પૃથ્વીની આબોહવા એક વિશાળ અને જટિલ વ્યવસ્થા છે. કેમ કે, તેની સાથે સમુદ્ર, પવન, તાપમાન, વરસાદ, દબાણ અને ઋતુચક્ર જેવા પરિબળો ગાઢ રીતે જોડાયેલા છે. વળી, આ વ્યવસ્થાનું નિયમન કુદરત દ્વારા થાય છે. પણ, ઘણીવાર આ વ્યવસ્થામાં એવી ઘટનાઓ સર્જાય છે, જે સમગ્ર વિશ્વના હવામાનને અસર કરે છે. આવી જ એક મહત્વપૂર્ણ, વૈશ્વિક પ્રભાવ ધરાવતી ઘટના એટલે 'અલ નિનો.' 'અલ નિનો' એટલે માત્ર સમુદ્રના પાણીનું ગરમ થવું એમ નથી. 'અલ નિનો'ની આ સ્થિતિ સમગ્ર પૃથ્વીના આબોહવાતંત્રમાં પરિવર્તન લાવનારી એક પ્રાકૃતિક પ્રક્રિયા (કેટલીક માનવસર્જિત પ્રવૃત્તિઓના કારણે) છે. વિશ્વના અનેક દેશોમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ, ચક્રવાતો, કૃષિમાં નુકસાન અને આર્થિક અસરો પાછળ ઘણી વખત 'અલ નિનો' જવાબદાર હોય છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં તો તેનું વિશેષ મહત્વ છે, કારણ કે ભારતીય ચોમાસા સાથે તેનો સીધો સંબંધ જોવા મળે છે.
સ્પેનિશ ભાષામાં 'અલ નિનો'નો અર્થ થાય છે, 'નાનું બાળક' અથવા 'ઈસુ ખ્રિસ્તનું બાળક'. દક્ષિણ અમેરિકાના પેરુ અને એક્વાડોરના કેટલાક માછીમારોએ જે તે સમયે ડિસેમ્બર મહિનાની આસપાસ, પ્રશાંત મહાસાગરનું પાણી અસામાન્ય રીતે ગરમ થતું જોયું હતું અને આ સમય 'ક્રિસમસ'ની આસપાસનો હતો, એટલે તેમણે આ ઘટનાને 'અલ નિનો' નામ આપ્યું. વૈજ્ઞાનિક ભાષામાં અલ નિનોનો અર્થ એવો થાય છે કે, 'મધ્ય અને પૂર્વીય વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરની સપાટીના જળનું અસામાન્ય ગરમ થવું, જેના કારણે વૈશ્વિક હવામાનમાં વ્યાપક ફેરફરો સર્જાય છે.'
અલ નિનો'ની શરૂઆત મુખ્યત્વે વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં થાય છે. સામાન્ય પરિસ્થિતિમાં પૂર્વથી પશ્ચિમ તરફ્ વેપારી પવનો (Trade Winds)વાતા હોય છે. આ પવનો ગરમ પાણીને ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા તરફ્ ધકેલે છે. પરંતુ જ્યારે આ પવનો નબળા પડે છે, ત્યારે ગરમ પાણી પાછું મધ્ય અને પૂર્વ પ્રશાંત તરફ્ ફેલાય છે. આ જ પરિસ્થિતિ 'અલ નિનો' તરીકે ઓળખાય છે. સામાન્ય પરિસ્થિતિ અને 'અલ નિનો' વચ્ચેનો તફાવત સમજતા જણાશે કે, સામાન્ય સ્થિતિમાં વેપારી પવનો પૂર્વથી પશ્ચિમ તરફ્ ફૂંકાય છે અને પશ્ચિમ પ્રશાંતમાં ગરમ પાણી એકત્ર થાય છે. પેરુ અને એક્વાડોર પાસે ઠંડું પાણી ઉપર આવ્ો છે અને ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયામાં ભારે વરસાદ પડે છે. 'અલ નિનો' દરમિયાન વેપારી પવનો નબળા પડે છે એટલે ગરમ પાણી પૂર્વ પ્રશાંત તરફ્ સરકે છે. જેથી અપવેલિંગની પ્રક્રિયા ઘટે છે. આ સ્થિતિમાં દક્ષિણ અમેરિકામાં ભારે વરસાદ પડે છે તો એશિયા અને ઓસ્ટ્રેલિયામાં દુષ્કાળ સર્જાય છે.
