GPSCની 'અપારદર્શિતા' વચ્ચે શિક્ષણ તંત્રના વિવાદો વિધાનસભામાં ફુટયા છે ! 11મી સપ્ટેમ્બરે શિક્ષણમંત્રીએ વર્ષ 1972ના મૂળ શિક્ષણ અધિનિયમમાં બહુમતીથી સુધારા પસાર કરાવ્યા હતા. આ કાયદામાં વર્ષ 2014માં કલમ-35 સુધારી શિક્ષકો અને આચાર્યોની ભરતી સ્ટેટ કમિશન દ્વારા કરવાની જોગવાઈ કરી હતી. જેને 11 સપ્ટેમ્બરના વિધેયકમાંથી જ ગાયબ કરી દેવાઈ છે ! હકીકતમાં સરકારે 2013માં શિક્ષકોની ભરતીમાં પારદર્શિતા દેખાડવા ''સ્ટેટ સ્કૂલ સર્વિસ કમિશન એક્ટ'' રચ્યો હતો. તેને આધિન કોઈ કમિશન આજદિન સુધી રચાયું જ નથી અને 11મી સપ્ટેમ્બરે કલમ- 35ને બદલે વિધેયકના એનેક્ષરમાં જૂની જોગવાઈ બતાવી સરકારે પોતાની નિષ્ફળતા છુપાવ્યાની ચર્ચા છે. કહેવાય છે કે, સત્તાવાર દસ્તાવેજ- વિધેયકમાં કમિશનની જોગવાઈ હોત તો વિધાનસભાના સભ્યો સાચી વાસ્તવિકતાથી સંપૂર્ણતઃ માહિતી મેળવી શક્યા હોત. તેમ થયું નથી. વિધેયકમાં પણ દે ઠોકાઠોક કરનાર તરીકે સરકાર હવે કોને જવાબદાર ઠેરવે છે ? તે જોવું રહ્યું. આવી ભયાવહ ગોબાચારી વચ્ચે શિક્ષણવિદે, અફસરાનમાં ''12 વર્ષે કમિશન 12માં ખેલાડીનું જેમ બેસી રહ્યુ. અમલી ન થયું ને હવે તો ફેરવેલમાં પણ નામના ઉલ્લેખનું સૌભાગ્ય ન મળ્યું'' એવી મજાક થઈ રહી છે.
હુંસાતુસીઃ ઉતરેલા સેક્રેટરી નવોદિત પર ચઢી બેઠા, કહ્યું- 'તમે રિવ્યુ કરો'
શુક્રવારે ચીફ્ સેક્રેટરી મનોજ દાસના અધ્યક્ષસ્થાને યોજાયેલી કમિટી ઓફ્ સેક્રેટરીઝ-cosની બેઠકમાં કેટલાક અફસરો વચ્ચે ક્ષણભર અને હળવુ તો હળવું પણ ઘર્ષણ સર્જાયાના વાવડ છે !CoSમાં વન- પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવે કચ્છમાં જમીન ફાળવણી અંગેનું પ્રેઝન્ટેશન કર્યુ ત્યારે ચીફ સેક્રેટરીએ તેમને ખુબ જ ઝડપી કામ કર્યાનું કહીને નવાજ્યા. તેમના પછી આદિજાતિ વિકાસના નવનિયુક્ત સચિવ આલોક પાંડેએ વિભાગનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું ત્યારે કેટલાક સિનિયરોના ભવાં ચઢી ગયા હતા. આ વિભાગમાં લાંબા અરસા પછી રેગ્યુલર સેક્રેટરી નિયુક્ત થયા છે. જેના કારણે અનેક યોજના, કામોની રફ્તાર મંદ પડી છે. કહેવાય છે કે, બજેટના માત્ર 15 ટકા જ ખર્ચ થયો છે. જેની પાછળ કૃષિ, પંચાયત- ગ્રામ વિકાસ સહિત જે વિભાગો આદિજાતી વિકાસની યોજનાઓનું અમલીકરણ કરે છે તેમનુ તંત્ર અસરકારક કામો નહીં પણ કામ યોગ્ય રીતે કરી શકતા નથી. આવો સૂર નિકળતા કેટલાક સિનિયરોએ ટ્રાઈબલ એરિયા સબ પ્લાન ઓફિસર-TSPA તરીકે IAS જ હોવાથી ત્યાંથી કેમ કામ લેવાતું નથી ? એવું ઉંધુ લેતા થોડીક ચકમક ઝર્યાની વાતો વહેતી થઈ છે.
