ગુજરાતમાં સરકારી ભરતીઓમાં ચાલી રહેલી 'સિસ્ટમેટિક' ગોબાચારી હવે હાઈકોર્ટના ચૌટે પહોંચી છે. જેમાં એક ભરતી સંસ્થાનમાં અજમાવાતા અદભૂત કીમિયાના ગંભીર આક્ષેપો છે. એક ટેકનિકલ જગ્યાની ભરતીમાં કોલેજમાં પગ મુક્યા વગર, ખાલી આઠ હજાર રૂપિયાની સસ્તી ફી ભરી ઘરબેઠાં ડિગ્રી આપતા શૈક્ષણિક સંસ્થાના કોર્સને આસાનીથી 'રેડ કાર્પેટ' આપી દેવાઈ છે. બીજી તરફ, કોલેજોમાં તપીને, ગ્રાઉન્ડ ઉપર ખાડા-ખાબોચિયાઓ માપીને ડિપ્લોમા થયેલા ઉમેદવારો અન્યાય સામે લડવા હાઈકોર્ટના શરણે દોડયા છે. લાયકાતની ગોબાચારી તો ઠીક, મૌખિક ઈન્ટરવ્યૂ આપવા પહોંચેલા એક ઉમેદવારે કરેલો ધડાકો ચયનકર્તાની માનસિકતા ખુલ્લી પાડે છે. કહેવાય છે કે, એ ચયનકર્તા હાથમાં ચમચો-કાંટો લઈને થાળીમાં જમતાં જમતાં ઉમેદવારને પ્રશ્નો પૂછી રહ્યા હતા ! હવે પેટપૂજાના કોળિયા ગળતી વખતે સાહેબની એકાગ્રતા ઉમેદવારની લાયકાત પર હતી કે થાળીની વાનગી પર, એ મોટો સંશોધનનો વિષય છે. આઠ હજારની શોર્ટકટ ડિગ્રી અને 'લંચ ટેબલ' પર ઉમેદવારોની કારકિર્દી ચોળી નાખતી ચયનકર્તાની એ માનસિક એકાગ્રતાથી સમગ્ર સચિવાલયમાં ચટાકેદાર ચર્ચાઓ છે. ત્યારે, થાળી પીરસીને થતી ભરતી પ્રક્રિયામાં કોણ ? કોના ? કાન કેવી રીતે આમળે છે તે જોવું રહ્યું.
અમરેલી ટુ અમેરિકા With CM,
લૂક આફ્ટર'માં સોમ કે સોલંકી ?
અમરેલીમાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી પૂર્ણ થતા વાઈબ્રન્ટ સમિટના ઉપલક્ષ્યમાં અમેરિકા- કેનેડા ઉડનારા જમ્બો ડેલિગેશનમાં છેલ્લી ઘડી સુધી સચિવાલયમાં ઘમાસાણ જોવા મળ્યું. પાવર કોરિડોરમાં સૌની આંખઅને કાન ફોરેન ટૂરની લોટરી કોને લાગી અને કોનું નામ કપાયું તેમાં જ રહ્યું છે. ડેલિગેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે મુખ્ય સચિવ મનોજ દાસ, બે અધિક મુખ્ય સચિવ-ACS અનુક્રમે નાણાં વિભાગના ટી. નટરાજન, ઉદ્યોગના મમતા વર્મા,CMOના અગ્રસચિવ સંજીવકુમાર, અધિક અગ્રસચિવ ડો.વિક્રાંત પાંડે અને ઉદ્યોગ કમિશનર પી.સ્વરૂપ જઈ રહ્યા છે. જેમાં છેલ્લી ઘડીએ વાહન વ્યવહાર કમિશનર અને રાજેન્દ્રકુમારનો પણ સમાવેશ થયો છે. કુમાર અમેરિકાના વોશિંગ્ટન DCમાં વર્લ્ડ બેંકમાં 3 વર્ષ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના એડવાઈઝર રહ્યા છે. પરંતુ, આ ડેલિગેશનમાં સીધા કેનેડા જશે ! આ ગોસિપ વચ્ચે 8-9 દિવસ મુખ્ય સચિવનો 'લૂક આફ્ટર' ચાર્જ મેળવવામાં પ્રવરતા યાદીમાં પ્રથમ ACS ચંદ્ર વાનુ સોમ કે પછી ત્રીજાક્રમના ACS અરુણ સોલંકી બાજી મારે છે તેના પર સૌની નજર છે. કારણ લૂક આફ્ટર હશે તે જ ખરા અર્થમાં સ્ટેટ હેડ થઈને વહીવટી ચોપડા દોડાવશે !
