પાંચ વર્ષની મુદ્દત માટે ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ સરકારને 'પેઢી' સમજે ત્યારે અરાજકતા સર્જાય છે. આવું જ કંઈક 'ઘરની ધોરાજી હાંકતા' એક મંત્રીજી અને તાબાના અફસરાન વચ્ચે થયું છે. જેના ગરબા આજકાલ નવા- જૂના સચિવાલયમાં જ નહીં પરંતુ, બહારના 'કેન્દ્ર'માં ગવાઈ રહ્યાં છે. જેમાં મૂળ વાતGPSCએ વર્ષ 2023માં ક્લાસ-2ની ભરતી પરીક્ષા પૂર્ણ કરી વિભાગને સોંપેલા ઉમેદવારની છે. જેઓ વિભાગમાં દસ્તાવેજની ચકાસણીમાં પહેલાં વ્યક્તિગત અને પછી કમિટી સમક્ષ અનુભવ સર્ટિ મુદ્દે 'અમાન્ય' જાહેર થયા હતા. ઘટનાક્રમને દોઢ-બે વર્ષ થયા છે. પણ ઉમેદવારે કમિટીમાં સામેલ પોતાના જ જિલ્લા અધિકારી સામે રૂપિયા માંગ્યાની રાવ નાંખતા મંત્રીએ વિભાગના અફસરાનને ફોન કરીને, રૂબરૂ બોલાવીને તતડાવ્યાના 'રાસડા' છેક સ્કૂલી બચ્ચાઓ સુધી પહોંચ્યા છે. કારણ કે મંત્રીજી જેની પાસે અનુભવ નથી તેવું બબ્બે વખતની ચકાસણીમાં પુરવાર થયું છે તેવા 7 અયોગ્ય-અપાત્ર ઉમેદવારો પૈકી માત્ર એકને જ ક્લાસ-2ની નોકરી આપવા દબાણ કરી રહ્યા છે. જેના કારણે સેક્રેટરીઓથી લઈને છેક ડાયરેક્ટર સહિતના વહીવટી અને બિનવહીવટી, કેળવણીકારોમાં એવું તે શું છે કે મુદ્દત વિત્યા પછી મંત્રી દબાણ કરી રહ્યા છે ? તે નવરાત્રિમાં હોટ ટોપિક બની ગયો છે.  

વધુ એક સંપાદનઃ રૂ.100ની જમીનમાં રૂ.56 હજાર ચુકવાયા, રેકોર્ડ ગાયબ

રાજસ્થાન પાસેના ભારતમાલા પ્રોજેક્ટ, પાલનપુર બાયપાસ પછી ગુજરાતમાં વધુ એક નવું જમીન સંપાદનમાં બિનખેતી-NAની મોડસ ઓપરેન્ડીથી કાંડ થયાનું બહાર આવ્યું છે. સરકારની તિજોરીમાં ખાડો પાડવાની કરતૂતમાં સફેદપોશ નેતાથી લઈને અફસરાન સહિતસૌનો સાથ-વિકાસનો નવો કાર્યક્રમ મધ્ય ગુજરાત મધ્યે થયો છે. આ હકીકત સંપાદન અધિકારીની બદલી પછી સપાટીએ આવી છે. જેમાં વાત એવી છે કે, રેલ્વે- રસ્તામાં સંપાદન પ્રક્રિયાને તબક્કે પહેલીવાર જાહેરનામુ પ્રસિધ્ધ થયું તેની નોંધ મહેસૂલી રેકર્ડમાં કરી જ નહીં. એથી જાહેરનામા મુજબ સમયસર કામગીરી પૂર્ણ ન થતાં તે રદબાતલ થયું. પછી જેવું જાહેરનામું રદ થયું કે તુરંત જ ખેતીની જમીન ફટાફટNAમાં રૂપાંતરણ થઈ અને તે પછી એ જ સર્વે નંબરોમાં ફરી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું. જેમાં જંત્રી મુજબ જે જમીનની કિંમત પ્રતિ ચોરસ મીટરે રૂ.90-100 થતી હતી તેNAકરાવીને તેના પેટે સંપાદન અધિકારીએ રૂ.56,000 જેવું ઊંચું વળતર આકાર્યાનું કહેવાય છે. ચર્ચા તો એવી પણ છે કે, આસમાની- સુલતાનીના આ ખેલમાં સ્થાનિક ધારાસભ્ય પણ સામેલ છે. બે મહિના પહેલાં સંપાદન અધિકારીની બદલી પછી રેકર્ડ ન મળતા કૌભાંડનો ઘટસ્ફોટ થયા. 

