માનવ સ્વભાવની મર્યાદા કહો તો મર્યાદા ને લક્ષણ કહો તો લક્ષણ એ છે કે અન્ય વ્યકિતનું વર્તન એને તરત જ અસર કરે છે. સામેની વ્યકિત જો માન આપે તો એ ખુશ થઈ હરખ ઘેલો થઈ જાય છે અને એની વિરુદ્ધ જો સામેની વ્યકિત બે કડવા બોલ બોલે અને અપમાન કરે તો એ વિચલિત થઈ જાય છે. ગમે એટલો મોટો દાવો કરનાર વ્યકિતમાં પણ વધતા ઓછા પ્રમાણમાં આ લક્ષણો જોવા મળતા જ હોય છે. પ્રશંસા કોને ન ગમે! મોટેભાગની વ્યકિત એવું તો વિચારતી જ હોય છે કે એનાં કામની કદર થાય,બે લોકો વચ્ચે એની પ્રસંશા થાય અને સમાજ એનું મૂલ્ય સ્વિકારી માન આપે. અલબત્ત આ પ્રકારની ઈચ્છાનું પ્રમાણ વ્યકિતએ વ્યકિતએ જુદુ જુદુ હોય શકે. ખૂબજ ઓછા લોકો એવા હશે કે જે પોતાના જીવનમાં માન અપમાનથી પર હોય. 

એવા લોકો લઘુમતીમાં હોવાની શક્યતા પૂરે પૂરી છે. અમુક લોકો એવા પણ છે જેને અન્ય પાસેથી માનની તો કોઈ જ આશા નથી હોતી પરંતુ અલબત્ત એ ઊંડે ઊંડે વિચારતા હોય છે કે ભલે કોઈ માન ન આપે તો વાંધો નહી પરંતુ એમનુ અપમાન પણ ન થવું જોઈએ. ખેર,જેટલા વ્યકિત એટલી માનસિકતા. આ બધાની વચ્ચે મૂળવાત એ છે કે માણસની મોટે ભાગ ની સમસ્યા માન અને અપમાનની વચ્ચે જ ફરતી રહે છે. માણસ ક્યાંક ને ક્યાંક આ બે ખૂટે બંધાઈ ગયેલો છે. જે માણસ આ બંને તત્ત્વોથી મુક્ત બની ગયો એણે દુનિયા જીતી લીધી. જોકે આ બધુ બોલવામાં અને લખવામાં જેટલું સરળ લાગે છે એટલું વાસ્તવિક જીવનમાં સરળ નથી. પરંતુ એના સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી.જો માણસે શાંતિ થી મુક્ત બનીને જીવવું હોય તો માન અપમાનથી પર થવું જ પડે એમ છે.  

