ન્યૂજર્સી-અમેરિકાનો એક મૉલ.
સાંજના સાતેક વાગ્યાનો સમય હતો. મોલના પાર્કિંગ પ્લોટમાં સેંકડો મોટરકારો પાર્ક થયેલી હતી. એટલા જ લોકો અંદર શોપિંગ કરતા હતા. લાલ-ભૂરા રંગની રોશનીથી ઝબૂકિયાં કરતી એક મોટરકાર પાર્કિંગ પ્લોટમાં આવી. એ પોલીસનું વાહન હતું. તેમાંથી યુનિફોર્મ સાથે એક પોલીસ અધિકારી ઊતર્યો. એ શોપિંગ મૉલમાં ગયો. વીસેક મિનિટ બાદ ઘર માટે ગ્રોસરી ખરીદીને બહાર આવ્યો. તેની અધિકૃત પોલીસ કારમાં બેઠો અને જાતે જ ડ્રાઈવ કરીને ઘર તરફ્ હંકારી ગયો.
દૂરના બાંકડા પર બેઠેલી એક વ્યક્તિ ધ્યાનપૂર્વક આ દૃશ્ય જોઈ રહી હતી. એણે ચૂપચાય કારનો નંબર લખી લીધો. ઘેર જઈ એણે શહેરના પોલીસ વડાને એક પોસ્ટકાર્ડ લખ્યું અને તેના બીજા જ અઠવાડિયે પત્ર લખનાર વ્યક્તિ પર પોલીસ વડાનો પત્ર આવ્યોઃ 'તમે જે માહિતી આપી હતી તે બદલ આભાર. પોલીસની કારનો ઉપયોગ અંગત વપરાશ કરનાર પોલીસ અધિકારી વિલિયમ સ્મિથને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.'
પોલીસની કારમાં આવી યુનિફોર્મ સાથે માત્ર ઘેર જતી વખતે ગ્રોસરી ખરીદનાર પોલીસની કારનો નંબર લખી લેનાર વ્યક્તિ એક અમેરિકન સિનિયર સિટીઝન હતા. નિવૃત્ત થયા બાદ તેઓ કદીક મોલ આગળ બેસતા, તો કદીક પબ્લિક પાર્કમાં બેસતા, કદીક પબ્લિક લાઈબ્રેરીમાં જતા તો કદીક પબ્લિક ટોઈલેટ્સની તપાસ કરતા. ક્યાંય કશી ગરબડ જણાય તો તે વિભાગના વડાને માત્ર એક પત્ર જ લખતા. અમેરિકામાં સરકારના કોઈ પણ વિભાગમા લખાતા પત્રનું ખાસ મહત્ત્વ છે અને તેમાંયે સિનિયર સિટીઝન લખે તો અમેરિકન સરકાર તેને વધુ ગંભીરતાથી લે છે. ઉપરોક્ત કેસમાં એક પોલીસ અધિકારીને ઘેર જતી વખતે પણ સરકારી વાહનનો ઉપયોગ શાકભાજીની ખરીદી કરવા માટેની છૂટ નથી. અમેરિકન સિનિયર સિટીઝને પ્રજાના ટેક્સનાં નાણાંનો કોઈ દુરુપયોગ ન કરે તે કામગીરીને જિંદગીની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ તરીકે સ્વીકારી લીધી હતી અને તેઓ જે કામગીરી કરતા હતા તેનો તેમને આત્મસંતોષ હતો.
