વર્ષના કેલેન્ડરમાં નજર કરીએ તો એક થી બે એવા મોકો મળી જાય છે જેમાં 3 થી 5 દિવસની રજાનો મેળ પડી જતો હોય છે. રવિવારની નજીકના દિવસોમાં એક કે પછી બે તહેવારોની રજા આવતાં જ સૌથી પહેલો વિચાર ફરવા જવાનો આવે તે સ્વાભાવિક છે. જો કે હવે ટ્રેન્ડ બદલાયો છે. લાંબી રજાઓમાં ફરવા જવું હવે એક ચેલેન્જિંગ જોબ સમાન સાબિત થઇ રહ્યું છે. ગુજરાતી સંસ્કૃતિમાં સળંગ રજાઓનો પોતાનો એક અલગ જ આનંદ રહ્યો છે. અગાઉના સમયમાં જ્યારે તહેવારોમાં અથવા ઉનાળાની રજાઓમાં બે કે ત્રણ દિવસની રજાઓ મળતી ત્યારે તેઓ પરિવાર સાથે નજીકના કે દૂરના ફરવાના સ્થળોની મુલાકાત લેતા. એ દિવસોમાં ફરવા જવું એક સ્વાભાવિક અને સરળ પ્રક્રિયા હતી. બસ કે ટ્રેનમાં ટિકિટ બુક કરાવીને કે પોતાની ગાડી લઈને લોકો નિશ્ચિતપણે પ્રવાસે જતાં. ફરવાનું કારણ માત્ર મનોરંજન નહોતું, પરંતુ પરિવાર સાથે એકાંતમાં સમય પસાર કરવાનો, રોજિંદા જીવનમાંથી થોડી ક્ષણ માટે વિરામ મેળવવાનો અને પ્રકૃતિ સાથે ફરીથી જોડાવાનો મોકો હતો.
પહેલાંના સમયમાં લોકોની જીવનશૈલી સરળ હતી. લોકો પાસે મનોરંજનના વિકલ્પો ઓછા હતાં, મોબાઇલ અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ ન હતી, એટલે ફરવા જવું એ એક મહત્વપૂર્ણ માધ્યમ ગણાતું. બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરતા સમયે લોકો એકબીજાની સાથે વાતો કરતા, ગીતો ગાતા, રમતો રમતા અને નવી મિત્રતા પણ જોડી લેતા. હોટેલોનો ખર્ચ પણ સામાન્ય વર્ગ માટે સહેલો હતો. સિઝનના દિવસોમાં પણ ખાસ ભાડામાં વધારો થતો નહોતો. પાર્કિંગની તકલીફો ઓછી હતી કારણ કે પ્રાઈવેટ વાહનોનું પ્રમાણ આજની સરખામણીએ ઘણું ઓછું હતું. આમ, ફરવાનું સાચે જ *રિલેક્સ થવાનો* અનુભવ આપતું.
જો કે, સમય બદલાયો. આધુનિક જીવનશૈલી સાથે માણસોની આવકમાં વધારો થયો. એક તરફ લોકોની ખરીદી શક્તિ વધી છે તો બીજી તરફ સ્ટ્રેસ અને ટેન્શન પણ વધ્યાં છે. આજના સમયમાં મોટા ભાગે દરેક વ્યક્તિ પાસે મોટરકાર કે બાઈક છે. બસ-ટ્રેન ઉપરાંત એર ટ્રાવેલના વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ છે. ઓનલાઇન બુકિંગ, ઓટીટી પ્લેટફોર્મ પર પ્રવાસી વ્લોગ્સ, સોશિયલ મીડિયા પર ફેટા અને રીલ્સના કારણે લોકો સતત નવા સ્થળો જોવા પ્રેરાય છે. પરિણામે હવે સળંગ રજાઓ કે તહેવારોમાં -ફરવા જવું એ ફરજિયાત જ છે- એવી માનસિકતા ઘડી ગઈ છે. પરંતુ આ વધેલા ટ્રેન્ડે ફરવાની મજા કરતા ચેલેન્જ વધારે ઊભી કરી દીધી છે.
