29મી ઓગસ્ટ એટલે ભારતનો 'રાષ્ટ્રીય રમત દિવસ'. આ દિવસ માત્ર એક ઔપચારિક તારીખ નથી, પરંતુ વિશ્વ રમત જગતના ઇતિહાસમાં પોતાની હોકી સ્ટીક વડે સુવર્ણ અક્ષરો કોતરનાર અજોડ જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતીનું ગૌરવશાળી પર્વ છે. 1922માં માત્ર 16 વર્ષની નાની ઉંમરે તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મીની 'ફર્સ્ટ બ્રાહ્મણ રેજિમેન્ટ' (બાદમાં પંજાબ રેજિમેન્ટ)માં એક સામાન્ય સિપાહી તરીકે ભરતી થયા. સૈન્યમાં તેમની હોકી રમવાની કુદરતી પ્રતિભાને સૂબેદાર મેજર ભોલે તિવારીએ પારખી અને તેમને હોકી રમવા માટે પ્રોત્સાહિત કર્યા. તે જમાનામાં સૈનિકોને આખો દિવસ સખત તાલીમ અને પરેડ કરવી પડતી, જેથી રમવા માટે માત્ર રાતનો સમય જ બચતો હતો. એ યુગમાં આજના જેવી અત્યાધુનિક ફ્લડલાઇટ્સની સગવડ નહોતી. દિવસની ફરજ પૂરી થયા પછી જ્યારે આખી છાવણી સૂઈ જતી, ત્યારે યુવાન ધ્યાનસિંહ ચાંદની રાતમાં મેદાન પર એકલા કલાકો સુધી હોકી બોલ સાથે કવાયત કરતા. ચંદ્રના શીતળ પ્રકાશમાં તેમની આ અથાક લગન, પરસેવો અને અતૂટ એકાગ્રતા જોઈને તેમના સાથી સૈનિકો અને ખેલાડીઓએ તેમને પ્રેમથી 'ચંદ' (ચંદ્ર) ઉપનામ આપ્યું. આમ, સામાન્ય સિપાહી ધ્યાનસિંહ દુનિયા માટે 'ધ્યાનચંદ' બની ગયા.

ધ્યાનચંદનો બોલ કંટ્રોલ એટલો અકલ્પનીય હતો કે, બોલ જાણે તેમની સ્ટીક સાથે ગુંદરની જેમ ચોંટેલો રહેતો. 1928ના એમ્સ્ટર્ડમ ઓલિમ્પિક્સમાં તેમણે 14 ગોલ કરીને સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું અને મીડિયાએ તેમને *ધ હોકી વિઝાર્ડ* (હોકીના જાદુગર)નું બિરુદ આપ્યું. નેધરલેન્ડ્સમાં એક મેચ દરમિયાન શંકાસ્પદ અધિકારીઓએ તેમની હોકી સ્ટીક તોડીને ચેક કરી હતી કે અંદર કોઈ ચુંબક કે ગુંદર તો નથી લગાવેલું ને!

એવી જ રીતે એક મેચમાં સતત પ્રયાસો છતાં ગોલ ન થતાં તેમણે રેફરીને ગોલપોસ્ટનું માપ ખોટું હોવાની ફરિયાદ કરી. જ્યારે માપ લેવામાં આવ્યું ત્યારે સાચે જ ગોલપોસ્ટ આંતરરાષ્ટ્રીય નિયમ કરતાં થોડો નાનો નીકળ્યો, જે તેમની રમતમાં દૃષ્ટિ અને ગણતરીની ઊંચાઈ દર્શાવે છે.

1936ના બર્લિન ઓલિમ્પિક્સનો સમયગાળો જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરના નાઝી શાસન અને તેના વંશીય શ્રોષ્ઠતાના પ્રચારની પરાકાષ્ઠાનો હતો. જર્મની કોઈપણ ભોગે પોતાની ધરતી પર ગોલ્ડ મેડલ જીતવા માટે આતુર હતું. પ્રેક્ટિસ મેચમાં જર્મની સામે ભારતની એકવાર હાર થઈ હોવાથી ફાઇનલ મેચ પહેલાં ભારતીય ટીમ પર ભારે દબાણ હતું. 15 ઓગસ્ટ 1936ના રોજ રમાયેલી ફાઇનલ મેચ જોવા માટે ખુદ એડોલ્ફ હિટલર 40,000 દર્શકો સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત હતો.