IASમીણા પછી ઈન્ટર સ્ટેટ કેડર 

ચેન્જ કરાવી એકIPSગુજરાતમાં

કેરળ કેડરનાIASહર્ષિલ મીણાને ગુજરાતનાIASધારિણી એમ.ની સાથે લગ્નથી વતન ગુજરાતનો લાભ મળ્યા બાદ બ્યુરોક્રેટ બિરાદરીમાં વધુ એકIPSકપલનો ઉમેરો થયો છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયે વર્ષ 2022ની બેચનાIPSઅન્નુ ટાટુનો લગ્નના આધારે ગુજરાત કેડરમાં સમાવવા મંજૂરી આપી છે. ટાટુ મૂળ રાજસ્થાનના છે અને તેમના લગ્ન ગુજરાત કેડરમાં તેમનાથી એક બેચ જુનિયર વર્ષ 2023નાIPSગૌતમ વિવેકાનંદ સાથે થયાછે. તેઓ મૂળ કેરળના છે ! આમ, રાજ્યમાં ફરીથી સમાન કેડરમાં ઓફિસર્સ કપલની સંખ્યા વધી રહી છે. સપ્તાહ પૂર્વે ગૃહ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી પદે કાર્યરત વર્ષ 2007ની બેચનાIASરવિ શંકરનો સેન્ટ્રલ ડેપ્યુટેશનનો કાર્યકાળને વધારીને 31મી જુલાઈ 2028 સુધી કરી દેવાયો છે. 

19 મિનિટ : સરપ્રાઈઝ વિઝિટમાં ક્યા મંત્રી-સેક્રેટરી પેન્ડન્સી ચાર્ટમાં દેખાયા ?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે બપોરેCMOમાં કરેલી સરપ્રાઈઝ વિઝિટ બ્યુરોક્રેટના મગજમાંથી ખસતી નથી. ચોથા માળે એડમિન ચેમ્બરમાં ચીફ સેક્રેટરી મનોજ દાસ સમેતCMOના સેક્રેટરીઓ સાથેપહોંચેલા મુખ્યમંત્રી 19 મિનિટ રોકાયા હતા. કહેવાય છે કે,CMએ ત્યાં બોસીને જ કમ્પ્યુટર સ્ક્રીન ઓપન કરાવીને ઈ-સરકાર પોર્ટલમાં કયા કયા વિભાગની કેટલી ફાઈલ પેન્ડિંગ છે ? કોના લોગઈનમાં પેન્ડિંગ રહે છે ? આ પ્રોસેસને બારિકાઈથી જાણી હતી. સ્વર્ણિમ સંકુલ-1ના ચોથા મજલે લગભગ 19 મિનિટ સુધી ચેમ્બરમાં બેસીનેCMએ જાતે ચીફ સેક્રેટરીની હાજરીમાં રિવ્યુ કર્યો તેની ખબર પડતા કેટલાક વિભાગોનાACSથી લઈનો સેક્રેટરીઓ અને મંત્રીઓના સ્ટાફના પેટમાં ફાળ પડી છે ! કારણ કે, આ સરપ્રાઈઝ વિઝિટમાં સ્વર્ણિમ સંકુલ-2માં બેસતા એક મંત્રી અને તેમને ફાળવાયેલા વિભાગના 'હેડ ઓફ ધ હેડ'- સેક્રેટરીની ફાઈલો પેન્ડન્સી ચાર્ટમાં અવલ્લ રહ્યાનું મુખ્યમંત્રીને પણ ખરબ પડયાની ગોસિપ છે.