આજે ભારતમાં પણ ઘણા સિનિયર સિટીઝન્સ છે. ખાસ કરીને નોકરીમાંથી રિટાયર્ડ થયા બાદ તેઓ હતાશ થઈ જાય છે. તેમના ચહેરા પરનું નૂર ઊડી જાય છે. હવે શું કરવું તેની ચિંતામાં ને ચિંતામાં કુદરતી પ્રક્રિયા કરતાં વહેલા વૃદ્ધ થઈ જાય છે. બહાર અનેક સુંદર પ્રવૃત્તિઓ પડેલી છે. તેમાં પ્રવૃત્ત થવાના બદલે ઘરની અંદર સાસુ-વહુઓ વચ્ચે ચાલતી ટીકટીકમાં રસ લેતા થઈ જાય છે. પુત્રોને ફરિયાદ કરવા માંડે છે કે 'તારી પત્ની આખો દિવસ પંખા ચાલુ રાખે છે. મારી બરાબર કાળજી રાખતી નથી. આજે ચામાં ખાંડ જ નાંખવાની ભૂલી ગઈ હતી. ગઈ કાલે શાકમાં મરચું બહુ જ નાંખી દીધું હતું. એ આખો દિવસ સીરિયલ જ જોયા કરે છે.' તેવી નાની-નાની વાતોની ટીકા કરતા થઈ જાય છે.
જે વૃદ્ધો ઘરના કંકાસમાં ભાગ લેતા થઈ જાય છે તે લોકો આગમાં પેટ્રોલ નાંખવાનું કામ કરતા હોય છે. દરેક પરિવારમાં નાના-મોટા પ્રશ્નો હોય છે જ. તે બધાથી પર થઈ ઘરના મોભી તરીકે તટસ્થ રીતે વર્તવાના બદલે તેઓ ખુદ જ્યારે પક્ષકાર બની જાય છે ત્યારે ઘરમાં તેઓ બિનજરૂરી વ્યક્તિ બની જાય છે. વહુઓ કંટાળીને તેમની સામે થઈ જાય તો તેમાં પ0 ટકા જવાબદારી તો સિનિયર સિટીઝન્સની જ હોય છે. આ જ વૃદ્ધો ઘરના કંકાસમાં રસ લેવાથી પર થઈ જાય તો ઘરમાં 50 ટકા પ્રશ્નો તો આપોઆપ હલ થઈ જતા હોય છે.
એ જ રીતે નિવૃત્તિ ભોગવી રહેલા વૃદ્ધોએ તેમની જીવનપદ્ધતિ બદલી નાખવી જોઈએ. નાનાં બાળકોને દાદા-દાદી હંમેશાં પ્રિય હોય છે. બાળકો સાથે તેઓ કેરમ રમી શકે, ઉખાણાં રમી શકે, રસપ્રદ વાર્તાઓ કરી શકે. બાળકોને ક્રિકટ ખૂબ પસંદ છે. વડીલો બાળકો સાથે ક્રિકેટની વાતો કરશે તો તેમને ખૂબ ગમશે. બાળકો ખૂબ કાર્ટૂન નેટવર્ક જોતાં હોય તો તેમના પર પ્રતિબંધ કદી ન મૂકવો. આખી દુનિયાનાં બાળકો કાર્ટૂનો જુએ જ છે અને છતાંયે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે તમામ નવી પેઢી આગલી પેઢી કરતાં વધુ હોશિયાર જ હોય છે.
કેટલાંક શહેરોમાં સિનિયર સિટીઝન્સ ક્લબ હોય છે. વડીલો તેમાં સભ્ય બની સમય પસાર કરી શકે છે. અમેરિકામાં એક નિવૃત્ત વ્યક્તિ રોજ સાંજે છ વાગ્યે બાળકોનો રમવાનો પાર્ક બંધ થઈ જાય પછી મેટલ ડિટેક્ટર લઈ પાર્કમાં જતો હતો અને પાર્કમાં લપસણીની નીચે કે કૂદાકૂદ કરવાની રેતીમાં ક્યાંય ખીલી છે કે નહીં તે શોધી કાઢતો, જેથી બીજા દિવસે બાળકો પાર્કમાં રમવા આવે ત્યારે કોઈ પણ બાળકને ઈજા થાય નહીં.