બરફ જેવી ભીની અને લપસણી માટીના મેદાન પર ધ્યાનચંદે પ્રથમ હાફ પછી પોતાના સ્પાઇક્સવાળા બૂટ કાઢી નાખ્યા અને ખુલ્લા પગે રમીને જર્મન ડિફેન્સના ફુરચેફુરચા ઉડાવી દીધા. ભારતે તે ઐતિહાસિક મુકાબલામાં જર્મનીને તેના જ ઘરમાં 8-1થી કારમો પરાજય આપીને સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીતી લીધો. મેચ દરમિયાન જર્મન ગોલકીપર સાથેની ટક્કરમાં ધ્યાનચંદનો એક દાંત પણ તૂટી ગયો હતો, તેમ છતાં પ્રાથમિક સારવાર લઈને તેઓ તરત પાછા મેદાનમાં ઉતર્યા હતા.

મેચ પૂરી થયા બાદ એડોલ્ફ હિટલર ધ્યાનચંદની અસાધારણ રમતથી એટલો પ્રભાવિત થયો કે તેણે બીજા દિવસે તેમને વ્યક્તિગત મુલાકાત માટે બોલાવ્યા. હિટલરે તેમને પૂછયું કે, ભારતમાં તેઓ શું કામ કરે છે? ધ્યાનચંદે જણાવ્યું કે તેઓ ભારતીય સેનામાં નાયક (લાન્સ નાયક) તરીકે સેવા આપે છે. હિટલરે તુરંત જ તેમને જર્મન નાગરિકતા સ્વીકારવાની અને જર્મન લશ્કરમાં 'કર્નલ/મેજર'નો ઉચ્ચ હોદ્દો સંભાળવાની આકર્ષક લાલચ આપી. સમગ્ર વિશ્વ જેના નામથી થરથર કાપતું હતું તેવા સરમુખત્યારની સામે ઊભા રહીને ધ્યાનચંદે અત્યંત નમ્રતાપૂર્વક પણ અડગ સ્વરે કહ્યું: *ભારત મારો દેશ છે અને હું જે કંઈ છું તે મારા દેશને કારણે છું. હું માત્ર મારા દેશ માટે જ રમીશ.* આ શબ્દોએ તેમની અડગ દેશભક્તિ અને ખુમારીને ઇતિહાસમાં અમર બનાવી દીધી. 1932ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ધ્યાનચંદ અને તેમના નાના ભાઈ રૂપસિંહની જોડી 'હોકી ટ્વિન્સ' તરીકે જાણીતી બની. તે ટુર્નામેન્ટમાં ભારતે ફટકારેલા કુલ 35 ગોલમાંથી 25 ગોલ તો માત્ર આ બે ભાઈઓએ જ કર્યા હતા (રૂપસિંહના 13 અને ધ્યાનચંદના 12). અમેરિકા સામેની ફાઇનલમાં ભારતે 24-1થી વિજય મેળવ્યો હતો, જે રેકોર્ડ દાયકાઓ સુધી અતૂટ રહ્યો.

ધ્યાનચંદના યુગથી શરૂ થયેલો ભારતીય હોકીનો સુવર્ણ કાળ 1928થી 1956 સુધી સતત 6 ગોલ્ડ મેડલ સાથે અવિરત ચાલ્યો. ભારતે કુલ 8 ઓલિમ્પિક ગોલ્ડ જીત્યા છે. પરંતુ બીજા વિશ્વયુદ્ધના કારણે ધ્યાનચંદની ઓલિમ્પિક કારકિર્દી વહેલી અટકી ગઈ.

સમય જતાં 1970ના દાયકામાં યુરોપિયન દેશોએ ઘાસના મેદાનને બદલે એસ્ટ્રોટર્ફ (કૃત્રિમ ઘાસ) દાખલ કર્યું. ભારતીય રમત તંત્ર બદલાતી ટેકનોલોજી, ઝડપ અને શારીરિક ફિટનેસ સાથે તાલ મિલાવી ન શક્યું. પરિણામે આપણી કુદરતી ડ્રિબલિંગ કળા પાછળ પડી ગઈ અને હોકીનો ગૌરવવંતો વારસો હાંસિયામાં ધકેલાઈ ગયો. પોતાના અંતિમ વર્ષોમાં ભારતીય હોકીની પડતી જોઈને ધ્યાનચંદ અત્યંત વ્યથિત હતા અને તેમણે નિરાશ થઈને કહ્યું હતું કે, *ભારતમાં હોકીનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે.*

3 ડિસેમ્બર 1979ના રોજ નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં આ મહાન ખેલાડીએ અત્યંત ગરીબી અને ઉપેક્ષા વચ્ચે અંતિમ શ્વાસ લીધા. ભારત સરકારે 3 ડિસેમ્બર 1980ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. તેઓ દેશના એકમાત્ર હોકી ખેલાડી છે જેમના નામે ટપાલ ટિકિટ છે. વિયેનાની સ્પોર્ટ્સ ક્લબમાં ચાર હાથ અને ચાર હોકી સ્ટીકવાળી તેમની પ્રતિમા મુકાયેલી છે, જે દર્શાવે છે કે તેઓ વિશ્વ માટે શું હતા.