શિક્ષાના શિલ્પીને 'શિક્ષા' કેમ મળી ? રણજીથકુમારને ફરીથી કરંટ વાગ્યો
હાઈકોર્ટના હુકમથી સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનને મંગળવારે રાત્રે જ સમગ્ર શિક્ષા અભિયાન-SSAના, પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ગાંધીનગરમાં બદલી દેવાયા હતા. બદલીના એ આદેશથી પ્રશાસનિક વર્તુળોમાં ભારે ખળભળાટ છે. નાગરાજનને ભૂતિયા ડિમોલિશનને કારણે હટાવાયા એ ધારણા મુજબ જ હતું, પરંતુ સૌથી મોટો ધડાકો તો SSAમાંથી રણજીથકુમારની હકાલપટ્ટીમાં થયો છે.શિક્ષા વહેંચતા આ 'શિલ્પી'ને જ સરકારે કંઈ એવી 'શિક્ષા' આપી છે કે, સીધા ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન-GERCમાં સાઈડલાઈન કરી દેવાયા.IAS અને શિક્ષણ સંવર્ગની બિરાદરીમાં ચટકેદાર ગોસિપ ચગી છે કે, રણજીથકુમારના કાર્યકાળમાં SSAમાં કંઈક તોગરબડ થઈ છે. જ્યાં સુશોભન માટે શિલ્પ છે તેવા વિદ્યા સમિક્ષા કેન્દ્રમાંથી તેમને GERCમાં મોકલી દેવાતા સચિવાલયમાં વેધક સવાલ પૂછાઈ રહ્યો છે કે 'સાઈડ ટ્રેક' થયેલા IAS વીજ કમિશનમાં જઈને વહીવટમાં 'અંધારું' દૂર કરશે કે પછી ત્યાંય નવી 'શોર્ટ સર્કિટ' સર્જશે ?
આદિવાસી ક્ષેત્રમાં 'કલેક્ટરનો યોગ',
બે IASને અકસ્માત, વિવાદનું ગ્રહણ
છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈનની સરકારી કારને અકસ્માત નડયો છે. મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ક્ષેત્રો બેફામ ખનીજ ચોરી માટે પંકાયેલા છે. પૂર્વકાળમાં છોટાઉદેપુર જિલ્લાની અલગ રચના થઈ ત્યારે પહેલા કલેક્ટર જેનુ દેવનની સરકારી કાર ઉપર રેતી ભરેલું ટેક્ટર નમી પડયું હતું. વર્તમાન કલેક્ટરની ઈનોવાને બોલેરો જીપે ટક્કર મારી છે. પરંતુ, આ જિલ્લામાં એક દાયકા પહેલાંનો ઘટનાક્રમ બ્યુરોક્રેટની ગોસિપમાં ફરી તરવરી રહ્યો છે. ગુજરાતમાં કલેક્ટરની સરકારી કાર અકસ્માતનો આ કોઈ પહેલો કિસ્સો નથી ! માત્ર છોટાઉદેપુર જ નહિ, પાસેના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાની સ્થિતિ પણ કંઈ અલગ નથી. વર્ષ 2020માં દાહોદ કલેક્ટર રહેતા વિજય ખરાડીની સામે જમીન દફતર કચેરીના બે સરકારી કર્મચારીઓ સાથે ગેરવર્તણૂંકનો અને ગાર્ડ દ્વારા મારપીટનો આક્ષેપ થયો હતો ! ખનીજ માફિયાઓ અને વહીવટી ખટપટોથી ધમધમતા આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં કલેક્ટરોના અકસ્માત અને વિવાદોને કારણે અફસરાનમાં કટાક્ષ થઈ રહ્યો છે કે, આ ગરીબ, પછાત પટ્ટામાં પોસ્ટિંગ પામનારને યા તો વાહન અકસ્માત નડે છે યા તો આક્ષેપોનું ગ્રહણ !
