ગુજરાતી ભાષાનું સાહિત્ય લગભગ હજાર વર્ષ જેટલી સમૃદ્ધ પરંપરા ધરાવે છે. આ પરંપરામાં મધ્યકાલીન યુગ (આશરે ઈ.સ. 12મીથી 18મી સદી) વિશેષ મહત્વ ધરાવે છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતી ભાષાએ અપભ્રંશમાંથી સ્વતંત્ર ભાષા તરીકે પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત કર્યું. જૈન આચાર્યો, સંતકવિઓ, ચારણો, ભાટો અને લોકકવિઓએ ગુજરાતી ભાષાને સાહિત્યિક અભિવ્યક્તિનું સશક્ત માધ્યમ બનાવી, જેના પરિણામે ગુજરાતી ભાષાના મજબૂત વિકાસ માટેનું પોત ઘડાયું.  

 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની મુખ્ય વિશેષતા એ છે કે, તેમાં જીવનના લગભગ દરેક પાસાંનું પ્રતિબિંબ જોવા મળે છે. જેમ કે, ધર્મ, ભક્તિ, શૌર્ય, પ્રેમ, પ્રકૃતિ, રાજકારણ, સમાજજીવન અને માનવીય મૂલ્યો વગેરે. આ યુગમાં અનેક કાવ્યપ્રકારો વિકસ્યા હતા, જેમાં 'પ્રબંધ', 'રાસ', 'ફગુ' અને 'પવાડ' વિશેષ સ્થાન ધરાવે છે. આ ચારેય સ્વરૂપો માત્ર સાહિત્યિક અભિવ્યક્તિના પ્રકારો માત્ર નથી, પરંતુ ગુજરાતના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસના જીવંત દસ્તાવેજો સમાન છે.  

 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પૃષ્ઠભૂમિ જોતા જણાશે કે, ગુજરાતમાં સોલંકી અને વાઘેલા યુગ દરમિયાન વેપાર, શિક્ષણ, કલા અને ધર્મના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો હતો. પાટણ, અણહિલવાડ, ગિરનાર, શત્રુંજય અને ખંભાત જેવા કેન્દ્રો જ્ઞાન અને સંસ્કૃતિના પ્રખ્યાત કેન્દ્રો બન્યા હતા. વળી, આ સમયગાળા દરમ્યાન જૈન સાધુઓએ માત્ર ધર્મપ્રચાર જ નહોતો કર્યો, પરંતુ ગુજરાતી ભાષાને સાહિત્યિક અભિવ્યક્તિ માટે સજ્જ પણ બનાવી હતી. તેમણે સંસ્કૃત અને પ્રાકૃતના ગહન અભ્યાસને લોકભાષા સાથે સાંકળી લીધો હતો. પરિણામે ગુજરાતી ભાષામાં કાવ્ય, કથા અને ચરિત્રસાહિત્યનું સર્જન થઈ શક્યું હતું. સમય જતા ભક્તિકાળમાં વૈષ્ણવ અને શૈવ પરંપરાના કવિઓએ સાહિત્યને લોકજીવન સાથે વધું નજીક લાવવાનું મોટું કામ કર્યું હતું. બીજી તરફ્ ચારણ કવિઓએ શૌર્ય અને સ્વાભિમાનની ગાથાઓ ગાઈને સમાજમાં વીરતાનું સિંચન કરવાનું કાર્ય કર્યું હતું. આ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અનેક પ્રવાહોનું સંગમસ્થાન બની રહ્યું હતું.  

 પ્રબંધ' સાહિત્ય સ્વરૂપની વાત કરીએ તો, 'પ્રબંધ' શબ્દ સંસ્કૃત ધાતુ બંધ પરથી ઉત્પન્ન થયો છે. તેનો અર્થ થાય છે - વ્યવસ્થિત રીતે ગૂંથેલી રચના. સાહિત્યમાં 'પ્રબંધ' એવો કાવ્યપ્રકાર છે, જેમાં કોઈ ઐતિહાસિક, પૌરાણિક અથવા પ્રસિદ્ધ વ્યક્તિત્વના જીવનપ્રસંગોનું ક્રમબદ્ધ, કલાત્મક અને રસસભર નિરૂપણ કરવામાં આવ્યું હોય. પ્રબંધ'નો હેતુ માત્ર માહિતી આપવા પૂરતો નથી; તે આદર્શ જીવનમૂલ્યો, નૈતિકતા, ઉમદા ધર્મભાવના અને સમાજદર્શનનું સંવહન પણ કરે છે. આપણે ત્યાં 'ગુજરાતી પ્રબંધસાહિત્ય'નો વિકાસ મુખ્યત્વે જૈન આચાર્યોના હાથે થયો જણાય છે. જૈન મુનિઓએ રાજાઓ, શ્રોષ્ઠીઓ, દાનવીરો અને ધર્મનિષ્ઠ પુરુષોના જીવનચરિત્રો લખીને આ પ્રકારને વિકસાવ્યો છે. સંસ્કૃતના બાણભટ્ટ, દંડી અને અન્ય આખ્યાનકારોની પરંપરાની અસર હોવા છતાં, 'ગુજરાતી પ્રબંધ સાહિત્ય'એ પોતાનું આગવું સ્વરૂપ વિકસાવ્યું છે.  