ત્રણ વર્ષથી ચાર ફાઈલ દબાવી રાખી, કેવી રીતે ?MOજાણીને ચોંકી જશો

ઈ-સરકાર, જ્યાં એક એક કાગળ ક્યાં ફરે છે, કોના થકી ફરે છે તેને જાણી આપતી ટેકનોલોજી બેઝડ સિસ્ટમ છે. આવી વ્યવસ્થામાં પણ તપાસ- ઈન્કવાયરીની ફાઈલ દબાયેલી રહે ખરી ? ના. પણ એવું થયું છે. સામાન્ય વહીવટ વિભાગ-GADએ બે નાયબ સેક્શન ઓફિસર-Dy.SOશૈલેષ ડોબરીયા અને હર્ષ રાવલને સચિવાલય- ગાંધીનગરની બહાર છેક વડોદરા-રાજકોટ ભેગા કરતાની સાથે જ ત્રણ વર્ષથી ચાર ફાઈલ દબાવી રાખ્યાની મોડસ ઓપરેન્ડી-MOનો ઘટસ્ફોટ થયો છે. આMOમાંઆ બંને પૈકી એક તો ફિક્સ વેતન હેઠળના છે. ચર્ચા એવી છે કે,Dy.SOપંચાયાત વિભાગની સંવેદનશીલ ફાઈલ એક સપ્તાહ કે 10 દિવસનો સમય વીતે એટલે તરત બીજાને ફોરવર્ડ કરીને પાછા પોતાના લોગઈનમાં મેળવી લેતા હતા ! કોલ- રિકોલ, ફોરવર્ડ-રિવર્સના ખેલમાં ત્રણ વર્ષથી તપાસના પ્રકરણો ઉપર પહોંચ્યા નહીં ! ઈન્ક્વાયરી નિકાલના તબક્કે અધિક મુખ્ય સચિવ-ACSઅંજુ શર્માએ પેન્ડન્સી ચાર્ટ માંગતા આ ભાંડો ફુટયો છે. હવે કોલ-રિકોલના ખેલમાં બંનેDy.SOસામો બદલી, શો- કોઝ નોટિસ પછી 'ગંગાજળ' અપાય છે કે પછી સઘળું ભૂલાવી દેવાય છે તે જોવું રહ્યું.  

કોલ સેન્ટર કિંગ્સે વગર મંજૂરીએ સફેદ ગરબા કર્યા,IPS-IASલોન્જમાં ઝૂમ્યા

ટ્રેડિશનલને બદલે ફેશનેબલ, આરાધનાને સ્થાને એન્ટરટેઈન્ટમેન્ટ થયેલા ફાઈનાન્સ બેઝડ સફેદ 'શેરી બાબતો'ને રજૂ કરતું ગરબા આયોજન પહેલા નોરતેથી વિવાદનું કારણ બન્યું છે. અમદાવાદને અડીને આવેલા ગ્રામીણ ક્ષેત્રમાં આવા એક આયોજનની ચર્ચા બ્યુરોક્રેટ બિરાદરીથી લઈને રાજકીય, આર્થિક ગુનાખોરીના વર્તુળોમાં ડીજે સાઉન્ડ કરતા પણ લાઉડ છે કેમ કે, ત્યાં વહીવટી તંત્રની પરમિટ વગર જ માત્ર એક દિવસ માટે રૂ.15,000ની ટિકિટવાળા ગરબાના સ્પોન્સર કમ આયોજક 'કોલ સેન્ટર કિંગ્સ' હતા ! એ જાણવા છતાંય કલેક્ટર સહિતનાIASઅને આઠથી વધુIPSજોવા મળ્યા હતા. ચર્ચા તો એવી છે કે,IPSઓફિસર્સના પરિવારો માટે 'સફેદકપડે શેરી બાબતો' થીમવાળા આયોજનમાં ખાસ લોન્જ બનાવાઈ હતી. જ્યાં પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ-PASAભોગવી ચુકેલાના ફરજંદ-જેનું નામ આર્થિક સાયબર ક્રાઈમની દુનિયામાં 'કોલ સેન્ટર કિંગ્સ' તરીકે લેવાય છે તેણે આયોજન કર્યું હતું. વિધાઉટ પરમિટ ગરબા અફેર્સ હોવા છતાંયે એક ડઝનથી વધુ બ્યુરોક્રેટ ત્યાં ઝૂમવા જતા પાવર કોરિડોરમાં આ ઈવેન્ટ હોટટોપિક બની રહી છે.  

