ધો.10 અને ધો.12 SSC અને HSCનાં વર્ષમાં હોવું એટલે શું? એટલે એવું કે સતત ભણતા જ રહેવું ! એટલે એવું કે ટી.વી કે મોબાઈલ નો સહેજ પણ ઉપયોગ ન કરવો ! એટલે એવું કે વિદ્યાર્થીએ કોઈપણ સામાજિક કાર્યક્રમમાં ભાગ જ ન લેવો ! એટલે એવું કે અભ્યાસ સિવાયની કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ ન લેવો ! એટલે એવું કે આ બોર્ડનું વર્ષ છે એવું યાદ રાખતા રહેવું ! અને એટલે એવું કે સર્વાંગી વિકાસનું ગળું દબાવી દેવું. એટલે એવું કે વિદ્યાર્થીએ પોતાની ઇચ્છા, આવડત અને શોખને દબાવી દેવા અને ટકાવારી નામનો મદારી જેમ ડમરું વગાડે તેમ નાચતા રહેવું. એટલે અને આવા તો કેટકેટલા એટલેની વચ્ચે આજનું યુવાધન દબાયું છે. તમને એવું નથી લાગતું કે આપણે શિક્ષણ ને વધારે પડતું ગંભીર અને અસહજ બનાવી દીધું છે. કેળવણી શબ્દ તો હવે શબ્દકોષમાં છે કે નહીં એ શોધવું પડે એમ છે. શીખવાની બાબત હવે કુંભકર્ણ ની અવસ્થામાં પહોંચી ગઈ છે કોણ જાણે એ ક્યારે ઉઠશે! ખેર, મુદ્દો શિક્ષાનો છે કે સજાનો એજ નથી સમજાતું. બાળક નવમું ધોરણ અથવા તો અગિયારમું ધોરણ પાસ કરે એટલે એ સ્વાભાવિક રીતે જ બોર્ડનાં વર્ષમાં પ્રવેશ મેળવે છે.આ એક સહજ પ્રક્રિયા છે પરંતુ ત્યાર પછી ની મોટે ભાગની પ્રક્રિયા અસહજ અને અરાજક બની જતી હોય એવું લાગે છે. શું બાળકનો બોર્ડનાં વર્ષમાં પ્રવેશ મેળવવો એ એનો ગુનો છે ? આ એક વર્ષ દરમિયાન એની સાથે કેવો વ્યવહાર થાય છે એનો અંદાજ છે? ખલીલ જિબ્રાનનું ખૂબજ પ્રસિદ્ધ વાક્ય છે કે તમે તમારા સંતાનનાં ટ્રસ્ટી છો,માલિક નહી. શું આ વાત માત્ર માતાપિતા પૂરતી જ સીમિત છે ? વાલી અને વડીલ ઉપરાંત સંબંધીઓ અને શિક્ષકો પણ એની સાથે યોગ્ય વ્યવહાર કરે છે ખરા? બધા નહીં પણ અમુક તો બાળકો સાથે યોગ્ય વર્તન નથી કરતાં. કોણ જાણે કેમ હવે પાણી માથાની ઉપરથી જતું હોય એવું લાગે છે. ટકાવારી અને ડિગ્રી જ જાણે માનવજીવનનો અંતિમ ઉદ્દેશ હોય એવું જોવા મળે છે ! 

