અત્યારે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા ધુઆંધાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની સચોટ આગાહીઓને કારણે તંત્ર અને સામાન્ય જનતા અગાઉથી જ એલર્ટ થઈ શક્યા છે. વાદળોનો આ મિજાજ જોઈને સહજ પ્રશ્ન થાય કે, માનવીએ હવામાન અને વરસાદની આગાહીઓ કરવામાં કેટલી અદ્ભૂત વૈજ્ઞાનિક પ્રગતિ કરી છે. આજે જ્યારે આપણે મોબાઈલમાં એક સિંગલ ક્લિક પર આગામી કલાકોમાં કેટલો વરસાદ પડશે તેની જાણકારી મેળવી લઈએ છીએ, ત્યારે આ સફળતા પાછળ પ્રકૃતિના સૂક્ષ્મ નિરીક્ષણથી શરૂ થઈને અંતરિક્ષમાં સેટેલાઈટ ગોઠવવા સુધીની એક વિશાળ વૈજ્ઞાનિક યાત્રા છુપાયેલી છે.

આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ નહોતો થયો ત્યારે પણ માનવી પ્રકૃતિના સંકેતો વાંચવામાં નિષ્ણાત હતો. ભારતમાં પ્રાચીનકાળથી જ વરસાદના પૂર્વાનુમાન માટે લોકવિજ્ઞાનનો ઉપયોગ થતો રહ્યો છે, જેને 'ભડલી વાક્યો' કે 'વર્ષા પ્રશ્ન' કહેવાય છે. પૂર્વજો કીડીઓનું ઇંડા લઈને ઊંચા સ્થાને જવું, પક્ષીઓનું ધૂળમાં નાહવું, મોરનો અકાળે ટહૂકો, પીપળાના પાંદડાઓની હલચલ, વાદળોના રંગ અને પવનની દિશા જોઈને વરસાદનું અનુમાન લગાવતા હતા. આ સિવાય ભારતીય પરંપરામાં વરાહમિહિર રચિત 'બૃહત્સંહિતા' એક અત્યંત અધિકૃત ગ્રંથ ગણાય છે, જેમાં 'ગર્ભલક્ષણ' અને 'પ્રવર્ષણ' જેવા પ્રકરણોમાં વાદળો ક્યારે ગર્ભ ધારણ કરે છે અને ક્યારે વરસે છે તેની ખગોળશાસ્ત્રીય ગણતરીઓ આપી છે. આ ઉપરાંત 'મેઘમાલા', 'સૂર્યસિદ્ધાંત' અને કૌટિલ્યના 'અર્થશાસ્ત્ર'માં પણ વરસાદ માપવાના સાધનો (રેન ગેજનું પ્રાચીન સ્વરૂપ) અને આગાહીના ઉલ્લેખો મળે છે. મહાકાવ્ય રામાયણના કિષ્કિંધા કાંડમાં શ્રીરામ દ્વારા ચોમાસાના વાદળોના બંધાવાનું વિજ્ઞાન અને મહાભારતમાં યજ્ઞના ધુમાડામાંથી વાદળ બનવાનું પૃથ્વીનું ચક્ર વર્ણવવામાં આવ્યું છે, જ્યારે કાલિદાસના 'મેઘદૂતમ્' અને સંત તિરુવલ્લુવરના 'તિરુકુરલ'માં પણ વરસાદના મહત્વ અને તેના આગમનની કલાત્મક રજૂઆત કરવામાં આવી છે.

વિજ્ઞાનની દૃષ્ટિએ હવામાનની સત્તાવાર આગાહીઓનો પ્રારંભ 17મી અને 18મી સદીમાં થર્મોમીટર અને બેરોમીટર (હવાનું દબાણ માપક)ની શોધ સાથે થયો હતો. શરૂઆતમાં માત્ર હવાના દબાણમાં થતા ઘટાડા પરથી તોફાન કે વરસાદની ધારણા કરાતી હતી. 19મી સદીમાં ટેલિગ્રાફની શોધ થતાં વિવિધ સ્થળોએથી માહિતી એકત્ર કરી વેધર મેપ' બનાવવાનું શરૂ થયું, પરંતુ ખરી ક્રાંતિ 20મી અને 21મી સદીમાં આવી. આજે સુપરકોમ્પ્યુટર, ડોપ્લર વેધર રડાર (Doppler Weather Radar), વાતાવરણીય મોડેલિંગ અને સેટેલાઈટ ટેકનોલોજીના કારણે વરસાદ અને વાવાઝોડાની આગાહી અત્યંત સચોટ બની ગઈ છે. ભારતમાં 1875માં સ્થપાયેલું 'ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ' (IMD) આજે એશિયાના સૌથી આધુનિક હવામાનકેન્દ્રોમાંનું એક છે. ઉપગ્રહો (INSAT,IRS) અને ડોપ્લર રડાર સમુદ્રમાં સર્જાતા ઓછા દબાણ (Low Pressure), ડિપ્રેશન અને ચક્રવાતને ક્ષણે-ક્ષણ ટ્રેક કરે છે. વાવાઝોડું કઈ ઝડપે આગળ વધશે અને કયા દરિયાકાંઠે (Landfall) ત્રાટકશે તેની પળેપળની ચોક્કસ માહિતી કલાકો પહેલાં મળી જાય છે.