માન મેળવવાની દોડ એ ક્યારેય પૂરી ન થાય એવી દોડ છે. માણસ પોતાની આખી જાત ખર્ચી નાંખે તો પણ બધાને ખુશ રાખી શકશે નથી. તમારી સાથે જોડાયેલા બધા જ લોકો તમને માન આપે એવી આશા થોડી વધારે પડતી છે. વરસાદ થી રાહ જોઈને બેઠેલા લોકો ને પણ એક હદ થી વધારે વરસાદ આવે તો ગાળ આપતા વાર નથી લાગતી તો આ તો માણસ છે એની શું વિસાત ! જીવનમાં શાંતિ અને મુકિત જોઈતી હોય તો સ્વભાવમાં થોડો બદલાવ લાવવો જરૂરી છે. વર્ષો પૂર્વે મિસર દેશમાં મેકેરિયસ નામે એક ફ્લિોસોફર થઈ ગયેલા. એક દિવસ એક માણસ મેકેરિયસ પાસે આવ્યો અને કહેવા લાગ્યોઃ *હે સંતપુરુષ, મને શાંતિનો મારગ બતાવો * મેકેરિયસે કહ્યું કે,' કબ્રસ્તાનમાં જા અને મુડદાંઓને ગાળો ભાંડી આવ.' પેલા માણસ કબ્રસ્તાનમાં ગયો અને જેટલી કબરો હતી તેની નજીક જઈ મોટેથી બધી કબરોને ગાળો ભાંડીને પાછો મેકેરિયસ પાસે આવ્યો. મેકેરિયસ પેલા માણસને પૂછયું: ત્યાં તને કોઈએ કશો જવાબ આપ્યો ખરો કે? પેલા માણસે કહ્યું, * ના, મને ત્યાં કોઈએ કશું કહ્યું નહીં! મેકેરિયસે કહ્યું, * હવે તું પાછો જા અને બધાં મડદાંઓનાં ખૂબ વખાણ કર.* પેલો માણસ તો એ પ્રમાણે કરી મેકેરિયસ પાસે પાછો આવે છે. મેકેરિયસ પૂછે છે,* કેમ, હવે કોઈએ કશો જવાબ આપ્યો ખરો કે? પેલો માણસ બોલ્યો,* ના મને કોઈએ કશો જવાબ આપ્યો નહીં. ત્યાં પહેલા જેવી જ શાંતિ છવાયેલી હતી. મેકેરિયસ બોલ્યાઃ આ જ છે શાંતિ નો મારગ. તું પણ આ મુડદાંઓની માફ્ક આ સંસાર માં એવી રીતે રહે કે જેથી તને માન-અપમાનની કશી અસર ન થાય.એમાં જ તને શાંતિનો અનુભવ થશે. જો કે આ વાતનાં હિસાબે એવું તારણ ન કાઢી શકાય કે શાંતિ તો મુડદાં બનીને કબરમાં દટાયા પછી જ મળી શકે. માણસ મુડદાં બની જાય પછી માન-અપમાનની પર થઈ જાય એનાં કરતાં એ પહેલા ચેતી જાય અને માન- અપમાનની પર થઈ જાય તો કેવું સારું!  

 કબર માં દેહ ને નહીં પણ દેહ ની અંદર બેઠેલા મનમાં રહેલા રાગ, દ્વેષ, ઈર્ષ્યા, લોભ અને મોહને દાટી દેવાના છે. આપણા બધાની સૌથી મોટી સમસ્યા જ એ છે કે આપણે અન્ય નાં અભિપ્રાય નાં આધારે આપણી જાતનું અવલોકન કરીએ છીએ. એક વ્યકિત ને તમે સારા લાગો એટલે એનો અર્થ એ નથી કે તમે સમષ્ટિને સારા લાગશો. એજ રીતે એક બે વ્યકિત માટે તમે અપ્રિય હોવ એટલે એનો મતલબ એવો પણ નથી કે આખેઆખી સમષ્ટિ માટે તમે અપ્રિય થઈ જવાનાં. લોકોનાં અભિપ્રાયની ઉંમર ખૂબજ ટૂંકી હોય છે. લોકોનાં અભિપ્રાયને બદલાતા વાર નથી લાગતી અને એટલે જ લોકોનાં અભિપ્રાયને આધારે આપણે આપણી જાતને ન બદલવી જોઈએ. લોકોનું તો શું છે એને ગરજ હોય તો ગધેડા ને પણ ઘોડા નો દરજ્જો આપે અને ગરજ પૂરી થાય એટલે ઘોડા ને પણ ગધેડો સાબિત કરવા મંડી પડે. સુખી થવા માટેની સૌથી પહેલી શરત એ છે કે અન્યનાં અભિપ્રાય ઉપર આશા રાખવાનું છોડી દેવું. અંતરાત્મા જે કહે એ જ કરવું. કોઈ વ્યકિત તમને બે કડવા વેણ કહે અને તમે અપસેટ થઈ જાવ અને આખો દિવસ ઉદાસ બની પેલા માણસની વાતને મનમાં લઈ જો ફરતાં રહો તો એના જેવી બીજી કોઈ મૂર્ખામી નથી. 