માંજુના ગયા પછીRICમાં શાંતિપર્વ, દેવને ફરી ચાર્જ સંભાળ્યો, પાણ રસ નથી !

સપ્ટેમ્બરના પહેલા સપ્તાહે સેક્રેટરીઓની ટ્રાન્સફરમાં મહેસૂલ તપાસણી કમિશનર રાજેશ માંજુને સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન તરીકે બદલી કરવામાં આવ્યા હતા. વર્ષ 2004ની બેચના માંજુ મહેસૂલ તપાસણી કમિશનરેટ-RICમાં રહ્યા ત્યાં સુધી મહેસૂલી તંત્રમાં કામ કરતા અને કરી ચૂકેલાIASથી લઈને સ્ટેટ કેડર-GASઓફિસરો સામે તપાસનો દોર 'વાઈબ્રન્ટ' રહ્યો છે. ટ્રાન્સફર પછી સરકારે રેગ્યુલરRICનિયુક્ત કરવાને બદલે નાણાં વિભાગના ખર્ચ બાબતોના સચિવ જેનુ દેવનને ચાર્જ સોંપવાનો હુકમ કર્યો હતો. જેને સવા મહિનો થયો. વર્ષ 2006ની બેચના દેવનને લઈને ગોસિપ એવી છે કે તેમનેRICમાં રસ નથી. એટલે તેઓ ઓફિસે પણ આવતા નથી! બે વર્ષ પહેલા પણ દેવનનેRICનો ચાર્જ સોંપાયો હતો. મહેસૂલ વિભાગનું આ એકમ બ્યુરોક્રેટ બિરાદરીમાં કુરુક્ષેત્રના મેદાન જેવું છે. જ્યાં અનાયસે પણ મામકા- પાંડવા થઈ જતું હોય છે. 

પાવર 'પાઉડર'નો છે, પાણી માપવા 

નીકળ્યા ત્યાં જ કસ્ટોડિયન દેખાયા

દક્ષિણ ગુજરાતની સહકારી 'લાઈફલાઈન'- સૂમુલ ડેરીમાં ચેરમેન માનસિંહ પટેલ અને ઉપાધ્યક્ષ રાજુ પાઠકના જુથો વચ્ચે અંદરોઅંદર ખુલ્લું યુધ્ધ ખેલાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર એકબીજા સામે કચરો ફેંકવા પોસ્ટ વોર થતા સુરતને કનેક્ટ સહકારી મંડળીઓની 'પાવર સપ્લાય ચેઈન'માં ભાજપના નેતાઓ જ નહીં, સરકારી અફસરાનની દિલચસ્પી વધી છે. સહકારી વર્તુળોમાં ચર્ચા છે કે, દૂધનો પાઉડર બનાવતી ડેરીના મોભીઓ એકબીજાનું 'પાણી' માપવામાં પડયા હતા ત્યારે તેમનો એ પાવર ઉતારવા તંત્રે કસ્ટોડિયનનો 'ડોઝ' પહેલાથી જ તૈયાર રાખ્યો હતો. કદાચ એવા કારણોસર જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બંને જુથોને 'શાનમાં સમજી' જવા માટે કડક હિદાયત આપી દીધી હશે. તેમણે આ બેઉને સોશિયલ મીડિયા ઉપરની આ કાદવ-ઉછાળ બંધ નહીં થાય, તો ડેરીમાં સીધો 'કસ્ટોડિયન' બેસાડી દેવાશે એવી ચિમકી આપી છે. આ કડક વલણ પછી 'પાઉડરના પાવર''ની શું સ્થિતિ રહે છે તેના ઉપર સૌની નજર છે. 

