કોઈએ સાચું જ કહ્યું છે કે નશો માત્ર દારૂનો જ નથી હોતો. નશો સત્તાનો પણ હોઈ શકે, સંપત્તિનો પણ હોઈ શકે અને પ્રસિદ્ધિનો પણ હોઈ શકે. પરંતુ આ તમામ નશાઓમાં એક એવો નશો છે, જે માત્ર એક વ્યક્તિને જ નહીં, પરંતુ આખા પરિવાર, સમાજ અને રાષ્ટ્રને અંદરથી ખોખલું બનાવી દે છે. તે છે- માદક પદાર્થોનો નશો.

અમિતાભ બચ્ચનની ફ્લ્મિ શરાબીનું જાણીતું ગીત આજે પણ યાદ આવે છે- *નશા હૈ સબ પર, મગર રંગ નશે કા હૈ જુદા...* ખરેખર હકીકત પણ એવી જ છે. કેટલાક નશા માણસને સફ્ળતાના શિખરે પહોંચાડે છે, જેમ કે જ્ઞાનનો નશો, મહેનતનો નશો અને સફ્ળતાનો નશો. પરંતુ કેટલાક નશા એવા હોય છે, જે વ્યક્તિને અંદરથી જ ખતમ કરી નાખે છે. આજે ભારત એવા જ એક ગંભીર વળાંક પર ઊભું છે. આ માત્ર આરોગ્યનો વિષય નથી. 

જ્યારે નશો 'ફેશન' બની જાય : માનવ સંસ્કૃતિમાં નશીલા પદાર્થોનો ઉપયોગ કોઈ નવી વાત નથી. હજારો વર્ષ પહેલાં લોકો ફ્ળો અને અનાજના આથાથી બનેલા પેયનો ઉપયોગ ધાર્મિક વિધિઓ, ઉત્સવો અને દુઃખાવામાં રાહત માટે કરતા હતા. પરંતુ આધુનિક યુગે નશાનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. આજે પ્રયોગશાળાઓમાં કૃત્રિમ (સિન્થેટિક) ડ્રગ્સ તૈયાર થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર તેનો આકર્ષક પ્રચાર થઈ રહ્યો છે. પાર્ટી કલ્ચરે તેને સામાન્ય બાબત બનાવી દીધી છે. ડિજિટલ દુનિયા યુવાઓને એવા નેટવર્ક સાથે જોડે છે, જ્યાં નશીલા પદાર્થો સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. એક સમય હતો જ્યારે નશો ધીમે-ધીમે આદત બનતો હતો. પરંતુ આજે નશો એક 'ટ્રેન્ડ' બની રહ્યો છે. અને આ જ સૌથી મોટી ચિંતાનો વિષય છે.

આંકડા ડરાવે પણ છે... અને ચેતવે પણ છે : ભારત સરકારના વર્ષ 2019ના પ્રથમ વ્યાપક સર્વેક્ષણ મુજબ દેશમાં અંદાજે 37 કરોડ લોકો કોઈને કોઈ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન કરે છે. કરોડો લોકો દારૂ, ગાંજો, અફીણ અને ઓપિયોઇડ જેવા નશાના શિકાર છે. જ્યારે તમાકુની લત એક અલગ જ ગંભીર સમસ્યા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે કરોડો કિશોરો પણ આ જાળમાં સપડાઈ ચૂક્યા છે. 17 વર્ષથી ઓછી ઉંમરના લાખો બાળકો સુધી નશીલા પદાર્થો પહોંચ્યા હોવાની હકીકત કોઈપણ સંસ્કારી સમાજ માટે ખતરાની ઘંટડી સમાન છે. ભારતમાં ઓપિયોઇડનો ઉપયોગ વૈશ્વિક સરેરાશ કરતાં અનેકગણો વધુ હોવાનું સામે આવ્યું છે. રસ્તા પર રહેતા બાળકોમાં થિનર અને સોલ્વન્ટ જેવા રસાયણોને સૂંઘીને નશો કરવાની વૃત્તિ પણ વધી રહી છે. આ માત્ર ગરીબીની કહાની નથી, પરંતુ સમગ્ર વ્યવસ્થા સામેનો મોટો પડકાર પણ છે. સંયુક્ત રાષ્ટ્રના માદક પદાર્થ અને અપરાધ કાર્યાલય (UNODC)ના અહેવાલ મુજબ છેલ્લા એક દાયકામાં નશાનો વ્યાપ સતત વધતો ગયો છે. વર્ષ 2022 પછી તેમાં વધુ ઝડપી વધારો નોંધાયો છે. આનો અર્થ સ્પષ્ટ છે. જો આપણે આજે જાગીશું નહીં, તો આવનાર દાયકો વધુ પડકારજનક બની શકે છે.

