ભરત ચાવડા,શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય,વિસાવડી, તા.દસાડાઃ શાળાના વિધાર્થી પાંચ કિલોના ભાર સાથે શાળાએ જતાં હોય છે, જ્યારે કૉલેજના વિધાર્થી પાસે એક નોટ બુક જ હોય છે. આ વિરોધાભાસ સવારે નજરે પડે છે અને મનમાં પ્રશ્ન થાય છે, આ સમસ્યા દુનિયાની હશે કે માત્ર ભારતમાં જ? ઉપાય શુ?  

વર્તમાન સમયમાં શિક્ષણનું સ્વરૂપ ખૂબ બદલાયું છે, પરંતુ તેની સાથે એક અત્યંત ચિંતાજનક દ્રશ્ય પણ સામે આવ્યું છે. સવારે વહેલા ઉઠીને શાળાએ જતા માસૂમ બાળકોના પીઠ પર લટકતું ભારેખમ દફ્તર જોઈને કોઈને પણ દયા આવી જાય. આશ્ચર્યની વાત એ છે કે, પ્રાથમિક શાળાના નાના બાળકોનો શારીરિક વિકાસ હજુ પૂરો થયો નથી, તેમના દફ્તરનું વજન ખૂબ વધારે હોય છે. બીજી તરફ્, કોલેજમાં જતા પુખ્ત વયના મોટા વિદ્યાર્થીઓ, જેમનું શરીર મજબૂત છે, તેમના હાથમાં માત્ર એકાદ નોટબુક કે નાની ફાઈલ જ જોવા મળે છે. આ એક ગંભીર વિરોધાભાસ છે જે માત્ર કોઈ એક પ્રદેશ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિશ્વની આધુનિક શિક્ષણ પ્રણાલી માટે એક મોટો પડકાર છે. 'ભાર વગરનું ભણતર' એ માત્ર એક સૂત્ર બનીને રહી ગયું છે, જ્યારે વાસ્તવિકતામાં બાળકો પુસ્તકોના ભાર નીચે દબાઈ રહ્યા છે.  

શાળાના બાળકોના ભારે દફ્તરની સમસ્યા દુનિયાના લગભગ તમામ દેશોમાં જોવા મળે છે. ભારત, ચીન, જાપાનમાં ગોખણપટ્ટી અને પુસ્તકિયા જ્ઞાન પર વધુ ભાર હોવાને કારણે અહીં આ સમસ્યા સૌથી વધુ વિકરાળ છે. ચીન અને જાપાન જેવા દેશોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓને લીધે પ્રાથમિક સ્તરેથી જ પુસ્તકો, ગાઇડ અને સંદર્ભ ગ્રંથોનો ભાર ઘણો વધારે રહે છે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ ભારે સ્કૂલબેગ અંગે ચિંતા વ્યક્ત કરે છે. જોકે, ત્યાં શાળાઓમાં લોકર્સની સુવિધા હોય છે, છતાં પણ રોજિંદા ગૃહકાર્ય માટે પુસ્તકો ઘરે લાવવા-લઇ જવા પડતા હોવાથી બાળકો હેરાન થાય છે. અપવાદરૂપ દેશફ્નિલેન્ડ આ બાબતમાં એક આદર્શ અપવાદ છે. ફ્નિલેન્ડની શિક્ષણ પ્રણાલી વિશ્વમાં સર્વશ્રોષ્ઠ માનવામાં આવે છે, જ્યાં પ્રાથમિક શાળાના બાળકોને નહિવત ગૃહકાર્ય આપવામાં આવે છે અને મોટે ભાગે પ્રાયોગિક તેમજ રમત-ગમત આધારિત શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. તેથી ત્યાં બાળકોના દફ્તર ખૂબ જ હળવા હોય છે.  

નાના બાળકોના ખભા પર આટલો મોટો ભાર કેમ આવી જાય છે, તેની પાછળ શૈક્ષણિક અને વ્યવસ્થાપક પરિબળો જવાબદાર છે. શાળાઓમાં દરરોજ 6 થી 8 તાસ હોય છે. જો સમયપત્રક યોગ્ય રીતે આયોજિત ન કરવામાં આવ્યું હોય, તો વિદ્યાર્થીઓએ દરરોજ તમામ વિષયોના પાઠયપુસ્તકો અને નોટબુકો લાવવી પડે છે. એક જ વિષય માટે પાઠયપુસ્તક ઉપરાંત, ક્લાસવર્કની નોટબુક, હોમવર્કની નોટબુક, અસાઇનમેન્ટ બુક અને પ્રયોગપોથી, નકશાપોથી વગેરે લાવવા પડે છે. એટલું જ નહિ, પુસ્તકો ઉપરાંત બાળકોએ પાણીની બોટલ, નાસ્તાનો ડબ્બો, કલર બોક્સ, કંપાસ બોક્સ, અને પ્રોજેક્ટ માટેની સામગ્રી પણ દરરોજ સાથે રાખવી પડે છે. એક લીટર ભરેલી પાણીની બોટલ અને લંચ બોક્સ જ બેગમાં દોઢ કિલો જેટલું વજન વધારી દે છે. મોટાભાગની સરકારી કે સામાન્ય ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકો શાળામાં રાખી શકે તેવી જગ્યા અથવા લોકર્સ હોતા નથી. પરિણામે દરરોજ બધી સામગ્રી ઘરે લઈ જવી અને લાવવી પડે છે. ઘણીવાર નાના બાળકો સમયપત્રક મુજબ આગલા દિવસે બેગ ગોઠવવાની આળસ કરે છે અને આખી અઠવાડિયાની બધી જ નોટબુકો બેગમાં ભરી રાખે છે. વાલીઓ પણ સમયના અભાવે નિયમિતપણે બાળકની બેગ તપાસતા નથી. શાળાઓ દ્વારા સત્તાવાર સરકારી પુસ્તકો ઉપરાંત વધારાના ખાનગી પ્રકાશનોના પુસ્તકો, પ્રેક્ટિસ બુક અને વર્કબુક ફરજિયાત કરવામાં આવે છે, જે કદમાં મોટા અને ભારે હોય છે.   