મરક મરકઃ CoSમાંથી નિકળેલા એક સેક્રેટરીએ બીજાને ત્રીજા માટે શું કહ્યું ?
સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહે કેબિનેટની બેઠક નહોતી એટલે ચીફ સેક્રેટરીએ શુક્રવારની સવારે CoS યોજી હતી. દોઢેક કલાકની CoSમાં ત્રણેક પ્રેઝન્ટેશન પછી બહાર નીકળી રહેલા એક સેક્રેટરીએ બીજાને ત્રીજા એક સિનિયર સેક્રેટરી અંગે ''વો મૂડ મે નહી થે'' એટલુ કહ્યુ અને બાજુમાંથી ચાલતા સૌ સાંભળી ગયા. પછી શું થાય ? - ગોસિપ. કહેવાય છે કે, એક ટોચના સેક્રેટરી સૌના ઉપરી સૂચનાઓ આપી રહ્યા હતા ત્યારેતેઓ 'મરક મરક' હસી રહ્યા હતા ! કેટલાક સમયથી આ સેક્રેટરી પોતાને અન્યાય થઈ રહ્યાનુ અનુભવી રહ્યા છે.CoSમાં આ બાબતને સૌએ નોટિસ કરી અને બે જૂનિયરોની કાનાફૂસીમાંથી વાત બહાર આવતા હવે સૌને વાઈબ્રન્ટ સમિટ- ઉત્તરાયણનો ઈંતજાર છે. કારણ પતંગના પેચ તે પહેલા જ લડાશે.
કાઉન્ટડાઉનઃ સ્ટાફ CLમાં, એજન્સી, કોન્ટ્રાક્ટરો પણ અફસરથી થાક્યા છે
30 સપ્ટેમ્બરે નિવૃત થતા રાજ્ય વહિવટી સેવા-GAS સંવગના એક અફસર 20 દિવસથી ચર્ચામાં છે. કારણ કાઉન્ટડાઉન ! એક સમયે દારૂની બોટલ સાથે પકડાયેલા અફસર 10 દિવસ પછી જ્યાંથી રિટાયર થવાના છે તે ઓથોરિટીમાં તેમની સેવા માટે બાકી રહેલા સમય- સેકન્ડ સેકન્ડની ગણતરીઓ થઈ છે. તેના મિમ બનાવીને કર્મચારીઓ વાઈરલ કરી રહ્યા છે. તપાસ કરતા ખબર પડી કે, ગાંધીનગરથી બદલી થઈને બે વર્ષથી મધ્ય- દક્ષિણ ગુજરાતની વચ્ચોવચ નિયુક્ત અફસરની સેવાઓ''થી સ્ટાફ એવો કંટાળ્યો છે કે તેમાંથી કેટલાકે તો 30 સપ્ટેમ્બરે વિદાય સમારંભમાં ''સહયોગ'' અને ગિફ્ટ આપવી ન પડે એટલે અંદરખાને અત્યારથી જ કેઝયુઅલ લીવ-CL મુકવાનો નિર્ણય કર્યો છે. માત્ર સ્ટાફ જ નહિ, ઓથોરિટીમાં સેવા સહિત અન્ય કામગીરી કરતી એજન્સી, કોન્ટ્રાક્ટરો પણ એ હદેથાક્યા છે કે તેમણે જતા જતા સાહેબ બીલ મંજૂર કરે કે ન કરે એ કચેરીમાં જવાનું પણ બંધ કરતા આ કિસ્સો રાજ્યભરમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે.