નશો માત્ર અપરાધ નથી, પરંતુ 'નાર્કો-ટેરર'ની અર્થવ્યવસ્થા છે : ઘણા લોકો માને છે કે ડ્રગ્સ માત્ર વ્યક્તિગત બુરાઈ છે. પરંતુ હકીકત તેનાથી ઘણી વિશાળ છે. સમગ્ર વિશ્વમાં ડ્રગ્સનો વેપાર અબજો ડોલરનું ગેરકાયદેસર અર્થતંત્ર ઉભું કરે છે. આ જ નાણાં આતંકવાદ, હથિયારોની ખરીદી, સંગઠિત અપરાધ અને મની લોન્ડરિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને બળ આપે છે. આ જ કારણ છે કે આજે 'નાર્કો-ટેરરિઝમ' વૈશ્વિક સુરક્ષા સામેના સૌથી ગંભીર પડકારોમાંનું એક માનવામાં આવે છે. દક્ષિણ-પૂર્વ એશિયાનો ગોલ્ડન ટ્રાયએન્ગલ હોય કે દક્ષિણ-પશ્ચિમ એશિયાનો ગોલ્ડન ક્રેસન્ટ, બંને વિસ્તારોમાંથી સંચાલિત નેટવર્ક અનેક દેશોમાં ફેલાયેલા છે. એન્ક્રિપ્ટેડ સંચાર વ્યવસ્થા, ખોટી ઓળખ, ડિજિટલ ચુકવણીઓ અને આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક્સના કારણે આ નેટવર્ક વધુ જટિલ બન્યું છે. 

સરકારની પહેલ ત્યારે જ સફ્ળ થશે, જ્યારે સમાજ પણ સાથે આવશે : ભારતે વર્ષ 2047 સુધી નશામુક્ત ભારતનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ માત્ર સરકારની જાહેરાત નથી, પરંતુ સમગ્ર દેશનો સંકલ્પ બનવો જોઈએ. 'નશા મુક્ત ભારત અભિયાન' બાદ હવે શરૂ થયેલું 'નશામુક્ત યુવા અભિયાન' એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, મેરા યુવ ભારત (MY Bharat), નેહરુ યુવા કેન્દ્ર સંગઠન, રાષ્ટ્રીય યુવા કોર તેમજ અનેક સામાજિક અને આધ્યાત્મિક સંસ્થાઓ આ અભિયાનમાં સહભાગી બની રહી છે. તાજેતરમાં શરૂ થયેલું 100 સપ્તાહનું આ અભિયાન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એક જનઆંદોલન બનવાની ક્ષમતા ધરાવે છે. જો શાળાઓ, મહાવિદ્યાલયો, ગ્રામ પંચાયતો, ઉદ્યોગો, ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વાલીઓ એકસાથે આગળ આવશે, તો નશા સામે સમાજની સૌથી મજબૂત દિવાલ ઊભી કરી શકાશે. યુવાઓને માત્ર ભાષણોની જરૂર નથી. તેમને જીવનમાં હેતુ જોઈએ. રમતગમતની તક જોઈએ. કૌશલ્ય વિકાસ જોઈએ. રોજગાર જોઈએ. સંવાદ જોઈએ. અને સૌથી મહત્વનું - પરિવારનો સમય જોઈએ.