આનો મતલબ એટલો જ થાય છે કે તમે તમારા સુખની ચાવી અન્યને આપી છે. તમારે ખુશ રહેવું કે નહીં તે બીજી વ્યકિત કેવી રીતે નક્કી કરી શકે ! સામેની વ્યકિત તો બે કડવા બોલ બોલી બે મીનિટ માં પોતાનું કામ પતાવી દે છે પરંતુ એને માથે લઈને ચાલવામાં આપણા બે દિવસ, બે અઠવાડિયા કે બે વર્ષ નીકળી જાય છે એનું ભાન આપણને હોવું જોઈએ. યાદ રહે આ દુનિયામાં કોઈ જ વ્યકિત બીજી કોઈ વ્યકિત ને સુખી પણ નથી કરી શકતી અને દુઃખી પણ નથી કરી શકતી. સુખી થવું કે દુઃખી એ માણસનાં પોતાના હાથની વાત છે.  

માન- અપમાનથી પર થનાર મુડદાં નથી હોતા બલ્કી ખરા અર્થમાં જીવંત હોય છે. જે વ્યકિત પોતાની જાત ને જીતી લે છે એને જગત ને જીતતા વાર નથી લાગતી. જો કે આ કામ માનીએ એટલું સરળ નથી. પોતાના અહમ એ બાળીને અજવાળું કરવાનો દમ બધામાં નથી હોતો. આપણે દુઃખી થઈએ છીએ એનું સૌથી મોટું કારણ આપણને જગત પાસેથી અપેક્ષા વધુ છે.જેટલી અપેક્ષા વધુ એટલી પીડા વધુ. અન્યનાં એપ્રુયલ અને અભિપ્રાય ઉપર ટકેલા અસ્તિત્વ ને વેરવિખેરથતાં વાર નથી લાગતી. કોઈને ગમે કે ન ગમે આપણને જે કામ કરવાનું ગમે એ કરતાં રહેવાનું. અલબત્ત એ કામ સત્ય,પ્રેમ અને કરુણાનાં માર્ગે થતું હોવું જોઈએ. 

કોઈ આપણી કદર કરે કે ન કરે આપણે એની ચિંતા છોડી જે નૈતિક છે એ કરતાં રહેવું. જે કામ થકી અન્ય ને ઉપયોગી થવાતું હોય, જે કામ થકી સત્યને ઘસરકો ન લાગતો હોય,જે કામ હદય ને એક દિવ્ય આનંદ આપતું હોય એ કામ માટે ભલે લોકોની વાહવાહી ન મળે અથવા તો ટીકાનો ભોગ બનવું પડે છતાં પણ કરતાં રહેવું કારણ કે એ કામ થકી બીજા કોઈ ને નહીં પરંતુ તમને તો ર્ફ્ક પડશે જ. તમને જે શાંતિ મળશે એની સામે જગત ની બધી સોહરત ફ્ક્કિી લાગશે. એમ પણ આપણે આ પૃથ્વી ઉપર આવ્યાં એકલા છીએ અને જવાના પણ એકલા જ છીએ તો શા માટે અન્યનાં ઈશારે જીવવું. જીવનમાં કોઈપણ કામ વિના અપેક્ષાએ કરવાની ટેવ પાડવા જેવી છે.  

 કોઈ ભલે ને ગમે તે કહે પરંતુ તમે જો તમારી જગ્યાએ સાચા હોવ તો હલવું નહીં. જેને માન મેળવવાનો લોભ છે અને અપમાનનો ભય છે એવાં લોકો જ હલી જાય છે અને સામે ચાલીને માનસિક ગુલામી વોહરી લે છે. અહીં વાત સ્વચ્છંદી થઈ જવાની નથી પરંતુ પૂર્ણ બની પૂર્ણતાએ જીવવાની છે. આજ નાં સમયમાં સૌથી મુશ્કેલ કામ છે હોય એવાં પ્રગટ થવાનું . આ કામ એજ લોકો કરી શકે છે જે માન અપમાન થી પર છે. શું તમારે આ કામહાથ પર લેવું છે ?