વિશ્વની મહાસત્તાઓ વચ્ચે આજે જે સ્પર્ધા ચાલી રહી છે, તેમાં હવે માત્ર જમીન પરનો કબજો જ મહત્વનો નથી રહ્યો; સમુદ્રો, બંદરો ને જળમાર્ગો પણ હવે રાષ્ટ્રીય શક્તિના નિર્ણાયક આધાર બની ગયા છે. એકવીસમી સદીના ભૂરાજકારણમાં જે દેશ સમુદ્રી વેપાર અને વ્યૂહાત્મક જળમાર્ગો પર પ્રભાવ જાળવી શકશે, તે વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સુરક્ષા બંનેમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી શકશે. એટલે આ જ પરિપ્રેક્ષ્યમાં ભારતના દક્ષિણ છેડે આવેલો 'ગ્રેટ નિકોબાર દ્વીપ' આજે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યો છે. અંડમાન-નિકોબાર દ્વીપસમૂહનો સૌથી મોટો, દક્ષિણનો આ દ્વીપ માત્ર કુદરતી સૌંદર્યનું પ્રતીક જ નથી, પરંતુ ભારતની ભવિષ્યની સમુદ્રી વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ બની શકે તેમ છે. એટલે જ, ભારત સરકારે અહીં આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ બંદર, ગ્રીનફ્લ્ડિ એરપોર્ટ, આધુનિક ટાઉનશિપ અને ઊર્જા- આધારભૂત સુવિધાઓ વિકસાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના બનાવી છે. આ પ્રોજેક્ટને સમર્થન આપનારા તેને ભારતની 'બ્લૂ ઇકોનોમી' સાથે વેપાર અને રાષ્ટ્રીય સુરક્ષાની દિશામાં ઐતિહાસિક પગલું ગણાવે છે, જ્યારે વિવેચકો તેને જૈવવિવિધતા, આદિવાસી અસ્તિત્વ અને પર્યાવરણ માટે પડકારરૂપ માને છે. તેથી આપણાં માટે આ પ્રોજેક્ટ વિકાસ અને સંરક્ષણ વચ્ચેના સંતુલનની કસોટીરૂપ બની રહેવાનો છે.
ગ્રેટ નિકોબારનું સૌથી મોટું મહત્ત્વ તેની ભૌગોલિક સ્થિતિ છે. આ દ્વીપ વિશ્વના સૌથી વ્યસ્ત સમુદ્રી વેપાર માર્ગોમાંના એક એવા મલક્કા જળમાર્ગની નજીક આવેલો છે. એટલે એશિયા, યુરોપ અને આફ્રિકા જતાં હજારો વેપારી જહાજો આ માર્ગનો ઉપયોગ કરે છે. વિશ્વના કન્ટેનર વેપારનો મોટો હિસ્સો અહીંથી પસાર થાય છે. હાલમાં ભારતના ઘણા કન્ટેનરોનું ટ્રાન્સશિપમેન્ટ સિંગાપુર, કોલંબો અને મલેશિયાના બંદરોમાં થાય છે, જેના કારણે આપણને વધારાનો સમય અને ખર્ચ બંને થાય છે. જો ગ્રેટ નિકોબારમાં વિશ્વસ્તરીય ટ્રાન્સશિપમેન્ટ બંદર વિકસે, તો ભારત આ નિર્ભરતા ઘટાડીને પોતાની સમુદ્રી વેપાર ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી શકે છે. એટલે આ પ્રોજેક્ટનું મહત્વ વધી જાય છે. વળી, આ પ્રોજેક્ટને સમજવા માટે ભારતના SAGAR(Security and Growth for All in the Region) વિઝનને સમજવું જરૂરી છે. આપણાં પ્રધાનમંત્રીશ્રીએ રજૂ કરેલા આ અભિગમનો મૂળભૂત વિચાર એ છે કે, હિંદ મહાસાગર પ્રદેશમાં સુરક્ષા અને વિકાસ એકબીજાના પૂરક બની રહે. ભારત પોતાની સમુદ્રી સરહદોની સુરક્ષા મજબૂત બનાવીને પડોશી દેશો સાથે સહકાર વધારે અને 'બ્લૂ ઇકોનોમી'ના ક્ષેત્રમાં આગેવાની લે. બસ, આ જ વાત આ વિઝનના કેન્દ્રમાં છે. એટલે જ 'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ'ને આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવે છે.
