લોકશાહીમાં ઘણી વખત એવી ક્ષણો આવે છે, જે કોઈ એક ઘટનાથી ઘણાં મોટા બની જાય છે. તે માત્ર એટલા માટે ઇતિહાસ બનતા નથી કે કોઈ મંત્રીએ રાજીનામું આપ્યું હોય, કોઈ સરકારે નિર્ણય બદલ્યો હોય કે કોઈ અદાલતે મહત્વનો આદેશ આપ્યો હોય. તેઓ ઇતિહાસ એટલા માટે બને છે કે સમાજમાં ચાલી રહેલા પરિવર્તનને પ્રથમ વખત ખુલ્લેઆમ ઉજાગર કરે છે.NEETને લઈને ઊભો થયેલો વિવાદ અને ત્યારબાદ શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન પણ કદાચ આવાજ એક પરિવર્તનનો સંકેત છે. 

આ હવે માત્ર એક પરીક્ષાનો મુદ્દો રહ્યો નથી. આ લાખો પરિવારોની ચિંતાનો વિષય બની ગયો છે, જેમના માટે શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ સામાજિક અને આર્થિક પરિવર્તનનું સૌથી શક્તિશાળી માધ્યમ છે. જ્યારે કોઈ પરીક્ષાની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઊભા થાય છે, ત્યારે માત્ર પ્રશ્નપત્ર જ લીક થતું નથી, પરંતુ મહેનત પરનો વિશ્વાસ પણ તૂટી જાય છે. આ જ કારણ છે કે NEET આંદોલનને માત્ર *પેપર લીક વિવાદ* સુધી મર્યાદિત રાખી શકાય તેમ નથી. આએ પેઢીની પ્રતિક્રિયા છે, જે પોતાના અધિકારો પ્રત્યે અગાઉની પેઢીઓ કરતાં વધુ જાગૃત છે, જે વધુ સ્પષ્ટપણે પોતાનો અવાજ ઉઠાવે છે અને ટેક્નોલોજીની મદદથી પહેલાં કરતાં ઘણી વધુ સંગઠિત બની છે.

આ આંદોલન અલગ કેમ હતું?

ભારતે વિદ્યાર્થી આંદોલનોનો લાંબો ઇતિહાસ જોયો છે. ક્યારેક ભાષાના પ્રશ્ને, ક્યારેક અનામતના મુદ્દે, ક્યારેક ફીમાં વધારાના વિરોધમાં અને ક્યારેક રાજકીય પરિવર્તન માટે વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતર્યા છે. પરંતુ આ આંદોલનની પ્રકૃતિ અલગ હતી. 

આ આંદોલન કોઈ રાજકીય વિચારધારામાંથી જન્મ્યું નહોતું, પરંતુ વિશ્વાસના સંકટમાંથી ઊભું થયું હતું. તેની શરૂઆત કોઈ રાજકીય પક્ષે કરી નહોતી. તેનો પ્રથમ અવાજ એવા વિદ્યાર્થીઓએ ઉઠાવ્યો હતો, જેમને લાગ્યું કે તેમની મહેનત અને તેમના ભવિષ્યની વચ્ચે કોઈ અદ્રશ્ય વ્યવસ્થા અવરોધ બનીને ઊભી થઈ ગઈ છે. અહીંથી એક નવી તસવીર સામે આવી. આજનો વિદ્યાર્થી માત્ર પરીક્ષા આપતો નથી. તે સોશિયલ મીડિયા પર પોતાની વાત પણ રજૂ કરે છે. જરૂર પડે તો અદાલત સુધી પહોંચે છે. તથ્યો એકત્રિત કરે છે. અને પોતાના પ્રશ્નોને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય પણ બનાવી શકે છે. આ જ આ સમગ્ર આંદોલનની સૌથી મોટી વિશેષતા રહી.

