19મી સદીના પ્રારંભે ગુજરાતમાં આધુનિક શિક્ષણની સ્થિતિ અત્યંત પ્રાથમિક કક્ષાની હતી. ઈ.સ. 1818માં મરાઠી સત્તાના અંત પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું. તે સમયે સમાજ અંધશ્રદ્ધા, અજ્ઞાન અને કુરિવાજોથી ઘેરાયેલો હતો. બાળક 6થી 7 વર્ષનું થાય એટલે તેને પંડયા (પંતોજી)ની ગામઠી નિશાળે ભણવા મોકલવામાં આવતું, જ્યાં અક્ષરજ્ઞાન, આંક, વ્યવહારુ ગણિત અને નીતિનું શિક્ષણ અપાતું. વ્યાપારી વર્ગના બાળકો વેપાર-ધંધે લાગતા, બ્રાહ્મણ પુત્રો સંસ્કૃત ભણવા કાશી જતા અને નીચલી જ્ઞાતિઓ અક્ષરજ્ઞાનથી વંચિત રહેતી.  

ઈ.સ. 1820માં *બોમ્બે એજ્યુકેશન સોસાયટી* દ્વારા અર્વાચીન શિક્ષણનો પાયો નખાયો. શરૂઆતમાં ઈંગ્લૅન્ડથી આયાત કરાયેલાં પુસ્તકો વાપરવામાં આવતાં, જે દેશી શાળાઓ માટે અનુકૂળ નહોતાં. આ પરિસ્થિતિ ઉકેલવા ઈ.સ. 1823માં *બોમ્બે નેટિવ સ્કૂલ બુક એન્ડ સ્કૂલ સોસાયટી*ની સ્થાપના થઈ. 1825માં રણછોડભાઈ ઝવેરીને ગુજરાતી પુસ્તકો રચવાની જવાબદારી સોંપાઈ. તેમણે પ્રથમ વર્ણમાળા અને ગણિતના મૂળભૂત નિયમો માટેના ચાર્ટ તૈયાર કર્યા. આ ગાળામાં લિપિધારા, ડોડસ્લીની નીતિકથા, ઈસપનીતિકથા, બાળમિત્ર, હિંદુસ્તાનની ભૂગોળ અને શિક્ષામાળા જેવાં પુસ્તકો પ્રગટ થયાં.  

જોકે, આ પ્રારંભિક પુસ્તકો અંગે મોતીલાલ ઝવેરી અને મહીપતરામ જેવા સાક્ષરોએ ટીકા કરી હતી કે, મૂળ ફ્રેંચ કે અંગ્રેજીમાંથી મરાઠીમાં ભાષાંતર કરી, મરાઠી શાસ્ત્ર્રીઓ પાસે તેનો ગુજરાતી અનુવાદ કરાવાયો હોવાથી તેમાં ભાષા અને વ્યાકરણના દોષ રહી ગયા હતા. તે ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપતી હતી, સાદા વ્યવહારુ હિસાબ શીખવતી નહોતી અને તેમાં સામાન્ય જ્ઞાનનો અભાવ હતો.  

ઈ.સ. 1855માં વૂડના ડિસ્પેચના પરિણામે મુંબઈ રાજ્યમાં કેળવણી ખાતું અસ્તિત્વમાં આવ્યું. 1857માં શિક્ષણાધિકારી ટી. સી. હોપ ની આગેવાની હેઠળ સાત ધોરણ માટે સાત શ્રોણીની નવી વાચનમાળાની યોજના સ્વીકારવામાં આવી. આ ભગીરથ કાર્યમાં દુર્ગારામ મહેતાજી, કવિ દલપતરામ અને ભોગીલાલ પ્રાણવલ્લભદાસ જેવા વિદ્વાનોએ મુખ્ય ફાળો આપ્યો.  

આ વાચનમાળા 1858માં પ્રગટ થઈ, જેમાં અંદાજે 1,200 પૃષ્ઠો હતાં. આખી રચના *Look and Say* (જુઓ અને કહો) પદ્ધતિ પર આધારિત હતી. પ્રથમ બે ચોપડીઓ પ્રાથમિક કક્ષાની, પછીની બે સરળ વાચન-સામગ્રીની અને છેલ્લી ત્રણ કઠિન વિષયો તથા વિજ્ઞાનના પાઠો ધરાવતી હતી. કવિતા વિભાગની જવાબદારી કવિ દલપતરામને સોંપાઈ હતી. તેમની સાદી, સચોટ અને ઉપદેશાત્મક કવિતાઓ એટલી લોકપ્રિય બની કે તેનો અલગ સંગ્રહ પણ છાપવામાં આવ્યો. આ વાચનમાળાએ નવીન ગુજરાતના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી. ઈ.સ. 1877માં ભારત સરકારની પાઠયપુસ્તક સમિતિએ તેને *આદર્શરૂપ* ગણી દેશભરમાં અનુસરવા ભલામણ કરી. આ વાચનમાળા 1865થી 1905 (કે 1907) સુધી પ્રચલિત રહી.  

વાચનમાળા અત્યંત સફ્ળ હોવા છતાં આનંદશંકર ધ્રુવે નોંધ્યું હતું કે તેમાં ઉત્સાહ, પરાક્રમ અને વીર્યવાન સગ્દુણોના ચરિત્રોનો તથા કાવ્યશાસ્ત્ર્રના નિયમોનો અભાવ હતો. બીજી તરફ્, જે. જી. કોવર્નટનના મતે આ વાચનમાળા વિદ્યાર્થીઓને દેશના રીત-રિવાજો તેમજ પશ્ચિમની સંસ્કૃતિથી પરિચિત કરવાનો સુંદર હેતુ ધરાવતી હતી. તેમના મતે આ વાચનમાળાનો હેતુ રસ સાથે બોધ આપવાનો હતો અને પોતાના દેશના રીત-રિવાજોમાં રસ લેતા કરવાનો હતો; આ ઉપરાંત પશ્ચિમના દેશો, તેના લોકો અને તેમની સંસ્કૃતિથી વિદ્યાર્થીઓને પરિચિત કરવાનો આ વાચનમાળાનો હેતુ હતો.  

ઈ.સ. 1873માં પૂના ખાતે મળેલી સમિતિએ પાઠયપુસ્તકોમાંથી અંધશ્રદ્ધા, ધાર્મિક ભ્રમણાઓ અને કુરીતિઓના વર્ણનો દૂર કરવા ભલામણ કરી હતી. ગુજરાતના પુસ્તકો પહેલેથી જ આ દોષોથી મુક્ત હતા. 20મી સદીના પ્રારંભે લોર્ડ કર્ઝને પણ પાઠયપુસ્તક સુધારણા પર ભાર મૂક્યો. ત્યારબાદ જે. જી. કોવર્નટનની અધ્યક્ષતામાં હોપ વાચનમાળામાં સુધારા કરી નવી શ્રોણીઓ બનાવાઈ, જેમાં ખેતીવાડી વાચનમાળા અને કન્યાશાળા માટે 1 થી 4 ધોરણની અલગ વાચનમાળાનો સમાવેશ થતો હતો. આ જ ગાળામાં ઇતિહાસ, ભૂગોળ, વ્યાકરણ, નકશા વગેરે કેળવણી ખાતાએ તૈયાર કરી પ્રસિદ્ધ કર્યા હતાં અને હાવર્ડના પ્રયાસોથી માધ્યમિક શાળાઓ માટે *મૅકમિલન રીડર* પ્રસિદ્ધ થઈ.  

