દલાઈ લામા તારીખ 6 જુલાઈએ 90 વર્ષના થઈ રહ્યા છે. 66વર્ષ પહેલાં 1959માં તેમનેતિબેટથી ભાગવું પડયું હતું. ત્યારથી તેઓ ભારતમાં રાજ્યાશ્રાય મેળવી હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે રહે છે.

ચીન માટે લામા આંખમાં કણા જેવા છે. હવે તેમના ઉત્તરાધિકારીના મુદ્દે ચીન અને ભારત આમને સામને આવી ગયા છે જેમાં ભારત બિલકુલ કુણું વલણ અપનાવવા તૈયાર ન હોઈ ચીન ઊંચું નીચું થઇ રહ્યું છે. ચીન તિબેટીયન બૌદ્ધ ધર્મ ઉપર અંકુશ લાદવાનો મનસુબો ધરાવે છે જયારે દલાઈ લામા તેની વિરુદ્ધમાં પુરા વિશ્વ સમક્ષ તિબેટનો પક્ષ રાખી રહ્યા છે. 1989માં દલાઈ લામાને શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો. દલાઈ લામાનું કહેવું છે કે તેઓ ચીનથી આઝાદી નથી ઇચ્છતા, પણ સ્વાયત્તતા ઇચ્છે છે. દલાઈ લામાની વાત પુરા વિશ્વના ટોચના નેતાઓ સાંભળે છે જેનાથી ચીન હવે તેના ઉત્તરાધિકારીની પસંદગી અંગે ખંધી ચાલ ચાલી રહ્યું છે.

ભારત-ચીન તણાવ વચ્ચે દલાઈ લામાના આવતીકાલનાજન્મદિન પર બધાની નજર છે.

સંસદીય બાબતો અને લઘુમતી મંત્રી કિરણ રિજિજુ દલાઈ લામાના જન્મદિવસની ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કિરેન રિજિજુએ કહ્યું, 'દલાઈ લામાનું સ્થાન ફ્ક્ત તિબેટીઓ માટે જ નહીં પરંતુ વિશ્વભરના તેમના લાખો અનુયાયીઓ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સદીઓ જૂની બૌદ્ધ પરંપરાઓ અનુસાર, ફ્ક્ત તેમને જ તેમના ઉત્તરાધિકારી વિશે નિર્ણય લેવાનો અધિકાર છે.' તેમણે દલાઈ લામાની જાહેરાત પર ચીનના વાંધાને ગેરવાજબી હસ્તક્ષેપ ગણાવ્યો અને તેને તેમના ઉત્તરાધિકારી કોણ હશે તે નક્કી કરવાનો વિશિષ્ટ અધિકાર ગણાવ્યો. તિબેટીયન બૌદ્ધોની ગેલુગ શાખાના 90 વર્ષીય આધ્યાત્મિક વડાએ આગ્રહ રાખ્યો હતો કે દલાઈ લામાની પરંપરા તેમના મૃત્યુ પછી પણ ચાલુ રહેશે અને તેમના અનુગામીની પસંદગી તેમના દ્વારા સ્થાપિત બિન-લાભકારી સંસ્થા ગાન્ડેન ફેદ્રાંગ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે, જેના પછી આ પ્રતિક્રિયા આવી હતી.

31 માર્ચ, 1959માં તિબેટના આ ધર્મગુરુએ ભારતમાં પગ મૂક્યો હતો. 17 માર્ચે તેઓ તિબેટની રાજધાની લ્હાસાથી પગપાળા નીકળ્યા હતા અને હિમાલયના પહાડો પાર કરીને 15 દિવસ બાદ ભારતીય સીમામાં દાખલ થયા હતા.યાત્રા દરમિયાન તેમના અને તેમના સહયોગીઓના કોઈ સમાચાર ન મળતાં ઘણા લોકોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે તેમનું મૃત્યુ થઈ ગયું હશે.

દલાઈ લામા સાથે કેટલાક સૈનિકો અને કૅબિનેટના મંત્રી હતા. ચીનની નજરથી બચવા માટે આ લોકો માત્ર રાતે જ સફર કરતા હતા.આ સફરને ચમત્કારિક પણ ગણાવાય છે કારણકે લ્હાસાથી ભારત પહોચવાનું બહુ વિકટ છે અને છતાં લામા સલામત રીતે પહોચી ગયા હતા. ભારતે તેમણે રાજ્યાશ્રાય આપતા ચીન ત્યારથી ભારત સાથે આડું ચાલે છે. ચીન લામાથી એટલું ડરે છે કે જે દેશમાં દલાઈ લામા જાય છે ત્યાં સત્તાવાર રીતે ચીન પોતાનો વિરોધ નોંધાવે છે.