સ્પેનિશ હોટેલ્સમાં IASનું સેલિબ્રેશન, પેમેન્ટનો 'શ્રમ' અધિકારીને માથે રહ્યો
સવા વર્ષ પહેલાની નશાબંધી અને આબકારી કમિશનરની રિટાયરમેન્ટ સેલિબ્રેશન પાર્ટીને ફિક્કી પાડે તેવી વધુ એક મિજબાનીનું ફુડ એન્ડ બેવરેજીસ બ્યુરોક્રસીમાં હોટ-ટોપિકમાં છે. વાત પ્રમોટી IASની છે. જેઓ સચિવાલયની સામે આવેલા કર્મયોગી ભવનમાં કમિશનર તરીકે હજી હમણા જ નિવૃત્ત થયા છે. દિવસ રાત મજૂરી કરી ગુજરાતના ઉન્નત-વિકાસમાં પોતાનો લોહી-પરસેવો એક કરનારાઓના કલ્યાણ અર્થે કાર્યરત કમિશનરેટમાંથી રિટાયર થયેલા IASએ પોતાની વેલફેર પાર્ટી માટે નીચેના અધિકારીઓને ગાંધીનગરમાં ''સ્પેનિશ ફૂડ- લૂક, ટેસ્ટ એન્ડ ઈકો સિસ્ટમ' ધરાવતી હોટેલ્સમાં પ્લાનિંગ કરવા કહ્યું અને રાજ્યભરના અધિકારીઓએ શ્રમિકોની જેમ સાહેબની ફેરવેલ પાર્ટી યોજી. પણ ખરો દાવ તો બીલ પેમેન્ટ વખતે થયો. કહેવાય છે કે, નિવૃત્ત થતા કમિશનર સાહેબ માટે બહારથી આવેલા અધિકારીઓ મોંઘી મોંઘી ગિફ્ટ લાવ્યા હતા તેમણે એકબીજાની સામે જોવાનું શરૂ કરતા છેવટે પેમેન્ટ શ્રમ સ્થાનિક અધિકારીઓને જ કરવો પડયો છે.
રાજુભાઈ રિટર્નઃ બુધ સ્વગૃહી થયોને સૂર્ય સંક્રાંતિ થઈ, ચાર વર્ષે મેળ પડયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રથમ સરકારમાં નંબર ટુ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના ગ્રહો સુધર્યાની ચર્ચા ચારેકોર છે. માત્ર 11 જ મહિનામાં કેબિનેટ મંત્રી પાસેથી મહેસૂલ ખાતુ છિનવાયાના પછીના ત્રણ જ મહિનામાં નવેમ્બર-2022ની વિધાનસભા ચૂંટણીમાં ત્રિવેદીની ટિકિટ પણ કાપી લેવાઈ હતી. જો કે, ચાર વર્ષે ભાજપ સંગઠનમાં તેમને પ્રદેશ કારોબારીમાં લેવાયા અને આણંદના પ્રભારી પણ બનાવાયા છે. ભાજપમાં ગોસિપ છે કે, 8મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી વડોદરા આવ્યા ત્યારે પૂર્વ ધારાસભ્ય ત્રિવેદીને પણ હાજર રખાયા હતા. બાદમાં 16મી સપ્ટેમ્બરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તેમને સંગઠનમાં નિયુક્તિ આપીને જવાબદારી સોંપી છે. બરાબર આ જ સમયકાળમાં કાયદા, વકીલાત, વાણી અને બૌધ્ધિક ક્ષમતાનો કારક બુધ ગ્રહ ઉચ્ચ અને સ્વગૃહી થયો છે. જ્યારે રાજસત્તા, પદના કારક સૂર્ય કન્યા રાશિમાં સંક્રાતિ થયા છે. આથી, ભાજપના જ્યોતિષીઓ ત્રિવેદીના ગ્રહો સુધર્યાનું કહી રહ્યા છે.
સહકારી સિંહઃ બેંક ગઈ, માર્કેટયાર્ડ ગયું,
અને હવે ડેરી સાથે 'ઓળખ' પણ જશે !