આજે જો લાંબી રજાઓ કે તહેવારોમાં તમે પરિવાર સાથે બહાર જવાનો પ્લાન બનાવો, તો તે રજાઓનો આનંદ માણવાની જગ્યાએ એક *ટાસ્ક* પૂર્ણ કરવા જેવું બની જાય છે. સૌથી પહેલું મોટું પડકાર હોય છે હોટેલના ભાડાનું. સામાન્ય દિવસોમાં જે રૂમનું ભાડું રૂ.2000 હોય છે, તે તહેવારો કે વેકેશન સિઝનમાં રૂ.5000 કે રૂ.7000 સુધી પહોંચી જાય છે. ક્યારેક તો એડવાન્સ બુકિંગ હોવા છતાં ઓવરબુકિંગના કારણે લોકોને વિકલ્પો શોધવા પડે છે. હોટેલ ઉદ્યોગ માટે આ સીઝન કમાણીનો સુવર્ણ અવસર છે, બીજું મોટું મુશ્કેલીભર્યું કારણ છે હાઈવે પર ટ્રાફ્કિ. નેશનલ હાઈવે ઓથોરિટીના ડેટા મુજબ ગુજરાતમાં તહેવારો દરમિયાન ટ્રાફ્કિનું પ્રમાણ સામાન્ય દિવસોની તુલનાએ 40 થી 50 ટકા વધી જાય છે. પરિણામે અમદાવાદથી માઉન્ટ આબુ જેવી સામાન્ય રીતે 5 કલાકની મુસાફરી ક્યારેક 7 થી 8 કલાક લઈ જાય છે. મુસાફરીમાં સમય વધારે જતા થાક વધી જાય છે અને ફરવાનો આનંદ ઓછો થઈ જાય છે. પાર્કિંગ પણ એક ગંભીર સમસ્યા છે. લોકપ્રિય ટૂરિસ્ટ સ્પોટ્સ પર, જેમ કે સાપુતારા, ગીરમાં સિંહ દર્શન, કે દ્વારકામાં તહેવારો દરમિયાન એક એક વાહન પાર્ક કરવા માટે લાંબી લાઈનો લાગી જાય છે. ક્યારેક લોકો ફરવા જવાના બદલે પાર્કિંગની વ્યવસ્થા માટે જ કલાકો બગાડે છે. ફરવા જતાં બીજું મોટું ચેલેન્જ છે રેસ્ટોરન્ટમાં લાંબું વેઇટિંગ. ખાસ કરીને પરિવાર સાથે હોય ત્યારે બાળકોને ભૂખ્યા રાખવું મુશ્કેલ થઈ પડે છે. ઉદાહરણ તરીકે, સપ્તાહાંત કે દિવાળી-નવા વર્ષની સિઝનમાં રેસ્ટોરન્ટમાં પણ 1 થી 2 કલાક વેઇટિંગ સામાન્ય બની ગયું છે. આમ, જમવાનો આનંદ માણવાની જગ્યાએ ડાઇનિંગ ટેબલ પર પહોંચતા જ કલાકો નીકળી જાય છે. ઉપરાંત, ફરવાના સ્થળોએ અસામાન્ય ભીડ હોય છે. એક સમયે જ્યાં લોકો પ્રકૃતિનો આનંદ માણવા કે મંદિરોમાં શાંતિનો અનુભવ કરવા જતાં, ત્યાં હવે ધક્કામુક્કી, અવાજ, ફેટા ખેંચવા માટેની દોડધામ જોવા મળે છે. યુનેસ્કોની યાદીમાં આવેલા રાણીની વાવ જેવી હેરિટેજ સાઇટ્સમાં પણ તહેવારો દરમિયાન એટલી ભીડ થઈ જાય છે કે કલાકો સુધી પ્રવેશ મેળવવો મુશ્કેલ બને છે.
