આલોક ભાવસાર, કેનેડાઃ ગુરુપૂર્ણિમાને દિવસે મેં મારા ગુરુને ફોન કરીને શુભેચ્છા પાઠવીને આશીર્વાદ લીધા. ત્યારે મારા મનમાં પ્રશ્ન થયો કે, આજના શિક્ષકો સાચા અર્થમાં ગુરુ છે? મને ઘણાં શિક્ષકોમાં ઘણી નબળાઈ દેખાય છે. ગુરુપૂર્ણિમાની અસર આવા શિક્ષકો પર કેમ થતી નથી ?   

પરમદિવસે ગુરુપૂર્ણિમા હતી. દેશભરની શાળા-કોલેજમાં ગુરુવંદના થઈ હશે. વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોને પુષ્પ અર્પણ કર્યા હશે. સોશિયલ મીડિયામાં *ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ...*ના શ્લોકો સાથે શુભેચ્છાઓના અસંખ્ય સંદેશાઓ વહેતા થયા હશે. શિક્ષકોના સન્માન સમારંભો યોજાયા હશે, ભાષણો થયા હશે અને ગુરુના મહિમાની વાતો પણ ખૂબ થઈ હશે. પરંતુ ઘણી વ્યક્તિના મનમાં એક પ્રશ્ન વારંવાર ઊભો થાય છે, આપણે ગુરુપૂર્ણિમા તો ઉજવીએ છીએ, પરંતુ ગુરુત્વને પામીએ છીએ? ગુરુપૂર્ણિમા દર વર્ષે આવે છે, પરંતુ શું ગુરુઓ પણ દર વર્ષે વધુ પૂર્ણ બને છે? કે પછી આપણે માત્ર ઉત્સવ ઉજવતા રહ્યા છીએ અને ધીમે ધીમે ગુરુત્વને ગુમાવતા જઈ રહ્યા છીએ?  

આ પ્રશ્ન કોઈ વ્યક્તિગત શિક્ષકને નિશાન બનાવીને પૂછાતો નથી. આ પ્રશ્ન સમગ્ર શિક્ષણજગત માટે છે. કારણ કે ભારતીય પરંપરામાં શિક્ષક અને ગુરુ વચ્ચે સૂક્ષ્મ પરંતુ અત્યંત મહત્વનો તફાવત છે. શિક્ષક જ્ઞાન આપે છે, પરંતુ ગુરુ જીવનને દિશા આપે છે. શિક્ષક પાઠયપુસ્તક સમજાવે છે, જ્યારે ગુરુ જીવનનું પુસ્તક ખોલે છે. શિક્ષક પરીક્ષામાં સફ્ળતા અપાવે છે, ગુરુ જીવનમાં સફ્ળતા અપાવે છે. એટલે જ આપણા પૂર્વજોએ શિક્ષકને નહીં, ગુરુને વંદન કર્યું હતું.  

દુઃખ એ વાતનું નથી કે આજે સારા શિક્ષકો નથી. આજે પણ અસંખ્ય શિક્ષકો એવા છે, જેમણે પોતાના વિદ્યાર્થીઓ માટે આખું જીવન સમર્પિત કરી દીધું છે. તેમના કારણે જ શિક્ષણમાં હજુ આશાનો દીવો બળે છે. પરંતુ સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે શિક્ષણક્ષેત્રમાં કેટલીક એવી વૃત્તિઓ ધીમે ધીમે ઘર કરી રહી છે, જે ગુરુત્વને અંદરથી ખોખલું કરી રહી છે. ચિંતાજનક વાત એ છે કે હવે આ વૃત્તિઓ આપણને અસ્વાભાવિક પણ લાગતી નથી.  

