આવતીકાલથી આદ્યશક્તિ જગદંબાની ઉપાસનાનો મહાપર્વ એટલે કે નવરાત્રિનો પાવન મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. સમસ્ત બ્રહ્માંડમાં ચેતના, ઉર્જા અને સંરક્ષણનું પ્રતીક મનાતી મા અંબાના નવ સ્વરૂપોની ભક્તિમાં સમગ્ર દેશ લીન બનશે. હિન્દુ સનાતન પરંપરામાં નવરાત્રિ માત્ર ગરબા કે ઉત્સવ નથી, પરંતુ અંતરમનની આસુરી વૃત્તિઓ પર દૈવી ગુણોના વિજયનો અને પરાશક્તિના સાનિધ્યમાં આત્મશુદ્ધિ કરવાનો મહોત્સવ છે. દેવી ભાગવત, માર્કંડેય પુરાણ અને શિવ પુરાણ જેવા અધિકૃત ગ્રંથો અનુસાર શક્તિ ઉપાસનાનું સર્વોચ્ચ શિખર એટલે 51 શક્તિપીઠો. આ પાવન શક્તિપીઠોનો ઉદ્ભવ એક અત્યંત ગહન પૌરાણિક કથા સાથે જોડાયેલો છે. દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં દેવાધિદેવ મહાદેવનું ઘોર અપમાન થતાં સતી માતાએ યજ્ઞકુંડમાં પોતાના દેહની આહુતિ આપી દીધી હતી. આ અસહ્ય વિયોગ અને ક્રોધમાં ભગવાન શંકર સતીના પાર્થિવ દેહને કાંધ પર ધારણ કરી પ્રલયંકરી તાંડવ કરવા લાગ્યા. સમસ્ત સૃષ્ટિને મહાવિનાશથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના પાર્થિવ શરીરના 51 અંગો વિચ્છેદિત કર્યા. પૃથ્વી પર જ્યાં જ્યાં માતા સતીના અંગો અને આભૂષણો પડયા, તે તમામ સ્થાનો અનંત કાળ માટે પરમ સિદ્ધ 'શક્તિપીઠ' તરીકે સ્થાપિત થયા. અખંડ ભારતના ભૂગોળમાં પથરાયેલા આ 51 શક્તિપીઠો પૈકીનું એક અત્યંત દુર્લભ, રહસ્યમય અને જાગ્રત શક્તિપીઠ આજે પાકિસ્તાનના કબજા હેઠળના બલૂચિસ્તાનના લાસબેલા જિલ્લામાં સ્થિત છે, જેને જગત મા હિંગળાજ શક્તિપીઠ તરીકે ઓળખે છે.
પૌરાણિક માન્યતા અનુસાર, આ પાવન ક્ષેત્ર પર માતા સતીનું મસ્તક (બ્રહ્મરંધ્ર) પડયું હતું. આ કારણે આ તીર્થને તમામ શક્તિપીઠોમાં શિરમોર ગણવામાં આવે છે. અહીં માતા સતી કોટ્ટરી' સ્વરૂપે અને ભગવાન શિવ ભીમલોચન ભૈરવ' સ્વરૂપે નિત્ય વિરાજમાન છે. હિંગોળ રાષ્ટ્રીય ઉદ્યાન (હિંગોળ નેશનલ પાર્ક)ની ગગનચુંબી, વિષમ પર્વતમાળાઓની તળેટીમાં અને હિંગોળ નદીના કિનારે આવેલી એક વિશાળકાય કુદરતી ગુફામાં માતાજીનું પ્રાગટય સ્થાન છે. આ ગુફા મંદિરનો ઇતિહાસ બે હજાર વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું અધિકૃત ઐતિહાસિક દસ્તાવેજોમાં નોંધાયેલું છે. પર્વતની ગર્ભમાં વસેલા આ પવિત્ર મંદિરનું કોઈ માનવનિર્મિત દ્વાર નથી. યાત્રાળુઓ ગુફાના સાંકડા કુદરતી માર્ગેથી પ્રવેશી દર્શન કરી બીજી તરફથી બહાર નીકળે છે. મંદિર પરિસરમાં સિદ્ધિદાતા શ્રી ગણેશ અને કાલિકા માતાની પ્રતિમાઓ ઉપરાંત બ્રહ્મકુંડ અને તીરકુંડ જેવા પવિત્ર જળાશયો આવેલા છે. માન્યતા છે કે, દરરોજ રાત્રે બ્રહ્માંડની સમસ્ત અલૌકિક શક્તિઓ અહીં એકત્રિત થઈને રાસ રચે છે અને સૂર્યોદય થતાં જ માતા હિંગળાજના દિવ્ય વિગ્રહમાં સમાઈ જાય છે.
