દેશ આઝાદ થયો પછી છેલ્લા કેટલાક દાયકાઓથી નક્સલવાદે લોહિયાળ લાલ આતંક મચાવ્યો હતો. ખાસ કરીને મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર જેવા રાજ્યોમાં નક્સલવાદે માઝા મૂકી હતી. ગરીબી અને બેકારીમાં જીવતા હજારો લોકોએ કેટલાક રાજ્યનાં ગાઢ જંગલોમાં તેમનાં અડ્ડાઓ બનાવીને પોતાનાં હિતો સંતોષવા માટે નિર્દોષોનાં લોહી પીધા હતા.
ભારત સરકારે કોઈપણ સંજોગોમાં નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરતા નક્સલીઓનો ખાતમો બોલાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. આ માટે CRPF તેમજ જે તે રાજ્યોની પોલીસો સાથે મળીને જુદાજુદા રાજ્યોમાં નક્સલીઓનાં સફાયાની ઝુંબેશ હાથ ધરી હતી. 2015માં હાથ ધરવામાં આવેલા મિશનને ધારણા કરતા વધારે સારી સફળતા મળી હતી. તબક્કાવાર રાજ્યોમાં નક્સલીઓને વીણી વીણીને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત શાહે માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો ખાતમો કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમનું આ મિશન આ દિશામાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. તાજેતરમાં છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં 258 નક્સલીઓ દ્વારા સરકાર સમક્ષ આત્મ સમર્પણ કરવામાં આવ્યું હતું. 2025માં 312 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા જ્યારે 836 નક્સલીઓને પકડવામાં આવ્યા હતા. નક્સલીઓનાં આકાઓને ઠાર કરવામાં આવ્યા પછી મોટાભાગનાં અડ્ડાઓ નેતૃત્વ વિહીન થઈ ગયા છે. સ્થાનિક લોકો દ્વારા તેમને કરવામાં આવતો સપોર્ટ બંધ થઈ ગયો છે. સરકારની કલ્યાણ યોજનાઓમાંથી તેમને અનેક લાભ આપવામાં આવતા કેટલાક લોકો સમાજનાં મુખ્ય પ્રવાહમાં ભળી રહ્યા છે. આમ એક જમાનામાં મધ્યપ્રદેશમાં ચંબલની ખીણો ડાકુઓનાં ત્રાસ અને ત્રાડથી ધ્રુજતી હતી પણ સરકારનાં મક્કમ નિર્ધારને કારણે ચંબલનાં ડાકુઓ અને બહારવટિયાઓએ આત્મ સમર્પણ કરતા ચંબલની ખીણો શાંત થઈ ગઈ છે તેમ હવે નક્સલીઓનાં ત્રાસથી કેટલાક રાજ્યો મુક્ત થઈ રહ્યા છે. હવે ફક્ત 11 પોકેટ્સ જ એવા છે કે જ્યાં આંગળીનાં વેઢે ગણી શકાય તેવા નક્સલીઓ તેમની ધાક જમાવવા કોશિશ કરી રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે દેશનાં 200 જિલ્લામાં આતંક ફેલાયેલો હતો તે હવે 11 જિલ્લા સુધી સીમિત રહી ગયો છે. આમ નક્સલવાદ હવે છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે. એક મિશનમાં CPI માઓવાદી જનરલ સેક્રેટરી નરસિંહા ઉર્ફે નંબાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુને ઠાર કરવામાં આવ્યો તે પછી દેશમાંથી નક્સલવાદનાં મૂળિયા હલબલી ગયા છે. નક્સલીઓ નેતૃત્વ વિહીન થઈ ગયા છે. મોટી સંખ્યામાં નક્સલીઓ શસ્ત્રો હેઠા મૂકી રહ્યા છે. સંખ્યાબંધ નક્સલીઓ મુખ્ય પ્રવાહમાં ભળી રહ્યા છે. આંદોલનની વિચારધારા જ તૂટી ગઈ છે.










