વિશ્વ રાજકારણમાં કેટલીક મુલાકાતો એવી હોય છે, જેમાં હાથ મિલાવવાનો ફોટો કરતાં પણ બંધ દરવાજા પાછળ થયેલી વાતચીત વધારે મહત્વની હોય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની 23થી 25 સપ્ટેમ્બર 2026ની અમેરિકી મુલાકાત એવી જ મુલાકાત હતી. બે દેશો વચ્ચે વેપારયુદ્ધ, ટેકનોલોજી, તાઇવાન, સૈન્ય શક્તિ, એઆઇ, ઇરાન અને વૈશ્વિક પ્રભાવ માટેની સ્પર્ધા ચાલી રહી છે. છતાં જિનપિંગને વોશિંગ્ટનમાં ભવ્ય રાજકીય સન્માન મળ્યું અને બંને નેતાઓએ લાંબી ચર્ચા કરી.

તો શું બે મહાસત્તાઓ વચ્ચે મિત્રતા થઈ ગઈ? જવાબ છે,ના. આ મુલાકાત મિત્રતાની નહીં, પરંતુ ટકરાવને નિયંત્રિત રાખીને પોતાના હિતો મહત્તમ મેળવવાની રાજદ્વારી કળાની મુલાકાત હતી.

ચીન અને અમેરિકા એકબીજાના સૌથી મોટા આર્થિક ભાગીદારોમાં છે, પરંતુ સાથે જ સૌથી મોટા વ્યૂહાત્મક પ્રતિસ્પર્ધીઓ પણ છે. અમેરિકા ચીનની વધતી આર્થિક, સૈન્ય અને ટેકનોલોજીકલ તાકાતને પડકાર માને છે. ચીન અમેરિકાને પોતાના વૈશ્વિક ઉદયને રોકવા માગતી શક્તિ તરીકે જુએ છે. તાઇવાન આ બંને વચ્ચેનો સૌથી સંવેદનશીલ મુદ્દો છે.

આ પરિસ્થિતિમાં જિનપિંગનું અમેરિકામાં આવવું જ એક સંદેશ છે,બંને દેશો એકબીજા વિના પણ રહી શકે છે, પરંતુ એકબીજાને અવગણીને વિશ્વ ચલાવી શકતા નથી.

આ મુલાકાતમાં બંને દેશોએ આર્થિક અને વેપાર ક્ષેત્રે કેટલીક મહત્વપૂર્ણ સમજૂતીઓ કરી. ચીન અને અમેરિકા વચ્ચે લગભગ 30 અબજ ડોલરના પરસ્પર ટેરિફ્ ઘટાડાની વ્યવસ્થા આગળ વધારવા તથા વેપાર સંબંધિત નવા મિકેનિઝમ ઊભા કરવા સંમતિ થઈ. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જોઈએ. આ સમજૂતીઓ સ્પર્ધાનો અંત નથી, સ્પર્ધાને મેનેજ કરવાનો પ્રયાસ છે.

અમેરિકા અને ચીન જાણે છે કે સીધો અથડામણનો રસ્તો બંને માટે ભારે નુકસાનકારક બની શકે. વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ જો સંપૂર્ણ વેપારયુદ્ધમાં ઉતરે તો તેની અસર ભારત સહિત આખી દુનિયાના બજારો પર પડે. 

આ મુલાકાતનો સૌથી ચોંકાવનારો મુદ્દો હતો,ચીનને અમેરિકી શસ્ત્રો વેચવાની વાત. ચીનમાં અમેરિકી રાજદૂત ડેવિડ પરડયુએ ટેલિવિઝન કાર્યક્રમમાં કહ્યું કે ટ્રમ્પે જિનપિંગને એક સમયે પૂછયું હતું કે ચીન અમેરિકી શસ્ત્રો ખરીદવા ઇચ્છે છે કે કેમ. સ્વાભાવિક રીતે આ નિવેદને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું. પરંતુ તરત જ અમેરિકી અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે ચીનને શસ્ત્રો વેચવાની યોજના નથી. 

તો પછી આ નિવેદનનો અર્થ શું?

મૂળ વાત કદાચ અહીં છે કે ટ્રમ્પ વિદેશનીતિને ખૂબ જ વ્યવહારુ અને વેપારી દૃષ્ટિએ જોવે છે. તેમની દૃષ્ટિએ શસ્ત્રો, ટેરિફ્, બજાર અને રોકાણ,બધું સોદાબાજીના સાધન બની શકે છે. ચીન સાથે પણ તેઓ પરંપરાગત દુશ્મની કરતાં ,શું આપશો અને શું મેળવશો?ના ગણિતથી આગળ વધવા માગે છે. કેટલાક અમેરિકી વિશ્લેષકો પણ આ ઘટનાને ટ્રમ્પની transactional diplomacyનું ઉદાહરણ માને છે. પરંતુ આ આખી વાતનો સૌથી મોટો સંદર્ભ તાઇવાન છે.