સામાન્યરીતે 'અલ નિનો'ENSO (El Niño Southern Oscillation)નામની પ્રાકૃતિક આબોહવાકીય્ા પ્રણાલીનો ભાગ છે. આ ENSOના ત્રણ તબક્કા છે. સમુદ્રનું ગરમ થવું, સમુદ્રનું ઠંડું થવું અને આ પાણીનું સામાન્ય પરિસ્થિતિમાં આવવું. 'અલ નિનો'ની સ્થિતિ સામાન્ય રીતે દર 2 થી 7 વર્ષના અંતરે ઉભ્દવતી જોવા મળે છે અને તેની અસર 9 મહિનાથી લઈને 18 મહિના સુધી રહી શકે છે. 'અલ નિનો' માટે જવાબદાર મુખ્ય કારણોની વાત કરીએ તો, વેપારી પવનોનું નબળું પડવું તેનું એક પ્રમુખ કારણ છે. જેને પરિણામે પ્રશાંત મહાસાગર પર પૂર્વથી પશ્ચિમ તરફ્ ફૂંકાતા પવનો નબળા પડે ત્યારે ગરમ પાણી પાછું પૂર્વ તરફ્ સરકવા લાગે છે. સમુદ્રના તાપમાનમાં વધારો થવો બીજું મહત્વનું પરિબળ છે. જેમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધારે ગરમ થઈ જાય છે. વળી, વાયુદબાણમાં ફેરફર થવો એ પણ એક અગત્યનું કારણ છે. આ સ્થિતિમાં પૂર્વ અને પશ્ચિમ પ્રશાંત વચ્ચેના વાયુદબાણમાં અસામાન્ય પરિવર્તન થતું જોવા મળે છે, જેનેSouthern Oscillationકહેવાય છે. ચોથું કારણ છે, સમુદ્ર અને વાતાવરણની પરસ્પર ક્રિયા. જેમાં સમુદ્ર અને વાતાવરણ એકબીજાને સતત પ્રભાવિત કરે છે. એકમાં થયેલો ફેરફર બીજામ્ાાં પરિવર્તન લાવે છે.
આમ, ઉપરની સ્થિતિ ઉભ્દવતા વૈશ્વિક સ્તરે 'અલ નિનો' પોતાની વિકરાળ અસરો દેખાડે છે. 'અલ નિનો'ને કારણે દક્ષિણ અમેરિકા ક્ષેત્રના પેરુ અને એક્વાડોરમાં ભારે વરસાદ, પૂર ને ભૂસ્ખલનની ઘટનાઓનું પ્રમાણ ખૂબ વધી જાય છે. ઓસ્ટ્રેલિયામાં દુષ્કાળની સ્થિતિ જન્મે છે અને અને તેના જંગલોમાં આગની ઘટનાઓ વધે છે. આફ્રિકા ક્ષેત્રના કેટલાક પ્રદેશોમાં દુષ્કાળ અને અન્યત્ર અતિવૃષ્ટિ જોવા મળે છે. ઉત્તર અમેરિકા અને અમેરિકાના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ અને ઉત્તરીય વિસ્તારોમાં ગરમ શિયાળો અનુભવાય છે. એશિયામાં ખાસ કરીને ભારત, ઇન્ડોનેશિયા અને ફ્િલિપાઇન્સ જેવા દેશોમાં વરસાદની માત્રા ઘટી જાય છે.
અલ નિનો'ની અસર પૃથ્વીની સાથે સમુદ્રી જીવન પર પણ વિશેષ માત્રામાં પડે છે. 'અલ નિનો' દરમિયાન પેરુના કિનારે ઠંડું અને પોષકતત્ત્વોથી ભરપૂર પાણી ઉપર આવવાની પ્રક્રિયા ઘટે છે. પરિણામે માછલીઓની સંખ્યા ઘટે છે અને માછીમારી ઉદ્યોગને નુકસાન થાય છે. સમુદ્રી ખોરાકની સાંકળ પર પણ ગંભીર અસર પડે છે. વરસાદનું વિતરણ બદલાઈ જવાથી ક્યાંક દુષ્કાળ પડે છે તો ક્યાંક અતિવૃષ્ટિ થાય છે. પાક ઉત્પાદન ઘટે છે એટલે ખાદ્યપદાર્થોની કિમતો વધી જાય છે. વિશ્વના ઘણા દેશોમાં 'અલ નિનો'ની સ્થિતિ અનાજ ઉત્પાદન પર ગંભીર અસર કરે છે.