શિક્ષણની સાથે ભાષાશાસ્ત્ર્રનો વિકાસ પણ ઝડપી બન્યોઃ 1808માં ડૉ. ડ્રમન્ડે પ્રથમ ગુજરાતી વ્યાકરણ લખ્યું. 1829માં વિલિયમ કેરી અને 1847માં વિલિયમ ક્લાર્કસને વ્યાકરણ પ્રગટ કર્યાં. 1846માં મિર્ઝા મહંમદ કાઝી અને 1857માં રુસ્તમજી રાણીનાએ ગુજરાતી-અંગ્રેજી કોશ બહાર પાડયા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ અને શાસ્ત્ર્રી વ્રજલાલના સહયોગથી વ્યાકરણ તૈયાર કરાવાયું. વ્રજલાલ શાસ્ત્ર્રીએ *ઉત્સર્ગમાળા* દ્વારા ભાષાશાસ્ત્ર્રનો પાયો નાખ્યો. કવિ નર્મદ અને દલપતરામે પણ કોશ અને વ્યાકરણ રચનામાં અભ્દુત યોગદાન આપ્યું. દુર્ગારામ મહેતાજી, મહીપતરામ રૂપરામ, કરસનદાસ મૂળજી, દલપતરામ, નર્મદ, રમણભાઈ નીલકંઠ અને ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સુધારકોએ અંધશ્રદ્ધા સામે જેહાદ જગાવી, કન્યાશાળાઓ સ્થાપી અને સમાજમાં નવજાગરણ આણ્યું. 1857માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થતાં શિક્ષિત બુદ્ધિજીવી વર્ગ લોકકલ્યાણના કામોમાં જોડાયો.  

19મી સદીના ઉત્તરાધમાં બ્રિટિશ અધિકારીઓ અને ન્યાયાધીશો સ્થાનિક સ્તરે અભ્યાસ મંડળો અને નાનાં પુસ્તકાલયો સ્થાપતા હતા. ઈંગ્લેન્ડના 'લાયબ્રેરી એક્ટ'ની અસર ભારત પર પણ પડી. ઈ.સ. 1848માં એ. કે. ફર્બ્સે અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થાપી, જેણે 1849માં *નેટિવ લાયબ્રેરી* શરૂ કરી (જે 1857માં હિમાભાઈ ઇન્સ્ટિટયૂટ' બનો). આ ગુજરાતનું સૌપ્રથમ સ્વતંત્ર પુસ્તકાલય હતું. 1850માં સુરતમાં એ. કે. ફર્બ્સ અને મિ. એન્ડરુઝના પ્રયાસોથી *એન્ડરુઝ લાયબ્રેરી* સ્થાપવામાં આવી.  

અન્ય નોંધપાત્ર લાયબ્રેરીઓઃ 1857થી 1911 દરમિયાન ભરૂચની રાયચંદ દીપચંદ લાયબ્રેરી (1857), રાજકોટની લેંગ લાયબ્રેરી (1865), અમદાવાદની આપારાઉ ભોળાનાથ લાયબ્રેરી (1870), નડિયાદની ડાહીલક્ષ્મી પુસ્તકાલય (1892) અને ભાવનગરની બાર્ટન લાયબ્રેરી (1895) સ્થપાઈ. આ પુસ્તકાલયો સભ્યપદની ફી પર ચાલતાં હોવા છતાં તેમણે વાચનસંસ્કૃતિનો પાયો મજબૂત કર્યો.  

1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના પછી દેશભક્તિનો ઉત્સાહ વધ્યો. 1890માં સેવામૂર્તિ મોતીભાઈ અમીને વસોમાં વિદ્યાર્થી સમાજના ઉપક્રમે નાનું પુસ્તકાલય શરૂ કર્યું, જે એપ્રિલ 1894માં *વસો સાર્વજનિક પુસ્તકાલય* બન્યું. મોતીભાઈની પ્રવૃત્તિઓથી પ્રેરિત થઈ વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)એ ક્રાંતિકારી પગલાં ભર્યાં. 1906માં વડોદરા રાજ્યમાં મફ્ત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ લાગુ કર્યું. 1907થી ગામડાંઓ માટે *સરક્યુલેટિંગ લાયબ્રેરી* (ફરતાં પુસ્તકાલયો) અને 'મિત્રમંડળ પ્રવૃત્તિ' શરૂ કરી.   