ફરીNAનો કાંટાળો તાજ શાહને માથે, 

શું 30 દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે ?

હાઈકોર્ટ ખેતીની જમીનને બિનખેતી-NAમાં તબદિલ કરતી વેળાએ મહેસૂલી અધિકારીઓ દ્વારા ચકાસણી પ્રક્રિયામાં કરાતા અર્થઘટનોને લઈને સરકારથી ભારે નારાજ છે.વારંવાર ઠપકો આપ્યા પછી પણ હાઈકોર્ટના આદેશોનો અમલ થઈ રહ્યા નથી તેવી આકરી ટિપ્પણી પછી મહેસૂલ વિભાગને એક કમિટી રચવી પડી છે. જમીન સુધારણા પ્રભાગના સચિવ બીજલ શાહના અધ્યક્ષપદે રચાયેલી આ કમિટીમાં ચાર કલેક્ટરોનો સમાવેશ થયો છે. જેમાં અમદાવાદના ભવ્ય વર્મા, રાજકોટના ઓમપ્રકાશ, વડોદરાના અનિલ ધામેલિયા, બનાસકાંઠાના મિહિર પટેલ ઉપરાંત વિભાગના સંયુક્ત સચિવ અને ત્રણ નાયબ સચિવનો પણ સમાવેશ થાય છે. આ કમિટીએ હાઈકોર્ટે આપેલા ચૂકાદાઓનો અમલ કેવી રીતે કરવો ? કેવી રીતે થઈ શકે છે તેનો અભ્યાસ કરીને 30 દિવસમાં રિપોર્ટ સોંપવાનો થાય છે. અત્યંત ખાનગી રહેલી આ કમિટીના નામો જેમ જેમ બહાર આવી રહ્યા છે તેમ તેમ બ્યુરોક્રેટમાં ગોસિપ થઈ રહી છે કે, સેક્રેટરી બીજલ શાહને ફરીNAમુદ્દે હાઈકોર્ટ સમક્ષ હાજર થવું પડશે કે કેમ ? કારણ સવા વર્ષ પહેલાં વડોદરા કલેક્ટર રહેતા આવા કેસમાં હાઈકોર્ટે આકરું વલણ દાખવ્યું હતું.  

નવા નિશાળિયાને અફસરાન ગાંઠતું નથી, કમિશનરે મેયરને ખખડાવ્યા !

નવરચિત મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 'પહેલી ટર્મ'વાળા નવાસવા મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનોની હાલત કફોડી છે. પદ મળ્યું પણ વહીવટી અનુભવ વગરના નવા જોગીઓ સામે કમિશનરો રોફમાં વર્તી રહ્યા છે. અફસરોને રૂઆબનું સિંચણ 'જૂના જોગીઓ' પુરું પાડી રહ્યા હોય તેવી ગોસિપ નવા નિશાળિયામાં છે. સરકારે સ્થાનિક સ્વરાજ્યમાં નિયુક્ત કરેલાIASઅફસરો મેયર-પ્રજાએ ચૂંટેલા પદાધિકારીઓની ચેમ્બરમાં જવા ઈન્કાર કરી રહ્યા છે. ઉલ્ટાનું અનેક મહાનગરોમાં તો કમિશનર ''કામ હોય તો મારી ચેમ્બરમાં આવવું. બાકી ફોનમાં પતાવટ કરી લેવાની'' તેવા હુકમો છોડી રહ્યા છે. એવામાં 100 ટકા ભાજપનું બોર્ડ ધરાવતા મોરબી કોર્પોરેશનમાં મેયર ઉત્તમ સુરાણી (ગુજરાતના સૌથી નાની વયના નગરપતિ)ને પ્રમોટીIAS- કમિશનર સંગીતા રૈયાણી ખખડાવતા હોય તેવો વીડિયો વાઈરલ થતા રાજકીય વર્તુળોમાં ''પ્રજાએ પાવર ચૂંટીને આપ્યો, પણ ખુરશી પર બેઠા પછી પાવર સ્ટીયરિંગ તો કમિશનર સાહેબોના હાથમાં જ રહે છે તેવી ગોસિપ છે. 