ઘરમાં દાદા-દાદી હોય તે ઘરની એક શોભા છે. વગડામાં એક વડલો હોય તો વગડો પણ રૂપાળો લાગે છે. ઘરમાં દાદા-દાદીની હાજરી કોઈ પણ પરિવારને એક 'સંપૂર્ણ પરિવાર' બનાવે છે. દાદા-દાદી પાસે તેમના પણ દાદા-દાદી કે તેમનાં માતા-પિતાએ આપેલા અનુભવોનો ભંડાર છે. દરેક વ્યક્તિએ પાછલા અનુભવો અને ઈતિહાસમાંથી શીખવાનું હોય છે. કહેવાય છે કે, એક મોટી ઉંમરની વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે એક 'લાઈબ્રેરી'નું પણ અવસાન થાય છે. મૃત્યુ પામનાર વૃદ્ધના જીવનમાં થયેલા અનુભવો જ્ઞાન, માહિતી અને તેમણે શીખેલા પદાર્થપાઠ પણ એક પ્રકારનો ગ્રંથ જ છે. એટલે વૃદ્ધનું મૃત્યુ એ એક લાઈબ્રેરીનો અંત ગણાય છે. નવી પેઢી આ વાત સમજશે તો માતા-પિતા બોજ લાગવાના બદલે 'અસ્ક્યામત' ગણાશે. દાદા-દાદીએ કોની પર વિશ્વાસ મૂકવોથી માંડીને શેરના ધંધામાં કરેલી ખોટ પછી એ ધંધામાં પડવું કે નહીં. તેવી અનેક બાબતો અંગે પુત્રોને કે પુત્રવધૂઓને સમજાવીને ઉપકારક સલાહ આપી શકે છે.
જે પરિવારમાં વૃદ્ધ માતા-પિતાનો આદર થાય છે તે પરિવાર ચોક્કસપણે શ્રોષ્ઠ અને સંસ્કારી જ હશે. જે પરિવારમાં સાસુ-સસરા પુત્રવધૂને પુત્રી જ સમજીને તેની સાથે દીકરી જેવો વ્યવહાર કરે છે તે પરિવાર નિશ્ચિરૂપે 'ખાનદાન' પરિવાર જ હશે તેમ ભાગવતાચાર્યો પણ કહે છે.
આજના સમયમાં ઘણા એવા પરિવારોમાં દૃષ્ટાંતો જોવા મળ્યાં છે કે, વૃદ્ધ દંપતીની સેવા પુત્ર કરતાં પુત્રવધૂએ ઉત્તમ રીતે પણ કરી હોય. મંદિરમાં જઈને પથ્થરના ભગવાનની આગળ માથું નમાવવા સાથે ઘરમાં વૃદ્ધ માતા-પિતાની સેવા અને શુશ્રૂષા પણ મહત્ત્વની છે, કારણ કે વૃદ્ધ મા-બાપ એ 'લિવિંગ ગૉડ' છે. અંધ માતા-પિતાને કાવડમાં લઈ યાત્રા કરાવવા નીકળેલા શ્રાવણની કથા ભારતીય સંસ્કૃતિમાં જ જોવા મળે છે. વિશ્વની બીજી કોઈ પણ સંસ્કૃતિ કે સાહિત્યમાં શ્રાવણ જેવું પાત્ર જોવા મળતું નથી.
માતા-પિતાનું વૃદ્ધત્વ એ એમના જીવનની પાનખર છે. પાનખરની પણ એક શોભા છે. પૃથ્વી પર જન્મેલા દરેક વ્યક્તિના જીવનમાં પાનખર અને મૃત્યુ નિશ્ચિ છે. મનુષ્ય જીવનની આ કડવી વાસ્તવિકતા છે. નવી પેઢી પણ જે દિવસે આટલી જ વાત સ્વીકારશે કે કાલે તેમના જીવનમાં પણ પાનખર આવવાની છે તે દિવસે તેમના ઘરમાં પાનખર ભોગવી રહેલાં વૃદ્ધ માતા-પિતા પણ શોભાયમાન બની જશે. ઘણા લોકોને અનુભવ છે કે, માતા-પિતાની હયાતી હોય ત્યારે તેમની કિંમત હોતી નથી. માતા-પિતા આ જગતમાંથી ચાલ્યાં જાય છે ત્યારે જ ઘણાને તેમની કિંમત સમજાય છે.
આશા રાખીએ કે નવી પેઢી તેમના પરિવારમાં પાનખરની શોભાને સમજે.