સ્વર્ણિમના ધાબેથી 'હીરોગીરી', શું હવે ચૂંટણીમાં હેલિકોપ્ટરમાં કેમેરો મુકાશે ?
મંત્રીમંડળમાં આજકાલ જનહિતના કામો કરતા સોમવાર-મંગળવારની રીલ હરીફાઈની પરાકાષ્ઠા જોવા મળી રહી છે ! બંધારણીય હોદ્દાની ગરિમા બાજુ પર મૂકીને બોલિવુડના ચર્ચાસ્પદ નટ-નટીઓને પણ શરમાવે તેવી 'હીરોગીરી' કરવાનો એક મંત્રીજીને ચસકો લાગ્યો છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનોને રીલ્સ અને સોશિયલ મીડિયાના યુગમાં શોર્ટકટથી બચવા અપીલ કરી રહ્યા છે ત્યારે એક યુવા મંત્રીએ સ્વર્ણિમ સંકુલમાં પોતાની એન્ટ્રી ડ્રામેટિક અને ફ્લ્મિી લાગે તે માટે છેક ધાબેથી કેમેરામેન ગોઠવીને શૂટિંગ કરાવ્યાની ગોસિપ સચિવાલયમાં છે. જેમ કોઈ ફ્લ્મિી સિતારાની ગ્રાન્ડ એન્ટ્રી થાય, તેમ ધાબાના એંગલથી મંત્રીજીની શૂટિંગ રીલ કેપ્ચર કરાઈ છે. આ ચોંકાવનારો નજારો જોઈ સિનિયર અફસરાન મુછમાં હસી રહ્યા છે કે, ''આ સાહેબાન મંત્રી કરતાં શો-મેન વધારે લાગે છે. વહીવટી ગલિયારામાં તીખો કટાક્ષ થઈ રહ્યો છે કે,અત્યારે તો ધાબું જ ગાજ્યું છે, જો આમનું ચાલ્યું તો ડિસેમ્બર-2027ની ચૂંટણીમાં સ્વ પ્રશસ્તિની રીલ બનાવવા હેલિકોપ્ટરમાંથી શૂટિંગ કરાવશે ! ચર્ચા તો એવી પણ છે કે, ભાજપનું મોવડીમંડળ આ રીલવીર મંત્રીને હોદ્દાનું ભાન કરાવશે કે પછી કોઈ ફ્લોપ ફ્લ્મિની ટિકિટ પધરાવશે.
ઝેન- ઝી આંદોલનની ફળશ્રૂતિઃ ત્રણ મહિના સુધી રિફોર્મ ઉત્સવ ઉજવાશે
દિલ્હીમાં ઝેન- ઝીના આંદોલને કેન્દ્રની ભાજપ સરકારને ઉપરથી નીચે સુધી હચમચાવી નાખી છે, જેના પરિપાકરૂપે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ભાજપ શાસિત રાજ્યોમાં લોકાભિમુખ કાર્યક્રમો, ખાસ કરીને યુવા વર્ગને ટાર્ગેટ કરીને યોજવાનું નક્કી થઈ રહ્યું છે. ભાજપની લેબોરેટરી સમા ગુજરાતમાં પણ આ કાર્યક્રમો થવાના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બુધવારે કેબિનેટ બેઠકની સમાંતર યોજાયેલી સચિવોની બેઠક-CoSમાં મુખ્ય સચિવ મનોજ દાસે આ વિશે સંકેત આપતા કહ્યું કે લોકો પાસેથી સૂચનો અભિપ્રાયો મગાવીને આ બધા કાર્યક્રમો થશે, જેને માટે કેન્દ્રસરકારની સૂચના મળ્યા પછી કાર્યક્રમો નક્કી થશે. એક ટોચના અધિકારી કહે છે, જેમ લોકોને વિવિધ સર્ટિફ્કિેટ્સ આપવા માટે સેવા સેતુના કાર્યક્રમો એરિયા દીઠ થયા હતા તે રીતે આ કાર્યક્રમો યોજવાનું નક્કી થઈ રહ્યું છે. ટૂંકમાં ઝેન-ઝી આંદોલન રંગ લાવી રહ્યું છે, સાન ઠેકાણે લાવી રહ્યું છે. જાગ્યા ત્યાંથી સવાર જેવા અભિયાનને 'રિફોર્મ ઉત્સવ' નામ અપાયું છે. ઓગસ્ટના બીજા સપ્તાહની CoSમાં પણ રાજ્યની આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા લાંબો વિમર્શ થયો હતો.