અમેરિકાની સાર્વજનિક લાયબ્રેરી પદ્ધતિથી આકર્ષાઈને સયાજીરાવે અમેરિકન નિષ્ણાત મિ. વિલિયમ એલેન્સન બોર્ડનને વડોદરા બોલાવ્યા. આધુનિક વર્ગીકરણ પદ્ધતિ દાખલ કરી. 1911માં સ્વતંત્ર 'સાર્વજનિક પુસ્તકાલય ખાતા'ની રચના કરવામાં આવી. રાજ્યના 38 કસબાઓ, મોટાં ગામો અને નાનાં વાચનાલયો સુધી પુસ્તકાલયોનું જાળું પથરાયું. 1911-12માં ગ્રામ-પુસ્તકાલયોની યોજનાનો અમલ થયો અને 1913-14માં સેન્ટ્રલ લાયબ્રેરી ખાતે 'બાળપુસ્તકાલય' અને 'સ્ત્ર્રીવાચનાલય' વિભાગો શરૂ કરાયા.  

1910-15ના ગાળામાં વડોદરા રાજ્યમાં પુસ્તકાલયોની સંખ્યા વધીને 496 (કસબા 49 + ગ્રામીણ 385 + વાચનાલયો 62) થઈ હતી; જેમાં લગભગ 1.55 લાખથી વધુ પુસ્તકો અને 12,310 નોંધાયેલા સભાસદો હતા. આ માટે કુલ રૂ. 1,22,798 નો વાર્ષિક ખર્ચ કરવામાં આવ્યો હતો.  

સારી વાચનસેવા માટે તાલીમબદ્ધ ગ્રંથપાલો જરૂરી છે તે દ્રષ્ટિએ વડોદરા રાજ્યે મિ. બોર્ડનના માર્ગદર્શન હેઠળ ઈ.સ. 1911માં ગ્રંથાલય વિજ્ઞાનના તાલીમ વર્ગો શરૂ કર્યા. ભારતભરમાં પ્રથમ પુસ્તકાલય શિક્ષણ વર્ગ તરીકે આ ઘટના ઐતિહાસિક સ્થાન ધરાવે છે. આ ઉપરાંત, ગ્રંથપાલોને વ્યવસાયિક જાણકારી મળી રહે તે માટે ઈ.સ. 1912 થી 1919 દરમિયાન ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં *લાઇબ્રેરી મિસેલેની* (Library Miscellany) નામનું ત્રૈમાસિક પ્રગટ કરવામાં આવતું હતું.   

ભારતમાં જાહેર ગ્રંથાલય પ્રવૃત્તિનો પદ્ધતિસર પ્રારંભ કરવાનો શ્રોય શ્રીમંત સયાજીરાવ ગાયકવાડને જાય છે. વડોદરા રાજ્યના આ પ્રયોગ પરથી સાબિત થયું કે કોઈપણ પ્રદેશમાં પુસ્તકાલય પ્રવૃત્તિના સર્વાંગી વિકાસ માટે (1) રાજ્યનું આર્થિક-રાજકીય પીઠબળ, (2) પ્રજાકીય જાગૃતિ માટે ભેખધારી કાર્યકરો, અને (3) સંચાલન માટે સ્વતંત્ર પુસ્તકાલય ખાતું - આ ત્રણ તત્ત્વો અનિવાર્ય છે.  

આપણાં રાજ્યને ઓળખો ભાગ 183; આ શ્રોણીના બધા લેખ જોવા માટે કૃપા કરીનેજુઓઃ https://www.explorationsingujarathistory.in/