વધારે વજન ઊંચકવાથી બાળકો પર શારીરિક અને માનસિક અસરો થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને વિવિધ ઓર્થોપેડિક એસોસિએશનના સંશોધનો અનુસાર, બાળકની સ્કૂલ બેગનું વજન તેના શરીરના કુલ વજનના 10% થી વધુ ન હોવું જોઈએ. પરંતુ વાસ્તવિક સર્વેક્ષણો દર્શાવે છે કે બાળકો સરેરાશ 4 થી 6 કિલો એટલે કે 20% થી 25% જેટલો ભાર ઊંચકે છે. ભારે વજનને કારણે બાળકની કરોડરજ્જુ એકબાજુ વાંકી વળી શકે છે અથવા કાયમી કૂંધ આવી શકે છે. વૈજ્ઞાનિક જર્નલોમાં પ્રકાશિત સંશોધનો અનુસાર, શાળાએ જતા આશરે 60% થી વધુ બાળકો પીઠ, ગરદન કે ખભાના સ્નાયુઓના દુખાવાથી પીડાય છે. ડબ્લિનમાં થયેલા એક મેડિકલ રિસર્ચ મુજબ, ભારે બેગ ઉંચકતા બાળકોમાં 65% અસ્વસ્થતા ખભામાં અને 30% દુખાવો પીઠના નીચલા ભાગમાં નોંધાયો હતો. ભારે બેગના સંતુલન માટે બાળક આગળની તરફ્ ઝૂકીને ચાલે છે. લાંબા ગાળે આ તેમની કાયમી ચાલવાની શૈલીને બગાડે છે. સવારે ઉઠતાની સાથે જ ભારે વજન ઉંચકવાનું હોવાથી બાળક માનસિક રીતે ત્રાસ અનુભવે છે. શાળાએ પહોંચતા સુધીમાં તેનો ઉત્સાહ મરી જાય છે અને ભણતર આનંદને બદલે સજા કે બોજ લાગવા માંડે છે. એક સંશોધન મુજબ, ભારે દફ્તર ઉંચકતા 45% બાળકો શાળાએ પહોંચતા જ શારીરિક અને માનસિક થાક અનુભવે છે, જેને લીધે તેમની એકાગ્રતાનો દર ઘટી જાય છે.

આ સમસ્યાના નિવારણ માટે ભારત સરકારે ચિંતા કરી છે અને તેને દૂર કરવા ચોક્કસ નીતિ ઘડી છે. 'સ્કૂલ બેગ પોલિસી 2020 અંતર્ગત શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન્સ મુજબ દરેક ધોરણ માટે દફ્તરનું વજન મર્યાદિત કરવામાં આવ્યું છે. જેમકે, ધોરણ 1 અને 2 માટે 1.6 થી 2.2 કિલોગ્રામ, ધોરણ 3 થી 5 માટે 1.7 થી 2.5 કિલોગ્રામ, ધોરણ 6 અને 7 માટે 2.0 થી 3.0 કિલોગ્રામ, આ પોલિસી અંતર્ગત ધોરણ-2 સુધીના બાળકોને કોઈ પણ પ્રકારનું હોમવર્ક (ગૃહકાર્ય) આપવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે. અન્ય રીતે વિચારીએ તો શાળાએ એવું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ જેમાં એક દિવસમાં વધુમાં વધુ 3 કે 4 વિષયો જ ભણાવવામાં આવે, જેથી દરરોજ લાવવાના પુસ્તકોની સંખ્યા સીધી અડધી થઈ જાય. દરેક બાળકને શાળાના વર્ગખંડમાં જ એક નાનું લોકર આપવામાં આવે, જ્યાં તે પોતાના ભારે પાઠયપુસ્તકો અને પ્રયોગપોથીઓ મૂકી શકે. ઘરે માત્ર ગૃહકાર્ય માટેની નોટબુક લઈ જવાની રહે. આખા વર્ષનું એક મોટું પુસ્તક બનાવવાની જગ્યાએ ત્રિમાસિક કે છમાસિક પુસ્તિકામાં વહેંચી દેવું જોઈએ, જો શાળામાં આરોગ્યપ્રદ અને ફ્લ્ટિર કરેલું શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરવું જોઈએ અને બાળક ઘેરથી પાણીની બોટલના લાવે તેનો આગ્રહ રાખવો જોઈએ. વાલીઓએ દરરોજ રાત્રે બાળકની બેગ સમયપત્રક મુજબ ગોઠવાયેલ છે કે કેમ તે જોવું જોઈએ. શિક્ષણનો સાચો હેતુ બાળકના મગજનો અને વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે, તેના નાજુક ખભાને મજબૂત મજૂર બનાવવાનો નથી. 

અશોકીઃ આજનું બાળક કહી રહ્યું છેઃ મને ભણાવો જરૂર, પણ મારા રમવાના દિવસો ન છીનવો. દફ્તરના ભાર નીચે મારું બાળપણ દબાઈ રહ્યું છે, એ તરફ્ નજર તો કરો!