જન્મતાંવેત અપ્રતિમ ક્ષમતા લઈને જન્મેલું બાળક પોતાના શરૂઆતનાં જીવનનાં વીસ- પચ્ચીસ વર્ષ બાદ શું બનીને રહી જાય છે એ જ નથી સમજાતું ! ઈશ્વરે આપેલી ઊર્જા કયાં ગાયબ થઈ જાય છે ? શિક્ષણનું કામ બાળકની અંદર જે હોય એને બહાર લાવવાનું છે પરંતુ આપણે ત્યાં તો પ્રક્રિયા કંઈક જુદી જ થાય છે.બહાર જે છે એને બાળકની અંદર દાબી-દાબીને ભરવામાં આવે છે.એ પછી ગણિતનાં દાખલા હોય કે વિજ્ઞાનની થિયરી. બસ, જે હાથમાં આવે તે માહિતીનાં રૂપમાં ભરી જ દેવું છે ! શિક્ષણ અને કેળવણી વચ્ચે જમીન આસમાન નું અંતર થઈ ગયું છે એમાં પણ અમુક બોર્ડનાં વિદ્યાર્થીઓની દશા તો ખૂબજ દયાજનક થતી જઈ રહી છે. ઘર, પરિવાર, સ્કૂલ કે પછી સમાજનો અમુક વર્ગ એવો છે જે આ વિદ્યાર્થીઓને સતત ભાન કરાવતો ( યાદ કરાવતો નથી) રહે છે કે તેઓ બોર્ડનાં વર્ષમાં અભ્યાસ કરે છે. પ્રશ્ન એ થાય છે કે SSC કે HSC બોર્ડ માં હોવું એટલે માત્ર અને માત્ર ભણતાં જ રહેવું? બીજું કશું જ ન કરવું? આ બાબત ઉપર ગંભીરતાથી વિચાર કરવા જેવો છે. ભણતરનાં નામે આપણે બાળકોનાં સપનાઓ, બાળકોની આવડતો અને એમના સર્વાંગી વિકાસની પાંખ કાપી રહ્યાં છીએ એવું નથી લાગતું ? શિક્ષણ એ ફેશન નથી એ વાતને બરાબર સમજી લેવાં જેવી છે. અલબત્ત, બોર્ડનું વર્ષ એટલે કારકીર્દીનું નિર્ણાયક વર્ષ છે એ વાતમાં કોઈ શંકા નથી. પરંતુ યાદ અપાવી દેવ કે એ માત્ર કારકિર્દીનું જ નિર્ણાયક વષ્ર છે, જીવનનું નહીં. બોર્ડનું વર્ષ એટલા માટે નિર્ણાયક છે કારણ કે એ વર્ષ મારફ્ત જ કારકિર્દીમાં આગળ વધવાનો પંથ નક્કી થતો હોય છે. બાળકે કઈ ફ્લ્ડિ માં આગળ વધવું એ બોર્ડ પાસ કર્યા પછી જ નકકી થતું હોય છે એટલે એક દ્રષ્ટિએ વિદ્યાર્થીનાં જીવનમાં આ વર્ષ મહત્ત્વનું તો છે જ એ વાત સાથે અસહમતી ન હોય શકે. આ વર્ષ દરમિયાન સજાગ બની જવું પણ જરૂરી છે. ભણવું જરૂરી જ છે. વાંધો ભણતર સાથે નથી પરંતુ ભણતરનાં નામે બૌદ્ધિક વિકાસ જ્યારે રુંધાઈ છે ત્યારે પીડા થાય છે. નોકરી કે અન્ય રોજગાર મેળવવા માટે ભણવું જરૂરી છે. એક હદ સુધી યથાયોગ્ય ડિગ્રીની પણ જરૂર રહે છે પરંતુ એ એક હદ સુધી જ. 

ચાર દિવાલની વચ્ચે બેસી પુસ્તકના કીડા થઈ જવાથી શિક્ષણ ઘણું વિશેષ છે. આઈક્યુની સાથે ઈક્યુ ( ઈમોશનલ ઈન્ટેલિજન્સ) પણ હોવું એટલું જ જરૂરી છે. ગામઠી ભાષામાં વાત કરીએ તો ભણેલાથી સાથે ગણેલા પણ હોવું જરૂરી છે. ડેનિયલ ગોલમેન નામના મનોવૈજ્ઞાનિકે સંશોધન કરી સાબિત કર્યું છે કે માણસને જીવનમાં સફ્ળ થવા માટે આઈક્યુનું યોગદાન માત્ર 20 ટકા છે, બાકીનું 80 ટકા યોગદાન ઈક્યુનું છે. એટલે કહેવાનો મતલબ એવો નથી કે આવતીકાલથી સ્કૂલ કોલેજ જવાનું બંધ કરી દેવું જોઈએ. ના હરગીઝ નહીં પરંતુ મૂળવાત છે શિક્ષણને સહજ બનાવવાની. ઘણી શાળાઓ એવી છે કે જે પોતાના ધો.10 અને ધો.12નાં વિદ્યાર્થીઓને ભણાવવા સિવાય કોઈ જ પ્રવૃત્તિમાં સામેલ કરતી નથી. વળી, શાળા સમયનાં કલાકો ઓછો પડતા હોય એમ એકસ્ટ્રા ક્લાસમાં પણ બેસાડે છે. શાળાનાં બધા કાર્યક્રમમાં બોર્ડનાં વિદ્યાર્થીઓને લઈ જવાની મનાઈ હોય છે. એક આખે આખું વર્ષ પરીક્ષાનાં નામે કર્યું હોય એમ લાગે છે. માત્ર સ્કૂલની જ વાત શા માટે કરીએ અમુક બાળકો સાથે તો ઘરે પણ એવું જ વર્તન થતું હોય છે.