 પ્રબંધ'ની મુખ્ય વિશેષતા છે, તેનો ઐતિહાસિક આધાર. 'પ્રબંધ'માં મોટા ભાગે ઐતિહાસિક પાત્રોનું આલેખન કરવામાં આવ્યું હોય છે. તેમ છતાં ઘણીવાર કવિ કલાત્મક હેતુસર કલ્પનાનો પણ આશ્રય લે છે. 'પ્રબંધ'નું બીજું મહત્વનું લક્ષણ છે, તેની ચરિત્રપ્રધાનતા. 'પ્રબંધ'નું કેન્દ્ર કોઈ એક મહાન પાત્ર હોય છે અને સમગ્ર કથા તેના વ્યક્તિત્વની આસપાસ ગૂંથાયેલી હોય છે. કથારચનાની સુવ્યવસ્થા પણ 'પ્રબંધ'નું વિશેષ લક્ષણ છે. 'પ્રબંધ'માં પ્રસંગો એકબીજા સાથે તર્કસંગત રીતે જોડાયેલા હોય છે. શરૂઆત, વિકાસ અને ઉપસંહારનું સુંદર આયોજન 'પ્રબંધ' સાહિત્યમાં વિશેષ રૂપે જોવા મળે છે.   

 પ્રબંધ'માં રસવૈવિધ્ય અને અલંકારપ્રધાન ભાષા પણ ધ્યાનાકર્ષક પાસું છે. 'પ્રબંધ'માં વીર, કરુણ, શૃંગાર, અદ્ભુત અને શાંત જેવા અનેક રસોનું રસાળ સંયોજન જોવા મળે છે. રૂપક, ઉપમા, અનુપ્રાસ અને યમક જેવા અલંકારોનો પણ 'પ્રબંધ'માં સુંદર વિનિયોગ થયેલો જોવા મળે છે. 'પ્રબંધ'નો અંત સામાન્ય રીતે કોઈ નૈતિક કે ધાર્મિક બોધ સાથે થાય છે. 'રાસા' અને 'આખ્યાન' બંનેનાં તત્વોની ગૂંથણી 'પ્રબંધ'માં વરતાય છે. 'પ્રબંધ' પ્રકારના સાહિત્યની રચનારીતિ સામાન્ય રીતે મંગલાચરણ, પાત્રપરિચય, મુખ્ય ઘટનાક્રમ, સંઘર્ષ, પરાકાષ્ઠા, ઉપસંહાર અને ફ્લશ્રુતિ જેવા ક્રમમાં રચાય છે. આ રચનાપદ્ધતિ જ 'પ્રબંધ'ને સુવ્યવસ્થિત અને રસપ્રદ બનાવે છે.  

 ગુજરાતી 'પ્રબંધ' પરંપરામાં મુખ્ય પ્રબંધકારો તરીકે અનેક જૈન આચાર્યોનું અવિસ્મરણીય યોગદાન રહ્યું છે. મેરુતુંગ, રાજશેખરસૂરી, જયસિંહસૂરી, લાવણ્યસમય, જિનહર્ષગણિ જેવા અનેક પ્રસિદ્ધ પ્રબંધકારોએ ઐતિહાસિકતા અને કાવ્યાત્મકતા એમ બંને રૂપનો સમન્વય સાધીને આપણને ઉત્તમ 'પ્રબંધ' રચનાઓ આપી છે. 'કાન્હડદે પ્રબંધ' આ તમામ રચનાઓમાં શ્રોષ્ઠ સ્થાને બિરાજે છે. ગુજરાતી સાહિત્યના 'શ્રોષ્ઠ ઐતિહાસિક પ્રબંધો'માં તેનું પ્રથમ સ્થાન ગણાય છે. તેમાં જાલોરના રાજા કાન્હડદેવના શૌર્ય, સ્વાભિમાન અને અલાઉદ્દીન ખિલજી સામેના સંઘર્ષનું જીવંત નિરૂપણ છે. આ કૃતિ માત્ર રાજપૂત વીરતાની ગાથા નથી; તે સ્વાભિમાન, સ્વાતંર્ત્ય અને રાષ્ટ્રભાવનાનું કાવ્ય પણ છે.  