અમેરિકા તાઇવાનને સતત સૈન્ય સહાય અને હથિયારો આપે છે. ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે અને અમેરિકી શસ્ત્ર વેચાણનો ઉગ્ર વિરોધ કરે છે. ટ્રમ્પે અગાઉ તાઇવાનને હથિયારો વેચવાના મુદ્દાને ચીન સાથેની સોદાબાજીમાં negotiating chip ગણાવ્યો હતો. એટલે મુલાકાતમાં તાઇવાન અંગે કોઈ સંપૂર્ણ સમાધાન થયું નથી. અમેરિકાએ તાઇવાન છોડયું નથી અને ચીને તાઇવાન અંગે પોતાનો દાવો છોડયો નથી. 

વિશ્વ માટે આ મુલાકાતનો સૌથી મોટો સંદેશ પણ આ જ છે.

વિશ્વને હવે અમેરિકા-ચીન વચ્ચે નવી કોલ્ડ વોર કરતાં નિયંત્રિત સ્પર્ધા જોવા મળી શકે છે. બંને દેશો એકબીજા સાથે વેપાર કરશે, પણ ટેકનોલોજીમાં સ્પર્ધા કરશે; એઆઇમાં વાતચીત કરશે, પણ અદ્યતન ટેકનોલોજી પર નિયંત્રણ પણ રાખશે; સૈન્ય સંકટ ટાળવા સંવાદ રાખશે, પરંતુ પોતાની સૈન્ય શક્તિ વધારતા રહેશે.

ચીનને આ મુલાકાતથી શું મળ્યું? સૌથી પહેલાં, અમેરિકી રાષ્ટ્રપતિ સાથે સીધો સંવાદ અને ઉચ્ચ કક્ષાનું રાજકીય સન્માન. બીજું, વેપાર અને ટેરિફ્માં રાહત. ત્રીજું, અમેરિકાએ ચીન સાથે સીધી ટક્કર કરતાં વ્યવહારુ સંબંધ જાળવવાની જરૂરિયાત સ્વીકારી.

અમેરિકાને શું મળ્યું? ચીન સાથેના વેપાર તણાવમાં થોડો ઘટાડો, નશીલા પદાર્થોના પ્રીકર્સર અંગે સહકાર, સંકટ સમયે સૈન્ય સંવાદ અને ચીનને સંપૂર્ણપણે વિરોધી કેમ્પમાં જતું અટકાવવાની તક.

પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પક્ષે બીજાને હરાવ્યો નથી. બંનેએ થોડું મેળવ્યું અને થોડું છોડયું.

ભારત માટે આ મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે. અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ઓછો થાય તો વૈશ્વિક બજારોમાં સ્થિરતા આવે તે ભારત માટે સારું છે. પરંતુ જો બંને મહાસત્તાઓ ફરીથી ટેકનોલોજી, વેપાર અથવા તાઇવાનના મુદ્દે અથડાય તો ભારત માટે નવી વ્યૂહાત્મક પડકારો ઊભા થઈ શકે. 

વાસ્તવમાં આ મુલાકાતનો સાર એક જ વાક્યમાં કહી શકાય,અમેરિકા અને ચીન એકબીજાને હરાવવા માંગે છે, પરંતુ એકબીજાને તોડી નાખવા નથી માંગતા.

કારણ કે બંને જાણે છે કે તેમની અથડામણમાં નુકસાન માત્ર અમેરિકા કે ચીનનું નહીં, આખી દુનિયાનું થશે.

અને કદાચ આ જ કારણ છે કે વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે બહારથી જેટલો સંઘર્ષ દેખાય છે, તેની પાછળ અંદરથી એટલી જ ઊંડી સોદાબાજી, પરસ્પર નિર્ભરતા અને શક્તિનું ગણિત ચાલી રહ્યું છે. શસ્ત્રો વેચવાની વાત ભલે અંતે સત્તાવાર નીતિ ન બની હોય, પરંતુ તેણે એક વાત ચોક્કસ બતાવી છે,આ નવી દુનિયામાં રાજદ્વારીમાં વિચારધારા કરતાં હિત અને સોદો વધુ મોટો બની રહ્યો છે.