તેલના 100 ડોલર પારના ભાવથી લઈને વધતા શિપિંગ ખર્ચ સુધી, ઇરાન-અમેરિકા સંઘર્ષ હવે માત્ર મધ્યપૂર્વનું યુદ્ધ નથી રહ્યું,તે વૈશ્વિક અર્થતંત્ર સામેનું સૌથી મોટું જોખમ બની રહ્યું છે

વિશ્વમાં યુદ્ધો પહેલાં પણ થયા છે, પરંતુ કેટલાક યુદ્ધો માત્ર બે દેશોની સરહદો વચ્ચે પૂરતા રહેતા નથી. તેઓ પેટ્રોલના ભાવથી લઈને રસોડાના બજેટ સુધી, જહાજોના વીમાથી લઈને શેરબજાર સુધી અને એક દેશની મોંઘવારીથી લઈને બીજા દેશના વ્યાજદર સુધી અસર કરે છે. અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એવા જ વૈશ્વિક આર્થિક સંકટનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.

છ મહિના પછી પણ સંઘર્ષનો અંત દેખાતો નથી. તાજેતરમાં હોર્મુઝની સામુદ્રધુનીની આસપાસ ફરી જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકાએ ઇરાનના પાંચ ઓઇલ ટેન્કરોને ડૂબાડયા બાદ ઇરાને દસ જહાજો પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. આ ઘટનાએ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગોમાંના એકને ફરી યુદ્ધના કેન્દ્રમાં લાવી દીધો છે. પરિણામે બ્રેન્ટ ક્રૂડ ફરી 100 ડોલર પ્રતિ બેરલની ઉપર ગયું છે.

આ સંકટનું હૃદય છે, હોર્મુઝની સામુદ્રધુની.

આ સાંકડો દરિયાઈ માર્ગ વિશ્વના ઊર્જા વેપાર માટે અત્યંત મહત્વનો છે. અહીંથી વિશ્વના સમુદ્રી તેલ વેપારનો લગભગ ચોથો ભાગ પસાર થાય છે, ઉપરાંત LNG અને ખાતરની પણ મોટી હેરફેર થાય છે. તેથી હોર્મુઝમાં જહાજોની અવરજવર અટકે એટલે તેની અસર માત્ર પેટ્રોલિયમ બજાર સુધી સીમિત રહેતી નથી; તે સમગ્ર વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પ્રસરે છે.

આ માર્ગમાં થતી અડચણની અસર વિશ્વના વેપારના બહુ મોટા હિસ્સા સુધી પહોંચે છે,કારણ કે તેલ, ગેસ, ખાતર અને દરિયાઈ પરિવહનના ભાવમાં વધારો આખી અર્થવ્યવસ્થાને અસર કરે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૈન્ય અને આર્થિક દબાણ દ્વારા ઇરાનને ઝૂકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ્ ઇરાન હોર્મુઝને પોતાની સૌથી મોટી વ્યૂહાત્મક તાકાત તરીકે ઉપયોગ કરી રહ્યું છે. તાજેતરના અહેવાલ પ્રમાણે ટ્રમ્પ હવે યુદ્ધ નવેમ્બર 2026ની અમેરિકી મધ્યાવધી ચૂંટણી પછી સમાપ્ત થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે તેમના કેટલાક સલાહકારો સંઘર્ષ વધુ લાંબો ચાલવાની શક્યતા પણ વ્યક્ત કરી રહ્યા છે.

એટલે વિશ્વની ચિંતા હવે માત્ર યુદ્ધ ક્યારે પૂરું થશે? એટલી નથી. પ્રશ્ન એ છે કે યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી વૈશ્વિક અર્થતંત્ર કેટલું નુકસાન સહન કરશે?

સૌથી પ્રથમ અસર તેલ પર પડે છે. 9 સપ્ટેમ્બર સુધીના અહેવાલો પ્રમાણે ગલ્ફ્માંથી તેલની નિકાસ યુદ્ધ પહેલાંના સ્તરની સરખામણીએ આશરે બે તૃતીયાંશ જેટલી રહી ગઈ છે. ગુપ્ત રીતે અથવા જોખમ લઈને થતા ડાર્ક ક્રોસિંગ છતાં પણ મોટા પ્રમાણમાં તેલ બજારમાં પહોંચી રહ્યું નથી. પરિણામે બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરથી ઉપર ગયું છે અને ડીઝલના ભાવમાં પણ મોટો વધારો થયો છે.