Gen-Zની રાજનીતિઃ વિચારધારા નહીં, મુદ્દો કેન્દ્રમાં

એક સમય હતો જ્યારે યુવાનોની રાજનીતિને માત્ર વિદ્યાર્થી સંગઠનો અને યુનિવર્સિટી કેમ્પસ સુધી મર્યાદિત માનવામાં આવતી હતી. પરંતુ આજની પેઢી તે પરંપરાગત માળખામાંથી બહારઆવી ચૂકી છે. આજનો Gen-Z કોઈ એક રાજકીય વિચારધારા સાથે કાયમી રીતે જોડાયેલો રહેતો નથી. તે મુદ્દાઓ સાથે જોડાય છે. તેને રોજગાર જોઈએ. તેને નિષ્પક્ષ પરીક્ષા જોઈએ. તેને પારદર્શક વ્યવસ્થા જોઈએ. અને તેને જવાબદાર સંસ્થાઓ જોઈએ. 

આ પેઢીની સૌથી મોટી તાકાત તેની ડિજિટલ એકતા છે. અગાઉ આંદોલનો માત્ર શહેરોના રસ્તાઓ પર જોવા મળતા હતા. આજે આંદોલનો મોબાઇલની સ્ક્રીન પર પણ દેખાય છે. અગાઉ ધરણાં કોઈ એક સ્થળ પૂરતાં મર્યાદિત રહેતાં હતા. આજે એક હેશટેગથી આંદોલન થોડા જ કલાકોમાં લાખો લોકો સુધી પહોંચી શકે છે. આ જ કારણ છે કે આજે સત્તા માત્ર રસ્તા પરના વિરોધ પ્રદર્શનને જ નહીં, પરંતુ ડિજિટલ જનમતને પણ ગંભીરતાથી લેવા લાગી છે.

શું સોશિયલ મીડિયાએ રાજકારણ બદલી નાખ્યું છે?

આ સમગ્ર આંદોલનનો સૌથી મોટો પાઠ એ પણ છે કે સોશિયલ મીડિયા હવે માત્ર મનોરંજનનું માધ્યમ રહ્યું નથી. તે હવે જનમત નિર્માણનું શક્તિશાળી સાધન બની ગયું છે. એક સમય હતો જ્યારે સમાચાર મુખ્યત્વે ટીવી ચેનલો અને અખબારો દ્વારા લોકો સુધી પહોંચતા હતા. આજે ઘણી વખત સોશિયલ મીડિયા પર ઉઠેલા મુદ્દાઓ મુખ્ય પ્રવાહના મીડિયાનો વિષય બની જાય છે.NEET વિવાદમાં પણ આવું જ જોવા મળ્યું. વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો જાહેર કર્યા, આંકડા રજૂ કર્યા, પ્રશ્નો ઉઠાવ્યા અને ધીમે-ધીમે એ જ પ્રશ્નો રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયા. પરંતુ એટલું જ સત્ય એ પણ છે કે સોશિયલ મીડિયા પર માહિતી જેટલી ઝડપથી ફેલાય છે, એટલી જ ઝડપથી ભ્રામક માહિતી અને અફ્વાઓ પણ પ્રસરે છે. 

શું માત્ર મંત્રી બદલવાથી વ્યવસ્થા બદલાઈ જાય છે?

લોકશાહી વ્યવસ્થામાં રાજકીય જવાબદારી અત્યંત જરૂરી છે. કોઈ મોટા વિવાદ પછી સરકાર જો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લે, તો તેનું પોતાનું રાજકીય મહત્ત્વ હોય છે. પરંતુ તેનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે શું માત્ર ટોચના સ્તરે ફેરફાર કરી દેવાથી સંસ્થાકીય સમસ્યાઓનો અંત આવી જાય છે? જો પરીક્ષા યોજતી સંસ્થાઓની કાર્યપદ્ધતિ, સુરક્ષા વ્યવસ્થા, ટેક્નિકલ દેખરેખ, જવાબદારી અને પારદર્શિતામાં સુધારો નહીં થાય, તો ભવિષ્યમાં પણ આવા સંકટો ફરી સર્જાઈ શકે છે. વ્યક્તિ બદલવો પ્રમાણમાં સરળ છે, પરંતુ વ્યવસ્થા બદલવી ઘણી મુશ્કેલ છે. પરંતુ જો વ્યવસ્થા બદલાશે નહીં, તો દર થોડાં વર્ષોએ એ જ ચર્ચા ફરી શરૂ થશે, ફ્ક્ત ચહેરા બદલાઈ જશે.