 કુમારપાળ પ્રબંધ' પણ મહત્વની 'પ્રબંધ' રચના છે. રાજા કુમારપાળના જીવન, તેમના રાજ્યકાર્ય અને જૈન ધર્મ પ્રત્યેના તેમના સમર્પણનું કલાત્મક વર્ણન આ કૃતિમાં જોવા મળે છે. 'વસ્તુપાળ-તેજપાળ પ્રબંધ' ગુજરાતના પ્રસિદ્ધ દાનવીરો વસ્તુપાળ અને તેજપાળના જીવન, લોકકલ્યાણકારી કાર્યો અને સાંસ્કૃતિક યોગદાનનું આલેખન કરતી ઇતિહાસ અને સાહિત્યિક એમ બંનેનો સુમેળ સાધતી અમૂલ્ય કૃતિ છે. સાહિત્યિક મૂલ્યની દૃષ્ટિએ વાત કરીએ તો 'પ્રબંધ' પ્રકારની રચનાઓએ ગુજરાતી સાહિત્યને અનેક રીતે સમૃદ્ધ બનાવ્યું છે. આ કૃતિઓ ઇતિહાસ અને સાહિત્યવચ્ચેનો સેતુ છે.  

વળી, મધ્યકાલીન ગુજરાતના સમાજજીવન, રાજવ્યવસ્થા, ધાર્મિક માન્યતાઓ, વેપાર, સ્થાપત્ય, શસ્ત્ર્રસજ્જા અને લોકસંસ્કૃતિ અંગેની મૂલ્યવાન માહિતી આપણને આ કૃતિઓમાંથી મળે છે.  

 પ્રબંધ' પ્રકારની કૃતિઓમાં પાત્રચિત્રણની અભ્દુત શક્તિ જોવા મળે છે. અહીં મહાન પાત્રો માત્ર ઇતિહાસના નામ બની રહેતા નથી; તેઓ જીવંત માનવી તરીકે વાચક સામે ઊભા થાય છે.  

ભાષાની દૃષ્ટિએ પણ 'પ્રબંધ' ગુજરાતી ભાષાના વિકાસનું મહત્વપૂર્ણ સોપાન છે. એટલે જ, ગુજરાતી સાહિત્યના વિવેચકોએ 'પ્રબંધ'ને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સૌથી પ્રૌઢ અને સુવ્યવસ્થિત કાવ્યસ્વરૂપ ગણાવ્યું છે. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે 'પ્રબંધ'માં ઇતિહાસ અને કાવ્યકલાનું દુર્લભ સંતુલન જોવા મળે છે. ખાસ કરીને આબાબતે 'કાન્હડદે પ્રબંધ' ગુજરાતી ઐતિહાસિક કાવ્યપરંપરાનું શિખર બની રહે છે.  

 ટૂંકમાં, 'પ્રબંધ' એ ગુજરાતી સાહિત્યનો માત્ર એક કાવ્યપ્રકાર નથી; તે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનો જીવંત અભિલેખ છે. તેમાં વીરતા છે, તેમાં ધર્મ છે. તેમાં રાજનીતિની સાથે માનવમૂલ્યો છે અને તેમાં કાવ્યસૌંદર્ય પણ છે. ગુજરાતી ભાષાના વિકાસ માટેની ભૂમિકા સંદર્ભે 'પ્રબંધ'એ જે પાયો નાખ્યો છે, તેના આધારે કહી શકાય કે, ગુજરાતી ભાષાના વિકાસના આગળના યુગમાં આખ્યાન, ચરિત્ર અને ઐતિહાસિક સાહિત્યનો વિકાસ શક્ય બન્યો છે. 'પ્રબંધ'નું મહત્ત્વ આજે પણ એટલું જ છે, કેમ કે તે આપણને ભૂતકાળનો પરિચય કરાવવા સાથે મૂલ્યો, સ્વાભિમાન અને સંસ્કૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પણ શિક્ષણ આપે છે.   

 ::: થ્રી ડૉટ્સ :::  

 જિંદગીની પીચ ઉપર ધ્યાનથી ન રમીએ તો નજીક ઊભેલું વ્યક્તિ જ સ્ટમ્પિંગ કરી નાખતું હોય છે.