બાપુ એક વાર કુંભયાત્રાએ ગયા હતા. ત્યાં રહેતા શ્રદ્ધાનંદજીએ માગણી કરી કે, બાપુએ હરદ્વારમાં જ વસવું. કોલકાતામાં રહેતા કેટલાક લોકોની માગણી હતી કે, બાપુએ વૈધનાથ ધામમાં વસવું. કેટલાક મિત્રો તેમને રાજકોટમાં વસવાનો આગ્રહ કરી રહ્યા હતા, પરંતુ તેઓ જ્યારે અમદાવાદમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઘણા મિત્રોએ વસવાટ માટે અમદાવાદ શહેર પસંદ કરવા કહ્યું. અમદાવાદમાં આશ્રમ સ્થાપી આશ્રમનું ખર્ચ ઉપાડી લેવા પણ કેટલાકે બીડું ઝડપ્યું. જરૂર પડે તો મકાન શોધી આપવાની પણ ખાતરી આપી.
બાપુએ 'સત્યના પ્રયોગો'માં લખ્યું છે કે, 'અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા દ્વારા દેશની વધુ ને વધુ સેવા કરી શકીશ એમ માનતો હતો. આ ઉપરાંત અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેટિયાનું કામ અહીં સારી રીતે થઈ શકશે તેમ હું માનતો હતો.'
સત્યાગ્રહ આશ્રમ
અને એ રીતે તા. 25મી મે, 1915ના રોજ અમદાવાદમાં 'સત્યાગ્રહ આશ્રમ'ની સ્થાપના થઈ.
દરમિયાન કોઈએ પૂછયું કે, અસ્પૃશ્યતા પર સંવાદ કર્યો. બાપુએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, 'જો કોઈ બાળક અંત્યજ (દલિત) આશ્રમમાં દાખલ થવા માંગશે તો હું તેને જરૂર દાખલ કરીશ.'
બાપુ ખુદ એમના શબ્દોમાં આગળની કહાણી વર્ણવે છે તે આ પ્રમાણે છે :
મકાનોની શોધ કરતાં મને અમદાવાદમાં વસાવવામાં અગ્ર ભાગ લેનાર શ્રી જીવણલાલ બારિસ્ટર હતા, તેમનું કોચરબમાં આવેલ મકાન ભાડે લેવાનું ઠર્યું. આશ્રમનું નામ શું રાખવું એ પ્રશ્ન તુરત ઊઠયો. અમારે તો સત્યની પૂજા, સત્યની શોધ કરવી હતી, તેનો જ આગ્રહ રાખવો હતો અને દક્ષિણ આફ્રિકામાં જે પદ્ધતિનો મેં ઉપયોગ કર્યો હતો તેની ઓળખ ભારત વર્ષમાં કરાવવી હતી અને તેની શક્તિ ક્યાં લગી વ્યાપક થઈ શકે તે જોવું હતું. તેથી મેં અને સાથીઓએ સત્યાગ્રહ આશ્રમ નામ પસંદ કર્યું. તેમાં સેવાનો અને સેવાની પદ્ધતિનો ભાવ સહેજ આવી જતો હતો. આશ્રમ ચલાવવા સારુ નિયમાવલિની આવશ્યકતા હતી તેથી નિયામવલિ ઘડીને તેની ઉપર અભિપ્રાયો માગ્યા. લગભગ પચીસ સ્ત્રી-પુરુષોથી આશ્રમનો આરંભ થયો હતો. બધાં એક રસોડે જમતાં હતાં, તે એક જ કુટુંબ હોય એવી રીતે વર્તવાનો પ્રયત્ન કરતાં હતાં.
આશ્રમની હસ્તીને હજુ થોડા જ મહિના થયા હતા, તેટલામાં જેવી કસોટીની મને આશા નહોતી તેવી અમારી કસોટી થઈ. ભાઈ અમૃતલાલ ઠક્કરનો કાગળ મળ્યો : 'એક ગરીબ પ્રામાણિક અંત્યજ કુટુંબ છે. તેની ઈચ્છા તમારા આશ્રમમાં આવીને રહેવાની છે. તેને લેશો ?'