ભૂરાજકીય દૃષ્ટિએ પણ આ પ્રોજેક્ટ અત્યંત મહત્વનો છે.છેલ્લાં કેટલાક વર્ષોમાં ચીને હિંદ મહાસાગરના વિવિધ બંદરોમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. શ્રીલંકાના હમ્બનટોટા, પાકિસ્તાનના ગ્વાદર, મ્યાનમારના ક્યાઉકપ્યુ અને અન્ય બંદરોને જોડતી ચીનની વ્યૂહરચના, જે *સ્ટ્રિંગ ઑફ્ પર્લ્સ* તરીકે ઓળખાય છે, તે હિંદ મહાસાગરમાં ચીનની હાજરી મજબૂત કરે છે. આવા સંજોગોમાં ગ્રેટ નિકોબાર ભારતને ઇન્ડો-પેસિફ્કિ વિસ્તારમાં વધું સક્રિય અને અસરકારક ભૂમિકા ભજવી શકે છે. આજના સમયમાં ઇન્ડો-પેસિફ્કિ માત્ર ભૌગોલિક વિસ્તાર નથી, પરંતુ વૈશ્વિક રાજકીય અને આર્થિક સમીકરણોનું કેન્દ્ર છે. ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વધતો સહકાર પણ આ વિસ્તારની વ્યૂહાત્મક અગત્યતાને દર્શાવે છે. આવા સમયમાં ગ્રેટ નિકોબારનું આધુનિકીકરણ ભારતને માત્ર વેપારી લાભ જ નહીં, પરંતુ સમુદ્રી સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને માનવતાવાદી સહાય પહોંચાડવામાં પણ વધું સક્ષમ બનાવી શકે છે. આર્થિક દૃષ્ટિએ જોઈએ તો આ પ્રોજેક્ટ ભારતની 'બ્લૂ ઇકોનોમી'ને નવી દિશા આપી શકે છે. 'બ્લૂ ઇકોનોમી'નો અર્થ માત્ર સમુદ્રમાંથી સંપત્તિ મેળવવી એવો નથી, પરંતુ સમુદ્રી સંસાધનોનો ટકાઉ ઉપયોગ કરીને વિકાસ હાંસલ કરવો છે. આધુનિક બંદર, જહાજરાણી, લોજિસ્ટિક્સ, માછીમારી, સમુદ્રી પ્રવાસન અને સંબંધિત સેવાઓમાં હજારો રોજગારીની તકો ઊભી થઈ શકે છે. એટલે જ, ભારતના *મેરીટાઇમ વિઝન - 2030*ના પરિપ્રેક્ષ્યમાં પણ આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ વિકાસની આ ઉજળી સંભાવનાઓ સાથે ગંભીર પ્રશ્નો પણ જોડાયેલા છે. ગ્રેટ નિકોબાર વિશ્વના સૌથી સમૃદ્ધ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાંનો એક વિસ્તાર છે. અહીં લેધરબેક સમુદ્રી કાચબા, નિકોબાર મેકાક, ખારા પાણીના મગર અને અનેક દુર્લભ પક્ષીઓ તથા વનસ્પતિઓનું નિવાસસ્થાન છે. આ વિસ્તારનો મોટો ભાગ સંરક્ષિત વન અને પર્યાવરણીય રીતે અતિસંવેદનશીલ ગણાય છે. તેથી મોટા પાયે વિકાસ કાર્યોની અસર અંગે પર્યાવરણવિદોએ ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે.