ખરી કસોટી હવે શરૂ થાય છે

કોઈપણ સંકટ પછી સૌથી મોટો પડકાર વિશ્વાસને ફરીથી સ્થાપિત કરવાનો હોય છે. પરીક્ષા માત્ર પ્રશ્નોના જવાબ આપવાની પ્રક્રિયા નથી. તે વિશ્વાસનું પ્રતિક છે, જેમાં વિદ્યાર્થી માને છે કે તેની મહેનતનું નિષ્પક્ષ મૂલ્યાંકન થશે. જો આ વિશ્વાસ જ નબળો પડી જાય, તો માત્ર પરિણામો જ નહીં, પરંતુ સમગ્ર વ્યવસ્થા પ્રભાવિત થાય છે. આજે જરૂર માત્ર દોષ નક્કી કરવાનો નથી. જરૂર એવી પરીક્ષા વ્યવસ્થા ઊભી કરવાની છે, જેમાં ટેક્નોલોજી, સતત દેખરેખ, પારદર્શિતા અને સમયબદ્ધ જવાબદારી- આ ચારેય બાબતો સાથે મળીને કાર્ય કરે. 

ભવિષ્યનું રાજકારણ કેવું હશે?

શક્ય છે કે આવનારા વર્ષોમાં ભારતના રાજકારણમાં યુવા વર્ગની ભૂમિકા વધુ નિર્ણાયક બની જાય. પરંતુ આ ભૂમિકા પરંપરાગત રાજકારણ જેવી નહીં હોય. તે રોજગાર, શિક્ષણ, ટેક્નોલોજી, પારદર્શિતા અને સંસ્થાકીય જવાબદારી જેવા મુદ્દાઓની આસપાસ કેન્દ્રિત રહેશે. નવી પેઢી હવે માત્ર ભાવનાત્મક સૂત્રો નહીં, પરંતુ પરિણામો ઈચ્છે છે. તેને માત્ર જાહેરાતો નહીં, પરંતુ કાર્યક્ષમ વ્યવસ્થા જોઈએ છે. તે કોઈપણ સરકારને સમર્થન આપી શકે છે. 

એક આંદોલન... અનેક પાઠ

NEET આંદોલનનું અંતિમ મૂલ્યાંકન કોઈ એક રાજકીય ઘટના કે કોઈ એક વહીવટી નિર્ણયના આધારે નહીં થાય. તેનું સાચું મહત્ત્વ એ વાત પરથી નક્કી થશે કે શું આ આંદોલને ભારતની પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક, વધુ સુરક્ષિત અને વધુ જવાબદાર બનાવી. જો આ આંદોલન પછી માત્ર ચર્ચાઓ બદલાઈ અને વ્યવસ્થામાં કોઈ ફેરફાર ન થયો, તો આ એક ઐતિહાસિક તક અધૂરી રહી જશે. 

આખરે, કોઈપણ લોકશાહીની સૌથી મોટી તાકાત તેની સરકાર નથી, પરંતુ એવો જાગૃત નાગરિક છે, જે સવાલ પૂછવાની હિંમત રાખે છે. અને કોઈપણ રાષ્ટ્રની સૌથી મોટી મૂડી તેની યુવા પેઢી છે, જે આ વિશ્વાસ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશે છે કે તેની મહેનતનું મૂલ્ય માત્ર તેની પ્રતિભા અને યોગ્યતાના આધારે નક્કી થશે- કોઈ લીક થયેલા પ્રશ્નપત્ર અથવા નબળી વ્યવસ્થાના આધારે નહીં.