ભારતની વાત કરીએ તો ભારત પર 'અલ નિનો'ની અસર ઘણો પ્રભાવ પાડે છે. આપણાં માટે 'અલ નિનો'નું સૌથી મોટું મહત્વ આપણાં ચોમાસા સાથે જોડાયેલું છે. ભારતીય ચોમાસું દેશની કૃષિ અને અર્થવ્યવસ્થાનો આધાર છે એટલે 'અલ નિનો'ના વર્ષોમાં સામાન્ય રીતે આપણે ત્યાં ચોમાસું નબળું પડે છે. વરસાદમાં ઘટાડો થવા સાથે વરસાદનું વિતરણ અસમાન બને છે. આપણી લગભગ અડધીથી વધું ખેતી વરસાદ પર આધારિત છે, એટલે 'અલ નિનો'ના કારણે ધાન, કપાસ, શેરડી જેવા પાકોને નુકસાન થાય છે અને વાવણી મોડી થાય છે. પરિણામે ઉત્પાદન ઘટતા ખેડૂતોની આવકમાં ઘટાડો થાય છે. આપણાં જળસંગ્રહ પર બહુ મોટી અસર થતાં ડેમોમાં પાણીની આવક ઘટે છે. ભૂગર્ભ જળસ્તર નીચે જાય છે. પીવાના પાણીની સમસ્યાઓ ઊભી થાય છે. આપણાં જળવિદ્યુત પ્રોજેક્ટો વરસાદ પર આધારિત હોવાથી ઓછા વરસાદના કારણે વીજ ઉત્પાદન ઘટે છે, જેની સીધી અસર આપણી કૃષિ અર્થવ્યવસ્થા પર પડે છે.
અલ નિનો' અને 'જળવાયુ પરિવર્તન એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. વૈશ્વિક ઉષ્ણતામાન વધવાથી 'અલ નિનો'ની તીવ્રતા અને આવર્તન પર શું અસર પડે છે ? તેનો વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકીના કેટલાક સંશોધનો સૂચવે છે કે, ભવિષ્યમાં વધું તીવ્ર 'અલ નિનો' જોવા મળી શકે છે. એવાતસાચીછેકે, 'અલ નિનો'ને રોકી શકાય તેમ નથી, પરંતુ તેની અસર ચોક્કસ ઘટાડી શકાય છે. *અલ નિનો' એ માત્ર એક સમુદ્રીય ઘટના નથી; તે પૃથ્વીના હવામાનનું એક શક્તિશાળી અને વૈશ્વિક પરિબળ છે. પ્રશાંત મહાસાગરમાં શરૂ થતી આ પ્રક્રિયા વિશ્વના અનેક દેશોના વરસાદ, કૃષિ, અર્થવ્યવસ્થા અને માનવજીવનને અસર કરે છે. ભારત જેવા ચોમાસા આધારિત દેશમાં 'અલ નિનો'નું વિશેષ મહત્વ છે. એટલે વૈજ્ઞાનિક આગાહીઓ, જળ સંચાલન, આધુનિક કૃષિ પદ્ધતિઓ અને અસરકારક નીતિઓ દ્વારા તેની નકારાત્મક અસરોને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. 'અલ નિનો' આપણને એ સમજાવે છે કે, પૃથ્વીના એક ખૂણામાં થતો પરિવર્તન સમગ્ર વિશ્વના જીવનચક્રને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે. એટલે આપણે આ બાબતે સતર્ક રહી યોગ્ય સામૂહિક પગલાઓ ભરવા આવશ્યક બની રહે છે.
થ્રી ડૉટ્સ
ધાબા પર ચઢી જવાથીગામ દેખાશે, પણ ઘર નહીં દેખાય. અભિમાનનું પણ કંઈક આવું જ છે.