આ બદલાવ શા માટે આવ્યો? તેના ઘણા કારણો છે. સૌપ્રથમ મધ્યમ વર્ગ પાસે ખર્ચ કરવાની શક્તિ વધી ગઈ છે. ઘર, કાર,ઇલેક્ટ્રોનિક્સ પછી 'અનુભવો ખરીદવાની' ટેવ વધી છે, જેમાં પ્રવાસ અગત્યનો ભાગ છે. બીજું કારણ છે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. ગૂગલ મેપ્સથી લઇને ઓનલાઈન ટિકિટ બુકિંગ સુધીની સહેલાઈએ લોકોને બહાર જવા પ્રોત્સાહિત કર્યા છે. પહેલાં જેમ બસ કે ટ્રેનની લાંબી લાઈનમાં ઊભા રહેવું પડતું, તે ઝંઝટ હવે નથી. કાર લોન સરળતાથી મળતી હોવાથી પ્રાઈવેટ વાહનોની સંખ્યા પણ ઘણી વધી ગઈ છે. ત્રીજું, સ્ટ્રેસ અને ટેન્શનવાળી જોબમાંથી રિલેક્સ થવાની માનસિકતા. લોકો માને છે કે રજાઓ દરમિયાન ફરવું જ સ્ટ્રેસ ઘટાડવાનો શ્રેષ્ઠ રસ્તો છે. મલ્ટિનેશનલ કંપનીઓમાં કામ કરનાર લોકો માટે ફરવા જવું 'મેન્ટલ હેલ્થ' માટે જરૂરી ગણાય છે. ચોથું, પરિવાર સાથે સમય પસાર કરવાની જરૂરિયાત. આજના સમયમાં દરેક સભ્ય વ્યસ્ત રહે છે. માતા-પિતા નોકરીમાં, બાળકો અભ્યાસ અને ઓનલાઇન એક્ટિવિટીમાં વ્યસ્ત. આવા સમયમાં સળંગ રજાઓ પરિવારને એકત્ર મળવાનો અવસર આપે છે. જો કે આ બધાં કારણો મળીને એક નવો ટ્રેન્ડ ઊભો થયો છે-દરેક તહેવારે ફરવા જવું ફરજિયાત થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર *ટ્રાવેલ પોસ્ટ્સ* અને *રીલ્સ* એ આ ટ્રેન્ડને વધુ મજબૂત બનાવ્યા છે. જો કોઈ વ્યક્તિ તહેવાર દરમિયાન બહાર ન જાય, તો તેને એવું લાગે છે કે તેણે કંઈક ગુમાવી દીધું છે. આ ટ્રેન્ડમાં સકારાત્મકતા છે કે પ્રવાસ ઉદ્યોગનો વિકાસ થયો છે. હોટેલો, રેસ્ટોરન્ટો, ટેક્સી સેવાઓ, ટૂર ઓપરેટરો-બધાને આથી ફાયદો થાય છે. રાજ્યની અર્થવ્યવસ્થાને પણ તેમાં લાભ છે. પરંતુ વ્યક્તિગત સ્તરે જોયું તો ફરવાનો રિલેક્સ થવાનો ગુમ થતો જાય છે.
આખરે, કહી શકાય કે પહેલા ફરવાનું સરળ હતું કારણ કે લોકો ઓછી સંખ્યામાં જતાં, સુવિધાઓ સરળ હતી અને અપેક્ષાઓ ઓછી હતી. આજે સુવિધાઓ વધી છે, લોકોની ખર્ચ ક્ષમતા વધી છે, પરંતુ સાથે સાથે ભીડ અને ખર્ચો એટલો વધી ગયો છે કે ફરવાનું તણાવપૂર્ણ કાર્યમાં ફેરવાઈ ગયું છે. છતાંય પ્રવાસ પ્રકૃતિ સાથેનું જોડાણ છે, પરિવાર સાથેનો અમૂલ્ય સમય છે અને જીવનમાં નવા અનુભવોનો ખજાનો છે. જો યોગ્ય આયોજન અને સંતુલિત પસંદગી કરવામાં આવે તો ફરવાનું હજી પણ આનંદદાયક બની શકે છે.