ચીન દલાઈ લામાને અલગાવવાદી નેતા માને છે. તે વિચારે છે કે દલાઈ લામા તેમના માટે સમસ્યા છે. દલાઈ લામા અમેરિકા જાય તો પણ ચીનના કાન ઊંચા થઈ જાય છે. 2010માં તત્કાલીન અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ ચીનનો વિરોધ છતાં દલાઈ લામા સાથે મુલાકાત કરી હતી.ચીન અને દલાઈ લામાનો ઇતિહાસ જ ચીન અને તિબેટનો ઇતિહાસ છે.

1409માં જે સિખાંપાએ જેલગ સ્કૂલની સ્થાપના કરી હતી. આ સ્કૂલના માધ્યમથી બૌદ્ધ ધર્મનો પ્રચાર કરાતો હતો.આ જગ્યા ભારત અને ચીન વચ્ચે હતી જે તિબેટના નામથી જાણીતી છે. આ સ્કૂલના સૌથી ચર્ચિત વિદ્યાર્થી હતા ગેંદુન દ્રૂપ. ગેંદુન આગળ જતાં પહેલા દલાઈ લામા બન્યા. બૌદ્ધ ધર્મના અનુયાયી દલાઈ લામાને એક રૂપકના રૂપમાં પણ જુએ છે. તેમને કરુણાના પ્રતીકના રૂપમાં જોવામાં આવે છે. બીજી તરફ્ તેમના સમર્થકો તેમને પોતાના નેતાના રૂપે પણ જુએ છે. દલાઈ લામાને મુખ્ય રીતે શિક્ષક તરીકે જોવામાં આવે છે. લામાનો અર્થ ગુરુ થાય છે.

લામા પોતાના લોકોને સાચા રસ્તે ચાલવાની પ્રેરણા આપે છે. તિબેટી બૌદ્ધ ધર્મના નેતા દુનિયાભરના બધા બૌદ્ધોને માર્ગદર્શન આપે છે.1630ના દશકમાં તિબેટના એકીકરણ સમયથી જ બૌદ્ધો અને તિબેટી નેતૃત્વ વચ્ચે લડાઈ છે. માન્ચુ, મંગોલ અને ઓઈરાતનાં જૂથોમાં અહીં સત્તા માટે લડાઈ થતી રહે છે. આખરે પાંચમા દલાઈ લામા તિબેટને એક કરવામાં સફ્ળ રહ્યા હતા.

આ સાથે જ તિબેટ સાંસ્કૃતિક રીતે સંપન્ન થઈને ઊભર્યું હતું. તિબેટના એકીકરણ સાથે જ અહીં બૌદ્ધ ધર્મમાં સંપન્નતા આવી. જેલગ બૌદ્ધોએ 14મા દલાઈ લામાને પણ માન્યતા આપી.દલાઈ લામાની ચૂંટણીપ્રક્રિયાને લઈને વિવાદ રહ્યો છે. 13મા દલાઈ લામાએ 1912માં તિબેટને સ્વતંત્ર જાહેર કરી દીધું હતું.અંદાજે 40 વર્ષ બાદ ચીનના લોકોએ તિબેટ પર આક્રમણ કર્યું. ચીનનું આ આક્રમણ થયું ત્યારે ત્યાં 14મા દલાઈ લામાને ચૂંટવાની પ્રક્રિયા ચાલતી હતી. તિબેટને આ લડાઈમાં હારનો સામનો કરવો પડયો હતો. કેટલાંક વર્ષો પછી તિબેટના લોકોએ ચીની શાસન સામે વિદ્રોહ કર્યો. તેઓ પોતાની સંપ્રભુતાની માગ કરવા લાગ્યા. જોકે વિદ્રોહીઓને તેમાં સફ્ળતા ન મળી.દલાઈ લામાને લાગ્યું કે તેઓ ખરાબ રીતે ચીનની ચુંગાલમાં ફ્સાઈ જશે. આ દરમિયાન તેઓએ ભારત તરફ્ પ્રયાણ કર્યું. દલાઈ લામાની સાથે મોટી સંખ્યામાં તિબેટીયનો પણ ભારત આવ્યા હતા. આ વર્ષ 1959નું હતું.

ભારતમાં દલાઈ લામાને શરણ મળતાં ચીનને સારું ન લાગ્યું. ત્યારે ચીનમાં માઓત્સે તુંગનું શાસન હતું.દલાઈ લામા અને ચીનના કૉમ્યુનિસ્ટ શાસન વચ્ચે તણાવ વધતો ગયો. દલાઈ લામાને દુનિયાભરમાંથી સહાનુભૂતિ મળી, પરંતુ હજુ સુધી તેઓ નિર્વાસનની જિંદગી જીવી રહ્યા છે.1950ના દશકથી દલાઈ લામા અને ચીન વચ્ચે શરૂ થયેલો વિવાદ હજુ સુધી ખતમ થયો નથી.

દલાઈ લામાના ભારતમાં રહેવાથી ચીન સાથેના સંબંધો ગૂંચવાયેલા રહે છે.