એક સમય હતો જ્યારે શિક્ષક ગામમાં સૌથી વધુ વાંચન કરતો માણસ ગણાતો. તેના ઘરમાં પુસ્તકોની સુગંધ આવતી. કોઈ નવો વિચાર આવે તો સૌથી પહેલાં શિક્ષક સુધી પહોંચતો. સમાજમાં કોઈ પ્રશ્ન ઊભો થાય તો લોકો શિક્ષક પાસે જતાં, કારણ કે તેમને વિશ્વાસ હતો કે આ માણસ માત્ર ભણેલો નથી, વિચારેલો પણ છે. આજે ઘણા શિક્ષકોમાં આ વાંચનની ભૂખ ઓછી થતી જાય છે. નિમણૂક પહેલાં ડિગ્રી મેળવવા માટે જે ઉત્સાહ હોય છે, તે નિમણૂક પછી ઘણી વખત શાંત પડી જાય છે. વર્ષો સુધી એ જ નોંધો, એ જ ઉદાહરણો અને એ જ રીતથી ભણાવવાનું ચાલતું રહે છે. સંશોધન કરવું, નવા પુસ્તકો વાંચવા, નવા શિક્ષણપ્રયોગો જાણવા અને કરવા કે વિશ્વમાં શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે તેની ચિંતા ઘણા શિક્ષકોના જીવનમાંથી ગાયબ થતી જાય છે. જે શિક્ષક પોતે જ શીખવાનું બંધ કરી દે, તે પોતાના વિદ્યાર્થીઓમાં શીખવાની તલપ કેવી રીતે જગાડશે?  

આ જ વાત ટેક્નોલોજી વિશે પણ કહી શકાય. દુનિયા બદલાઈ ગઈ છે. કૃત્રિમ બુદ્ધિમત્તા, ડિજિટલ શિક્ષણ, ઓનલાઈન અભ્યાસ અને વર્ચ્યુઅલ વર્ગખંડ હવે ભવિષ્ય નથી, વર્તમાન છે. વિદ્યાર્થીઓ આ દુનિયામાં ખૂબ સહજ રીતે જીવે છે, પરંતુ હજુ પણ કેટલાક શિક્ષકો ટેક્નોલોજીથી ગભરાય છે. તેમને લાગે છે કે આ બધું તેમના માટે નથી. શિક્ષણમાં સૌથી મોટો ખતરો ટેક્નોલોજી નથી; પણ નવી વસ્તુ શીખવાનો ઇનકાર મોટો ખતરો છે. ગુરુ તો એ છે જે જીવનભર વિદ્યાર્થી બની રહે. જે દિવસે શિક્ષક શીખવાનું બંધ કરે છે, તે દિવસે તેના ગુરુત્વની યાત્રા પણ અટકી જાય છે.  

આજે કેટલાક શિક્ષકો માટે શિક્ષણ મુખ્ય ધ્યેય રહ્યું નથી. શિક્ષણની સાથે અન્ય વ્યવસાય કરવો ખોટો નથી. દરેક વ્યક્તિને પોતાની આવક વધારવાનો અધિકાર છે. પરંતુ જ્યારે શિક્ષણ ગૌણ બની જાય અને અન્ય ધંધો મુખ્ય બની જાય, ત્યારે પ્રશ્ન ઊભો થાય છે. જો વર્ગખંડમાં ઊભેલો શિક્ષક મનથી શેરબજારમાં હોય, પ્રોપર્ટીના વ્યવહારમાં હોય, વીમાના ગ્રાહકો શોધતો હોય અથવા બીજા વ્યવસાયની ચિંતામાં ડૂબેલો હોય, તો તે વિદ્યાર્થીને કેટલું આપી શકશે? વર્ગખંડમાં શરીર હાજર હોય અને મન ક્યાંક બીજે ભટકતું હોય, ત્યાં શિક્ષણનું સંગીત કેવી રીતે જન્મશે?  

ઘણીવાર શાળા કે કોલેજના સ્ટાફરૂમમાં જ્ઞાનની ચર્ચા થવી જોઈએ ત્યાં ક્યારેક જૂથોની ચર્ચા ચાલતી હોય છે. ક્યાંક ઈર્ષા છે, ક્યાંક હૂસાતુસી છે, ક્યાંક અહંકાર છે, ક્યાંક રાજકારણ છે. કોણ આચાર્યની નજીક છે, કોને પ્રમોશન મળશે, કોને એવોર્ડ મળશે, કોને મહત્વ મળશે, આ ચર્ચાઓ વચ્ચે વિદ્યાર્થી ક્યાંક ખોવાઈ જાય છે. શાળા જો રાજકારણનું કેન્દ્ર બની જાય, તો વિદ્યાર્થીઓ સંસ્કાર ક્યાંથી શીખશે? ગુરુ તો જોડે છે, જૂથવાદ હંમેશા તોડે છે.  

