આપણે બાળપણમાં જે તારાઓથી મઢાયેલું આકાશ જોઈને મોટા થયા છીએ, તે આકાશ હવે આપણાં શહેરોમાંથી ધીમે ધીમે અદૃશ્ય થઈ રહ્યું છે. અમદાવાદ, સુરત કે વડોદરા જેવા મહાનગરોની અગાશી પર ઊભા રહીને ઉપર નજર કરીએ તો તારાઓને બદલે પીળાશ પડતો ધૂંધળો ઉજાસ છવાયેલો દેખાય છે. વિજ્ઞાનની ભાષામાં તેને 'સ્કાય ગ્લો' કહેવામાં આવે છે. વાયુ પ્રકાશનું પ્રદૂષણ એટલે કે લાઇટ પોલ્યુશન. રાત્રિના અંધારા પર થયેલા આ અતિક્રમણે માત્ર તારાઓને આપણી નજરથી દૂર નથી કર્યા, પરંતુ જીવસૃષ્ટિની સદીઓ જૂની જૈવિક વ્યવસ્થામાં પણ ખલેલ ઊભી કરી છે.
પૃથ્વી પર જીવનની ઉત્ક્રાંતિ થઈ ત્યારથી જીવસૃષ્ટિ દિવસ અને રાતના કુદરતી ચક્ર સાથે વિકસતી આવી છે. દિવસનો સૂર્યપ્રકાશ અને રાતનું અંધારું. આ બંને વચ્ચેનું સંતુલન અનેક જૈવિક પ્રક્રિયાઓ માટે મહત્વનું છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકામાં સસ્તી એલઈડી લાઇટો, ઝગમગતા વિશાળ ડિજિટલ હોર્ડિંગ્સ, હાઈ-માસ્ટ ટાવર લાઇટ્સ અને રસ્તાઓ પર જરૂરિયાત કરતાં વધુ તેજ રોશનીએ રાત અને દિવસ વચ્ચેનો કુદરતી ભેદ ધૂંધળો કરી નાખ્યો છે. જેને આપણે સુરક્ષા અને આધુનિકતાનું પ્રતીક ગણીએ છીએ, તે જ અતિશય કૃત્રિમ પ્રકાશ હવે અનેક જીવ માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે.
તેનો સૌથી દેખીતો ફ્ટકો પક્ષીઓ અને રાત્રિચર જીવોને પડે છે. ગુજરાત દર શિયાળે હજારો કિલોમીટર દૂરથી આવતા યાયાવર પક્ષીઓનું સ્વાગત કરે છે. અનેક યાયાવર પક્ષીઓ રાત્રે પ્રવાસ કરે છે અને દિશા જાળવવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સહિત તારાઓ, ચંદ્ર અને કુદરતી પ્રકાશ જેવા સંકેતોનો ઉપયોગ કરે છે. શહેરો, ઔદ્યોગિક વિસ્તારો કે ઊંચી
ઇમારતોમાંથી ફેલાતો તીવ્ર કૃત્રિમ પ્રકાશ આવા પક્ષીઓને આકર્ષી કે ભ્રમિત કરી શકે છે. પરિણામે તેઓ પોતાના માર્ગથી ભટકે, પ્રકાશિત વિસ્તારોની આસપાસ ચક્કર મારીને ઊર્જા ગુમાવે અથવા કાચની ઇમારતો અને અન્ય માળખાં સાથે અથડાઈ જાય તેવું જોખમ વધી શકે છે. નળ સરોવર કે થોળ જેવા સંવેદનશીલ વેટલેન્ડ્સની આસપાસ વધતું શહેરીકરણ, રિસોર્ટ અને ફાર્મહાઉસોનો અનિયંત્રિત ઝગમગાટ પણ ત્યાંના કુદરતી આવાસ માટે નવી ચિંતા ઊભી કરે છે.
માત્ર પક્ષીઓ જ નહીં, રાત્રિના અંધારામાં સક્રિય રહેતા ઘુવડ, ચામાચીડિયા, પતંગિયા અને અનેક પ્રકારના કીટકોના જીવન પર પણ કૃત્રિમ પ્રકાશની અસર પડે છે. આપણે ઘણીવાર સ્ટ્રીટ લાઇટની આસપાસ અસંખ્ય કીટકોને સતત ઘૂમરાતા જોયા છે. દેખાવમાં સામાન્ય લાગતી આ ઘટના પાછળ ગંભીર પર્યાવરણીય પ્રશ્ન છુપાયેલો છે. રાત્રિચર કીટકોમાંના ઘણા પરાગનયન એટલે કે પોલિનેશનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સતત પ્રકાશ તેમની ખોરાક શોધવાની, પ્રજનનની અને પરાગનયનની કુદરતી પ્રવૃત્તિમાં વિક્ષેપ ઊભો કરી શકે છે. તેની અસર આગળ જતાં વનસ્પતિ, પાક અને સમગ્ર ફૂડ-ચેઇન સુધી પહોંચી શકે છે. એટલે પ્રશ્ન માત્ર એક લાઇટ નીચે મરતા કીટકનો નથી, પ્રશ્ન એકબીજા સાથે જોડાયેલી કુદરતી વ્યવસ્થાનો છે.