તે કુટુંબ આશ્રમના નિયમ પાળવા તૈયાર હોય તો તેને લેવાની તૈયારી ભાઈ અમૃતલાલ ઠક્કરને મેં જણાવી. દૂદાભાઈ, તેમનાં પત્ની દાનીબહેન અને રીખતી ધાવણી લક્ષ્મી આવ્યાં. દૂદાભાઈ મુંબઈમાં શિક્ષકનું કામ કરતા હતા. નિયમોનું પાલન કરવા તૈયાર હતા. તેમને આશ્રમમાં લીધા.
કૂવાવાળો ખીજાયો
સહાયક મિત્રમંડળમાં ખળભળાટ થયો. જે કૂવામાં બંગલાના માલિકનો ભાગ હતો તે કૂવામાંથી પાણી ભરવામાં જ અડચણ આવવા લાગી. તેણે ગાળો શરૂ કરી. દૂદાભાઈને પજવવાનું શરૂ કર્યું. ગાળો સહન કરવાનું ને દૃઢતાપૂર્વક પાણી ભરવાનું જારી રાખવાનું મેં સૌને કહી દીધું. અમને ગાળ સાંભળતા જોઈ કોસવાળો શરમાયો ને તેણે છેડ મૂકી. પણ પૈસાની મદદ તો બંધ થઈ. બહિષ્કારની અફ્વા મારે કાને આવવા માંડી. મેં સાથીઓ સાથે વિચારી મેલ્યું હતું: 'જો આપણો બહિષ્કાર થાય ને આપણી પાસે કશી મદદ ન રહે તો આપણે હવે અમદાવાદ નહીં છોડીએ. અંત્યજવાડામાં જઈને તેમની સાથે રહીશું ને જે કંઈ મળી રહેશે તેની ઉપર અથવા મજૂરી કરીને નિર્વાહ કરીશું.' છેવટે મગનલાલ ગાંધીએ મને નોટિસ આપીઃ 'આવતે મહિને આશ્રમખર્ચ ચલાવવાના પૈસા આપણી પાસે નથી.' મેં ધીરજથી જવાબ આપ્યો : 'તો આપણે અંત્યજવાડે રહેવા જઈશું.'
મારી ઉપર આવી ભીડ આ પહેલી વાર નહોતી. દરેક વખતે છેલ્લી ઘડીએ શામળાએ મદદ મોકલી દીધી છે. મગનલાલે નોટિસ આપ્યા પછી તુરત જ એક સવારે કોઈ બાળકે ખબર આપ્યા કે, બહાર મોટર ઊભી છે ને એક શેઠ મને બોલાવે છે. હું મોટર પાસે ગયો. મને પૂછયું: 'મારી ઈચ્છા તમારા આશ્રમને કંઈ મદદ દેવાની છે, તમે લેશો ?'
મેં જવાબ આપ્યો : 'જો કંઈ આપો તો હું જરૂર લઉં. મારે કબૂલ કરવું જોઈએ કે, અત્યારે હું ભીડમાં પણ છું.'
હું કાલે આ જ વેળાએ આવીશ ત્યારે તમે આશ્રમમાં હશો ?' મેં હા કહી ને શેઠ ગયા.
બીજે દહાડે નીમેલે સમયે મોટરનું ભૂંગળું વાગ્યું. બાળકોએ ખબર આપી. શેઠ અંદર ન આવ્યા. હું તેમને મળવા ગયો. તેઓ મારા હાથમાં રૂ. 13,000ની નોટો મૂકી ચાલતા થયા.
આ મદદની મેં કદી આશા નહોતી રાખી. મદદ આપવાની આ રીત પણ નવી ભાળી. તેમણે આશ્રમમાં પહેલાં કદી પગ મૂક્યો નહોતો. તેમને હું જ એક જ વાર મળ્યો હતો એવું મને યાદ છે. ન આશ્રમમાં આવવું, ન પૂછવું, બારોબાર પૈસા આપીને ચાલતા થવું, મારો પહેલો જ અનુભવ હતો. લગભગ એક વર્ષનું ખર્ચ મને મળી ગયું.