સમાજ આજે શિક્ષક પાસેથી ચારિત્ર્યની અપેક્ષા રાખે છે, પરંતુ શું શિક્ષક પોતાની જાતને રોજ પૂછે છે કે હું મારા વિદ્યાર્થીઓ માટે કેવો આદર્શ છું? આજનો વિદ્યાર્થી આપણા શબ્દો કરતાં આપણા જીવનમાંથી વધુ શીખે છે. જો શિક્ષક સમયપાલનની વાત કરે અને પોતે મોડા આવે, પ્રામાણિકતાની વાત કરે અને પોતે શોર્ટકટ શોધે, વાંચનની વાત કરે અને પોતે પુસ્તકથી દૂર રહે, તો શબ્દોની અસર રહેતી નથી. શિક્ષણનો સૌથી મોટો પાઠ ક્યારેય બ્લેકબોર્ડ પર લખાતો નથી; તે શિક્ષકના જીવનમાં લખાયેલો હોય છે. આજે એક સૂક્ષ્મ પરંતુ ગંભીર પરિવર્તન પણ જોવા મળે છે. ફરજ કરતાં સગવડ વધુ મહત્ત્વની બનતી જાય છે. *મારો સમય પૂરો થયો*, *મારી જવાબદારી પૂરી થઈ*, *આ કામ મારા ભાગનું નથી* આવા વાક્યો વધતા જાય છે. કાયદો કદાચ એટલું જ કહેતો હશે, પરંતુ ગુરુત્વ ક્યારેય કાયદાની સીમામાં બંધાતું નથી. ગુરુનું કાર્ય ઘડિયાળથી નહીં, અંતઃકરણથી ચાલે છે. શિષ્યને જરૂર હોય ત્યારે ગુરુ હાજર હોય છે; સમયપત્રક જોઈને નહીં.   

આજે પણ એવા હજારો શિક્ષકો છે, જેઓ પોતાના વિદ્યાર્થીઓ માટે દીવા બનીને બળે છે. ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરે છે, નિવૃત્તિ પછી પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ રહે છે. આવા શિક્ષકોને કારણે જ સમાજમાં ગુરુ શબ્દ હજુ જીવંત છે. પરંતુ પ્રશ્ન એ છે કે આવા શિક્ષકો અપવાદ કેમ બની રહ્યા છે? ગુરુપૂર્ણિમા આપણને ફૂલો ચઢાવવાનું શીખવતી નથી; તે પોતાને પૂછવાનું શીખવે છે કે શું હું મારા ગુરુને લાયક શિષ્ય છું અને શું હું મારા શિષ્યને લાયક ગુરુ છું? કદાચ આજના સમયમાં આ પ્રશ્ન શિક્ષકોએ પોતાને વધુ પૂછવાની જરૂર છે. કારણ કે આવતી પેઢી માત્ર ડિગ્રીથી નહીં, ગુરુત્વથી ઘડાશે.  

ગુરુપૂર્ણિમા ઉજવી. એક ક્ષણ માટે આપણે આત્મમંથન કરી શકીએ, પોતાની નબળાઈઓ સ્વીકારી શકીએ અને ફરીથી શીખવાનું શરૂ કરી શકીએ, તો કદાચ આગામી ગુરુપૂર્ણિમાએ આપણને ગુરુઓનું સન્માન કરવાનો નહીં, ગુરુત્વનો ઉત્સવ ઉજવવાનો અધિકાર મળશે.  

જ્યાં સુધી આપણા શિક્ષકો ફરીથી ગુરુ બનવાની સાધના શરૂ નહીં કરે, ત્યાં સુધી દર વર્ષે ગુરુપૂર્ણિમા આવશે, પરંતુ ગુરુત્વની પૂર્ણિમા કદાચ ક્યારેય નહીં ઊગે.  

અશોકીઃ શિક્ષક બનવું સરળ છે. ગુરુ બનવું મુશ્કેલ છે. શિક્ષક નિમણૂકથી બને છે, પરંતુ ગુરુ નિષ્ઠા, સંવેદના અને સમર્પણથી જન્મે છે.