તાજેતરના વર્ષોમાં આ પ્રોજેક્ટને વિવિધ કાનૂની અને પર્યાવરણીય મંજૂરીઓ મળ્યા બાદ પણ પર્યાવરણવિદોનું કહેવું છે કે, જંગલોનું નુકસાન, દરિયાકાંઠાના પરિસ્થિતિતંત્રમાં ફેરફાર અને દુર્લભ પ્રજાતિઓના રહેઠાણ પર પડતી અસરનું સતત અને પારદર્શક મૂલ્યાંકન થવું જોઈએ. બીજી તરફ્ સરકાર એ બાબતે પૂર્ણ કટિબધ્ધ છે કે, આધુનિક ટેક્નોલોજી, પર્યાવરણીય શરતો અને તબક્કાવાર આયોજન દ્વારા વિકાસ કરવા સાથે સંરક્ષણ સંબંધી સંતુલન જાળવવું. જો કે, આ ચર્ચાનું સૌથી સંવેદનશીલ પાસુ કોઈ હોય તો તે છે, અહીં વસતી શોમપેન અને નિકોબારી જનજાતિઓ. ખાસ કરીને શોમપેન સમુદાય વિશ્વના અત્યંત સંવેદનશીલ આદિવાસી જૂથોમાંનો એક છે. તેમની જીવનશૈલી જંગલો સાથે અવિભાજ્ય રીતે જોડાયેલી છે. તેથી કોઈપણ વિકાસ યોજના તેમના સાંસ્કૃતિક અસ્તિત્વ, જીવનાધાર અને અધિકારોને ધ્યાનમાં રાખ્યા વિના સફ્ળ બની શકે નહીં. શોમપેન જનજાતિ માત્ર એક સમુદાય નથી; તે માનવ સંસ્કૃતિની જીવંત ધરોહર છે. તેમનું જ્ઞાન, જંગલો સાથેનો સંબંધ અને પરંપરાગત જીવનશૈલી આપણને ટકાઉ જીવનના મૂલ્યો શીખવે છે. વિકાસના નામે જો તેમની ઓળખ, પરંપરા અને સ્વાયત્તતા પર અસર થાય, તો તે માત્ર સ્થાનિક પ્રશ્ન ન રહેતા, માનવ સંસ્કૃતિના સંરક્ષણનો વૈશ્વિક પ્રશ્ન બની જાય. તેથી વિકાસની દરેક પ્રક્રિયામાં તેમની સહભાગિતા, વિશ્વાસ અને અધિકારોને પ્રાથમિકતા આપવી ખૂબ જરૂરી બને છે.
વિશ્વના અનેક દેશોએ વિકાસના માર્ગે ચાલતાં ભૂલોમાંથી શીખ્યું છે. આજે સિંગાપુર, નેધરલેન્ડ્સ અને કેટલાક અન્ય દેશો *ગ્રીન પોર્ટ*ની સંકલ્પના પર કામ કરી રહ્યા છે. ભારતે પણ ગ્રેટ નિકોબારને એવું જ *સ્માર્ટ અને ગ્રીન મેરિટાઇમ હબ* બનાવવા તરફ્ કામ કરવું પડશે. લાંબા સમય સુધી ભારતનો વિકાસ મુખ્યત્વે જમીન કેન્દ્રિત રહ્યો છે, જ્યારે એકવીસમી સદીમાં સમુદ્ર અર્થતંત્ર, ઊર્જા સુરક્ષા, જહાજરાણી, ડિજિટલ કેબલ નેટવર્ક અને વૈશ્વિક વેપારના નવા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યો છે. તેથી ગ્રેટ નિકોબાર ભારતની 'સમુદ્રકેન્દ્રિત વિકાસ નીતિ'નું પ્રતીક બની શકે છે. પણ, અહીં વિકાસનો માપદંડ માત્ર રોકાણ, બંદરો અને રસ્તાઓ ન રહેતા, આ વિકાસમાં જંગલોની હરિયાળી, સમુદ્રી જીવસૃષ્ટિ, આદિવાસી સમાજનું અસ્તિત્વ અને પર્યાવરણની સ્થિરતાનો પણ સમાવેશ થાય તે ખૂબ જરૂરી છે. કેમ કે, 'ટકાઉ વિકાસ'નો અર્થ જ એ છે કે, આર્થિક પ્રગતિ અને કુદરતી સંપત્તિ વચ્ચે સમતુલા જળવાય. વિકાસના લાભો થોડા વર્ષો માટે નહીં, પરંતુ આવનારી પેઢીઓ સુધી પહોંચે તેવો અભિગમ જ સાચો વિકાસ કહેવાય.
::: થ્રી ડૉટ્સ :::
જે જતું કરી શકે છે, એ બધું કરી શકે છે.