શાળા,ટયુશન, હોમવર્ક અને પછી વાંચનમાં જ બાળકનો દિવસ પૂરો થઈ જતો હોય છે. બાળક બોર્ડનાં વર્ષમાં હોય એટલે ટીવીનું કેબલ કનેક્શન કે વાઈફાઈનું કનેક્શન કાપી નાંખવાની તો જાણે ફેશન થઈ ગઈ છે. બાળક બોર્ડનાં વર્ષમાં હોય એટલે એને ફેમિલી ફ્ંકશન કે અન્ય સોશિયલ ફ્ંકશનમાં ન લઈ જવાનો તો જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બાળકનું ટયુશન છે અથવા તો રિડીંગ કરે છે એમ કહેવામાં તો મા-બાપને એક જુદા જ પ્રકારનો આનંદ આવે છે ! સવાલ એ થાય છે કે બાળક જો પોતાના સંબંધીઓને કે આજુબાજુનાં સમાજને ઓળખશે જ નહીં એમના માંથી કશુંક શીખશે જ નહીં તો શું થશે. માની શકાય કે અભ્યાસને પ્રાથમિકતા મળવી જ જોઈએ પરંતુ એ રીતે સમયપત્રક પણ તૈયાર કરવું જોઈએ કે જેથી એ પૂરતો અભ્યાસ પણ કરી શકે અને સાથે ઇતર પ્રવૃત્તિઓ પણ કરી શકે.

થોડા દિવસ પહેલાં એક શિક્ષક સાથે મુલાકાત થઈ એ કહેતા હતાં કે હું મારી શાળામાં વિજ્ઞાનપ્રવાહનાં વિદ્યાર્થીઓને રમતગમત તેમજ અન્ય ઇતર પ્રવૃત્તિ અને ઇતર વાંચન થી દૂર જ રાખું છું. એમને કારણ પૂછયું તો એમણે ખૂબજ આશ્ચર્ય જનક જવાબ આપ્યો. એમણે કહ્યું કે વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ઘણુંબધું ભણવાનું અને વાંચવાનું પણ હોય છે. ઉપરાંત એમના માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી અગત્યનાં છે. રમતગમત અને ઇતર વાંચન એમના માટે કોઈ કામનાં નથી. એ મહાશય એમની શાળાનાં વિજ્ઞાનપ્રવાહનાં બાળકોને અભ્યાસ સિવાયની કોઈ જ પ્રવૃત્તિમાં જોતરવા માંગતા નથી. વિજ્ઞાનપ્રવાહ અભ્યાસની દ્રષ્ટિ કદાચ ભારી છે એમ માંની પણ લઈએ એટલે એક રીતે તો એમની વાત અમુક અંશે સાચી પણ હશે પરંતુ શું એ બાળકો ને માનસિક અને શારીરિક રીતે હળવા થવા માટે ઇતર પ્રવૃત્તિની જરૂરિયાત નહીં હોય. વિજ્ઞાનપ્રવાહમાં હોવાથી શું એ સંગીતનું કોઈ વાદ્ય ન શીખી શકે ? માની લઈએ કે એ શાળાનાં બાળકો ભણીને ડોક્ટર અને એન્જિનિયર બની જાય પરંતુ માનસિક અને શારીરિક રીતે એ ફ્ટિ જ ન હોય તો એનો શું અર્થ. ઇતર પ્રવૃત્તિ બાળક ને શારીરિક અને માનસિક બંને રીતે મજબૂત બનાવે છે.બાકી યાદ રહે એક નબળો શિક્ષક નબળા જ સમાજ ની રચના કરે છે.જો કે આ બધુ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે થોડું પણ ઊધું જાય તો જવાબ આપવા માટે તૈયાર પણ રહેવું પડે. બાકી એવાં હજારો વિદ્યાર્થીઓ અને શાળા છે જેમણે અભ્યાસ સાથે સંપૂર્ણ વિકાસને મહત્ત્વ આપ્યું છે અને પરીક્ષામાં સારું પરિણામ પણ મેળવ્યું છે. હજી પણ એવા ઘણાં સમજુ અને સાહસિક ઊર્જાવાન શિક્ષક છે જે બાળકોને બધી રીતે તૈયાર કરે છે. મા બાપ પક્ષે પણ બાળક નાં ભવિષ્ય માટે શિક્ષણ અને ઘડતર વચ્ચેનું યોગ્ય સંકલન કરી ભાર વિનાનાં ભણતરની થીયરી અમલમાં મૂકવી જોઈએ.