ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વૉટસએપ જેવી સોશિયલ મીડિયા સાઈટ્સનું સંચાલન કરતી મુખ્ય કંપની મેટા ભારતની અને ભારતીયોની પોસ્ટમાંથી મબલખ કમાણી કરવાનો મનસુબો સેવતી હતી પણ તાજેતરમાં તેની ફેસબુક પરથી પીએમ મોદીની પોસ્ટ હટાવવાનું કારસ્તાન તેને મોંઘું પડી ગયું. ભારત સરકારે મેટાની ગ્લોબલ ટીમ અને ગ્લોબલ હેડ પાસે જવાબ માંગ્યો હતો કે કોની મંજૂરીથી તમે પીએમ મોદીની પોસ્ટ હટાવી? અને શા માટે હટાવી? મેટાનાં માલિક માર્ક ઝુકરબર્ગ અને મેટાનાં ગ્લોબલ હેડને આ મુદ્દે મોદીની અને ભારત સરકારની માફી માંગવી પડી છે. મેટાએ પૈસા લઈને ફેસબુક સહિતનાં પ્લેટફોર્મ પર બાળકો સાથે જાતિય શોષણની સામગ્રી વાઈરલ કરી હતી. બાળકોની વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવાથી મેટાને કરોડોની રકમ મળતી હોવાની તેણે કબૂલાત કરી હતી. ચોક્કસ પ્રકારની કન્ટેન્ટ તેમજ ડીપફેકને પ્રોત્સાહન આપવા માટે તેને અઢળક રૂપિયા મળ્યા હતા. પણ કરોડો રૂપિયાની કમાણી કરવાની તેની મંશા પીએમ મોદીની ફેસબુક પરથી પોસ્ટ હટાવ્યા પછી તેને ભારે પડી હતી. તેનાં કાળા કરતૂતો ઉઘાડા પડી ગયા હતા. ભારત સરકાર મેટા પર ભડકી હતી અને મેટાની ગ્લોબલ ટીમને ભારત બોલાવી તેને રિમાન્ડ પર લીધી હતી. મેટાને પુછયું હતું કે બાળકોનાં જાતિય શોષણની કન્ટેન્ટને રોકવા માટે તેણે કેવા પગલાં લીધા છે? છૈં જનરેટેડ કન્ટેન્ટનું કેટલું અસરકારક નિરીક્ષણ કરવામાં આવે છે? ડીપફેક પોસ્ટને રોકવા માટે કંપનીએ શું કર્યું છે? પીએમ મોદીની પોસ્ટ હટાવવાનાં મુદ્દે ભારતનાં કડક વલણ પછી મેટાનાં સ્થાપક માર્ક ઝુકરબર્ગ ભારતને ઘૂંટણિયે પડયા હતા.મેટાની ગ્લોબલ ટીમની ભારતનાં આઈટી મંત્રાલયનાં પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને અધિકારીઓની મિટિંગમાં ભારતે તેમનો ઉધડો લીધો હતો. ભારતે મેટાને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે અમેરિકાનાં કાયદા મુજબ ભારતમાં મેટાનાં પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ કે વૉટસએપ ચાલી શકશે નહીં. અહીં ભારતનાં આઈટી કાયદાનું પાલન કરવું પડશે અન્યથા ભારતમાંથી ઉચાળા ભરવા પડશે. ભારતે મેટાનાં અલ્ગોરિધમ, કન્ટેન્ટ મોડરેશન, નિયમોનું પાલન કરવાની સિસ્ટમ તેમજ સુરક્ષાનાં ઉપાયો અંગે મેટાને પાઠ ભણાવ્યો હતો. ભારતે મેટાને સખત શબ્દોમાં ચેતવણી આપી હતી કે દરેક સંસ્થા અને કંપનીની જેમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની પણ સમાજ અને કાયદા પ્રત્યે જવાબદારી છે. તેમાં કાઈપણ પ્રકારનું સમાધાન ચલાવી લેવાશે નહીં. મેટાને એમ કે ભારતમાં તેની લાલિયાવાડી ચાલી જશે પણ તેને ખબર નથી કે ભારતનાં શાસકો જ્યારે વિફરે છે ત્યારે ભલભલાને ભૂ પાઈ દે છે. મેટાએ ભારતમાં કામગીરી કરવી હશે અને તેનું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો ભારત કહે તે પ્રમાણે ભારતનાં નિયમોનું પાલન કરીને કારોબાર કરવો પડશે. તેની મનમાની કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.