CM એ સાથે જવાનું કહ્યું પણ IAS મેયરનું સાંભળતા જ નથી તેનું શું ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે પાલિકાઓના કાર્યક્રમમાં ચીફ ઓફિસરોને કમિશનર થવું સહેલું નથી એવું હળવા ટોનમાં કહ્યા પછી શહેરોમાં ચાલતા કામ, સ્વચ્છતા તેમજ નાગરિક સેવાઓના સંચાલન માટે મેયર અને કમિશનરોની સાથે સ્થળ નિરીક્ષણ કરવા જવા સૂચના આપી હતી. સ્ટેજ ઉપરથી મુખ્યમંત્રીના આ ઉદ્દગારો સાંભળીને નવરચિત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત પદાધિકારીઓની આંખ પોતાના કમિશનરો તરફ ગઈ. કોઈ ખુલીને બોલ્યું નહીં પણ થયું છે એવું કે, નવી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર જેવા પ્રથમ નાગરિક-પદાધિકારીઓને ડાયરેક્ટ IAS- કમિશનર કોઈ જ દાદ આપતા નથી ! કેટલાક મેયર તો સામેથી કમિશનરની ચેમ્બરમાં જાય છે છતાંયે વહીવટી કાર્યો તો ઠીક નાગરિક પ્રશ્નોના ઉકેલ માટે પણ 'પ્રો-એક્ટિવ' નથી, તેવી હૈયાવરાળો મહાત્મા મંદિરમાં ઠાલવી રહ્યા હતા. જો કે, કાર્યક્રમમાં આવતા પહેલાં કેબિનેટમાં મુખ્યમંત્રીએ શહેરોમાં ગંદકી સંદર્ભે સેક્રેટરીઓ ઉપર ગુસ્સો ઠાલવ્યો હોવાની ચર્ચા છે. જેની અસર મહાત્મા મંદિરમાં ''સ્વચ્છતા નહીં તો ગ્રાન્ટ નહીં'' સુધી થઈ છે. હવે સાથે મળીને કામ કરવાના આદેશનું કેટલા કમિશનરો પાલન કરે છે તે જોવું રહ્યું.