સરકારે 'THAR'ખરીદવા છૂટ આપી, મંત્રી કાર્યાલયની કારે મર્સિડીઝને ઠોકી

નવી વાહન નીતિમાં ફિલ્ડ ઓફિસરો માટે 'થાર- ધ સ્ટેટમેન્ટ' રોફદાર કાર ખરીદવાની છૂટ આપી છે. આ છૂટછાટ વચ્ચે મંત્રીઓના કાર્યાલય સ્ટાફ અને પરિવાર- સગલા સંબંધીઓને માટે સરકારી વાહનોનો બેફામ ઉપયોગ કરીને નાગરિક સમાજ, જાહેર સ્થળોએ રૂઆબનું પ્રદર્શન થાય છે તેના અઢળક કિસ્સા સચિવાલયમાંથી ઉજાગર થઈ રહ્યા છે. અહીં વાત એકાદ મહિના પૂર્વેની છે. જેમાં ગાંધીનગરમાં પથિકાશ્રમ પાસે કલેક્ટર કચેરી- સિવિલ હોસ્પિટલ નજીકથી પસાર થનાર કેબિનેટ મંત્રીના કાર્યાલયમાં વપરાતી સરકારી બોલેરો કારે મર્સિડીઝને ટક્કર મારી હતી. આ અકસ્માતના છાંટા સ્વર્ણિમ સંકુલથી શ્રી કમલમ્ ને છેક દિલ્હી સુધી ઉડે તે પહેલા જ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચેલા મર્સિડીઝના માલિકને મંત્રી કાર્યાલયમાંથી ફોન કરી- દબાણ સર્જીને ઘરભેગો કરી દેવાયો હતો. કહેવાય છે કે, દેખાવે સરળ ને રાજ-અર્થકારણમાં મજબૂત મંત્રીના અંગત સ્ટાફે પોલીસને કંઈક એવો દમ માર્યો કે લાખોનું નુકસાન છતાંય મર્સિડીઝ માલિકને સામેથી 'સમાધાન' કરીને ગાંધીનગર છોડવું પડયું. બોલેરો કાર મંત્રીના તાબા હેઠળ કર્મયોગી ભવનમાં આવેલા એક એકમની છે. મુખ્યમંત્રીએ વારંવાર ટપાર્યા છતાંયે કેટલાક મંત્રીઓને ત્યાં સરકારી કારનો અંગત વપરાશ માટે ઉપયોગ થઈ રહ્યો છે.

ચેમ્બર બબાલ : ફોન નથી ઉપાડતા ? હવે તો કેબિનમાંથી જ ઉપાડી દેવાશે

સચિવાલયમાં એક પછી એક વિભાગોમાં સંપૂર્ણતઃ વાતાનુકૂલિત વ્યવસ્થા માટે રિનોવેશન ચાલે છે. તેમાં દક્ષિણ દિશાના વિભાગોમાં રિનોવેશન પછી ચેમ્બરને લઈને માથાકૂટ વધી રહી છે. અહીં વાત એક ઉપસચિવની છે, જેમની પાસે નાયબ સચિવનો ચાર્જ હતો. એથી તે નાયબ સચિવની ચેમ્બરમાં જ બેસતા હતા. થયું એવું કે, એ ચાર્જ છૂટી ગયા છતાંયે તેમણે ચેમ્બર ખાલી કરવાનો ઈન્કાર કર્યો ! 'ચાર્જ ભલે જાય પણ ચેમ્બર ખાલી ન થાય'- આ અહંમનો વિવાદ એટલો વધ્યો કે સિનિયરો પણ ઠારી શક્યા નહીં. આ ખટપટ વિભાગના વડા-સેક્રેટરીના કાને પહોંચી તો થયું એવું કે ઉપસચિવ પહેલાથી જ ફોન ઉપાડતા નહોતા. એથી સામે આવેલી તકનો લાભ લઈ તેમને ચેમ્બરમાંથી ઉઠાવી લેવાયાની ચર્ચાએ સચિવાલયમાં કૌતુક સર્જ્યુ છે.