબક્કામાં હાથ ધરાશે. કોંગ્રેસનો આરોપ છે કે જાતિ આધારિત વસ્તી ગણતરીનાં ફોર્મમાં 0BCનું કોલમ નથી. લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ ખડગેએ જે રીતે આંકડાઓ એકઠા કરવામાં આવી રહ્યા છે તેની સામે પણ સવાલો ઉઠાવ્યા છે. લોકોએ દરેક ફોર્મમાં પોતાની જાતે જાતિની વિગતો લખવાની છે તેની સામે કોંગ્રેસને વાંધો છે. દેશનાં જુદાજુદા વિસ્તારોમાં અને જુદાજુદા રાજ્યોમાં એક જ જાતિ જુદાજુદા નામથી ઓળખવામાં આવે છે. આવા સંજોગોમાં જાતિનાં આંકડા મિક્સ થવાની પૂરેપૂરી સંભાવના છે. આથી જાતિનાં ચોક્કસ આંકડા મેળવવાનું મુશ્કેલ છે. આ પ્રકારની આશંકા ખોટી પણ નથી. 2011ની સામાજિક અને તેમજ આર્થિક જાતિ વસ્તી ગણતરીમાં પણ આ જ ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે વખતે 46 લાખથી વધારે જાતિઓ, પેટા જાતિઓ, ઉપનામ નોંધાયા હતા. અલબત્ત આ આંકડાઓમાં ઢગલાબંધ વિસંગતતા હોવાથી સરકારે તેને જાહેર કરવાનું ટાળ્યું હતું. કોંગ્રેસનું કહેવું છે કે જાતિની વિગતો લોકો પર ભરવાનું છોડવાને બદલે જુદાજુદા નામથી ઓળખાતી એક જ જાતિનું લિસ્ટ સરકારે જાહેર કરવું જોઈએ જેથી એક જાતિ એક નામથી નોંધવામાં આવે. આને કારણે આંકડાઓ બેવડાતા રોકી શકાશે. જાતિ આધારિત વસ્તી ગણતરીનો હેતુ દેશમાં કેટલી જાતિઓ છે તે જાણવાનો નહીં કે કઈ જાતિની કેટલી વસ્તી છે તે જાણવાનો નથી પણ અલગ અલગ સામાજિક ગ્રુપની વાસ્તવિક સ્થિતિ શું છે તે જાણવાની છે. જો દરેક જાતિની નક્કર માહિતી મળે તો શિક્ષણ, રોજગારી અને સરકારી યોજનાઓને વધારે પ્રભાવી બનાવી શકાય તેવો સરકારનો ઈરાદો છે.