ગુજરાતના સહકારી રાજકારણમાં અત્યારે ભાજપમાં અંદરોઅંદરની ખેંચતાણ એવી વકરી છે કે પક્ષના સત્તાવાર મેન્ડેટ પણ હવામાં ઉડી રહ્યા છે. રાજકોટના લોધિકા સંઘથી લઈને ઈડર-ધોળકા માર્કેટ યાર્ડમાં સીધી સ્થાનિક ધારાસભ્યો કમ સહકારી નેતાઓની પેનલોએ ભાજપના જ મેન્ડેટધારીઓને ભોંય ભેગા કર્યા છે. 10મી ઓગસ્ટથી બારડોલી સુગર મીલમાં ધારાસભ્યની હારથી બહાર આવેલો રાજકીય ગરમાવો હવે દક્ષિણ ગુજરાતમાં એક પછી એકના પત્તા ઉઘાડા કરી રહ્યો છે. જ્યાં તાજેતરમાં મહત્વના સહકારી સંઘમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી બે વખત મુલતવી રાખવી પડી છે. ચતુર વિશ્લેષકોમાં તારીખ પે તારીખ પાછળના ખેલમાં એક એવા નેતાની ખટપટ બહાર આવી છે કે જે સહકારી ક્ષેત્રમાંથી ઉદય થઈને ગાંધીનગર સુધી પહોંચ્યા છે. કહેવાય છે કે, આ નેતા પહેલાં માર્કેટયાર્ડમાં હતા ત્યાંના વહીવટમાં એ પણ ગયું, પછી બેંક પણ ગઈ અને હવે ડેરીથી અળગા રાખીને હાલની ઓળખને પણ અસ્ત કરી દેવાય તો નવાઈ નહીં. એ નવાઈથી રૂબરૂ થવા માટે ભાજપમાં સહકાર- સંગઠન અને સરકાર સંલગ્ન વર્તુળોમાં સત્તાની વહેંચણી જેવા આ ખેલમાં ચેરમેન- વાઈસ ચેરમેનની ચૂંટણીની રાહ જોવાઈ રહી છે.
પોલીસમાં પેંડા પ્રકરણઃ ઈલાયચીની સુગંધે ક્લાર્કની રણમાં રવાનગી કરી
પોલીસમાં 'વહિવટ અને નજરાણું' એ બેઉની કોઈ જ નવાઈ નથી. પણ આવા નજરાણામાં લાભાન્વિત કોણ અને કેવી રીતે થાય છે તે મહત્વરૂપ થઈ જાય છે. વાત પોલીસ ભવનની છે. જ્યાં વર્ષોની લડતમાં કોર્ટના હુકમથી આંગળીના વેઢા જેટલા પોલીસ અધિકારીઓને બઢતી આપવી પડે છે. સંઘર્ષ પછી પ્રમોશન મળતા એ અધિકારીઓએ વહિવટી વર્ગના સિનિયર- જૂનિયર ક્લાર્કને પેંડાનું બોક્સ આપ્યુ. કહેવાય છે કે, કેસર- ઈલાઈચીના પેંડાની એ સુગંઘ ટોચના એક IPS સુધી પહોંચતા તેમણે ઓફિસના ક્લાર્કની તાત્કાલિક સિંગલ ઓર્ડરથી છેક કચ્છના રણમાં રવાનગી (બદલી) કરી નાંખી છે. એટલુ જ નહીં,IPSએ પેંડા પ્રકરણ પછી કોઈ પણ બે સિતારા કે ત્રણ સિતારા અફસરોને ખાનગી રાહે ઓફિસમાં સંપર્કમાં રહી શકશે નહી અને જો રહ્યા તો 'ગંગાજળ' છાંટવાનું ફરમાન કર્યુ છે. આથી, પેંડા પ્રકરણની પાછળ ક્યાંક નજરાણુ કે વહિવટ તો નહોતો ને ? તેવા સવાલો ઊઠી રહ્યા છે.
કેડર શફલિંગઃ હવે 11 મહિના જ છે એવી ભનકે તોફાની બનતી 'સંકલન'
દિલ્હીમાં Gen-Z આંદોલન અને તે પછી ભાજપે યુથ કનેક્ટિવિટી સ્થાપવા શરૂ કરેલી બાઈક યાત્રાથી સિનિયર ધારાસભ્યોમાં ડિસેમ્બર- 2027માં વિધાનસભાનીચૂંટણીમાં ફરી 'ટિકિટ' નહીં મળે તેવો ફફડાટ છે ! ચૂંટણીને આડે 11 મહિનાનું જ છેટું રહ્યું છે. ભાજપમાં બે ડઝનથી વધુ ધારાસભ્યો 65થી 70 વર્ષની વય વટાવી ચૂક્યા છે. ચોમાસુ સત્ર પછી 33 ટકા મહિલા અનામતનું વિધેયક ફરી સંસદમાં રજૂ થશે. જેને ધ્યાને રાખીને ગુજરાતમાં ભાજપ 2027ની ચૂંટણીમાં મહિલાઓને સૌથી વધુ ટિકિટ ફાળવશે. એન્ટી ઈન્કમ્બન્સી દૂર કરવા ભાજપે વર્ષ 2022માં 45થી વધુ ધારાસભ્યોની ટિકિટ કાપી હતી. કેડર શફલિંગમાં સિનિયરોને સ્થાને 2027ની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી માટે Gen-Zનો ભારાંક વધશે એ લ્હાયમાં શનિવારે અમદાવાદ સહિત રાજ્યમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી સંકલન બેઠકો તોફાની બની રહે છે.