આ સંકટ માત્ર વન્યજીવો પૂરતું મર્યાદિત નથી. માણસ પોતે પણ દિવસ અને રાતના કુદરતી ચક્ર સાથે જોડાયેલી જૈવિક ઘડિયાળ ધરાવે છે. શરીરમાં બનતું 'મેલાટોનિન' હોર્મોન આ વ્યવસ્થાનો મહત્વનો ભાગ છે. સામાન્ય રીતે સાંજ પડતાં અને પ્રકાશ ઓછો થતાં તેનું સ્તર વધે છે અને શરીરને ઊંઘ માટે તૈયાર કરવામાં મદદ કરે છે. પરંતુ મોડી રાત્રે તેજ કૃત્રિમ પ્રકાશ, ખાસ કરીને આંખોની નજીક ચમકતી મોબાઇલ, ટેબ્લેટ કે અન્ય સ્ક્રીન, મેલાટોનિનના સ્વાભાવિક ચક્રને અસર કરી શકે છે અને શરીરની સર્કેડિયન રિધમ ખોરવી શકે છે. સતત રાત્રિપ્રકાશ અને અનિયમિત ઊંઘને ઊંઘની ગુણવત્તા તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડીને દુનિયાભરમાં અભ્યાસ થઈ રહ્યા છે. એટલે રાત્રે અંધારું માત્ર આરામ માટે નહીં, શરીરની આંતરિક ઘડિયાળ માટે પણ જરૂરી છે.
દુનિયાના અનેક દેશોમાં હવે આ સમસ્યાને ગંભીરતાથી જોવામાં આવી રહી છે. 'ડાર્ક સ્કાય' વિસ્તારો ઊભા કરવામાં આવી રહ્યા છે, જ્યાં બિનજરૂરી કૃત્રિમ પ્રકાશને નિયંત્રિત કરીને રાત્રિનું કુદરતી અંધારું જાળવવાનો પ્રયાસ થાય છે. તેનો લાભ માત્ર ખગોળશાસ્ત્ર્રીઓને તારાઓના અભ્યાસમાં જ નથી મળતો, પરંતુ સ્થાનિક વન્યજીવો અને પર્યાવરણને પણ મળે છે. આપણા દેશમાં લદ્દાખના હેન્લે ખાતે હેન્લે ડાર્ક સ્કાય રિઝર્વ ઊભું કરવામાં આવ્યું છે. ઊંચાઈ, શુષ્ક વાતાવરણ અને અત્યંત અંધારું આકાશ ધરાવતો આ વિસ્તાર પ્રકાશ પ્રદૂષણને નિયંત્રિત કરીને કુદરતી રાત્રિને સાચવવાનુંઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. પરંતુ સવાલ એ છે કે અંધારું માત્ર દૂરના પહાડી વિસ્તારોમાં જ સાચવવાનું છે?
ગુજરાત જેવા ઝડપથી શહેરીકરણ પામતા રાજ્યમાં હવે અર્બન પ્લાનિંગ સાથે યોગ્ય 'લાઇટિંગ પોલિસી' જોડવાનો સમય આવી ગયો છે. રસ્તાઓ પર પ્રકાશ પૂરતો હોવો જોઈએ, પરંતુ તે ક્યાં પડે છે, કેટલો તેજ હોય છે અને કેટલા સમય સુધી ચાલુ રહે છે તે પણ એટલું જ મહત્વનું છે. પ્રકાશ આકાશ તરફ્ ફેલાવાને બદલે માત્ર જરૂરી જગ્યાએ અને જમીન તરફ્ પડે તેવા શિલ્ડેડ લાઇટ ફ્ક્સિચર્સનો ઉપયોગ વધારવો જોઈએ. રહેણાંક વિસ્તારોમાં મોડી રાત પછી મોટા ડિજિટલ બિલબોર્ડ્સ અને ઝળહળતી સાઇનોને બંધ કે ડિમ કરવાની વ્યવસ્થા કરી શકાય. જ્યાં જરૂરી હોય ત્યાં ટાઇમર અને મોશન સેન્સરનો ઉપયોગ પણ અસરકારક બની શકે છે. સૌથી મહત્વનું એ છે કે ગીરના જંગલો, નળ સરોવર, થોળ અને અન્ય ઇકો-સેન્સિટિવ વિસ્તારોની આસપાસ ફ્લડલાઇટ્સ અને અનિયંત્રિત તેજ પ્રકાશના ઉપયોગ માટે સ્પષ્ટઅને કડક માપદંડ હોવા જોઈએ. આવનારી પેઢીને જો આપણે તારાઓથી ભરેલું આકાશ અને તંદુરસ્ત ઇકોસિસ્ટમ આપવું હોય તો રાત્રિના અંધારાને પણ કુદરતી સંપત્તિ તરીકે જોતા શીખવું પડશે.