સૌથી મોટી જવાબદારી ઘરના ઉંબરે શરૂ થાય છે

દરેક માતા-પિતા પોતાના સંતાનને સારું શિક્ષણ અને ઉજ્જવળ કારકિર્દી આપવા ઇચ્છે છે. પરંતુ સૌથી મોટી ભેટ સમય છે. આજે અનેક પરિવારોમાં માતા-પિતા પોતાના કામમાં વ્યસ્ત છે, જ્યારે બાળકો મોબાઇલ સાથે મોટા થઈ રહ્યા છે. પરિવારમાં સંવાદ ઘટયો છે. એકલતા વધી છે. અને આ જ ખાલીપો ઘણી વખત ખોટી સંગત તરફ્ દોરી જાય છે. નશો અચાનક શરૂ થતો નથી. સૌપ્રથમ જિજ્ઞાસા જન્મે છે. પછી પ્રયોગ થાય છે. ત્યારબાદ તેઆદત બની જાય છે. અને અંતે વ્યસનમાં પરિવર્તિત થાય છે. જો પરિવાર સમયસર તેના સંકેતો ઓળખી લે, તો પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાય છે. બાળકની દૈનિક જીવનશૈલીમાં અચાનક ફેરફાર, મિત્રવર્તુળ બદલાઈ જવું, અભ્યાસમાં પડતી, અસામાન્ય રીતે પૈસાની માંગણી, ચીડિયાપણું, એકલવાયું રહેવું અને ડિજિટલ ગોપનીયતા પ્રત્યે અતિશય આગ્રહ- આ બધું માત્ર વર્તન નથી, પરંતુ ચેતવણીના સંકેતો પણ હોઈ શકે છે.

આ વખતનો સંકલ્પ... નશા પર પ્રહાર' માત્ર સૂત્ર નહીં, રાષ્ટ્રીય જવાબદારી બનવી જોઈએ : ઈરાન, ચીન, સાઉદી અરેબિયા અને સિંગાપુર જેવા અનેક દેશોએ ડ્રગ્સની હેરાફેરી સામે અત્યંત કડક કાયદા બનાવ્યા છે. દાણચોરો માટે કડક સજાની જરૂરિયાત હોઈ શકે, પરંતુ માત્ર કાયદાથી સમાજ બદલાતો નથી. 

2 ઓગસ્ટથી શરૂ થયેલું 100 સપ્તાહનું 'નશામુક્ત યુવા અભિયાન' દરેક નાગરિકને એક નવી તક આપે છે. શરૂઆત પોતાના પરિવારથી કરો. પછી પોતાની શાળાથી કરો. પછી પોતાના કાર્યસ્થળથી કરો. અને પછી પોતાના ગામ અને પોતાના વિસ્તારથી કરો. વિકસિત ભારત માત્ર ઊંચી ઇમારતો, ઝડપી અર્થવ્યવસ્થા અને આધુનિક ટેક્નોલોજીથી નહીં બને. વિકસિત ભારત ત્યારે બનશે, જ્યારે તેનો યુવા સ્વસ્થ હશે, જાગૃત હશે અને નશાની જાળમાંથી સંપૂર્ણપણે મુક્ત હશે. ચાલો, આપણે માત્ર એટલો જ સંકલ્પ ન લઈએ કે આપણા બાળકો નશાથી દૂર રહે. કારણ કે કોઈપણ રાષ્ટ્રની સૌથી મોટી સંપત્તિ તેના કુદરતી સંસાધનો નથી, પરંતુ તેની યુવા પેઢી છે. જો યુવા બચશે, તો ભારતનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. અને જો યુવા હારી જશે, તો વર્ષ 2047નું વિકસિત ભારતનું સ્વપ્ન અધૂરું રહી જશે.