રોયલ રાઈડઃ પ્રજાના કામમાં થાકતા કલેક્ટર ફામ્ફર્ટેબલ મૂડમાં નહીં થાકે
સરકારી કામોમાં, જટિલ પ્રશ્નોના ઉકેલવાથી લઈ અરજદારોને સાંભળવા, વહિવટી પ્રશ્નોના નિરાકરણ માટે સ્થળ નિરીક્ષણ, નાગરિકો તેમજ તેમના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે મુલાકાત-સંવાદથી દૂર ભાગતા સૌરાષ્ટ્રના એક કલેક્ટરનો દરિયાકાંઠાનો અંદાજ બ્યુરોક્રસીમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ સાહેબ પોતાનો થાક ઉતારવાને માટે સરકારી કાર છોડીને છેક અમદાવાદ પાર્સિં ગની એક અતિ મોંઘીદાટ ખાનગી લક્ઝરી કાર લઈને દરિયાકાંઠે પહોંચ્યાની ગુસપુસે વરસતા વરસાદમાં સૌરાષ્ટ્રમાં થતી ભજિયા પાર્ટીને જાણે અજાણે ગોસિપનો મુદ્દો આપી દીધો છે. લોક દરબાર અને ફાઈલોના કંટાળાજનક થાકમાંથી મુક્તિ મેળવવા કમ્ફર્ટેબલ મૂડમાં હોવાની સ્વઘોષણા કરનારા IASના દૃર્શ્યો અને નજરે જોયાનો અહેવાલ ટાંકીને ભજિયા એન્ડ ઉકળતી ચાય પાર્ટીમાં સાહેબ રોયલ મૂડ જાળવવામાં પાછા પડે એમ નથી એવી 'ગરમાગરમ' ગોસિપ છે. જેમાં અમદાવાદ પાર્સિં ગની આ મોંઘી ગાડી કોના 'સૌજન્ય'થી આવી તેમા સૌને દિલચશ્પી છે.
વાઈબ્રન્ટ : સફર પહેલા હાથમાં ઝાડુ પકડવુ પડશે, પછી ફોરેન ટ્રીપ મળશે
પાસપોર્ટ રેડી હતો, શોપિંગ- પેકિંગ પુરૂ થઈ ગયું હતું. બસ સ્ટેમ્પ લાગવાના બાકી હતા. એવા મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ અને સાથે વાઈબ્રન્ટ સમિટ-27 માટે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, મલેશિયા, વિયેતનામ, ઈન્ડોનેશિયા, ડેન્માર્ક, ફીનલેન્ડ, સ્વિડન ટૂરમાં સામેલ ACS અંજુ શર્મા, ડો.જંયતી રવિ, રૂપવંતસિંઘ, પ્રવિણા ડી.કે. ધવલ પટેલ, વિજય ખરાડી સહિતના બ્યુરોક્રેટનો સપ્ટેમ્બરથી ઓક્ટોબરના પહેલા પખવાડિયાનો સંભવિત પ્રવાસ સ્થગિત કરી દેવાયો છે. 17મી સપ્ટેમ્બરથી 17મી ઓક્ટોબર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં પદાર્પણના 25 વર્ષની ઉજવણીના સેવા સંકલ્પ અભિયાનને કારણે ફોરેન ટૂર રદ્દ થયાની ચર્ચા છે. આથી, આ ડિલિગેશનને પહેલા સેવા સંકલ્પ અભિયાન હેઠળ ગુજરાતમાં રસ્તા ઉપર હાથમાં ઝાડુ પકડીને સ્વચ્છતા કરવી પડશે અને પછી વિદેશની ધરતી ઉપરથી મૂડી રોકાણ ગુજરાતમાં ખેંચી લાવવા રોડ-શો ! આ બદલાવ વચ્ચે ડેલિગેશનમાં સામેલ મંત્રીઓ કે પછી IAS ઓફિસરોમાં પણ ફેરફાર થાય છે કે કેમ તે 17મી ઓક્ટોબર પછી ખબર પડશે.