બે ACSનો એક વાર, એકને MLA એસંભળાવ્યું, બીજાએ લોકોને સાંભળ્યા
સચિવાલયમાં બે અધિક મુખ્ય સચિવ-ACS અફસરોતેમના કામ કરવાની શૈલીને કારણે ચર્ચામાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સામાન્ય વહીવટ વિભાગ-GADએ સોમવાર અનેમંગળવારે ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ, અરજદારો સેક્રેટરીઓને સરળતાથી મળી શકે તે માટે આ બે દિવસે મીટિંગ ન રાખવા વારંવાર કહ્યું છે. પરિપત્રોથી આદેશો કર્યા છે. એમ છતાંય દક્ષિણ ગુજરાતના એક ધારાસભ્યને સ્વર્ણિમ સંકુલ-2ની સામે જ કડવો અનુભવ થયો છે. ચર્ચા છે કે, ધારાસભ્ય વિસ્તારના વહીવટી પ્રશ્ને રૂબરૂ રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે મધ્યાહને ACS ચેમ્બરમાં અપ્રાપ્ય હતા. આથી, ધારાસભ્યે આ ACSના અંગત મદદનીશ-PAને ''સોમવારને CMએ ધરાસભ્યોને મળવા માટે રાખ્યો છે તો શું તમારા સાહેબને CMએ બોલાવ્યા છે ?'' એવો સણસણતો સવાલ દાગી દીધો હતો. આથી PAએ જાણ કરતા ACS મીટિંગ છોડી થોડીક મિનિટોમાં ઉપલબ્ધ થઈ ગયા. આ તરફ સ્વર્ણિમ સંકુલ-1ની સામે આવેલા વિભાગના ACS બુધવારે COS કેબિનેટમીટિંગની અતિ વ્યસ્તતામાં અરજદારોને ટોપ પ્રાયોરિટી આપી રહ્યાનો તફાવત સૌની નજરે ચઢયો છે.
ખાખીઃ બડાસાબને 'બોગસ બિલિંગ' વાળાની કોફી મીઠી લાગી રહી છે !
પોલીસ તંત્રમાં સામાન્ય કોન્સ્ટેબલ ટુ IPS બડાસાબમાં આરોપીઓ સાથે યારી અને બાદશાહી હોવી એ કંઈ નવું નથી. એક બડાસાબ બહુચર્ચિત બોગસ બિલિંગ કૌભાંડના આરોપી રહેલા વેપારીની પેઢીએ, શો રૂમે સ્વયં જાય, સતત જાય અને એ નજારો જનતા રોડ પર જુવે એટલે નાવિન્યતા વધે છે. પોલીસ બિરાદારીમાં બોગસ બિલિંગના ધંધાથી પંકાયેલા વેપારી સાથે 'અતિશય પ્રીતિ'ના પ્રસંગો ધોધમાર વરસાદમાં 'ચા ગરમ અને રકાબી પહોળી, પછી પડે સડાકો' એવી કહેવત સાથે વર્ણન થઈ રહ્યા છે. ગાંધીનગરને અડીને આવેલા અમદાવાદના શહેરી વિસ્તારમાં આ કૌભાંડીની જે ચકાચૌંધ ઓફ્સિ આવેલી છે, ત્યાં આ વરિષ્ઠ પોલીસ અફ્સર અવારનવાર 'બ્લેક કોફી'ની ચુસકીઓ લેતા નજરે પડી રહ્યા છે. કહેવાય છે કે, સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવનારાને ત્યાં સાહેબની હાજરી પાછળના કારણો શોધવા ગુપ્તચરો ચકરાવે ચડયા છે.
અરે વો તો કેનેડા નહીં ગયે અભી
કેરલ મે હૈ !DDO શીપ પણ ગઈ
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ-GADની અને વિદેશ પ્રવાસ માટે ભારત સરકારની મંજૂરી વગર રજા પર જતા રહેલા મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી-DDO ડો. અંચુ વિલ્સનનો વિવાદ હજી શમ્યો નથી. બુધવારે રાતે GADએ તેમનો DDO પદેથી હટાવીને પોતાના તાબા હેઠળ નાયબ સચિવ બનાવીને ખૂણો દેખાડયો છે. કહેવાય છે કે, આ વિવાદ ચગ્યો ત્યારે કેટલાક સિનિયર ઓફિસરોએ મેડમને ફોન કરીને હાજર થવા સમજાવ્યા તો ખબર પડી કે વર્ષ 2021ના IAS કેનેડા નથી ગયા, હજી કેરળમાં જ છે ! છતાંય હાજર થયા નહીં આથી,GAD એ IAS સહિત સરકારી અધિકારીઓની રજાઓ મંજૂરી કરવા માર્ગદર્શિકા જાહેર કરીને તેનો ભંગ કરનાર સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવાનું એલાન કર્યું હતું. આથી, મંજૂરી વગર રજા ઉપર રહેલા નવોદિત IAS સામે હવે બદલી પછી શું કાર્યવાહી થાય છે તે દિલચશ્પ રહેશે. કારણ કે વહીવટી તંત્રમાં આ પહેલો કિસ્સો છે.