હિંગળાજ તીર્થની સૌથી વિશિષ્ટ અને અદ્ભૂત બાબત તેની કોમી એકતા અને સહઅસ્તિત્વ છે. ભાગલા પૂર્વે જ્યારે ભારતની પિૃમી સરહદો અફઘાનિસ્તાન અને ઈરાન સુધી વિસ્તરેલી હતી, ત્યારથી સ્થાનિક બલૂચ મુસ્લિમો માતા પ્રત્યે અપાર અકીદત (શ્રદ્ધા) ધરાવે છે. મુસ્લિમ સમાજ આ પવિત્ર સ્થાનને 'નાની કા હજ' અથવા 'નાની પીર' તરીકે પૂજે છે. તેઓ માતાજીને લાલ ચુંદડી, અત્તર, અગરબત્તી અને શીરની ચડાવે છે. ઇતિહાસ સાક્ષી છે કે કટ્ટરપંથી આક્રમણકારો અને આતંકવાદી તત્વોએ જ્યારે પણ આ મંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્થાનિક મુસ્લિમ સમુદાયે હિન્દુઓની પડખે ઊભા રહી મંદિરનું રક્ષણ કર્યું હતું. આ સિવાય, ચારણ, ગઢવી અને ક્ષત્રિય સમાજ માટે હિંગળાજ માતા પરમ આરાધ્ય કુલદેવી છે. આધ્યાત્મિક ઈતિહાસ દર્શાવે છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ રાવણવધ બાદ બ્રહ્મહત્યાના દોષ નિવારણ અર્થે અહીં તપસ્યા કરવા પધાર્યા હતા. ભગવાન પરશુરામના પિતા મહર્ષિ જમદગ્નિએ આ પહાડોમાં ઘોર તપ કર્યું હતું, જે સ્થાન આજે પણ આસારામ' તરીકે ઓળખાય છે. તદુપરાંત મહાન યોગી ગુરુ ગોરખનાથ, શિખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવ અને દાદા મખાન જેવા યુગપુરુષોએ આ ધરા પર આવી માતાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. ગુફા સમીપે આવેલો જળસ્ત્રોત આજે પણ ગોરખનાથનો ચશ્મો' તરીકે ઓળખાય છે, જ્યાં માતાજી નિત્ય પ્રાતઃકાળે સ્નાન કરતા હોવાની લોકવાયકા છે.
લોકમાનસમાં આ તીર્થ અંગે એવી અડગ શ્રદ્ધા પ્રવર્તે છે કે ચારેય ધામની યાત્રા, કાશીનું પવિત્ર ગંગાસ્નાન કે અયોધ્યાના દર્શન ત્યારે જ પૂર્ણ ફળદાયી બને છે જ્યારે ભક્ત મા હિંગળાજના દર્શન કરી લે. જે સ્ત્રી આ કઠિન યાત્રા પૂર્ણ કરે છે તેને સમાજમાં અત્યંત આદરપૂર્વક હાજિયાણી'નું ગૌરવપૂર્ણ બિરુદ આપવામાં આવે છે. ભૂતકાળમાં અહીં 'માતાનો ચૂલ' નામની ચમત્કારિક પરંપરા પ્રચલિત હતી, જેમાં મંદિર બહાર દસ ફૂટ લાંબા ધગધગતા અંગારા પર મનોકામના પૂર્તિ માટે શ્રદ્ધાળુઓ ચાલતા અને માતાની કૃપાથી તેમને લેશમાત્ર આંચ આવતી નહોતી. જોકે સમય જતાં આ પરંપરા હવે બંધ થઈ ગઈ છે.
હિંગળાજ માતાની યાત્રા અત્યંત દુર્ગમ અને આધ્યાત્મિક કસોટી સમાન છે. યાત્રા કરાચીથી શરૂ થઈ લાસબેલા અને લયારી તરફ આગળ વધે છે. કરાચીથી થોડે દૂર આવેલી હાવ નદીના તટે પહોંચી યાત્રીઓ સંન્યાસ વ્રત ધારણ કરે છે, જ્યાં છડી પૂજન અને પવિત્ર સંકલ્પ લેવાય છે. ત્યારબાદ શરૂ થાય છે વેરાન રણપ્રદેશ અને સૂકા પહાડો વચ્ચેની યાત્રા. માર્ગમાં માટીના જીવંત જ્વાળામુખી સમાન રહસ્યમય ચંદ્રકૂપ' પર્વત આવે છે, જ્યાં નાળિયેર અને પૂજા અર્પણ કરી યાત્રીઓ પાપમુક્તિની પ્રાર્થના કરે છે. હિંગોળ નદીના પવિત્ર જળમાં મુંડન કરાવી, યજ્ઞોપવીત ધારણ કરી ભક્તો આગળ વધે છે. આશાપુરા' મુકામે સ્નાન કરી જૂના વસ્ત્રો જરૂરિયાતમંદોને દાન કરવામાં આવે છે. કાલિકા માતાના દર્શન અને મીઠા પાણીના ત્રણ અમૃત કુંડમાં સ્નાન કર્યા પછી ભક્તો માતા હિંગળાજના મુખ્ય ગુફા મંદિરે પહોંચી ધન્યતા અનુભવે છે.
નવરાત્રિના પાવન દિવસોમાં સિંધ અને કરાચી સહિત સમસ્ત પાકિસ્તાનમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે, જ્યારે ભારતીય ભક્તોનું પ્રતિનિધિ મંડળ પણ માતાના દર્શનાર્થે પહોંચે છે. સરહદો, રાજકીય તણાવ અને ધર્મના ભેદભાવથી પર એવું આ હિંગળાજ ધામ નવરાત્રિના અવસરે સમગ્ર વિશ્વને સંદેશ આપે છે કે, દિવ્ય ભક્તિ અને માતૃશક્તિની આરાધના સમક્ષ ભૌગોલિક સીમાડાઓ હંમેશા વામણા સાબિત થાય છે.