પ્લેગ ફાટી નીકળ્યો
આ આશ્રમ પહેલાં કોચરબ ગામમાં હતો, પણ અમદાવાદમાં પ્લેગ ફાટી નીકળતા સ્વચ્છતા વધુ જળવાય એ હેતુથી બાપુ ખુદ પૂજાભાઈ હીરાભાઈ નામના એક મિત્ર સાથે અમદાવાદની આસપાસ ર્ફ્યા અને હાલ જ્યાં આશ્રમ છે તે સાબરમતી નદીના કિનારાની જમીન પસંદ કરી. બાજુમાં જ જેલ હતી તેથી બાપુએ કહ્યું : 'સત્યાગ્રહ આશ્રમવાસીઓના કપાળે જેલ જ લખેલી હોય છે તેથી જેલનો પડોશ મને ગમ્યો.'
આઠેક દિવસમાં જમીનનો સોદો થયો. જમીન પર કોઈ મકાન નહોતું. કોઈ વૃક્ષ નહોતું. બાપુએ તંબુમાં રહેવાનું પસંદ કર્યું. રસોડા માટે પતરાનું કામચલાઉ છાપરું ઊભું કરવામાં આવ્યું. આશ્રમ માટે ધીમે ધીમે મકાન બંધાતું ગયું અને હવે વસ્તી પણ ચાલીસેક સ્ત્રી-પુરુષોની થઈ ગઈ. આશ્રમ વેરાનમાં હોઈ સાપ નીકળતા, પરંતુ સર્પને મારવા નહીં તેવો બાપુનો આદેશ હતો.
ઇ.સ. 1918માં શ્રીમતી અનસૂયા બહેને મિલોના મજૂરોની હડતાળમાં મદદ કરવા ગાંધીજી પાસે મદદ માંગી. આશ્રમ હજુ વિકસ્યો નહોતો. ત્યાં જ અમદાવાદની મિલોના મજૂરોની હડતાળ પડી. મજૂરોની હડતાળ મોળી પડતાં બાપુએ ઉપવાસ શરૂ કર્યા. મિલોના મજૂરોનું મિલમાલિકો શોષણ કરતાં હતાં. બાપુએ પોતે મિલમાલિકો સાથે વાટાઘાટો કરી. પરિણામ આવ્યું નહીં.
અંબાલાલ સારાભાઈ મિલમાલિકોના નેતા હતા અને તેમનાં સગાં બહેન અનસૂયાબેન મજૂરોના નેતા બન્યાં. બાપુના ઉપવાસથી મિલમાલિકો નરમ પડયાં. ત્રણ દિવસ બાદ મિલમાલિકોએ બાપુની માગણી મુજબ મજૂરોના પ્રશ્નોનો હલ લાવવા એક પંચ-કમિશન નીમવાનું સ્વીકાર્યું. મિલમાલિકોએ મજૂરોને મીઠાઈ વહેંચી. અને એ પછી તા. 25 ફેબ્રુઆરી, 1922ના રોજ મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ.
1927માં સાયમન કમિશનના વિરોધમાં અમદાવાદમાં 'સાયમન ગો બેક' લખેલા પતંગો ચગાવાયા. ઇ.સ. 1929માં ગાંધીજીએ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના બિલ્ડિંગ પર ધ્વજ ફરકાવ્યો.
અંગ્રેજ સરકારે મીઠાના ઉત્પાદનનો ઇજારો નાંખી તેની પર કર નાંખતાં મીઠાના આ કાયદા સામે ગાંધીજીએ ઐતિહાસિક દાંડીકૂચ શરૂ કરી અને તા. 11મી માર્ચ, 1930ની સાંજે ચિક્કાર માનવમેદની વચ્ચે પ્રાર્થનાસભામાં જાહેરાત કરી : 'હું કાગડા કે કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વિના પાછો નહીં આવું.'
અને તા. 12મી માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ દાંડીકૂચનો આરંભ કર્યો.
370 કિલોમીટરની દડમજલ પછી બાપુ અનેક સાથીઓ સાથે તા. 5મી એપ્રિલે એટલે કે 25 દિવસ બાદ દાંડી પહોંચ્યા. તા. 6ઠ્ઠી એપ્રિલે સવારે સમુદ્રસ્નાન કર્યું. ચપટી મીઠું ઉપાડયું અને સમગ્ર વિશ્વને સંદેશો પાઠવ્યો : 'બળિયા સામેના સંગ્રામમાં હું વિશ્વની સહાનુભૂતિ માંગું છું.'