પ્રશાસનિક ઈતિહાસઃ એક ફેમિલીમાં 3 IAS, એક IPS, ચારેય ગુજરાતમાં
ગુજરાતના સનદી ઈતિહાસમાં આૃર્ય પમાડે તેવી એક અત્યંત દુર્લભ અને પ્રશાસનિક ઘટના ઓગસ્ટને આરંભે ઘટવા પામી છે. કૃષિ અને સહકાર વિભાગના અગ્રસચિવ રમેશચંદ્ર મીણાના પરિવારના ચાર સભ્યો હવે ગુજરાતના વહીવટી અને પોલીસ તંત્રમાં ઉચ્ચપદે એકસાથે ફરજ બજાવશે. વર્ષ 1997ની બેચના મીણાના પુત્ર હર્ષિલ મીણા 2021માં IAS તરીકે સિલેક્ટ થયા હતા. તેમને કેરળની કેડર મળી હતી. જ્યાં વાયનાડ જિલ્લામાં પ્રોબેશનમાં ટ્રેનિંગ મેળવનારા હર્ષિલના લગ્ન વર્ષ 2024ની બેચના ગુજરાત કેડરના IAS ધારિણી એમ. સાથે થયા છે. જેના આધારે ભારત સરકારે હર્ષિલ મીણાને કેરળથી ગુજરાત કેડરમાં સમાવ્યા છે. હર્ષિલના બહેન માનસી મીણા ગુજરાત કેડરમાં 2023 બેચના IPS છે.IAS અને IPS ભાઈ- બહેને અમદાવાદ, ગાંધીનગરમાં શિક્ષણ મેળવ્યું છે. પોતાના બંને સંતાનો UPSC માટે તૈયારીકરી રહ્યા હતા, સફળતા મેળવી રહ્યા હતા ત્યારે રમેશચંદ્ર મીણા કોવિડ-19ની મહામારી દરમિયાન સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા- સ્પીપાના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા ! આમ, એક જ પરિવારમાંથી એક સાથે ચાર સભ્યો એક રાજ્યમાં સનદી સેવામાં હોય તેવું પહેલીવાર થયું છે.
નશાબંધીઃ ડ્રાઈ સ્ટેટમાં ભીનો વહીવટ, લૂપલાઈન પાંચની ફાઈલ IAS ખોલશે
ગુજરાતમાં નશાબંધી અને આબકારી નિયામક તંત્ર પોતાના 'ચમત્કારિક' વહીવટ માટે પંકાયેલો છે ! અઢી મહિના પહેલા પાંચ પાવરફુલ અધિકારીઓની ખુરશીઓને એકસાથે આંચકી લેવાતા તેમને લૂપલાઈનમાં ધકેલી દેવાયા હતા. એ આંચકો હજી શમ્યો નહોતો, ત્યાં તો સરકારે બીજો ધડાકો કર્યો ! આ પાંચેય અફ્સરો સામેની ખાતાકીય તપાસનો દોર સીધો એક નિવૃત્ત IAS અધિકારીના હાથમાં સોંપી દેવાયો છે. રિટાયર્ડ IASની એન્ટ્રીથી નશાબંધી તંત્રમાં ઘણાખરાના બ્લડપ્રેશર પણ વધી ગયા છે ! પાટનગરના ચૌરે ને ચૌટે ચર્ચા ચગી છે કે, નિવૃત્ત IASની આ કલમ ખરેખરકૌભાંડનું 'દૂધ અને પાણી' અલગ કરશે કે પછી નેપથ્યમાં જેમણે કારીગરી કરી છે તેમને ઉગારી લેશે ? લૂપલાઈનના પાંચ સિવાય પણ જે કિરદારોએ કમાલ કરી છે તેમના પાના કોણ અને કેવી રીતે ખોલે છે તે જોવાનું રહેશે.