તેલ મોંઘું થાય એટલે માત્ર પેટ્રોલ-ડીઝલ મોંઘાં થતાં નથી. ટ્રક, બસ, જહાજ અને વિમાન તમામ પરિવહનના ખર્ચમાં વધારો થાય છે. પરિવહન મોંઘું એટલે કાચો માલ મોંઘો, ઉત્પાદન મોંઘું અને અંતે તૈયાર માલ પણ મોંઘો.

ખેતી પર પણ તેની સીધી અસર પડે છે. ટ્રેક્ટર, પંપ, ટ્રક અને કૃષિ પરિવહન માટે ડીઝલ જરૂરી છે. બીજી તરફ્ ખાતરના ઉત્પાદન માટે કુદરતી ગેસ અત્યંત મહત્વનો છે. એટલે ઊર્જાની મોંઘવારી ધીમે ધીમે ખાદ્ય મોંઘવારીમાં પરિવર્તિત થઈ શકે છે. હોર્મુઝ સંકટથી ઊર્જા, ખાતર, પરિવહન અને જીવનનિર્વાહના ખર્ચ પર ગંભીર અસર થવાની શક્યતા છે.

જહાજ માલિકો યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં જહાજ મોકલવાનું જોખમ લે ત્યારે વીમો મોંઘો થાય છે. કેટલાક જહાજો હોર્મુઝથી દૂર રહે છે, કેટલાક લાંબા વૈકલ્પિક માર્ગે જાય છે. એટલે પ્રવાસનો સમય વધે છે, ઇંધણ વધારે વપરાય છે અને માલસામાનનો પરીવહન ખર્ચ વધે છે.

હોર્મુઝ સંકટે શિપિંગના વોલ્યુમ ઘટાડયા, વીમા ખર્ચ અને જોખમ પ્રીમિયમ વધાર્યા અને દરિયાઈ પરીવહનનો દર પર દબાણ વધાર્યું છે.

ભારત તેની ઊર્જાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાતથી પૂરો કરે છે. ક્રૂડ ઓઇલ મોંઘું થાય તો આયાત બિલ વધે છે. રૂપિયા પર દબાણ આવે છે. પરિવહન ખર્ચ વધે છે. ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. અને અંતે સામાન્ય માણસને મોંઘવારીનો સામનો કરવો પડે છે.

આ સ્થિતિ વિશ્વની કેન્દ્રીય બેન્કો માટે પણ ગંભીર પડકાર છે. એક તરફ્ મોંઘવારી વધી રહી છે અને બીજી તરફ્ યુદ્ધના કારણે વેપાર તથા આર્થિક વૃદ્ધિ ધીમી પડી શકે છે. મોંઘવારી કાબૂમાં લેવા વ્યાજદર ઊંચા રાખવા પડે તો રોકાણ અને માંગ ઘટી શકે. એટલે વિશ્વ સામે મોંઘવારી સાથે ધીમી વૃદ્ધિનો ભય ઊભો થાય છે.

અંતિમ સવાલ

આ યુદ્ધમાં કોણ જીતશે,અમેરિકા કે ઇરાન?

કદાચ આ જ ખોટો સવાલ છે.

સાચો સવાલ એ છે કે આ યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી દુનિયા કેટલું ગુમાવશે?

કારણ કે બોમ્બ જ્યાં પડે છે ત્યાં જ નુકસાન થતું નથી.

ક્યારેક બોમ્બ મધ્યપૂર્વમાં પડે છે અને તેની કિંમત મુંબઈ, અમદાવાદ, દિલ્હી કે ન્યૂયોર્કના બજારમાં ચૂકવવી પડે છે.

હોર્મુઝમાં અટકેલું એક જહાજ માત્ર તેલ રોકતું નથી,તે દુનિયાની સપ્લાય ચેઇનની એક કડી રોકે છે. અને જ્યારે એક કડી તૂટે છે, ત્યારે તેનો ઝટકોઆખી દુનિયાના ઘર સુધી પહોંચે છે.

આથી આજે વિશ્વની સૌથી મોટી જરૂરિયાત વધુ શસ્ત્ર્રો નહીં, પરંતુ વાટાઘાટનો રસ્તો ખોલવાની રાજકીય હિંમત છે. કારણ કે યુદ્ધની આગ કોઈ એક દેશને જ નહીં, આખી વૈશ્વિક અર્થવ્યવસ્થાને ધીમે ધીમે ભસ્મ કરી શકે છે.