દરિયામાં સફર કરતા માછીમારો માટે પણ આ વિજ્ઞાન વરદાનરૂપ સાબિત થયું છે. તોફાન કે કરંટની શક્યતા હોય ત્યારે કોસ્ટ ગાર્ડ અને મોસમ વિભાગ દ્વારા સેટેલાઈટ આધારિત 'ગગન' (GAGAN) અને 'નાવિક' (NaVIC) સિસ્ટમ તેમજ બંદરો પર 1થી 11 નંબરના ભયસૂચક સિગ્નલો લગાવીને માછીમારોને સાવધ કરાય છે. અમેરિકા (NOAA) અને યુરોપ જેવા વિકસિત દેશોમાં હવામાનની આજના યુગની સચોટ આગાહી માત્ર સલામતી પૂરતી મર્યાદિત નથી, પરંતુ એવિએશન, એનર્જી અને કૃષિ ક્ષેત્રે અબજો ડોલરના આર્થિક નુકસાનને રોકવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતમાં પણ આધુનિક ટેકનોલોજીનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવા માટે 'મેઘદૂત' અને 'દામિની' જેવી મોબાઈલ ઍપ,SMS એલેર્ટ, ઓલ ઈન્ડિયા રેડિયો, સ્થાનિક ચેનલો અને આપત્તિ વ્યવસ્થાપન (NDRF/GSDMA)નાનેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં હવામાન વિજ્ઞાન અને આગાહી ક્ષેત્રે ટેકનોલોજીની દૃષ્ટિએ અમેરિકા, યુરોપિયન યુનિયન, જપાન, બ્રિટન અને ચીન જેવા દેશો સૌથી આધુનિક મનાય છે. યુરોપિયન યુનિયનનું 'ECMWF' મોડેલ સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વેધર પ્રેડિક્શન અને મધ્યમ ગાળાની આગાહીઓ માટે સૌથી સચોટ ગણાય છે. અમેરિકાનું 'NOAA' વિશાળ સેટેલાઈટ નેટવર્ક, સુપરકોમ્પ્યુટર્સ અને હરિકેનને ટ્રેક કરવા માટે ખાસ વિમાનો (Hurricane Hunters) ધરાવે છે, જ્યારે જપાનનું JMA' ભૂકંપ, ત્સુનામી અને વાવાઝોડાની ઝડપી અર્લી વોર્નિંગ સિસ્ટમ માટે વિશ્વભરમાં અગ્રેસર છે. બ્રિટનનું 'Met Office' તેનાઅદ્યતન ક્લાયમેટ મોડેલિંગ માટે અને ચીન 'ફંગયુન' શ્રોણીના પોતાના હવામાન ઉપગ્રહોના નેટવર્ક માટે જાણીતું છે.

ભારતના હવામાન ખાતા (IMD)ની સ્થિતિ વિશે વાત કરીએતો, તે પણ આજે વિશ્વના અગ્રણી અને અત્યંત વિશ્વાસપાત્ર કેન્દ્રોમાંથી એક ગણાય છે. સંયુક્ત રાષ્ટ્ર (WMO) દ્વારા હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઉદ્ભવતા ચક્રવાતોની આગાહી માટે ભારતને પ્રાદેશિક વિશેષજ્ઞ કેન્દ્ર (RSMC) તરીકેઘોષિત કરવામાં આવ્યું છે. ચક્રવાતો (જેમ કે ફાની, બિપરજોય)ના ચોક્કસ લેન્ડફોલનું પૂર્વાનુમાન કરવામાં IMDની સચોટતા અમેરિકા કે યુરોપ જેટલી જ શ્રોષ્ઠ સાબિત થઈ છે. ભારત પાસે INSAT-3D જેવા સમર્પિત ઉપગ્રહો, દેશભરમાં પથરાયેલાં ડોપ્લર વેધર રડાર અને 'પ્રત્યુષ' તથા 'મિહિર' જેવા શક્તિશાળી સુપરકોમ્પ્યુટર્સનું નેટવર્ક છે. ભૌગોલિક કદ અને બજેટની દૃષ્ટિએ પાશ્ચાત્ય દેશો આગળ હોવા છતાં, ચોમાસા (Monsoon) અને વિષુવવૃત્તીય હવામાનની આગાહીઓ કરવામાં ભારતનોIMDવિભાગ વિશ્વની ટોચની સંસ્થાઓની હરોળમાં સ્થાન ધરાવે છે.

અત્યારે જ્યારે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી (ઓરેન્જ/રેડ એલેર્ટ) આપવામાં આવી છે, ત્યારે હવામાન વિજ્ઞાનની આ જ ક્રાંતિને કારણે વહીવટીતંત્ર પૂરની સ્થિતિ પહોંચી વળવા સજ્જ બન્યું છે અને લોકોને સલામત સ્થળે રહેવાની સૂચના આપી શકાયી છે. પ્રાચીન કાળના નિરીક્ષણોથી શરૂ થયેલી આ વૈજ્ઞાનિક ક્રાંતિએ આજે માનવજીવન અને માલમિલકતની સુરક્ષામાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે.